Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભારતની આ પાવરલિફ્ટર કૅનેડામાં બની ગોલ્ડન ગર્લ

ભારતની આ પાવરલિફ્ટર કૅનેડામાં બની ગોલ્ડન ગર્લ

Published : 27 September, 2026 08:09 AM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

પોતાની પહેલી જ ઇન્ટરનૅશનલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું પ્રિયંકા પારેખે

પ્રિયંકા પારેખ

પ્રિયંકા પારેખ


ઇરાદાઓ લોખંડ જેવા મજબૂત હોય ત્યારે ઉંમર કે શારીરિક વજન આડે આવતાં નથી. આ વાત સાબિત કરી બતાવી છે મલાડની ૨૩ વર્ષની પ્રિયંકા પારેખે. માત્ર ૪૭ કિલો વજન ધરાવતી આ નાજુક ગર્લ પોતાની પહેલી જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતની ગોલ્ડન પાવરલિફ્ટર બની ગઈ છે. કૅનેડામાં આયોજિત કૉમનવેલ્થ વિમેન્સ ઇક્વિપ્ડ પાવરલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં ત્રણ તબક્કામાં તેણે કુલ ૩૪૭.૫ ​કિલો વજન ઊંચકીને ગોલ્ડ મેડલ જીત્યો છે.
ટૂંકા ગાળામાં આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચવાની સિદ્ધિ હાંસલ કરનાર પ્રિયંકાએ આ ચૅમ્પિયનશિપ પહેલાં પોતાની જર્ની શૅર કરતાં કૅનેડાથી ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નાનપણથી મને રમતમાં રુચિ હતી. સ્કૂલમાં ક્રિકેટ, ફુટબૉલ અને રનિંગમાં હંમેશાં ઇનામ લઈ આવતી. જોકે ખેલકૂદમાં કરીઅર વિશે વિચાર્યું નહોતું. ૨૦૨૪માં BCom અને ઇન્ટીરિયર ડિઝાઇનિંગની એક્ઝામની તૈયારી કરી રહી હતી. જોગાનુજોગ બન્ને પરીક્ષાઓ એક જ તારીખે આવી ગઈ. મજબૂરીમાં એક પરીક્ષા ડ્રૉપ કરવી પડી. મારી પાસે સમય હતો એટલે ફિટનેસ માટે જિમમાં જવાનું શરૂ કર્યું. ત્યાં હેવીવેઇટ ઊંચકવાની મજા પડવા લાગી અને પાવરલિફ્ટિંગ જેવી રમત પ્રત્યે આકર્ષાઈ. રોજ ૪ કલાક જિમમાં વજન ઊંચકવાની પ્રૅક્ટિસ કરતી. આ વર્ષે ૧૧ એપ્રિલે સાંગલીમાં આયોજિત મહારાષ્ટ્ર સ્ટેટ ક્લાસિક ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો. કુલ ૨૯૨.૫ કિલો વજન ઊંચકીને ગોલ્ડ મેડલ જીત્યો. એ પછી જુદી-જુદી સ્પર્ધામાં મેડલ લાવી છું. જૂનમાં તેલંગણમાં આયોજિત નૅશનલ ઇક્વિપ્ડ સ્પર્ધાના ઇક્વિપ્ડ ફૉર્મેટમાં સ્ક્વૉટમાં સિલ્વર અને બેન્ચ પ્રેસમાં ગોલ્ડ મેળવ્યો. કુલ ૩૪૨.૫ કિલો વજન ઊંચકીને કૉમનવેલ્થ ગેમ્સ માટે સિલેક્ટ થઈ. હવે કૉમનવેલ્થ પાવરલિફ્ટિંગ ફેડરેશન (CPF) દ્વારા કૅનેડાના વિનિપેગ ખાતે ૧૭થી ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન યોજાયેલી ચૅમ્પિયનશિપમાં ભાગ લેવા આવી છું. મારી સ્પર્ધા Commonwealth Women’s Equipped Powerlifting Championships ૨૬ સપ્ટેમ્બરે છે.’ 

CPF દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટ ઇન્ટરનૅશનલ પાવરલિફ્ટિંગ ફેડરેશન (IPF) અને વર્લ્ડ ઍન્ટિ-ડોપિંગ એજન્સી (WADA) સાથે જોડાયેલી સત્તાવાર અને કડક ડ્રગ-ટેસ્ટેડ વૈશ્વિક સ્પર્ધા છે. વિશ્વભરના ૭૦૦થી વધુ ઍથ્લીટ્સ આ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. આ સિદ્ધિ બાદ પ્રિયંકાનું નામ સત્તાવાર રીતે વૈશ્વિક પાવરલિફ્ટિંગ ડેટાબેઝ (Goodlift.info)માં નોંધાઈ ગયું છે, જે તેને ભવિષ્યની વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે મજબૂત દાવેદાર બનાવે છે.



ડિસ્ટ્રિક્ટથી નૅશનલ્સ સુધી


પાવરલિફ્ટિંગમાં બે ફૉર્મેટ હોય છે : ક્લાસિક (સામાન્ય કિટ) અને ઇક્વિપ્ડ (સ્પેશ્યલ સપોર્ટિવ ગિયર). પ્રિયંકાએ આ વર્ષે બન્ને કૅટેગરીમાં રમીને મુંબઈ, મહારાષ્ટ્ર અને દેશનું નામ રોશન કર્યું છે. કોચ વેન્કટેશ કોનાર અને દીપક પ્રજાપતિના માર્ગદર્શનમાં તાલીમ લઈ રહેલી પ્રિયંકાએ ૧૧ એપ્રિલે સાંગલીમાં આયોજિત મહારાષ્ટ્ર સ્ટેટ ક્લાસિક ચૅમ્પિયનશિપમાં કુલ ૨૯૨.૫ કિલો વજન ઊંચકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યાર બાદ ૩ મેએ મુંબઈ સબર્બન ઇક્વિપ્ડ ચૅમ્પિયનશિપમાં કુલ ૩૩૫ કિલો વજન ઊંચકીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. ૧૬ મેએ હૈદરાબાદમાં આયોજિત નૅશનલ ક્લાસિક ચૅમ્પિયનશિપમાં પ્રિયંકાએ સ્ક્વૉટ્સમાં બ્રૉન્ઝ અને બેન્ચપ્રેસમાં સિલ્વર મેડલ જીત્યો. કુલ ૨૭૦ કિલો વજન સાથે તે દેશમાં ઓવરઑલ ચોથા સ્થાને રહી. ૧૮ મેએ મુંબઈ સબર્બન ક્લાસિક ચૅમ્પિયનશિપમાં કુલ ૨૬૫ કિલો વજન ઊંચકીને સિલ્વર મેડલ મેળવ્યો. ૨૯ મેએ મહારાષ્ટ્ર સ્ટેટ ઇક્વિપ્ડ ચૅમ્પિયનશિપમાં પ્રિયંકાએ ફરી કમાલ કરી. સ્ક્વૉટ્સમાં ૧૪૦ કિલો, બેન્ચપ્રેસમાં ૭૫ કિલો અને ડેડલિફ્ટમાં ૧૨૭.૫ કિલો મળીને કુલ ૩૪૨.૫ કિલો વજન સાથે ગોલ્ડ મેડલ જીતી લાવી. ફરીથી ૨૪ જૂને તેલંગણ નૅશનલ ઇક્વિપ્ડ ફૉર્મેટમાં પ્રિયંકાએ સ્ક્વૉટ્સમાં સિલ્વર અને બેન્ચ પ્રેસમાં ગોલ્ડ મેળવ્યો. કુલ ૩૪૨.૫ કિલો વજન ઊંચકીને ઑલઓવર નૅશનલ સિલ્વર મેડલ જીતીને કૉમનવેલ્થ ગેમ્સ માટે પોતાનું સિલેક્શન પાકું કર્યું.

રમતની ટેક્નિકલ સમજ 
પ્રિયંકાએ ઇક્વિપ્ડ સ્પર્ધાઓમાં પોતાની શક્તિ સાબિત કરી બતાવી એ પડકારજનક ફૉર્મેટ છે. એમાં IPF દ્વારા માન્યતાપ્રાપ્ત સિંગલ-પ્લાય પૉલિએસ્ટર સૂટ્સ અને બેન્ચ શર્ટ્સનો ઉપયોગ થાય છે અને સામાન્ય સ્પર્ધા કરતાં ઘણું ભારે વજન ઊંચકવાનું હોય છે. પાવરલિફ્ટિંગમાં ૩ મુખ્ય મૂવમેન્ટ પર સ્પર્ધા થાય છે. સ્ક્વૉટમાં પીઠના ઉપરના ભાગે બાર્બેલ રાખીને બેસીને ઊભા થવાનું હોય છે. બેન્ચપ્રેસમાં બેન્ચ પર સપાટ સૂઈને વજનને છાતી સુધી લાવીને ઉપર પુશ કરવાનું હોય છે. ડેડલિફ્ટ ફૉર્મેટમાં જમીન પર રાખેલા વજનને સીધા ઊભા થઈને કમર સુધી ઉઠાવવાનું હોય છે. 


૪૭ કિલોનું વજન ધરાવતી પ્રિયંકા પોતાના વજન કરતાં ત્રણગણું વજન પલકવારમાં ઊંચકી લે છે. ગર્વ સાથે તે કહે છે, ‘ગ્લોબલ સ્ટેજ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવી એ ભાવુક ક્ષણ છે. મારી સફર રૉ પાવરલિફ્ટિંગથી શરૂ કરી હતી અને ઇક્વિપ્ડ લિફ્ટિંગ તરફ આગળ વધવું એ એક તદ્દન અલગ જ અનુભવ હતો. શરૂઆતમાં ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરતાં શીખવું સૌથી મોટો પડકાર હતો. એના માટે ખૂબ જ ધીરજ, પ્રૅક્ટિસ અને ટેક્નિકની જરૂર પડે. અલગ-અલગ વજન પર આ ઇક્વિપમેન્ટ કેવો રિસ્પૉન્સ આપે છે અને મારી પોતાની તાકાત તથા કન્ટ્રોલ જાળવી રાખીને એના પર ભરોસો કરવાનું શીખવું પડ્યું. મારું રૂટીન શિસ્તબદ્ધ છે. ટ્રેઇનિંગ અને ડીકૅથ્લૉન (Decathlon)માં નોકરી બન્ને વચ્ચે સંતુલન જાળવી શકી છું. ટ્રેઇનિંગ ઉપરાંત ડાયટ, હાઇડ્રેશન, રિકવરી અને ઊંઘને ફોકસમાં રાખું છું. પાવરલિફ્ટિંગ માઇન્ડસેટની રમત છે. પોતાના શરીરના વજન કરતાં વધુ વજન ઉઠાવતી વખતે ટેક્નિક, બ્રીધિંગ અને ફોકસ મહત્ત્વનાં છે. મજબૂત મનોબળ પ્રેશરની સ્થિતિમાં એને એક્ઝિક્યુટ કરવાનો આત્મવિશ્વાસ આપે છે અને નક્કી કરેલા લક્ષ્ય સુધી લઈ જાય છે.’     

Whatsapp-channel Whatsapp-channel

27 September, 2026 08:09 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK