પરિવાર માટે પૂરતો આરોગ્ય વીમો હોવો પણ એટલું જ જરૂરી છે. આજકાલ હૉસ્પિટલના ખર્ચ ઝડપથી વધી રહ્યા છે. યોગ્ય વીમો કઢાવેલો હોય તો અચાનક આવતી માંદગીઓમાં આર્થિક ભાર ઓછો થાય છે અને પરિવારને સુરક્ષા મળે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)
આજના સમયમાં દુનિયા પહેલાં કરતાં ઘણી વધુ નજીક આવી ગઈ છે. વૈશ્વિકીકરણને કારણે દેશો વચ્ચે વેપાર, ટેક્નૉલૉજી અને સંદેશવ્યવહાર ઝડપથી વધ્યાં છે. એક દેશની ઘટના હવે માત્ર એ દેશ સુધી મર્યાદિત રહેતી નથી પરંતુ સમગ્ર વિશ્વને અસર કરે છે. દુનિયાના મોટા ભાગના દેશો હવે એકબીજાની જરૂરિયાતો માટે નિર્ભર બની ગયા છે, પરંતુ આ નિર્ભરતા ઘણી વખત જોખમ પણ ઊભું કરે છે. કોઈ દેશમાં જ્યારે યુદ્ધ થાય, રાજકીય તનાવ વધે અથવા રોગચાળો ફેલાય ત્યારે એની સીધી અસર સામાન્ય લોકોના જીવન અને અર્થતંત્ર પર પડે છે.
તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગા સંબોધનમાં જનતાને અપીલ કરીને છે કે સૌએ ઊર્જાનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરવો, વિદેશપ્રવાસ ટાળવા અને એક વર્ષ સુધી સોનું ન ખરીદવું. આમ કહેવાનું કારણ આપણે સૌ જાણીએ જ છીએ.
ADVERTISEMENT
આવી પરિસ્થિતિઓ આપણા નિયંત્રણની બહાર હોય છે છતાં એની અસર સીધી આપણા નાણાકીય જીવન પર થાય છે. શૅરબજારમાં ઘટાડો, સોનાના ભાવમાં ફેરફાર અથવા નોકરી અને બિઝનેસમાં અનિશ્ચિતતા લોકોમાં ભય અને ચિંતા પેદા કરે છે. ઘણી વખત લોકો ગભરાઈને ઉતાવળમાં નિર્ણય લઈ લે છે જે લાંબા ગાળે નુકસાનકારક બની શકે છે. મુશ્કેલ સમયમાં શાંતિ અને ધીરજ રાખવી ખૂબ જરૂરી છે.
આર્થિક સુરક્ષા માટે સૌથી પહેલું અને મહત્ત્વનું પગલું છે ઇમર્જન્સી ફન્ડ તૈયાર કરવું. જીવનમાં ક્યારેક અચાનક મુશ્કેલી આવી શકે છે. નોકરી જતી રહે, બિઝનેસમાં નુકસાન થાય અથવા ઘરમાં આરોગ્ય સંબંધિત ખર્ચ થઈ જાય ત્યારે બચત ખૂબ મદદરૂપ બને છે. ઓછામાં ઓછા ત્રણથી ૬ મહિનાના ખર્ચ જેટલી રકમ અલગ રાખવી જોઈએ. આથી મુશ્કેલ સમયમાં સારાં રોકાણોને નુકસાન કરીને વેચવાની ફરજ પડતી નથી અને માનસિક શાંતિ પણ જળવાઈ રહે છે.
પરિવાર માટે પૂરતો આરોગ્ય વીમો હોવો પણ એટલું જ જરૂરી છે. આજકાલ હૉસ્પિટલના ખર્ચ ઝડપથી વધી રહ્યા છે. યોગ્ય વીમો કઢાવેલો હોય તો અચાનક આવતી માંદગીઓમાં આર્થિક ભાર ઓછો થાય છે અને પરિવારને સુરક્ષા મળે છે.
રોકાણ કરતી વખતે પણ સમજદારી રાખવી જોઈએ. બજારમાં ઉતાર-ચડાવ આવતા રહે છે, પરંતુ દરેક ફેરફારથી ગભરાઈને નિર્ણય બદલવો યોગ્ય નથી. રોકાણ હંમેશાં પોતાની જરૂરિયાત અને ભવિષ્યનાં લક્ષ્યોને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. લાંબા ગાળે ધીરજ અને નિયમિતતા જ સારો લાભ આપે છે.
ઘણા પરિવારોમાં નાણાકીય માહિતી માત્ર એક વ્યક્તિ સુધી મર્યાદિત રહે છે; પરંતુ રોકાણ, બૅન્ક-ખાતાં, વીમો અને જરૂરી દસ્તાવેજોની માહિતીની પરિવારજનોને જાણ કરવી ખૂબ જરૂરી છે. મુશ્કેલ સમયમાં આ માહિતી પરિવાર માટે ખૂબ ઉપયોગી બને છે. સાથે જ બિનજરૂરી ખર્ચ ટાળવા, વધુ લોન ન લેવી અને દેખાદેખીમાં ખર્ચ ન કરવો એ આજના સમયમાં આર્થિક સ્થિરતા માટે ખૂબ જ જરૂરી બની ગયું છે.
