Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > તમારો પ્રોફેશન અને એ પ્રોફેશનના ગ્રહોની વાત

તમારો પ્રોફેશન અને એ પ્રોફેશનના ગ્રહોની વાત

Published : 27 September, 2026 06:16 PM | IST | Mumbai
Acharya Devvrat Jani | feedbackgmd@mid-day.com

સફાઈ-કામદાર ક્યારેય સાવરણીનું અપમાન ન કરે એવી જ રીતે દરેક વ્યવસાયનો પોતાનો નિયમ પણ છે અને એ વ્યવસાયના ગ્રહો પણ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઘણી વાર આપણે જોઈએ છીએ કે વડીલ બની ગયેલી વ્યક્તિ બિલ્ડર હોય અને બિલ્ડિંગક્ષેત્રમાં નામના ધરાવતા પરિવારના ઘરમાં સંતાન ઍક્ટર બને. આવું થવા પાછળનું કારણ ગ્રહો છે. જન્મકુંડળીમાં રહેલા ગ્રહો તમારો પ્રોફેશન નક્કી કરે છે અને એ પ્રોફેશનમાં ગયા પછી એ ક્ષેત્રમાં કેવીક સફળતા મળે છે એ ગ્રહોને તમે કેટલું માન-સન્માન આપતા રહો છો એના પર નિર્ધારિત રહે છે. દરેક ક્ષેત્રનો પોતાનો ગ્રહ છે અને એને આદર આપતા રહેવું જોઈએ. 
કયા ક્ષેત્ર માટે કયો ગ્રહ છે અને એના સન્માન માટે શું કરવું, એ ગ્રહનું અપમાન ન થઈ જાય એ માટે શું કાળજી રાખવી એ જાણવું જોઈએ.

વકીલ, શિક્ષક અને મીડિયાકર્મી



આ ક્ષેત્રના ગ્રહ વાણી, તર્ક, જ્ઞાન અને બુદ્ધિના કારક એવા બુધ અને ગુરુ છે. આ ગ્રહોનું અજાણતાં પણ અપમાન ન થઈ જાય એ માટે ધ્યાન રાખો કે ક્યારેય જાણીજોઈને અસત્ય કે પક્ષપાતી ન બનવું. સામાન્ય વ્યવહારમાં શબ્દો એવા બોલવા, કહેવા કે લખવા જે બીજાને દુખ આપનારા ન હોય. સત્ય હોય તો પણ એ સત્યને સહ્ય રીતે રજૂ કરવું એ ગુરુ અને બુધનું સન્માન છે. આ ઉપરાંત પ્રયાસ કરવો કે ક્યારેય પુસ્તક કે કાગળનું અપમાન ન થાય અને એ પણ પ્રયાસ કરવો કે ગુરુતુલ્ય કે વડીલોનું અપમાન ન થાય. આ ક્ષેત્રમાં સફળતા માટે ગણેશ અને મા સરસ્વતીની ઉપાસના કરવી તથા બુધવારે પક્ષીઓને લીલા મગ કે ચણ ખવડાવવાં જોઈએ.


એન્ટરટેઇનમેન્ટ અને ઇવેન્ટ મૅનેજમેન્ટ

કળા, સર્જનાત્મકતા, સૌંદર્ય અને લોકો સુધી પહોંચવાના કારક ગ્રહો શુક્ર અને રાહુ છે. શુક્ર ગ્લૅમર સાથે સીધો જોડાયેલો છે તો રાહુ અપ્રતિમ સફળતા આપવાનો કારક છે. જો આ ક્ષેત્રમાં હો તો ચરિત્રમાં શુદ્ધતા રાખવી અને સાથોસાથ મહિલાઓ કે સાથી કલાકારોનું અપમાન ન થાય એની ચીવટ રાખવી. આ ઉપરાંત અસ્વચ્છ રહેવાથી કે કળાનું ઘમંડ કરવાથી શુક્રનું અપમાન થાય છે એટલે એ દિશામાં પણ ધ્યાન રાખવું.
આ ક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિએ મહાલક્ષ્મીની આરાધના કરવી. શુક્રવારે સફેદ મીઠાઈ કે દૂધનું દાન કરવું અને રોજ અત્તર કે પરફ્યુમનો ઉપયોગ કરવો જોઈએ.


