ગીતા સોલંકી, જે વ્યવસાયે ચાઈલ્ડ બર્થ એજ્યુકેટર છે અને યુનિપેડ્સ ઈન્ડિયા (Unipads India)નામની સંસ્થાના સ્થાપક છે. આ સંસ્થા ઉચ્ચ ગુણવત્તાવાળા અને ઓછા ખર્ચે ફરીથી વાપરી શકાય તેવા કપડાંના સેનિટરી પેડ્સનું ઉત્પાદન કરે છે.
મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરે છે ગીતા સોંલકી
નવરાત્રીનો તહેવાર એટલે મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર, નવરાત્રી એટલે આસ્થાનું પ્રતિક, નવરાત્રી એટલે અંધકારનો અંત અને પ્રકાશનો પ્રારંભ, નવરાત્રી એટલે સાહસ, શક્તિ અને પ્રેરણાની ગાથા, મા આદ્યાશક્તિના તહેવારનો આરંભ થઈ ચૂક્યો છે અને આજે સાતમું નોરતું છે. આ પાવન અવસર પર આપણે જાણીશું દેવી સમાન એવી મહિલાઓની ગાથા જેમણે સાહસ, શક્તિ અને પ્રેરણા બની જીંદગીને એક અવસર બનાવ્યો છે. આ મહિલાઓનું સાહસ અને હિમત આપણને ખરા અર્થમાં મહિલાઓની શક્તિથી અવગત કરાવે છે. તો ચાલે જાણીએ આ મહિલાઓની કહાની જે સાહસ, શક્તિ અને પ્રેરણા છે બની...
આજે આપણે વાત કરીશું અમદાવાદના ગીતા સોલંકીની. જે વ્યવસાયે ચાઈલ્ડ બર્થ એજ્યુકેટર છે અને યુનિપેડ્સ ઈન્ડિયા (Unipads India)નામની સંસ્થાના સ્થાપક છે. આ સંસ્થા ઉચ્ચ ગુણવત્તાવાળા અને ઓછા ખર્ચે ફરીથી વાપરી શકાય તેવા કપડાંના સેનિટરી પેડ્સનું ઉત્પાદન કરે છે. તેમજ મહિલાઓ સશક્ત બને તે માટે તકો ઉભી કરવાનો તેમનો મુખ્ય હેતુ છે. આ ઉપરાંત સંસ્થા વિશ્વભરમાં તેની પ્રોડક્ટને વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, NGO અને સમાન ક્ષેત્રો પર કામ કરતી કંપનીઓને સપ્લાય કરે છે. તેમની રિયુઝેબલ સેનેટરી પેડની પ્રોડક્ટને SGS અને UNBS જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા મંજૂરી મળેલ છે.
ADVERTISEMENT
યુનિપેડ્સના દરેક પેક 3 મેક્સી + 1 સુપરમેક્સી ફરીથી વાપરી શકાય તેવા સેનિટરી પેડ્સ છે, તેમજ સાથે વપરાયેલા પેડ માટે 1 સ્ટોરેજ બેગ પણ હોય છે. આ પેડ્સ એક વર્ષ સુધી ચાલે છે. પોતાની સંસ્થા સંદર્ભે વાત કરતા ગીતા સોલંકીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું હતું કે વર્ષ 2017માં તેમને વજાઈના સંબંધિત એક સમસ્યા થઈ હતી, જેને કારણે માસિક સ્ત્રાવ દરમિયાન ડિસ્પોઝેબલ પેડ્સનો ઉપયોગ કરવો તેમના માટે મુશ્કેલ હતું. આ દરમિયાન ગીતાના માતાએ તેમને કપડાંનો ઉપયોગ કરવાનું સુચન કર્યુ. બાદમાં ગીતાએ ડિસ્પોઝેબલ પેડ્સને બદલે કપડાંનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, અને તેમને તે વધુ ફાયદાકારક લાગ્યું.
રિયુઝેબલ પેડ્સથી ખુશ મહિલાઓ
ગીતાએ આગળ કહ્યું કે `મને થયું કે મારી જેવી સમસ્યા અનેક મહિલાઓને હોઈ શકે છે, તો કેમ નહીં મહિલાઓને આ અંગે વધારે જાગૃત કરવામાં આવે. કપડું વાપરવાથી ત્વચાને શુષ્કતાથી પણ બચાવી શકાય છે. બાદમાં મેં આ અંગે ઘણું બધુ રિસર્ચ કર્યુ અને જાણવા મળ્યું કે ભારતમાં કેટલીક એવી સંસ્થા છે, જે કપડાંના સેનેટરી પેડ્સ બનાવે છે. પરંતુ તે ખુબ જ ઉચ્ચા ભાવે વેચાતાં હોવાથી દરેક મહિલાને પરવડે નહીં. બસ, ત્યારબાદ અમે કપડાંના સેનેટરી પેડ્સનું ઉત્પાદન કરી મહિલાઓને સસ્તા ભાવે આપવાનું નક્કી કર્યુ અને યુનિપેડ્સ ઈન્ડિયા નામે સંસ્થાની સ્થાપના કરી.`
શરૂઆતમાં ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓને ફ્રીમાં પેડ્સ આપીને તેમની પ્રતિક્રિયા જાણી હતી. મહિલાઓનો સારો પ્રતિસાદ અને પર્યાવરણ ફ્રેન્ડલી હોવાથી સંસ્થાએ મોટા પાયે પેડ્સનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યુ. સંસ્થા કપડાંની ક્વોલિટી, પેડ્સની સાઈઝ અને તેની ગુણવત્તા પર ખાસ ધ્યાન આપે છે. દરેક મહિલા તેનો અનુકુળ રીતે ઉપયોગ કરી શકે તે તેમનો ઉદ્દેશ છે.
ભારતમાં ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં યુનિપેડ ઉપલબ્ધ કરાવવા માટે સંસ્થા વિવિધ ગામો અથવા અર્ધ શહેરી વિસ્તારોમાંથી કેટલીક મહિલાઓને `કલ્યાણી` તરીકે નિમે છે, દરેક કલ્યાણીને MHM (મેન્સ્ટ્રુઅલ હાઈજીન મેનેજમેન્ટ) અને માસિક સ્રાવ તથા વેચાણના અન્ય તમામ પાસાઓ પર તાલીમ આપવામાં આવે છે. આ મોડલ કલ્યાણીઓને રોજગારીની તકો સુનિશ્ચિત કરે છે. યુનિપેડ્સ પાસે ગુજરાતમાં 100 થી વધુ કલ્યાણીઓ છે, જેમણે યુનિપેડનું વિતરણ કરીને અને MHM વિશે યોગ્ય જ્ઞાન આપીને નાણાકીય સ્વતંત્રતા હાંસલ કરી છે.
શહેરી અને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ વિશેના તફાવત વિશે વાત કરતાં ગીતા સોલંકીએ કહ્યું કે ` ટેક્નોલોજી રૂરલ વિસ્તારમાં પણ પહોંચી ગઈ છે, તેથી શહેરી અને ગ્રામીણ મહિલાઓમાં કોઈ મોટો તફાવત નથી પરંતુ મેં એક બાબતની નોંધ લીધી છે કે શહેરી મહિલાઓ ડિસ્પોઝેબલ વસ્તુનો ઉપયોગ વધુ કરે છે, જ્યારે ગ્રામીણ મહિલાઓ પોતાની જીવનશૈલીમાં એને ટાળે છે. આ સાથે જ આજની યુવતીઓ અને મહિલાઓ સંદર્ભે ગીતા જણાવે છે કે દરેક મહિલા તેની દીકરી, ઘરની અન્ય મહિલા સભ્ય કે આસપાસની મહિલાઓ વિશે માસિકને લઈ ખુલ્લીને વાત કરે. તેમજ ખોટી માન્યતાઓથી દુર રહે અને પોતાના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપે. આ ઉપરાંત તેમણે કહ્યું કે મહિલાઓ શિક્ષણ પર વધુ ભાર આપે, પગભર થવા માટે શિક્ષણ મેળવવું ખુબ જ અનિવાર્ય છે.