Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સિગ્નલ કોઈ તોડ્યા વિના

સિગ્નલ કોઈ તોડ્યા વિના

Published : 31 May, 2026 02:26 PM | IST | Mumbai
Hiten Anandpara

નિરાકાર હોવા છતાં તત્ત્વનું પોતાનું અસ્તિત્વ હોય છે. હવા નિરાકાર હોવા છતાં એના વિના જીવન સંભવી ન શકે. ચૈતન્ય નિરાકાર હોવા છતાં એના કારણે સૃષ્ટિ સંચરે છે. જાણકારો બ્રહ્માંડમાં વિલસી રહેલી આ ચેતનાને જ ભગવાન કહે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


શિસ્ત અને નાગરિકતા વચ્ચે કોઈ સંબંધ નથી એ વાત આપણા દેશ માટે સાચી છે. અમદાવાદમાં કે સુરતમાં ગમે ત્યાંથી ગમે એ વાહન આવી શકે તો મુંબઈમાં ફુટપાથ પર બાઇક ચલાવનારા જનતાદ્રોહીઓનો તોટો નથી. ચાર રસ્તા પર સિગ્નલની ઐસીતૈસી કરીને વાહનો આવ-જા કરે એ જોઈને વિદેશીઓ રીતસરના ડઘાઈ, હેબતાઈ અને ગભરાઈ જાય. ભારતમાં આવી અનેક માનવનિર્મિત સમસ્યાઓ શાશ્વતી ભોગવે છે. રઈશ મનીઆર એમાં ભયસ્થાન ઉમેરે છે...

જૂની સમસ્યા લોકો ઉકેલ્યા વિના ભૂલ્યા
વરસોવરસ નવી સમસ્યા થતી રહી



સળગી રહેલા ઘરમાં હવાની અવરજવર
શ્વાસોની રોજ અગ્નિપરીક્ષા થતી રહી


આજકાલ ઘર નહીં પણ આખા ને આખા દેશો અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ રહ્યા છે. ઈરાન-અમેરિકાના યુદ્ધને કારણે બંગલાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાલ, કેન્યા, ઇથિયોપિયા, ફિલિપીન્સ, ઇટલી, જર્મની વગેરે અનેક દેશોમાં સ્થિતિ ગંભીર છે. તેલ વગર ખરેખર કેટલા વિવશ થઈ શકાય છે એ ભારત સહિત બધાએ અનુભવ્યું. મરીઝ આ લાચારીને પ્રેમના સંદર્ભે ઉલ્લેખે છે...  

દાવો અમારા પ્રેમનો બદલા વિના નથી
એવી હા છે, જેમાં તમારીયે ના નથી


સંજોગથી વિવશ છો સુંદર દલીલ છે
ચાલો મને કબૂલ તમે બેવફા નથી

સંજોગો ઘણી વાર આપણા હાથમાં નથી હોતા. રશિયા-યુક્રેન કે અમેરિકા-ઈરાન લડે ‘એમાં આપણને શું’ એવું હવે કહી શકાય નહીં. વિશ્વ લોકલમાંથી ગ્લોબલ બની ગયું છે. આયાત-નિકાસને કારણે મોટા ભાગના દેશો એકમેક સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હોય છે. તાજેતરમાં રશિયન ડ્રોનમાં પશ્ચિમી દેશ નિર્મિત પૂરજાનો ઉપયોગ જોવા મળ્યો. સમસ્યાઓ એકમેકમાં એવી ગૂંચવાઈ છે કે એને છૂટી પાડતાં નાકે દમ આવે. કુણાલ શાહ આ અસ્પષ્ટતાને આલેખે છે...

જે સમજની કૂખથી જન્મી હતી
સમસ્યા પુખ્ત વયની થાય છે

સ્પષ્ટતા કરવા ગયો ઘટના વિશે
કારણો કારણ વિના અકળાય છે

બંગાળમાં મમતા બૅનરજી ઍન્ડ કંપની કારણો સાથે અકળાઈ રહી છે. જે ગેરકાયદે બંગલાદેશીઓની વોટ-બૅન્ક તેમણે જહેમતથી ઊભી કરેલી એ તૂટવાની શરૂઆત થઈ ચૂકી છે. તેમને પાછા ધકેલવાની કવાયત સરકારે આરંભી છે. બિનપ્રમાણિત અંદાજ પ્રમાણે બંગાળમાં વીસથી ૬૦ લાખ ગેરકાયદે બંગલાદેશીઓ છે અને આખા ભારતમાં ગણીએ તો આ આંકડો બે કરોડની આસપાસ પહોંચે. પચાસ ટકા કાઢી નાખીએ તોય એક કરોડ લોકોનો બોજ દેશ પર પડી રહ્યો છે. આટલાં વર્ષોથી પાછલા બારણે ચાલતી આ મિલીભગત કેમ કોઈના ધ્યાનમાં આવી નહીં હોય? મનહરલાલ ચોકસી સુરતી ભાષામાં ખુદને જ ચોપડાવે છે...

એક હેરીમાં ઉત્તું સપનું સરસ
પણ કોઈના ધ્યાનમાં આઈવું નહીં

લો, જુઓ આવી ગિયો છું બારણે
ઢોરને ખીલા વિના ચાઈલું નહીં

ધ્યાનમાં લેવા જેવી બીજી કેટલીક ઘટનાઓ અવગણી શકાય નહીં. JEE પરીક્ષાનાં પેપર ફૂટ્યાં એને કારણે અંદરખાને ચાલી રહેલું મોટું ષડ્યંત્ર બહાર આવ્યું. વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ખેલાતો આ ખતરનાક ખેલ છે. સ્પર્ધાત્મક પરીક્ષાનો ઉદ્દેશ ઉત્તમ પ્રતિભા બહાર લાવવાનો હોય છે. પેપર ફૂટવાને કારણે આ આખો ઉદ્દેશ જ અળપાઈ જાય છે. JEE પ્રકારની ઉચ્ચ સ્તરની પરીક્ષા પાસ કરીને ઉત્તીર્ણ થતા વિદ્યાર્થીઓ દેશના ઘડતરમાં ભાગ ભજવવા સક્ષમ બને છે. જલન માતરી પુરુષાર્થનો મહિમા કરે છે...

ઘૂંટી લે શ્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય છે
ઊંડે ગયા વિના કદી મોતી પમાય છે?

એના કારણે નિરાકાર રહી ગયો
પીંછી ફર્યા વિના કહીં આકાર થાય છે?

નિરાકાર હોવા છતાં તત્ત્વનું પોતાનું અસ્તિત્વ હોય છે. હવા નિરાકાર હોવા છતાં એના વિના જીવન સંભવી ન શકે. ચૈતન્ય નિરાકાર હોવા છતાં એના કારણે સૃષ્ટિ સંચરે છે. જાણકારો બ્રહ્માંડમાં વિલસી રહેલી આ ચેતનાને જ ભગવાન કહે છે. એની પ્રાપ્તિ થાય એ તો પછીની વાત છે, પહેલાં એની શોધ માટેની ખેવના જન્મવી જોઈએ. શેખાદમ આબુવાલા સ્પષ્ટતાથી કહે છે... 

જા ભલે અંધારઘેર્યા આભમાં
તેજની જ્યોતિ વિના આવીશ મા
ડૂબવું જો હોય દિલમાં ડૂબજે
પણ પછી મોતી વિના આવીશ મા

લાસ્ટ લાઇન

મુખને મચકોડ્યા વિના, ને હાથ પણ જોડ્યા વિના

સોંસરા નીકળી જવું, કોઈને તરછોડ્યા વિના

ફરફરો રંગવૈભવ, છટા ને સુગંધ

જે મળ્યા સામા જીવનમાં, ક્યાંય પણ દોડ્યા વિના

એમ સમજાવી ગયા, એકવીસ હજાર ને પાનસો-

કે કશું પામી શકો નહીં સહેજમાં છોડ્યા વિના

વાદળાંની જાત હું, અરમાન છે કે નીસરું

કો નિયમ પાળ્યા વિના, સિગ્નલ કોઈ તોડ્યા વિના

જંપવા દેજો હવે દોસ્તો, સફરના સાથીઓ

ખાંભીઓ ખોડ્યા વિના, ને તક્તીઓ ચોડ્યા વિના

- મીનાક્ષી ચંદારાણા, વડોદરા

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2026 02:26 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK