ભારતને સ્વતંત્રતા મળી એ દરમ્યાન નેપાલના રાજા મહેન્દ્રએ ભારતને પ્રસ્તાવ આપ્યો હતો કે નેપાલનું ભારતમાં વિલીનીકરણ કરી દેવામાં આવે, પણ એ જવાહરલાલ નેહરુએ સ્વીકાર્યો નહોતો. સમ્રાટ અશોકના શાસનથી લઈને ૧૭ વર્ષ પહેલાં નેપાલમાં લોકતંત્ર સ્થાપિત થયું.
નેપાલ
ભારતને સ્વતંત્રતા મળી એ દરમ્યાન નેપાલના રાજા મહેન્દ્રએ ભારતને પ્રસ્તાવ આપ્યો હતો કે નેપાલનું ભારતમાં વિલીનીકરણ કરી દેવામાં આવે, પણ એ જવાહરલાલ નેહરુએ સ્વીકાર્યો નહોતો. સમ્રાટ અશોકના શાસનથી લઈને ૧૭ વર્ષ પહેલાં નેપાલમાં લોકતંત્ર સ્થાપિત થયું ત્યાં સુધીના ઇતિહાસની તવારીખ તપાસીશું તો લાગશે કે કે હજી નેપાલ રાજનીતિના મામલે પરિપક્વ થયું જ નથી
નબળી રાજાશાહી જેનાથી કંટાળીને લોકોએ લોકશાહીની માગણી કરી. લોકશાહી તો આવી, પરંતુ એ પણ એવી નબળી પુરવાર થઈ કે ૧૭ વર્ષના લોકતંત્રમાં ૧૩ વાર સરકાર બદલાઈ ગઈ. નેપાલ એક પહાડોનો દેશ, જેને હિમાલયન કન્ટ્રી તરીકે વિશ્વ ઓળખે છે એ થોડા દિવસ પહેલાં ભડકે બળતો હતો. નાનાઅમથા દેશમાં માત્ર ૩ કરોડ લોકો રહે છે, જેમાંના ૮૧ ટકા લોકો હિન્દુ છે. એક સમય એવો પણ હતો જ્યારે નેપાલમાં એક સૂર ઊઠ્યો હતો એને ‘હિન્દુ રાષ્ટ્ર’ ઘોષિત કરવાનો.
ADVERTISEMENT
નેપાલનું રાજકારણ વર્ષોથી કોઈ રહસ્યમયી જાદુઈ પિટારા જેવું રહ્યું છે. એ એટલું લોભામણું જણાય છે કે ક્યારેક એના પર ચીન નજર બગાડે છે તો ક્યારેક અમેરિકા એને પોતાના પગ નીચે રાખવાની પેરવી કરે છે, ક્યારેક બંગલાદેશ એનો ઉપયોગ પાકિસ્તાન સાથે સંબંધ વધારવા માટે કરે છે તો ક્યારેક પાકિસ્તાન ભારતમાં ઘૂસણખોરી માટે એનો ફાયદો ઉઠાવવાની ફિરાકમાં હોય છે. વર્ષો સુધી રાજશાહી હેઠળ જોવાતા નેપાલનું લોકતંત્ર હજી કિશોરાવસ્થામાં છે. જી હા, નેપાલમાં લોકતંત્ર સ્થાપિત થયું એને માત્ર ૧૭ વર્ષ થયાં છે, પણ આટલાં ૧૭ વર્ષમાં ૧૩ વાર સરકાર બદલાઈ ચૂકી છે. નાનો દેશ છે પણ રસપ્રદ ઇતિહાસનો માલિક છે તો ચાલો આજે એક લટાર નેપાલના રાજકીય ઇતિહાસ તરફ મારીએ.
તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ સાથે રાજા મહેન્દ્ર બીર બિક્રમ શાહ.
ચક્રવર્તી સમ્રાટ અશોક
નાનો છતાં એક એવો દેશ નેપાલ જેને સ્વર્ગનો ટુકડો કહેવામાં આવે છે. નાનો છતાં વિશ્વનો એકમાત્ર એવો દેશ જેના પર ક્યારેય કોઈ વિદેશીએ આક્રમણ નથી કર્યું અને છતાં પહેલા વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધમાં આ જ દેશના ગોરખા સૈનિકોએ પોતાની અલગ છાપ ઊભી કરી હતી. આજે પણ બ્રિટિશ આર્મીમાં ગોરખાઓની ભરતી શાનથી કરવામાં આવે છે. ભૂમિની દૃષ્ટિએ નેપાલ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલો દેશ છે : પર્વતીય ક્ષેત્ર, શિવાલિક ક્ષેત્ર અને તરાઈ ક્ષેત્ર. આ દરેક ભૂમિ ક્ષેત્રની પોતાની અલગ વિશેષતા છે અને ૭ રાજ્યોમાં વહેંચાયેલા આ દેશના દરેક રાજ્યની પણ અલગ વિશેષતા છે. જોકે નેપાલનાં મૂળ ક્યાંક ભારત અને તિબેટથી જ નીકળ્યાં છે અથવા ભારત અને તિબેટમાં જ એનાં મૂળ છે એમ કહીએ તો ખોટું નથી. પ્રાચીનકાળમાં નેપાલ ભારતના ચક્રવર્તી રાજવી અશોકના સામ્રાજ્યનો હિસ્સો હતું અને એથીયે પાછળ જઈએ તો આપણે બધા જ જાણીએ છીએ કે પ્રભુશ્રી રામચંદ્રજીનાં અર્ધાંગિની સીતામાતાનું પિયર જનકનગરી નેપાલમાં જ છે. જોકે વાતની શરૂઆત અશોક સમ્રાટથી જ કરીએ તો એ સમય હતો ત્રીજી શતાબ્દીનો જ્યારે ચક્રવર્તી સમ્રાટ અશોકે નેપાલ પર પોતાનું આધિપત્ય સ્થાપ્યું હતું. ત્યાર બાદ ચોથી શતાબ્દીમાં નેપાલને નવો સમ્રાટ મળ્યો સમુદ્રગુપ્ત! સમુદ્રગુપ્તના વંશનું રાજ આ દેશ પર લગભગ ૩ શતાબ્દી સુધી રહ્યું, પણ ત્યાર બાદ સાતમી શતાબ્દીમાં તિબેટ દ્વારા નેપાલ પર આક્રમણ કરવામાં આવ્યું અને એ સમયે તિબેટે નેપાલ પર પોતાનું શાસન સ્થાપિત કર્યું. તિબેટ દ્વારા થયેલા સતત હુમલાઓ વચ્ચે એક સમય નેપાલ માટે એવો આવ્યો હતો જ્યારે દેશમાં આંતરિક અસંતોષ અને સંઘર્ષ અત્યંત વધી ગયા.
રાજવી ખટપટો
આ આંતરિક સંઘર્ષ અને વિખવાદ એટલા લાંબા સમય સુધી ચાલતા રહ્યા કે ૧૧મી સદી આવતા સુધીમાં તિબેટનું શાસન છોડીને નેપાલ નામના આ પહાડી દેશ પર ઠાકુરી વંશે પોતાનું રાજ સ્થાપી લીધું. જોકે પરિસ્થિતિ હજી અહીં જ શાંત પડવાની નહોતી. ત્યાર બાદ નેપાલમાં બીજા રાજવી વંશનો ઉદય થયો - મલ્લ વંશ! તેમણે નેપાલને એ સમય સુધીમાં સૌથી લાંબા ગાળા સુધી શાસન કરનારો રાજવી આપ્યો હતો. મલ્લ વંશના રાજા યક્ષ મલ્લે નેપાલ પર ૧૪૨૮ BCથી લઈને છેક ૧૪૭૫ BC સુધી એટલે કે ૪૭ વર્ષ સુધી રાજ કર્યું હતું. યક્ષ મલ્લ એ જ રાજા હતો જેમણે પોતાના મૃત્યુ પહેલાં નેપાલ રાજ્યને બે રાજ્યમાં વિભાજિત કરીને પોતાનાં દીકરા અને દીકરીને વહેંચી આપ્યું હતું. એને કારણે એ સમયે નેપાલ કાઠમાંડુ અને ભાટગાંવ નામનાં બે રાજ્યોમાં વિભાજિત થઈ ગયું. મહદંશે રાજવંશીઓમાં જે પ્રમાણે થતું હોય છે એ જ રીતે યક્ષ મલ્લનાં આ બંને સંતાનો એટલે કે સગાં ભાઈ-બહેન વચ્ચે પણ વિખવાદ રહેવા માંડ્યો અને બન્ને દેશો એકબીજાનાં દુશ્મન રાજ્યો બની ગયાં.
આપણે ત્યાં ગુજરાતીમાં પેલી વાર્તા છે ખબરને? બે બિલાડીના ઝઘડામાં વાંદરો રોટલી લઈ જાય છે એ! બસ, નેપાલનાં આ ભાઈ-બહેનના ઝઘડાનું પણ કંઈક એવું જ પરિણામ આવ્યું. કાઠમાંડુ અને ભાટગાંવની આપસી દુશ્મનીને કારણે પશ્ચિમી હિમાલયના વિસ્તારોમાં રહેતી ગોરખા જાતિએ ૧૭૬૮ BCમાં નેપાલ પર આધિપત્ય જમાવી લીધું. જોકે આ બદલાવનો એક મોટો ફાયદો એ થયો કે ગોરખા જાતિ પહાડી વિસ્તારની પ્રજાતિ હોવાને કારણે મજબૂત બાંધાની અને યુદ્ધકૌશલમાં પારંગત હતી. એને કારણે ગોરખા શાસન આવવાથી નેપાલ એક સશક્ત રાષ્ટ્ર તરીકે સ્થાપિત થવા માંડ્યું.
સગૌલી સંધિ
૧૯મી સદી આવતા સુધીમાં તો એ જ સક્ષમ ગોરખાઓએ પોતાના રાષ્ટ્રની દક્ષિણી સીમાનો વિસ્તાર વધારતાં-વધારતાં છેક બ્રિટિશ ભારતની ઉત્તરી સીમાઓ સુધી પોતાના રાષ્ટ્રને વિસ્તારી લીધું. આ જ સીમાવિસ્તારને કારણે ૧૮૧૪થી ૧૮૧૫ દરમ્યાન ગોરખા અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ પણ થયું હતું, પણ પહાડી ગોરખા સામે અંગ્રેજોનું લાંબા સમય સુધી ટકી રહેવું મુશ્કેલ હતું. આથી જ બ્રિટિશ ભારત અને નેપાલી ગોરખાઓ, બન્ને દેશો વચ્ચે એક સંધિ કરાર થયો જેને સગૌલી સંધિ તરીકે ઓળખવામાં આવે છે. વિસ્તારવાદી અંગ્રેજો સામે ગોરખા લડાકુઓ પણ એટલા સક્ષમ હતા કે અંગ્રેજોને સમજાઈ ચૂક્યું હતું કે નેપાલ સામે જીતવું અશક્ય છે. આથી તેમણે એક સંધિ-પ્રસ્તાવ મૂક્યો જે બન્ને પક્ષોએ માન્ય પણ રાખ્યો. આ શરત કંઈક એવી હતી કે અંગ્રેજો તિબેટનો વિચાર પડતો મૂકે અને ગોરખાઓ અવધનો વિચાર છોડી દે.
રાજા બિરેન્દ્રને તેમના જ વંશજોએ મારી નાખ્યા હતા.
આ સાથે જ બીજી એક સંધિ પણ આ બન્ને દેશો વચ્ચે થઈ જે હતી ફ્લૅગ ટ્રીટી અર્થાત્ ધ્વજ સંધિ. એમાં નક્કી એવું કરવામાં આવ્યું કે નેપાલ રાષ્ટ્રની ફૉરેન પૉલિસી બ્રિટિશ શાસિત ભારત દ્વારા રચવામાં અને દેખરેખ રાખવામાં આવશે. જોકે નેપાલની આઝાદી અને ગોરખાઓની બાહોશી આઝાદ રહી અને અંગ્રેજો ક્યારેય આ રાષ્ટ્ર પર શાસન ન કરી શક્યા અને ત્યાર બાદ ક્યારેય હુમલો પણ ન કરી શક્યા.
ભારતે ગુમાવેલી અમૂલ્ય તક
ત્યાર બાદનાં વર્ષો નેપાલનો ઇતિહાસ તો લખવાનાં જ હતાં, પરંતુ ભવિષ્યને કંઈક એવો ઓપ આપવાનાં હતાં જેને કારણે નેપાલનું માળખું પણ બદલાઈ જવાનું હતું. સાલ હતી ૧૯૫૧થી ૧૯૬૦, જ્યારે નેપાલ પર શાસન હતું રાજા મહેન્દ્રનું. આ વર્ષો દરમ્યાન બે મોટી ઘટનાઓ નેપાલ માટે બની. એમાંની એક ભારતનું સ્વરૂપ બદલનારી સાબિત થઈ શકી હોત. આ એ વર્ષો હતાં જ્યારે ભારતને બ્રિટિશરાજથી આઝાદી મળી ચૂકી હતી. ભારત હવે એક સ્વતંત્ર રાષ્ટ્ર હતું અને પાકિસ્તાન સાથેના ભાગલા બાદ પોતાની નવી-નવી બનેલી સીમાઓ સાથે જીવતાં શીખી રહ્યું હતું. મહાન દૂરંદેશી નેતા સરદાર પટેલની અમૂલ્ય મહેનતને કારણે એક નવા અખંડ ભારતની રચના થઈ હતી. આ જ સમય દરમ્યાન રાજા મહેન્દ્ર ભારતની મુલાકાતે આવ્યા અને તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ સામે તેમણે એક પ્રસ્તાવ મૂક્યો. રાજા મહેન્દ્રએ કહ્યું કે નેપાલનું ભારતમાં વિલીનીકરણ કરી દેવામાં આવે, નેપાલ પણ અખંડ ભારતનો હિસ્સો બની જાય. જોકે જવાહરલાલ નેહરુએ રાજવી મહેન્દ્રના પ્રસ્તાવ, ઇચ્છા અને સજેશનને ઠુકરાવી દીધાં અને સામે કહ્યું કે નહીં, નેપાલે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જ રહેવું જોઈએ. દેશના તત્કાલીન વડા પ્રધાનના આ નિવેદન અને નિર્ણયને કારણે ભારતે એક અમૂલ્ય તક ગુમાવી અને હિમાલય રાષ્ટ્રને પોતાનામાં સંમિલિત કરી લેવાનો એ ગોલ્ડન ચાન્સ જતો રહ્યો.
આ સિવાય રાજા મહેન્દ્રના નેપાલ શાસન દરમ્યાન બીજો એક મોટો બદલાવ નેપાલમાં આવ્યો પંચાયતી રાજનો. રાજવી મહેન્દ્રએ નેપાલમાં પંચાયત પ્રણાલીની સ્થાપના કરી. આ જ એ સમય હતો જ્યારે નેપાલમાં બહુપાર્ટી લોકતંત્રના એક નવા જ શાસન વિકલ્પની શરૂઆત થઈ. જોકે ૧૯૯૦ની સાલ આવતા સુધીમાં રાજા મહેન્દ્રનું મૃત્યુ થઈ ચૂક્યું હતું અને તેમના પુત્ર રાજા બીરેન્દ્ર હવે રાજગાદી પર બિરાજમાન થઈ ચૂક્યા હતા અને તેમણે ફરી એક વાર નેપાલને સંસદીય રાજ્ય તરીકે સ્થાપિત કરવાનો નિર્ણય લીધો. અર્થાત્, રાષ્ટ્ર માટે રાજવીની સંસદમાં પ્રધાનો હોય જેઓ રાજા સાથે મળી આખા રાષ્ટ્રનો કાર્યભાર અને શાસન ચલાવે.
પંચાયતી રાજ દરમ્યાન અનેક પાર્ટીઓ અને નાનાં કાર્યક્ષેત્રોમાં વહેંચાઈ ચૂકેલા નેપાલમાં જ્યારે ફરી એક વાર મૂળ રાજવી શાસન લાગુ થયું ત્યારે પ્રજાએ તો એ હોંશે-હોંશે સ્વીકારી લીધું, પરંતુ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ધરાવતા કેટલાક લોકો અને કેટલાંક જૂથોને એ બદલાયેલી શાસનવ્યવસ્થા ખૂંચવા માંડી જેને કારણે આ નાના પણ સ્વતંત્ર રાષ્ટ્રમાં એક સડો પેંઠો. આગળનાં દસ વર્ષ દરમ્યાન નેપાલ એક કીડાઓના ત્રાસને કારણે ખદબદતું રહ્યું અને એ સડાનું નામ હતું માઓવાદ, કમ્યુનિઝમ અને ઉગ્રવાદ!
રાજાશાહીનો અંત
આપણામાંથી બધાને ખબર છે કે માઓવાદ એક કમ્યુનિઝમની વિચારધારા છે. એનો જન્મ ચીનના જ એક નેતા ‘માઓ’ દ્વારા થયો. કમ્યુનિઝમની આ વિચારધારાના પગપેસારાને કારણે બહાદુર ગોરખાઓનું એ નેપાલ ધીરે-ધીરે ચીન અને એની વિચારધારાની સમીપ થવા માંડ્યું. ચીન જેવા દેશની વિસ્તારવાદી વૃત્તિથી વિશ્વમાં કોઈ અજાણ નથી. તિબેટની સાથે-સાથે ચીનને જો નેપાલ પણ મળી જાય તો જ્યૉગ્રાફિકલી એને બહુ મોટો ફાયદો થાય એમ હતું. એક તો ભારત સાથેનો સીધો સીમાવિસ્તાર વધી જાય. બીજું, બંગલાદેશ સાથે જમીની સંપર્ક વધુ નજીક અને વધુ સરળ બને. ચીને ધીરે-ધીરે નેપાલમાં પગપેસારો શરૂ કર્યો અને આ પેરવી શરૂ થઈ વૈચારિક દખલગીરીથી. માઓવાદની બાયપ્રોડક્ટ એવા ઉગ્રવાદને જરૂરી હોય એ તમામ રીતે ફ્યુઅલ પૂરું પાડવા માંડ્યું અને ત્યાર બાદ ધીરે-ધીરે સામાજિક પગપેસારો શરૂ થયો. આમ ચીનના ડ્રૅગને એટલી સરળતાથી નેપાલમાં પરોક્ષ શાસન સ્થાપી લીધું કે એણે રાજકીય પગપેસારાનો છેલ્લો પ્રહાર કર્યો રાજાશાહી ખતમ કરવાના રમખાણને જન્મ આપીને.
માઓવાદી અને ઉગ્રવાદીઓએ આખા નેપાલને એવું બાનમાં લઈ લીધું હતું કે એકઅવાજે નેપાલમાં એક ક્રાન્તિનો જન્મ થયો. એ ક્રાન્તિ એટલે રાજાશાહીનો અંત લાવીને લોકશાહીની સ્થાપના કરવાની માગણી. આખરે ૨૦૦૮ની સાલમાં રાજાશાહી શાસનનો નેપાલમાં અંત આવ્યો અને સ્થાપના થઈ નવી શાસન-પ્રણાલીની, સ્થાપના થઈ લોકશાહીની!
ધર્મનિરપેક્ષતાના નામે ગુમાવી મૂળ ઓળખ
વર્ષોવર્ષથી રાજાશાહી શાસન હેઠળ શ્વસતું રહેલું નેપાલ એક એવું રાષ્ટ્ર હતું જ્યાં ક્યારેય કોઈ વિધર્મી રાજવી શાસક તરીકે સ્થાપિત નહોતો થયો. હિન્દુ રાજવંશવાળા એ રાષ્ટ્રને આખું વિશ્વ એક હિન્દુ રાષ્ટ્ર તરીકે ઓળખતું હતું, પરંતુ ૨૦૧૫માં નવી-નવી લોકશાહી હેઠળ એક નવા સંવિધાનની રચના થઈ. એક હિન્દુ રાષ્ટ્ર નેપાલને આ સંવિધાન દ્વારા ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર બનાવી દેવામાં આવ્યું. અર્થાત્, નવા સંવિધાન પછી નેપાલે એક સેક્યુલર દેશ તરીકેની નવી ઓળખ સ્વીકારી. એ અલગ વાત છે કે જ્યારે રાષ્ટ્રની આ નવી ઓળખ અને નવી વ્યાખ્યા લખાઈ ત્યારે નેપાલની કુલ વસ્તીમાં ૮૫ ટકા લોકો હિન્દુ ધર્મમાં માનનારા હતા.
લોકતંત્રના ઉતાર-ચડાવ
લોકશાહી શાસન સ્થાપીને નેપાલની જનતા એક સંવૈધાનિક રાષ્ટ્રનું સપનું જોઈ રહી હતી. હવે આમ તો નેપાલમાં લોકશાહીનું શાસન હતું, પરંતુ બીજી તરફ રાજવીનો દબદબો તો હજીયે હતો જ. નેપાલની ચૂંટાયેલી સરકાર દેશનું સંચાલન કરશે એ વાત આખા દેશે સ્વીકારી હતી, પરંતુ કાયદા-કાનૂન અને નિયમો પર હજીયે રાજાશાહી મહોરની જ છાપ હતી. ચૂંટણીઓ થઈ, નેતાઓ આવ્યા અને ચૂંટાયા પણ ખરા. દેશમાં પાર્લમેન્ટનું ગઠન પણ થયું અને નેપાલને નવા વડા પ્રધાન પણ મળ્યા, પરંતુ આ નેતાઓ અને સરકારની પિન હજીયે એક બાબત પર અટકી પડી હતી અને એ પિન એટલે સંવિધાન. ધીરે-ધીરે સંસદમાં બેસનારા લોકોનો ગણગણાટ બહાર સુધી સંભળાવા લાગ્યો અને એ અવાજ નવા સંવિધાન અંગેનો હતો. નેપાલને લોકશાહી શાસન મળ્યાને પણ હવે તો સાત વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો હતો. સંસદભવનનો એ ગણગણાટ આખરે પરિણામલક્ષી બન્યો અને ૨૦૧૫ની ૨૦ સપ્ટેમ્બરે નેપાલમાં નવી લોકશાહી હેઠળ નવા સંવિધાનની રચના થઈ.
ભૌગોલિક દૃષ્ટિએ નેપાલ એક નાનો દેશ છે, વસ્તીની દૃષ્ટિએ પણ ૩ કરોડ આસપાસની વસ્તી ધરાવતો દેશ છે; પરંતુ ૨૦૦૮માં સ્થાપિત થયેલી લોકશાહી બાબતે ૧૭ વર્ષ થઈ જવા છતાં હજી આજેય નેપાલ પરિપક્વ દેશ બની શક્યો નથી. આ પહાડી દેશમાં માત્ર બે મુખ્ય રાજનૈતિક પક્ષો છે અને સક્રિય રાજકારણી તરીકે માંધાતા ગણાવી શકાય એવા માત્ર ૩ રાજકારણીઓ, જેને કારણે નેપાલ સદૈવ એક મજબૂત અને પ્રામાણિક લોકનેતાથી વંચિત રહ્યો છે અથવા એમ કહો કે ક્યારેય કોઈ એવો નેતા મેળવી નથી શક્યું જે આ રાષ્ટ્રને ઊર્ધ્વગતિ તરફ લઈ જવાનો પ્રયત્ન કરે.

