Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > તમારાં સંતાનોને નવી સ્કિલ્સ કોણ શીખવે છે? તમે કે કોઈ એક્સપર્ટ?

તમારાં સંતાનોને નવી સ્કિલ્સ કોણ શીખવે છે? તમે કે કોઈ એક્સપર્ટ?

Published : 28 May, 2026 10:38 AM | Modified : 28 May, 2026 10:39 AM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

આજે માતા-પિતા પાસે તેમને શીખવવાનો સમય નથી અને સંતાનોને પેરન્ટ્સ પાસે શીખવામાં રસ નથી એટલે જે સ્કિલમાં માતા-પિતા અવ્વલ હોય એ પણ આજનાં બાળકો બીજા પાસેથી જ શીખે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એક સમય હતો કે સંતાનો પોતાનાં માતા-પિતા પાસેથી જ બધું શીખતાં. આજે હવે આઉટસોર્સિંગ વધી ગયું છે. મતલબ કે ખુદ ન કરીને બીજા પાસેથી કરાવડાવવું. આજે ઘરમાં મૅથ્સ ટૉપર હોય પણ સંતાનને ટ્યુશન-ટીચર ભણાવતા હોય છે. મમ્મી પાસેથી રસોઈ શીખવાને બદલે દીકરી યુટ્યુબ જોઈને રાંધતાં શીખતી થઈ છે. એક સમય હતો કે બાળકો પોતાનાં માતા-પિતા પાસેથી જ શીખતાં. આજે માતા-પિતા પાસે તેમને શીખવવાનો સમય નથી અને સંતાનોને પેરન્ટ્સ પાસે શીખવામાં રસ નથી એટલે જે સ્કિલમાં માતા-પિતા અવ્વલ હોય એ પણ આજનાં બાળકો બીજા પાસેથી જ શીખે છે. આ બદલાવનું નુકસાન ઘણું છે જેને સમજવાની કોશિશ કરીએ...

હાલમાં ઍક્ટર નકુલ મહેતાએ એક વાતચીત દરમ્યાન કહ્યું કે તેના એક મિત્રએ તેને કહ્યું કે ફલાણી જગ્યાએ ખૂબ સારા ચેસ ક્લાસિસ છે તો તમે તમારા દીકરાને ત્યાં કેમ નથી મોકલતા? એના જવાબમાં નકુલે કહ્યું હતું કે ‘હું મારા છોકરાને ચેસ ક્લાસમાં નથી મૂકવા માગતો કારણ કે હું ઇચ્છું છું કે હું તેને ચેસ શીખવું. મારે એ કરવું છે, કારણ કે મારા પિતાએ મને ચેસ શીખવ્યું અને એ મારા જીવનની બેસ્ટ યાદોમાંની એક છે. હું તેને તેના જીવનની બેસ્ટ યાદ આપવા માગું છું જે કોઈ કોચ પાસે જઈને શક્ય નથી.’



અહીં નકુલની ભાવનાઓને સમજીએ તો કંઈક આવી છે. બને કે કોચ વધુ સારું શીખવતો હશે, પણ બાળક તેના પિતા પાસેથી જે શીખશે એની વૅલ્યુ જુદી હશે. વળી દરેક વસ્તુમાં પ્રોફેશનલ અપ્રોચ જરૂરી હોતો નથી. બાળકને ચેસ મજા માટે પણ શીખવી શકાય. તેને મારે ચેસ ચૅમ્પિયન જ બનાવવો છે એવું પણ જરૂરી નથી. હું તેને શીખવું પછી તે ખૂબ જ સારું રમવા માંડે અને ત્યારે હું તેની સ્કિલ્સને નિખારવા માટે કોઈ એક્સપર્ટ લઈ આવું તો ચાલે, પણ તેની હંમેશ માટે જરૂર નથી.


એક સમય હતો જ્યારે સંતાનો મોટા ભાગે બધું જ તેમનાં માતા-પિતા પાસેથી જ શીખતાં. મિલેનિયલ જનરેશન ખરેખર નસીબદાર હતી કારણ કે તેમનાં માતા-પિતા પાસે તેમને શીખવવા માટે સમય હતો. આજે માતા-પિતા પાસે શીખતાં સંતાનો ખૂબ ઓછાં છે. આજે એવું થાય છે કે ઘરમાં મૅથ્સના સ્કૉલર હોય છતાં બાળકો ટ્યુશન-ટીચર પાસે શીખતાં હોય. ઘરમાં કુકિંગ એક્સપર્ટ હોવા છતાં છોકરીઓ યુટ્યુબ પાસેથી જ રસોઈ બનાવતાં શીખે. મમ્મી ખૂબ જ સરસ ગાતી હોય પણ દીકરીને શીખવવા માટે કોઈ બીજા શિક્ષક આવતા હોય. એક નજરે લાગે કે એમાં ખોટું શું છે? જો માતા-પિતા સક્ષમ હોય તો બેસ્ટમાં બેસ્ટ ટ્યુટર રાખીને સંતાનને બેસ્ટ રીતે શીખવી જ શકેને! એક્સપર્ટ પાસેથી શીખીને બાળક જિનીયસ બને.

માતા-પિતા પાસેથી જો તે શીખે તો તેને એટલું જ આવડે જેટલું માતા-પિતાને આવડે. તેને વધુ શીખવું હોય તો? વળી માતા-પિતા પાસેથી જ સંતાને શીખવું એવો તો કોઈ નિયમ છે નહીં. બને કે માતા-પિતાને ઓછું આવડતું હોય અને એના પ્રમાણમાં શિક્ષકને વધુ આવડતું હોય તો? સંતાનને કોઈ પણ વસ્તુ શીખવવા માટે આઉટસોર્સિંગ કરવું એટલે કે બહારથી એક્સપર્ટ લાવવા અને તેમની પાસે શીખવવું કયા સંજોગોમાં વાજબી ગણાય અને કયા સંજોગોમાં નહીં એને આપણે સમજવાની કોશિશ કરીએ.


શું કામ શીખવવું?

બાળક નાનું હોય ત્યારે જુઓ તો તે બધું જ તેનાં માતા-પિતા પાસેથી શીખવા માગતું હોય છે. માતા-પિતા જેવું કરતાં હોય તેમની કૉપી કરવા માગે છે, તેમને જોઈ-જોઈને તે શીખે છે. એનો અર્થ એ થયો કે સહજ રીતે બાળકને માતા-પિતા પાસેથી શીખવામાં રસ છે. બીજું એ કે માણસ બાળકને જન્મ જ એટલે આપે છે કે જે તેને આવડે છે એ વસ્તુઓ તેની આગલી પેઢીને વિરાસતમાં આપીને જાય. વર્ષોની ખાનદાની રેસિપી હોય કે પૂજાવિધિઓ, સાડી પહેરવાની રીત હોય કે ચાદર ગડી કરવાની, પરિવારને સાચવવાની પરંપરા હોય કે મહેમાનોના આવભગતની - પેઢી દર પેઢી એ વડીલોમાંથી બાળકોમાં ટ્રાન્સફર થતી આવતી હોય છે. બિઝનેસની સમજ કે કળાનો વારસો - બધી જ માતા-પિતાની આવડતો તેઓ પોતાના સંતાનમાં રોપવા ઇચ્છતાં જ હોય છે. એ રોપાયેલું બીજ જો ફૂલે-ફળે અને વૃક્ષ બને તો પરંપરાઓ કે વારસો ફક્ત સચવાતો નથી, આગળ પણ વધે છે અને એનો વિકાસ પણ થાય છે. એટલે માતા-પિતા તરીકે એ ખૂબ જરૂરી છે કે તમે તમને જે આવડે છે એ સંતાનને શીખવો.

ફાયદા

એના ફાયદા જણાવતાં પેરન્ટિંગ કોચ દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘સંતાન માતા-પિતા પાસેથી શીખે છે ત્યારે જે આપ-લે થાય છે એ તેમના સંબંધને વધુ મજબૂત બનાવે છે. આ રીત એકબીજાને સમજવાનો અને એકબીજામાંથી ગ્રહણ કરવાનો તેમને મોકો આપે છે. કોઈ પણ વસ્તુ બાળકને શીખવવા માટે માતા-પિતાએ તેને સમય આપવો પડે છે. એની સાથે તેની આવડતોને સમજીને પોતાની આવડતો તેનામાં રોપવા માટે કરવામાં આવતા પ્રયાસો તેમના સંબંધને વધુ પરિપક્વ બનાવે છે. પૈસા લઈને શીખવતો પ્રોફેશનલ અને પ્રેમથી પોતાના બાળકને શીખવતા પેરન્ટ્સમાં ઘણો ફરક હોય છે. સંસ્કારો જેમ કે ગાળ ન આપવી, કોઈ મહેમાન આવે તો પાણી આપવાનું, વડીલોને આદર આપવાનો આ બધું સંતાન તમને જોઈને શીખે છે પણ જ્યાં સુધી સ્કિલ્સની વાત છે એ જ્યારે તમે સંતાનને શીખવો છો ત્યારે તેનામાં તમે કેટલા ઇન્વેસ્ટેડ છો એ સમજી શકાય છે. બીજું એ કે તમને માતા-પિતા તરીકે એક જુદા પ્રકારનો સંતોષ મળશે; કારણ કે તમે તમારી લેગસી આગળ વધારી, તમારી ફરજ પૂરી રીતે નિભાવી.’

કેમ શીખવી નથી શકાતું?

આજની તારીખે પેરન્ટ્સ સંતાનોને શીખવતા નથી કે ઓછું શીખવે છે, કારણ કે આજના પેરન્ટ્સને સંતાનોને શીખવવા માટે સમય નથી અને તેમને માતા-પિતા પાસેથી શીખવામાં રસ નથી. ખાસ કરીને એક ઉંમર પછી તેમને કોઈ પણ પાસેથી શીખવું હોય છે પણ માતા-પિતા પાસેથી તો નહીં જ. આ બન્ને પરિસ્થિતિમાં માતા-પિતા સંતાનને શીખવી શકતાં નથી. બીજું એ કે

માતા-પિતા પાસે પોતાની લિમિટેશન છે. જેમ કે ઘણા પેરન્ટ્સને પોતાને ખૂબ સારું આવડતું હોય પણ શીખવવું કઈ રીતે એ ન આવડતું હોય. ઘણા પેરન્ટ્સ પાસે ખૂબ લિમિટેડ સ્કિલ હોય તો તેમને લાગે કે અમને જ ખબર નથી તો અમે તેને ક્યાં શીખવીએ? ઘણા પેરન્ટ્સની ઇચ્છા હોય છે પણ પોતાની કરીઅર કે જવાબદારીમાંથી સમય કાઢી નથી શકતા. પોતાની વ્યસ્તતાને કારણે સંતાન સાવ સ્કિલથી વંચિત રહી જાય એવું તેઓ નથી ઇચ્છતા હોતા. ઘણા પેરન્ટ્સને એવું પણ હોય છે કે હું શીખવું એના કરતાં ટીચર વધુ સારું શીખવશે એટલે તેઓ એક્સપર્ટ પાસેથી શીખવવાનો આગ્રહ રાખે છે. તેઓ ઇચ્છતા હોય છે કે બાળકને બેસ્ટ ટીચર મળે એટલે પણ તેઓ પીછેહઠ કરે છે, પણ તેઓ સમજતા નથી કે બાળક માટે તેમનાથી શ્રેષ્ઠ શિક્ષક મળશે નહીં.

શીખવતી વખતે શું ધ્યાન રાખવું?

મારા દીકરા કે દીકરીને તો હું જ શીખવીશ એવું ઘેલું પણ યોગ્ય નથી અને જો તમે તમારી સ્કિલ્સ શીખવવા માગતા હો તો અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એમ સમજાવતાં પેરેન્ટિંગ કોચ રીરી ત્રિવેદી કહે છે, ‘બાળકને કોણ શીખવે છે એ મહત્ત્વનું હોય છે, પણ કઈ રીતે શીખવવામાં આવે છે એ એનાથી પણ વધુ મહત્ત્વનું છે. તમે ખુદ શીખવો કે તેને શીખવવાવાળી વ્યક્તિ આઉટસોર્સ કરો એ શીખવાની પ્રોસેસમાં બાળક ખુશ છે કે નહીં એ સમજવું પણ જરૂરી છે. ઘણાં માતા-પિતા હું જ તેને શીખવીશ જેવો દુરાગ્રહ રાખે છે. બાળકને શીખવતી વખતે તેઓ બાળક પર ખૂબ ગુસ્સે થાય છે, હાથ ઉપાડે છે, તેને પ્રેશર આપે છે. આ સંજોગોમાં તે પોતાના અને બાળક વચ્ચેનો સંબંધ ખરાબ કરે છે જે અયોગ્ય છે. બાળકને શીખવવું ધીરજ માગી લે છે. એ બધાં માતા-પિતા પાસે હોતી નથી. એટલે જો માતા-પિતા તરીકે તમને લાગે કે તમારી અંદર ધીરજ નથી અને તમે શીખવવાના ચક્કરમાં સંતાનને વધુ હેરાન કરી મૂકો છો, ખુદ ત્રાસ વેઠો છો, ગુસ્સે થઈ જાઓ છો તો સારું એ જ થશે કે તમે આઉટસોર્સ કરો અને એના માટે બીજા ટીચર્સ કે એક્સપર્ટ શોધી લો. જો શીખવા અને શીખવવાની પ્રક્રિયા એન્જૉયેબલ ન રહેતી હોય તો એનાથી ફાયદો નહીં વધુપડતું નુકસાન થાય છે બાળકનું, તમારું અને બાળક અને તમારા વચ્ચેના સંબંધનું. એટલે પ્રેમથી, ધીરજથી અને ખુશ રહીને જો તમે તેને સ્કિલ્સ શીખવી શકતા હો તો જ આ કામ કરવું.’

Whatsapp-channel Whatsapp-channel

28 May, 2026 10:39 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK