Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આ નવરાત્રિના ૯ દિવસ નાણાં માટે પણ ફાળવો

આ નવરાત્રિના ૯ દિવસ નાણાં માટે પણ ફાળવો

Published : 27 September, 2026 05:56 PM | IST | Mumbai
Priyanka Acharya

નવરાત્રિના ૯ દિવસોમાં રોજ એક નાનું નાણાકીય કામ કરીને પૈસાનું આયોજન વધુ સરળ બનાવો. રોકાણ અને વીમાની સમીક્ષા, દસ્તાવેજો, EMI, ખર્ચ, પરિવાર સાથે પૈસાની વાતચીત અને નાણાકીય લક્ષ્યો નક્કી કરવાનાં ૯ પગલાં અજમાવો.

પ્રતીકાત્મક તસવીર

મની મૅનેજમેન્ટ

પ્રતીકાત્મક તસવીર


નવરાત્રિ એટલે ૯ રંગો, સુંદર વસ્ત્રો, મિત્રો-સગાં સંગાથે ગરબાની ધૂમ અને રોજિંદી ઘટમાળમાંથી થોડો વિરામ લઈને બંધાતી માતાજીની ૯ માળ. આ ૯ દિવસોમાં જીવનમાં એક અલગ જ ઊર્જા આવી જાય છે. તો આ વખતે ‘નાણાંની નવરાત્રિ’નો એક નવો વિચાર અપનાવીએ.
ચિંતા નહીં કરતા. નાણાંની નવરાત્રિમાં ૯ દિવસ સુધી એક્સેલ શીટમાં અઘરી ગણતરીઓ કરવાની નથી. દરરોજ એક-એક કરીને ૯ નાનાં નાણાકીય કામ પતાવવાનાં છે. તો ફોનમાં ૯ રિમાઇન્ડર મૂકી દો અને શરૂઆત કરી દો.

દિવસ ૧ : તમારી પાસે શું છે એ જાણો



તમારાં રોકાણો અને વીમા પૉલિસીઓ તપાસો. દરેક વસ્તુ શા માટે લીધી હતી એ યાદ છે? જો નહીં તો એની નોંધ કરી લો.


દિવસ ૨ : દસ્તાવેજો વ્યવસ્થિત કરો

KYC, નૉમિનેશન, બૅન્કની વિગતો અને જરૂરી દસ્તાવેજો તપાસી લો. આજે કરેલો નાનો ફેરફાર આવતી કાલે પરિવારને મોટી મુશ્કેલીથી બચાવી શકે છે.


દિવસ ૩ : EMIનો હિસાબ કરો

ઘર, કાર, પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડ એ બધાની ચુકવણી કુલ કેટલી થાય છે એ જુઓ. દેવું તમારા જીવનનો એવો ભાગ તો નથી બની ગયું કે એના પર ધ્યાન જ ન જાય? જરૂર હોય તો ખર્ચમાં ફેરફાર કરો.

દિવસ ૪ : ‘ખર્ચ કરો’, અકાઉન્ટ રાખો

નાણાકીય આયોજનનો અર્થ માત્ર બચત નથી. બહાર જમવાનું, શૉપિંગ કે રજાઓ માટે એક નક્કી રકમ અલગ રાખો. નિઃસંકોચ ખર્ચ કરો, પરંતુ રકમ પૂરી થાય એટલે એ મહિનાનો ખર્ચ પણ પૂરો.

દિવસ ૫ : પરિવાર સાથે પૈસાની વાત કરો

પરિવાર સાથે બેસીને સરળતાથી ચર્ચા કરો કે આપણી પાસે શું છે, કેટલું દેવું છે અને આગળનાં મહત્ત્વનાં લક્ષ્યો કયાં છે? આવી મોકળાશભરી વાતચીત ભવિષ્યમાં ઘણી ગેરસમજથી બચાવી શકે છે.

દિવસ ૬ : વીમો ફરી તપાસો

વીમો કેટલું વળતર આપશે એના કરતાં પરિવારને કેટલી સુરક્ષા મળશે એ વધુ મહત્ત્વનું છે. તમારું કવર પૂરતું છે કે પછી એમાં કોઈ ખામી છે એ જુઓ.

દિવસ ૭ : કંઈક નવું શીખો

પૈસા વિશે કંઈક સરળ અને ઉપયોગી વાંચન કરો. છેતરપિંડીથી બચવાની રીતો કે રોકાણની મૂળભૂત સમજ એવું કંઈ પણ વાંચો. રિઝર્વ બૅન્કે બહાર પાડેલી ‘રાજુ ઍન્ડ ધ ફોર્ટી થીવ્ઝ’ કૉમિક પણ ઉપયોગી માહિતી આપે છે.

દિવસ ૮ : પરિવારના ‘મની રૂલ્સ’ બનાવો

માત્ર મિત્રતા કે સંબંધના દબાણને કારણે કોઈને પૈસા ઉધાર નહીં આપીએ જેવા નાના નિયમો મોટા સંબંધોમાં તંગદિલી થતી અટકાવે છે.

દિવસ ૯ : માત્ર વધુ રિટર્ન પાછળ ન દોડો

ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાનાં નાણાકીય લક્ષ્યો નક્કી કરીને એ મુજબ રોકાણની યોગ્ય વિભાગણી વિચારો.

આ ૯ કામ કદાચ નાનાં લાગે, પરંતુ નાની નાણાકીય આદતો આખા વર્ષને વધુ વ્યવસ્થિત બનાવી શકે છે. નવરાત્રિના ૯ રંગોની જેમ આ ૯ નાણાકીય પગલાંને પણ જીવનમાં સ્થાન આપીએ.
નાણાંની ઉજવણી કરો, સમૃદ્ધિની ઉજવણી કરો.

-પ્રિયંકા આચાર્ય

Whatsapp-channel Whatsapp-channel

27 September, 2026 05:56 PM IST | Mumbai | Priyanka Acharya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK