Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સલામ છે આ મિશન ગૌસમ્માનને

સલામ છે આ મિશન ગૌસમ્માનને

Published : 11 August, 2026 07:08 AM | IST | Mumbai
Darshini Vashi

વિરારમાં રહેતા મેહુલ મહેતા સહિતની ૨૦ જણની ટીમે ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાવવા ૬ લાખ કરતાં પણ વધુ હસ્તાક્ષર મેળવ્યા છે

લોકો પાસેથી હસ્તાક્ષર કરાવતા મેહુલ મહેતા/ ગૌસમ્માન આહ્‌વાન અભિયાન અંતર્ગત દેશભરમાંથી ૪૦ કરોડ હસ્તાક્ષર ભેગા કરવાનો ટાર્ગેટ છે, જેમાંથી ૧૫ કરોડ ભેગા થઈ ગયા છે.

લોકો પાસેથી હસ્તાક્ષર કરાવતા મેહુલ મહેતા/ ગૌસમ્માન આહ્‌વાન અભિયાન અંતર્ગત દેશભરમાંથી ૪૦ કરોડ હસ્તાક્ષર ભેગા કરવાનો ટાર્ગેટ છે, જેમાંથી ૧૫ કરોડ ભેગા થઈ ગયા છે.


વિરારમાં રહેતા મેહુલ મહેતા સહિતની ૨૦ જણની ટીમે ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાવવા ૬ લાખ કરતાં પણ વધુ હસ્તાક્ષર મેળવ્યા છે : દેશભરમાં ચાલી રહેલા ગૌસમ્માન આહ્‌વાન અભિયાન હેઠળ ગાયને રાષ્ટ્રમાતા બનાવવા અને એમની હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવા તેઓ છેલ્લા ૬ મહિનાથી મંદિરો, સ્ટેશનો, જાહેર સ્થળો તેમ જ ઘરે-ઘરે જઈને લોકોના હસ્તાક્ષર લઈ રહ્યા છે

જો રાષ્ટ્રીય પક્ષી મોર છે, રાષ્ટ્રીય પશુ વાઘ છે તો પછી રાષ્ટ્રીય માતા ગાય કેમ નહીં? ગાયમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપીને એની દેશભરમાં થતી હત્યા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાવવા છેલ્લા ૬ મહિનાથી રાષ્ટ્રીય સ્તરે એક ચળવળ ચાલુ કરવામાં આવી છે. એનું નામ ગૌસમ્માન આહ્‌વાન અભિયાન છે. એ અંતર્ગત દેશભરમાંથી ગૌહત્યાનો વિરોધ કરતા લોકોના હસ્તાક્ષર લેવામાં આવી રહ્યા છે. આ અભિયાન હેઠળ દેશભરમાંથી ૪૦ કરોડ હસ્તાક્ષર ભેગા કરીને સરકારને સોંપવાનો ટાર્ગેટ છે જેથી સરકાર ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાવીને મજબૂત કાયદો બનાવે અને ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરે. આજ સુધીમાં આ અભિયાન હેઠળ દેશભરમાંથી ૧૫ કરોડ હસ્તાક્ષર લેવામાં આવી ચૂક્યા છે. હસ્તાક્ષર ભેગા કરવા માટે દેશભરમાં વિવિધ વિસ્તારોમાં અનેક લોકો કાર્યરત છે. એમાં ભાઈંદરથી લઈને પાલઘર સુધીના વિસ્તારમાં મેહુલ મહેતા અને અન્ય ૧૯ લોકો મળીને ૬.૪૦ લાખ હસ્તાક્ષર ભેગા કરી લાવ્યા છે.
આ વિશે વધુ માહિતી આપતાં વિરારમાં રહેતા મેહુલ મહેતા કહે છે, ‘અમે જે કાર્ય કરી રહ્યા છીએ એ નૉન-પૉલિટિકલ છે. એમાં અમે કોઈ પણ પૉલિટિકલ પક્ષ, ફિલ્મસ્ટાર, સંસ્થા કે ઉદ્યોગપતિઓનો સાથ લીધો નથી તેમ જ અમે કોઈ ભંડોળ પણ ભેગું નથી કરી રહ્યા કે નથી કોઈને એક પણ પૈસો આપી રહ્યા. આ કાર્ય માત્ર ને માત્ર દેશભરમાં થતી ગાયોની કત્લેઆમને રોકવા માટે જ છે. ૬ મહિના અગાઉ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેના માટે અમે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ. મારી દુકાનમાં આવતા લોકોને હું પર્સનલી આ વિશે માહિતી આપું છું અને તેમને હસ્તાક્ષર કરવા માટે તૈયાર કરું છું. સાંજે દુકાન બંધ થઈ જાય ત્યાર બાદ હું અને મારા અન્ય સાથીઓ રોજ અલગ-અલગ સોસાયટીમાં જઈએ છીએ. ત્યાં જઈને પહેલાં સેક્રેટરી સાથે વાત કરીને ફ્લૅટધારકોને નીચે બોલાવીએ છીએ. તેમને સામૂહિક રીતે આ અભિયાન વિશેની માહિતી, ગાયનું મહત્ત્વ અને આ નૉન-પૉલિટિકલ ચળવળ હોવાની જાણકારી આપીએ છીએ. જેટલા લોકોના ગળે આ વાત ઊતરે તેઓ આગળ આવીને પોતાનું નામ, હસ્તાક્ષર અને મોબાઇલનંબર લખી આપે છે. બાકીના લોકો અમે પછી વિચારીને કહીશું એમ કહીને નીકળી જાય છે. એમ છતાં અમે હાર્યા વિના આ કાર્ય સતત કરીએ છીએ. રોજ અમે એક-બે સોસાયટીમાં જઈએ છીએ. આ કામ અમે છેલ્લા ૬ મહિનાથી કરી રહ્યા છીએ. આ સિવાય અમે વચ્ચે સ્ટેશન પર પણ બાંકડો લગાવીને બેસીએ છીએ અને લોકોને સતત વિનંતી કરીએ છીએ કે આગળ આવીને હસ્તાક્ષર કરે. અમારા ગ્રુપમાં મહિલાઓ પણ છે. તેઓ ટ્રેનમાં, કિટી પાર્ટીમાં, ભજન મંડળમાં તથા વૉટ્સઍપ ગ્રુપ વગેરેનો ઉપયોગ કરીને લોકોને આના માટે પ્રોત્સાહિત કરે છે. રામનવમીના દિવસે અમે શ્રી રામના મંદિરની બહાર બૅનર લઈને ઊભા રહ્યા હતા. હમણાં દેવશયની એકાદશી હતી ત્યારે હું અને મારા સાથી કાર્યકરો મંદિરની બહાર આખો દિવસ બૅનર લઈને ઊભા રહ્યા હતા અને લોકોને આ સારા દિવસે એક શુભ કાર્ય કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા હતા. હમણાં અમે તુંગારેશ્વર મંદિરની બહાર રોજ ટેબલ નાખીને બેસીએ છીએ. એવી કોઈ જગ્યા બાકી રાખી નથી જ્યાં મેં ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવાના અભિયાનનો પ્રચાર કર્યો ન હોય. હું ઇચ્છું છું કે આ માહિતી વધુ ને વધુ લોકો સુધી પહોંચે. જેટલી રાઇટિંગમાં પિટિશન આગળ સુધી જશે એટલી ઇફેક્ટ વધુ પડશે અને ઝડપથી કાયદો પણ બનશે. ઘણા લોકોને પોતાનો નંબર અને હસ્તાક્ષર આપવામાં સંકોચ થાય છે એટલે અમે તેમને ડાયરેક્ટ ટ્વીટ કરવા પણ કહીએ છીએ. પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (PMO)ના પેજ પર જઈને ગૌમાતા આહ્‌વાન હૅશટૅગ કરીને કોઈ પણ પોતાનો વિચાર એના પર લખી શકે છે.’ 



ગુજરાતીઓની ઉદાસીનતાથી નિરાશ


મને જણાવતાં દુઃખ થાય છે કે મુંબઈમાં આ અભિયાનમાં ગુજરાતી લોકોની હાજરી આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે એમ જણાવતાં મેહુલ મહેતા કહે છે, ‘મેં જોયું છે કે ઘણાખરા ગુજરાતીઓ ગાયની સેવા કરવાનું પસંદ કરે છે. તેઓ માને છે કે ગલીના નાકે અથવા ગૌશાળામાં જઈને ગાયને ઘાસ ખવડાવી દેવાથી ગાયની સેવા થઈ જાય છે, પરંતુ આપણી ફરજ અહીં સુધીની નથી. ગાયને ઘાસ ખવડાવવા ઉપરાંત એના જીવનું રક્ષણ કરવાની પણ આપણી ફરજ છે. હું વ્યક્તિગત રીતે ઘણા ગુજરાતીઓને રિક્વેસ્ટ કરી ચૂક્યો છું કે પ્લીઝ, તમે પણ આ અભિયાનમાં જોડાઓ અને અમને વધુ હસ્તાક્ષર મેળવવામાં મદદ કરો, પરંતુ કોઈ આગળ આવી રહ્યું નથી. વર્તમાનમાં આ અભિયાન હેઠળ મારવાડી અને ઉત્તર ભારતીય લોકો જ વધુ સક્રિય છે. મને જણાવતાં દુઃખ થાય છે કે અમારા ટચમાં એવાં ગ્રુપ્સ છે જે રેગ્યુલર ગૌશાળામાં ૧૫ દિવસે વિઝિટ કરે છે, ખૂબ પૈસો ગૌસેવા માટે જ વાપરે છે; પણ આવનારી પેઢીને ગૌમાતાનાં દર્શન થશે કે નહીં થશે એ વાત એ લોકોને સાંભળવામાં કે સમજવામાં રસ નથી કે શું છે એ મારી સમજની બહારની વાત છે. હું કંઈ બોલી નથી શકતો અને છતાં જેને પણ આ અભિયાન સાથે જોડાવું હોય તે અમારો સંપર્ક કરી શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2026 07:08 AM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK