૨૦૨૨ની ૧૭ ઑગસ્ટે યુવાનને અડફેટે લઈને જીવ લેનાર ટ્રક-ડ્રાઇવરને પકડીને ચાર્જશીટ ફાઇલ કરવામાં ત્રણ વર્ષ લાગ્યાં?
બૉમ્બે હાઈ કોર્ટની ફાઈલ તસવીર
મલાડમાં રહેતા ૨૦ વર્ષના યુવકને એક ટ્રક-ડ્રાઇવરે ઑક્ટોબર ૨૦૨૨માં અડફેટે લેતાં તેનું મૃત્યુ થયું હતું. એ કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે કહ્યા બાદ પોલીસે બે વર્ષ તપાસ કરીને આરોપીને પકડ્યો હતો. એ કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈ પોલીસને ખખડાવતાં કહ્યું હતું કે ‘આ માટે ઇન્વેસ્ટિગેશન ઑફિસરને જવાબદાર ગણવા જોઈએ. આ કેસની તપાસમાં તેમનું વલણ ચોંકાવનારું અને નિંદાસ્પદ છે.’
કોર્ટે ત્યાર બાદ પોલીસને કહ્યું હતું કે હવે આ કેસની સુનાવણી જલદી શરૂ કરો અને એક વર્ષમાં પતાવો.
ADVERTISEMENT
એ વખતે યુવક સ્કૂટર પર જઈ રહ્યો હતો અને ટ્રકે તેને અડફેટે લેતાં તેનું મોત થયું હતું. આ અકસ્માતની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે ૨૦૨૩માં સ્થાનિક કોર્ટમાં ‘A’ સમરી દાખલ કરતાં કહ્યું હતું કે ઉપરોક્ત અકસ્માતના કેસમાં આરોપી મળી નથી રહ્યો એટલે કેસની તપાસ પડતી મૂકવામાં આવે છે.
એ પછી મરનાર યુવકની માતાએ આ બાબતે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી હતી જેમાં તેમણે પોલીસ પર યોગ્ય તપાસ ન કર્યાનો આરોપ મૂક્યો હતો એથી બૉમ્બે હાઈ કોર્ટે પોલીસને એ કેસમાં ફેરતપાસનો આદેશ આપ્યો હતો. એ પછી પોલીસે ફેરતપાસ કરી આરોપી ટ્રક-ડ્રાઇવરને પકડ્યો હતો અને કેસની ચાર્જશીટ ફાઇલ કરી હતી.
બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ રવીન્દ્ર ઘુગે અને ગૌતમ અણખડે બુધવારે આપેલા આદેશમાં કહ્યું હતું કે ‘એ યુવક ૨૦૨૨ની ૧૭ ઑગસ્ટે હિટ ઍન્ડ રનની ઘટનામાં મૃત્યુ પામ્યો હતો અને આરોપીને પકડીને ચાર્જશીટ ફાઇલ કરતાં તમને ત્રણ વર્ષ લાગ્યાં? અમને એ વાતની નવાઈ લાગે છે કે આ ત્રણ વર્ષમાં તમે આરોપીને શોધવાની કોશિશ કેમ ન કરી? અમને લાગી રહ્યું છે કે આ કોર્ટે જ્યારે તમને તપાસ કરવાનું કહ્યું એ પછી જ તપાસ કરવામાં આવી. છેલ્લાં કેટલાંક વર્ષોથી તપાસ કરવામાં પોલીસનું સુસ્ત વલણ જોવા મળી રહ્યું છે જે આઘાતજનક છે.’
કોર્ટે આ કેસના ઇન્વેસ્ટિગેશન ઑફિસરની તપાસ બદલ અસંતોષ દર્શાવતાં કહ્યું હતું કે ‘તેમને એ માટે જવાબદાર ગણવા જોઈએ. તેમનું આ વલણ ચોંકાવનારું અને વખોડવાલાયક છે.’
કોર્ટે ડિરેક્ટર જનરલ ઑફ પોલીસને નિર્દેશ આપ્યો હતો કે એ પોલીસ-ઑફિસર સામે રેઢિયાળ અને ખોટી તપાસ કરવા બદલ ખાતાકીય તપાસ કરવામાં આવે.