રાજકારણ, ઍડ્‍મિનિસ્ટ્રેટર અને સત્તાધીશ

સત્તા, માન-સન્માન અને નેતૃત્વનો કારક સૂર્ય છે. સૂર્યની બેઝિક શરત છે કે ક્યારેય સત્તાનો દુરુપયોગ ન કરવો કે પછી સત્તાનો ગેરલાભ લઈને કોઈને નીચા દેખાડવાની કોશિશ ન કરવી. આ ઉપરાંત પિતા અને પિતાતુલ્ય સાથે સંબંધો ન બગડે એનું ખાસ ધ્યાન રાખવું. આળસ કરવી કે સવારે મોડે સુધી સૂઈ રહેવું સૂર્યને દૂષિત કરે છે, જેની સીધી આડઅસર સત્તા પર પડે છે.
દરરોજ સવારે તાંબાના લોટાથી સૂર્યનારાયણને જળ અર્પણ કરવું અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો એ સૂર્યનું યોગ્ય પૂજન છે, જે ઉપરનાં ક્ષેત્રો સાથે સંકળાયેલાઓને વધુ સારું પરિણામ આપે છે.

રિયલ એસ્ટેટ, સર્જન અને એન્જિનિયરીંગ

સાહસ, રક્ત, ભૂમિ અને ટેક્નિકલ બાબતોનો કારક ગ્રહ મંગળ છે અને મંગળની છાપ અમંગળકારી ગ્રહ તરીકેની પડી છે, જેની પાછળનું કારણ છે મંગળ ખોટી વાતમાં તરત જ રીઍક્શન આપનારો ગ્રહ છે. એટલે મંગળને નારાજ ન કરવો હોય તો નાની બાબતમાં ક્રોધ કરવાનું ટાળો અને ભાઈઓ સાથે પણ ક્યારેય કોઈ જાતના વિવાદમાં ન પડો. કોઈ નબળી કે ગરીબ વ્યક્તિ પર હાથ ન ઉપાડવો કે તેની મજબૂરીનો ગેરલાભ પણ લેવો નહીં. 
હનુમાનજીની નિયમિત ઉપાસના કરવી, મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને ગોળ-ચણાનું દાન કરવું એ મંગળને મજબૂત કરનારી ક્રિયા છે.

ટ્રાન્સપોર્ટ, કન્સ્ટ્રક્શન અને ફૅક્ટરી-માલિક

શ્રમ, લોખંડ, તેલ અને કર્મનો કારક શનિ છે. શનિનું અપમાન ન થાય એ માટે ચીવટ રાખવા જેવી સૌથી અગત્યની જો કોઈ વાત હોય તો એ કે પોતાના મજૂરો, કર્મચારીઓ કે ડ્રાઇવરનો પગાર સમયસર ચૂકવવો, તેમનું શોષણ કે અપમાન ન કરવું. શનિ ન્યાયનો ગ્રહ છે. એ દરેક ક્ષણે પોતાની ન્યાયની આંખો ખુલ્લી રાખે છે એટલે ક્યારેય કામમાં બેઈમાની કે આળસ ન રાખવી.
શનિદેવ અને ભૈરવજીની ઉપાસના કરવી. શનિવારે ગરીબોને ભોજન આપવું અને પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો.

IT, વિદેશ વેપાર અને એવિયેશન

ડિજિટલ વર્લ્ડ, ઍલ્ગરિધમ, નવી ટેક્નૉલૉજી કે ઇમ્પોર્ટ-એક્સપોર્ટ જેવા ફીલ્ડમાં કામ કરનારાઓએ રાહુ અને કેતુ ગ્રહને ધ્યાનમાં રાખવા જોઈએ. 
ગૅજેટ્સ કે સાધનોની તોડફોડ ન કરવી અને સાથોસાથ એનો અનાદર ન કરવો જોઈએ. આ ક્ષેત્રના લોકોએ મૅક્સિમમ લાઇટ્સ વચ્ચે રહેવું જોઈએ અને શક્ય હોય તો અંધકારથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. સાઇબર ક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિએ છેતરપિંડી ટાળવી જોઈએ, કારણ કે રાહુ મોટી રકમ પ્રત્યે ખેંચવાનું કામ કરે છે જ્યારે કેતુ આધ્યાત્મિકતાને આવકારે છે એટલે બન્ને એકબીજાથી વિપરીત અસર આપનારા છે, જે ફસાવી દેવા માટે કે પછી છેતરપિંડી કર્યાનો અનુભવ આપનારા બને છે.
કૂતરા અને પક્ષીઓને અન્ન આપવું. ગણેશજી અને સરસ્વતીજીની ઉપાસના નિયમિત કરવી જોઈએ.

-આચાર્ય દેવવ્રત

Whatsapp-channel Whatsapp-channel

27 September, 2026 06:16 PM IST | Mumbai | Acharya Devvrat Jani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK