Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જો હાઉસવાઇફ હોઈ શકે તો હાઉસહસબન્ડ પણ કેમ ન હોઈ શકે?

જો હાઉસવાઇફ હોઈ શકે તો હાઉસહસબન્ડ પણ કેમ ન હોઈ શકે?

Published : 27 September, 2026 08:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવો સવાલ કરીને મદ્રાસ હાઈ કોર્ટે કહ્યું કે પુરુષો ઘરકામ સંભાળે એને સમાજે નૉર્મલ બનાવવું જોઈએ

AI ઇમેજ

AI ઇમેજ


પતિ-પત્ની વચ્ચે ઘરકામની જવાબદારીઓની વહેંચણી અને પરિવારના અસ્તિત્વને લઈને મદ્રાસ હાઈ કોર્ટની મદુરાઈ બેન્ચે અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક અવલોકન કર્યું છે. એક ડૉક્ટર દંપતીના વૈવાહિક વિવાદ અને છૂટાછેડાની સુનાવણી દરમ્યાન હાઈ કોર્ટની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે જો આપણા સમાજમાં હાઉસવાઇફની ભૂમિકા સ્વીકાર્ય હોઈ શકે તો હાઉસહસબન્ડની ભૂમિકા પણ એટલી જ સ્વાભાવિક અને સામાન્ય હોવી જોઈએ.
જસ્ટિસ જી.આર. સ્વામીનાથન અને જસ્ટિસ એમ.ડી. સુમતીની ખંડપીઠે ફૅમિલી કોર્ટના આદેશ સામે થયેલી અપીલોનો નિકાલ કરતી વખતે આ પરિવર્તનશીલ વિચારો વ્યક્ત કર્યા હતા.
હાઈ કોર્ટે નોંધ્યું હતું કે પરિવાર ચલાવવા માટે બહાર જઈને પૈસા કમાવાની જવાબદારી અને ઘરમાં રહીને ચૂલો કે બાળકો સંભાળવાની જવાબદારી - આ બન્ને કામ એકસરખાં માન અને સન્માનનાં હકદાર છે.
કોર્ટે ચિંતા વ્યક્ત કરી કે ઘણી વાર મહિલાઓ લગ્નને પોતાની કારકિર્દી અને તકો વચ્ચેનો મોટો અવરોધ માનવા લાગે છે. જો પતિઓ ઘરકામ અને બાળકોના ઉછેરમાં બરાબરીનો સાથ આપવા લાગે અને પુરુષોનું ઘર સંભાળવું સમાજમાં સામાન્ય ગણાવા લાગે તો લગ્નો તૂટતાં બચી જશે અને પારિવારિક માળખું વધુ મજબૂત બનશે.
ડૉક્ટર દંપતી વચ્ચે શું હતો વિવાદ?
આ મામલો તિરુવન્નામલાઈના એક ડૉક્ટર દંપતી સાથે જોડાયેલો હતો. બન્નેનાં લગ્ન ૨૦૧૧માં થયાં હતાં. સંતાનોના જન્મ બાદ પત્ની પિયરમાં રહીને બાળકોનો ઉછેર કરતી હતી, જ્યારે પતિ કાર્ડિયોલૉજીમાં આગળનો અભ્યાસ કરતો હતો. ૨૦૨૦માં કોવિડ મહામારી પછી બન્ને સાથે રહેવા લાગ્યાં ત્યારે ગંભીર મતભેદો શરૂ થયા. પત્નીએ લગ્નજીવન પુનઃસ્થાપિત કરવા અને પતિએ છૂટાછેડા માટે અરજી કરી હતી.
પતિ આપશે ૨.૫ કરોડ રૂપિયા, છૂટાછેડા મંજૂર
કોર્ટની દરમ્યાનગીરી અને સમજાવટ બાદ બન્ને પક્ષો પરસ્પર સંમતિથી અલગ થવા માટે તૈયાર થઈ ગયા. પતિ પોતાની પત્ની અને બાળકોના ભવિષ્ય માટે કુલ ૨.૫ કરોડ રૂપિયા આપવા સંમત થયો. એમાંથી ૧.૫ કરોડ રૂપિયા ત્રણ મહિનામાં સીધા પત્નીના ખાતામાં જમા કરવામાં આવશે, જ્યારે બન્ને સંતાનોનાં નામે ૫૦-૫૦ લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ એક વર્ષમાં મૂકવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2026 08:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK