Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > દીકરાને પરણાવ્યા પછી સંબંધોની નવી ગોઠવણનો સહજતાથી સ્વીકાર જ પરિવારને એક તાંતણે બાંધી રાખશે

દીકરાને પરણાવ્યા પછી સંબંધોની નવી ગોઠવણનો સહજતાથી સ્વીકાર જ પરિવારને એક તાંતણે બાંધી રાખશે

Published : 11 August, 2026 04:33 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દીકરાનાં લગ્ન પછી સંબંધોની નવી ગોઠવણને સ્વીકારવી જરૂરી છે. માતા-પિતાની અસુરક્ષા અને દખલગીરીને બદલે પ્રેમ, વિશ્વાસ અને સ્પેસ આપવાથી પરિવારના સંબંધો મજબૂત બની શકે છે.

દમયંતી તન્ના

દમયંતી તન્ના


આજના સમયમાં પરિવારની રચના અને સંબંધોની અપેક્ષાઓ ઝડપથી બદલાઈ રહી છે. દીકરાનાં લગ્ન પછી ઘરમાં એક નવી વ્યક્તિ આવે છે અને તેની સાથે સંબંધોની નવી ગોઠવણ શરૂ થાય છે. આ પરિવર્તન દરમ્યાન ઘણી વાર માતા-પિતા અસુરક્ષાની ભાવનામાં ફસાઈ જાય છે અને અજાણતાં એવા વર્તન તરફ વળી જાય છે જે ઘરની શાંતિને અસર કરે છે.
સંબંધોમાં પણ ઘણી વાર એક વર્તન સામે બીજું વર્તન જન્મે છે. સતત દખલગીરી, અવગણના અથવા કઠોરતા ઘણી વખત સામેથી પ્રતિસાદરૂપે અંતર કે રૂક્ષતા પેદા કરે છે. સમાજમાં હંમેશાં એવી છાપ ઉપસાવવામાં આવે છે કે લગ્ન પછી સંતાનો બદલાઈ ગયાં છે અથવા તેઓ માતા-પિતા પ્રત્યે બેદરકાર થઈ ગયાં છે, પણ ઘણી વાર હકીકત એવી હોય છે કે દર વખતે ફક્ત સંતાનોનો જ વાંક નથી હોતો. સંતાનો અથવા તેમના પાર્ટનરના કડવા વર્તનની પાછળ અનેક કારણો હોઈ શકે છે. કેટલાક કિસ્સામાં માતા-પિતાની અસુરક્ષા, અતિશય અપેક્ષા અથવા દખલગીરી પણ એક મહત્ત્વનું કારણ બની શકે છે.
જ્યારે પુત્રનાં લગ્ન થાય છે ત્યારે ઘણાં માતા-પિતાને એવો ડર સતાવવા લાગે છે કે હવે તેમના પુત્ર પરથી તેમનો હક કે વર્ચસ ઓછું થઈ જશે. આ ઇનસિક્યૉરિટીને કારણે તેઓ અજાણતાં જ પોતાના સંતાન અને તેના પાર્ટનર પ્રત્યે કઠોર વર્તન અથવા અતિશય દખલગીરી કરવાનું શરૂ કરી દે છે. નાનામાં નાની વાતમાં ટોકવું, રસોડું ચલાવવાની રીત, ઘરના નિયમો, પૈસાનો ઉપયોગ કે સમયની વહેંચણી જેવી બાબતોમાં સતત દખલ કરવી, નવી વહુની કામ કરવાની પદ્ધતિને સ્વીકારવામાં આનાકાની કરવી અથવા પોતાના જ દીકરા સામે ભાવનાત્મક દબાણ ઊભું કરવું આ બધું સંબંધોમાં ગૂંગળામણ ઊભી કરી શકે છે.
જ્યારે સંતાન કે તેનો પાર્ટનર પોતાની મર્યાદાઓ નક્કી કરવાનો પ્રયાસ કરે છે ત્યારે કેટલીક વખત માતા-પિતા એને પોતાના વિરોધ તરીકે લે છે. પરિણામે બન્ને પક્ષ વચ્ચે ગેરસમજ અને અંતર વધે છે. આવું વર્તન પ્રશ્નનો ઉકેલ લાવવાને બદલે અંતર વધારી દે છે.
જો સંતાનોના વર્તનમાં રૂક્ષતા જોવા મળતી હોય તો માતા-પિતાએ પણ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે કે તેમના કયા વર્તને આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું. પુત્રનાં લગ્ન પછી તેને થોડી સ્પેસ આપવી અને તેના પાર્ટનરને પ્રેમથી સ્વીકારવો એ ઘરના વડીલ તરીકે માતા-પિતાની જવાબદારી છે. જો માતા-પિતા પોતાની અસુરક્ષાને ઓળખીને પ્રેમ, વિશ્વાસ અને સમજણ સાથે સંબંધોને નિભાવશે તો ઘણા અનાવશ્યક તનાવ ટાળી શકાય છે. એવી જ રીતે સંતાનોએ પણ માતા-પિતાની બદલાતી માનસિકતા, એકલતાની ભાવના અને અસુરક્ષાને પ્રેમથી સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. સંબંધો સાચવવા માટે દોષારોપણ નહીં; ખુલ્લા મનનો સંવાદ, પરસ્પર આદર અને સમજણ જ સૌથી અસરકારક માર્ગ છે.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2026 04:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK