દેશના ભાગલાએ મુંબઈને આપી પંજાબી, સિંધી અને બંગાળી હોટેલોઃ જુદી-જુદી વાનગીઓમાં ઘીનો અને સૂકા મેવાનો ભરપેટ ઉપયોગ કરવાનું પણ આપણે પંજાબીઓ અને સિંધીઓ પાસેથી શીખ્યા
૧૮૪૮માં શરૂ થયેલી મુંબઈની સૌથી જૂની હોટેલ
પંજાબી ફૂડ જેટલું બંગાળી ફૂડ મુંબઈમાં લોકપ્રિય ન બની શક્યું પણ હા, બંગાળી મીઠાઈઓ ખૂબ ફેલાઈ ગઈ. બંગાળની આઇકૉનિક વાનગી એટલે મિષ્ટી ડોઈ
‘પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ, બંગ.’ આપણા રાષ્ટ્રગીતના આ શબ્દોને કોઈ એક જ જગ્યાએ સાર્થક થતા જોવા હોય તો? તો એ જોવા મળે મુંબઈમાં અને એમાંય ખાસ તો આ શહેરની જાતભાતની હોટેલોમાં! આજે મુંબઈની હોટેલોમાં જો કોઈએ સૌથી વધુ પગપેસારો કર્યો હોય તો તે પંજાબી – કે કહેવાતી પંજાબી – વાનગીઓએ. બીજા કેટલાક પ્રદેશો કરતાં પંજાબી ફૂડ થોડું આવ્યું મોડું મુંબઈમાં. પણ પછી ઝડપથી એ પ્રસરી ગયું હોટેલોમાં, ઘરોમાં અને લોકોમાં. મુંબઈમાં પંજાબીઓનું ઘોડાપૂર આવ્યું એ તો ૧૯૪૭ના અરસામાં, દેશના ભાગલા વખતે અને પછી.
ADVERTISEMENT
એ વખતે જે હિન્દુસ્તાનમાં હતું અને આજે જે પાકિસ્તાનમાં છે તે સિયાલકોટનો એક છોકરો, નામ ગુરનામ સિંહ. સાલ ૧૯૪૫, ઉંમર વરસ ૧૪. પછી વર્ષો સુધી તેને એક વાત યાદ રહી ગઈ : ‘મારા બાપે મને કચકચાવીને લાફો ઠોકી દીધો. અને મેં ઘરને અને ગામને છોડવાનું નક્કી કર્યું.’ માને કહ્યું કે એક સગાને ત્યાં થોડા દિવસ રહેવા જાઉં છું. અને ટ્રેન પકડીને સીધો પહોંચ્યો અમૃતસર. કોણ જાણે કેમ, એ છોકરાને અણસાર આવતો હતો કે દેશમાં કશુંક અણધાર્યું, અજબગજબનું બનવાનું છે. અમૃતસરમાં તો લોકોનાં ટોળેટોળાં ઊભરાતાં હતાં એટલે છોકરો આવ્યો મુંબઈ. પછી કહેતો : ‘મારાં નસીબ પાધરાં તે હું હેમખેમ અમૃતસર અને ત્યાંથી મુંબઈ પહોંચી ગયો. પછીથી મારાં મા-બાપ તો બધું પાછળ છોડીને પહેરેલે કપડે આવી શક્યાં.
મુંબઈના ઘણા વિસ્તારો હવે માત્ર નામ પૂરતા ‘કોળીવાડા’ રહ્યા છે. એવો એક કોળીવાડો છે સાયન કહેતાં શિવમાં. ત્યાં રહ્યો આ છોકરો. પૂરાં વીસ વરસ ટૅક્સી ચલાવી. હવે તેને કોઈ પૂછે કે ‘તને તારા વતનમાં પાછા જવાની ઇચ્છા થાય ખરી?’ ત્યારે તે જવાબ આપે છે, ‘આ મુંબઈએ, આ દેશે મને શું નથી આપ્યું? હવે અહીંથી બીજે શા માટે જાઉં? આવા સાયન કોળીવાડામાં આવેલી છે ‘ગુરુકૃપા’ હોટેલ. ઠઠારો નહીં, ખિસ્સાફાડ ભાવ નહીં અને ટેસ્ટ અસ્સલ પંજાબી. અહીંનાં સમોસાં-છોલે ચડે કે છોલે-ભટુરે એ નક્કી કરવું મુશ્કેલ. પનીર પરાઠા અને આલૂ પરાઠા વચ્ચે પસંદગી કરવાનું સહેલું નહીં.
આજે મુંબઈમાં એવા કેટલાય લોકો છે જે પંજાબી ખાવા માટે દહિસર સુધી ગાડી હંકારી જાય. વિશાળ ખુલ્લી જગ્યામાં ગામડાનું વાતાવરણ. ચાર પાઈ કહેતાં ખાટલા ઢાળેલા. ઘીથી લસલસતી વાનગીઓની સોડમ તમારો પીછો છોડે નહીં. પીવાના શોખીનોની તરસ પણ સાથોસાથ છિપાવી શકાય, પટિયાળા પેગ દ્વારા. નહિતર ધિંગી લસ્સી તો છે જ. હા, જી. આ જગ્યા ‘દારાના ઢાબા’ તરીકે ઓળખે છે. તો કેટલાક કહેશે કે અસ્સલ પંજાબી વાનગીઓનો આસ્વાદ લેવા માટે તો પંજાબ ગ્રિલ જવું પડે. પછી જાઓ લોઅર પરેલ, બીકેસી, ફોર્ટ. બટર ચિકન કુલચા અને મટર આચારી કુલચા પર નૉનવેજ ખાનારાઓ વારી જાય. બીજા માટે મલાઈ કુલચા છે જ. આલૂ-ગોબીની સબ્ઝી, ધનિયા મિર્ચ દા કુક્કડ તો છે જ.
પંજાબીઓની જેમ સિંધીઓ પણ મોટી સંખ્યામાં આવ્યા તે ભાગલાને કારણે. બન્નેએ મુંબઈગરાઓની ખાવાપીવાની ટેવમાં કેટલાક ધરખમ ફેરફાર કર્યા. આજે શહેરના કોઈ પણ વિસ્તારમાં તમને ફ્રૂટ વેચતા ફેરિયા જોવા મળે, ફ્રૂટની દુકાનો જોવા મળે. આજથી ૭૫-૮૦ વરસ પહેલાં એવું નહોતું. મધ્યમ વર્ગના મુંબઈગરા માટે એ વખતે ફ્રૂટ એટલે લીલી છાલનાં કેળાં, ચીકુ, દ્રાક્ષ, નારંગી કહેતાં સંતરાં. ઘણાં ઘરોમાં કોઈ માંદું પડે ત્યારે તેના માટે મોસંબી આવે. સીઝનમાં કેરી. જુદી-જુદી વાનગીઓમાં ઘીનો અને સૂકા મેવાનો ભરપેટ ઉપયોગ કરવાનું પણ આપણે પંજાબીઓ અને સિંધીઓ પાસેથી શીખ્યા.
આજે નામ તો યાદ નથી રહ્યું, પણ જ્યાં જિંદગીનાં પહેલાં ૩૨ વરસ વીત્યાં એ વજેરામ બિલ્ડિંગની બરાબર સામે આવેલી ડુક્કર વાડી (આજનું નામ ડૉક્ટર નગીનદાસ શાહ લેન)ના કૉર્નર પર એક સિંધીની દુકાન આવેલી હતી. એની બે વાનગી બહુ ભાવતી. એક તવા પૅટીસ. ગોળ નહીં, હાર્ટના આકારની અને ખાસ્સી મોટી. ઉપર ખાટી અને તીખી ચટણીઓ. એના પર કાંદાની બારીક છીણ. પછી મૂકે લાલચટક ટમેટાની તાજી કાપેલી સ્લાઇસ. આજે બજારમાં મોટે ભાગે લંબગોળ, જામ્બુલ ટમેટાં મળે છે એ એ વખતે લગભગ અજાણ્યાં. મોટાં, લાલ, ગોળ ટમેટાં, રસથી ભરપૂર.
મૂળચંદાની ભાઈઓ મૂળ કરાચીના વતની. કરાચીના બાન્સ રોડ પર નાનકડી દુકાન. ચાટની થોડી આઇટમ વેચે. ભાગલા પછી આવ્યા મુંબઈ અને મુંબઈમાં કોલાબામાં સ્ટ્રેન્ડ સિનેમા સામે સિંધી વાનગીઓ પીરસતી નાની હોટેલ શરૂ કરી, કૈલાસ પરબત. કોકી, પકવાન, આલૂ ટુક, જેવી સિંધી વાનગીઓ, ખિસ્સાને પોસાય એવા ભાવે. પછી તો મુંબઈમાં જુદી-જુદી જગ્યાએ હોટેલ શરૂ કરી, પરદેશ પણ પહોંચ્યા. તો ચેમ્બુરની VIG રિફ્રેશમેન્ટ્સ શરૂ થઈ ૧૯૫૨માં. મસાલા-ચણા ભરેલી કટલેટ્સ એ એની જાણીતી-માનીતી વાનગી.
૧૯૪૭ના અરસામાં બંગાળીઓ પણ પોતાનું વતન – પૂર્વ પાકિસ્તાન, હાલનું બંગલાદેશ – છોડીને ભારત આવ્યા. તેમણે પણ હોટેલો શરૂ કરી. બંગાળીઓની મોટી વસ્તી અંધેરીમાં. એટલે ત્યાં તેમની હોટેલો વધારે. પંજાબી ફૂડ જેટલું બંગાળી ફૂડ મુંબઈમાં લોકપ્રિય ન બની શક્યું પણ હા, બંગાળી મીઠાઈઓ ખૂબ ફેલાઈ ગઈ. બંગાળની આઇકૉનિક વાનગી એટલે મિષ્ટી ડોઈ. પણ દેશ અને દુનિયામાં સૌથી વધુ જાણીતી બંગાલી મીઠાઈ તે રોશોગુલ્લા. મુંબઈમાં બંગાળી મીઠાઈની દુકાનો શરૂ થઈ એ પહેલાં કલકત્તાના દાસના રસગુલ્લા મુંબઈ પહોંચી ગયેલા, ટીન્ડ અવતારમાં. એવી જ રીતે યમુના-ગંગાના ઉત્તર પ્રદેશની મીઠાઈઓ પણ મુંબઈગરાની દાઢે વળગી ગઈ. અગાઉ મુંબઈમાં મુખ્યત્વે મરાઠી અને ગુજરાતી મીઠાઈઓનું ચલણ. પણ પછી મુંબઈ બહારથી આવેલી મીઠાઈઓએ સ્થાનિક મીઠાઈઓને આઘી ખસેડી. જેમ કે દૂધપાક, ચૂરમા લાડુ. ખીર હવે ફક્ત શ્રાદ્ધપક્ષમાં ઘરે બને. પછી બાકીનું વરસ લગભગ ખોવાઈ જાય. એવું જ મોહનથાળ, ચંદ્રકળા, સૂર્યકળા વગેરે પરંપરાગત મીઠાઈઓનું.
પણ સારી ખાવાપીવાની વાનગીઓ માત્ર હોટેલોમાં જ મળે એવું નહીં. મુંબઈની ફુટપાથો પર પણ મળે. સૌથી પહેલાં યાદ આવે સાઇકલ પર ફરી-ફરીને ગરમાગરમ ચા-કૉફી વેચનારા. જોકે હવે કાગળની સાવ નાનકડી પ્યાલીમાં જે ચા મળે છે એનાથી બત્રીસ દાંત પણ ભીના ન થાય! લાગે છે કે હવે એવો વખત આવશે જ્યારે ચાવાળો મારા-તમારા મોઢામાં ડ્રૉપરથી ચાનાં ટીપાં નાખશે. એક રૂપિયાનું એક ટીપું! સો ટીપાં લો તો દસ ટીપાં મફત! એવી જ રીતે સાઇકલ પર ફરી-ફરીને ઇડલી-વડાં વેચનારા સાઇકલનું ભોપું વગાડીને ઘરાકોનું પોતાના તરફ ધ્યાન ખેંચે. એક જમાનામાં શિંગ-ચણા, ચણા જોર ગરમ, ચણીબોર, લીલી આમલી, તાડગોળા, ગંડેરી, બાફેલાં શિંગોડાં વગેરે વેચતા ફેરિયાઓની બોલબાલા. એમાં ચણા જોર ગરમ તો હિન્દી ફિલ્મ સુધી પહોંચી ગયા હતા. ૧૯૫૬માં આવેલી ‘નયા અંદાઝ’ ફિલ્મનું શમશાદ બેગમ અને કિશોરકુમારે ગાયેલું ‘ચના જોર ગરમ બાબુ મૈં લાયા મઝેદાર’ આજેય જૂની ફિલ્મોના ચાહકોની જીભે રમે છે. હવે મોટે ભાગે આવા ફેરિયા સ્કૂલોની બહાર જોવા મળે તો મળે.
પછી આવે રસ્તાની ધારે નાનકડી મોબાઇલ હાટડી માંડી ચા-કૉફી, ઇડલી-વડા, કાંદાપોહે, ઉપમા વગેરે વેચનારાઓ. અમુક ચોક્કસ વખતે જ જોવા મળે. લાવેલો બધો માલ વેચાઈ જાય એટલે ચાલતી પકડે. પછીને પગથિયે આવે રોડ સાઇડ સ્ટૉલવાળા. એમાં સૌથી માનીતા વડાપાંઉવાળા. કાયમી ઘરાકો તો અમુક ચોક્કસ સ્ટૉલના બંધાણી હોય. એવા જ બીજા સ્ટૉલ તે ઢોસાના. ‘એક વર્યો ગોપીજન વલ્લભ નહીં સ્વામી બીજો’ની જેમ કેટલાક તો ફક્ત ઢોસા જ વેચે, ઉત્તપમ પણ નહીં! પણ ઢોસામાં ૫૦-૬૦ જાતની વરાઇટી! આવા કોઈ સ્ટૉલથી દસ ડગલાં દૂર પાછી કોઈ મલ્ટિનૅશનલ ચેઇનનું આઉટલેટ હોય જ્યાં વૅનિલા મિલ્કશેકના સ્મૉલ મગના ૪૦૦-૫૦૦ રૂપિયા આપવા પડે. જીવનની બીજી બધી બાબતોની જેમ મુંબઈમાં મધ્યમ વર્ગના લોકો બન્ને બાજુથી ભીંસાતા જાય. ઉપલા વર્ગ માટેનું પોસાય નહીં, નીચલા વર્ગ સાથે ઊઠતાં-બેસતાં સંકોચ થાય. આવા મધ્યમ વર્ગના લોકો માટે રોડસાઇડ સ્ટૉલ વરદાનરૂપ.
મુંબઈની સૌથી જૂની અને આજે પણ ચાલતી હોય એવી હોટેલ કઈ? આવી ઝીણી વિગતો સંઘરવાની આપણને ટેવ જ નથી. પણ કદાચ વીટી કહેતાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી થોડે દૂર આવેલા પંચમ પૂરીવાલાને આ માન મળી શકે. પંચમ શર્મા નામના સાહસિક છેક ઉત્તર પ્રદેશથી પગરસ્તે મુંબઈ આવ્યા, કારણ કે હજી એ વખતે દેશમાં રેલવે શરૂ થઈ જ નહોતી. અને ૧૮૪૮માં શરૂ કરી પૂરી-ભાજીની નાનકડી દુકાન. પોતાનું નામ પંચમ એટલે દરેક પ્લેટમાં પાંચ પૂરી આપતા. આ પરંપરા આજે પણ ચાલુ જ છે. વિક્ટોરિયા ટર્મિનસનું ભવ્ય મકાન ૧૮૮૭ના જૂનની ૨૦મી તારીખે ખુલ્લું મુકાયેલું. એટલે કે આ પંચમ પૂરીવાલા વીટી સ્ટેશન કરતાંય વધુ જૂની હોટેલ. અરે, ૧૮૫૩માં જ્યાંથી દેશની પહેલવહેલી ટ્રેન સેવા શરૂ થયેલી એ બોરીબંદરનું લાકડાનું મકાન પણ આ દુકાન પછી બંધાયેલું! ત્યારથી માંડીને આજ સુધી જાતભાતની હોટેલો મુંબઈમાં આવતી અને જતી રહી છે, કારણ કે મુંબઈ ક્યારેય થોભતું કે થંભતું નથી. સતત ચાલતું, ના દોડતું રહે છે. આવા દોડતા મુંબઈની બીજી કેટલીક વાતો હવે પછી.

