હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘રાહુ-કેતુ’માં જે વાર્તા છે એમાં એક હાયપોથેટિકલ એટલે કે કાલ્પનિક વાત રજૂ કરવામાં આવી છે જેના અનુસાર ‘અતરંગી કહાનિયાં’ નામની એક બુક છે જેમાં લેખક લખે એટલે એ બધું સાચું થઈ જાય.
આપણું ભવિષ્ય આપણે પોતે જ લખવાનું છે : અસલ ચીઝ તેરા કરમ હૈ પ્યારે
હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘રાહુ-કેતુ’માં જે વાર્તા છે એમાં એક હાયપોથેટિકલ એટલે કે કાલ્પનિક વાત રજૂ કરવામાં આવી છે જેના અનુસાર ‘અતરંગી કહાનિયાં’ નામની એક બુક છે જેમાં લેખક લખે એટલે એ બધું સાચું થઈ જાય. આ કલ્પના આમ તો દરેક લેખકના સુંદર સપના સમી છે. લેખક પોતાના મનમાં એક વિશ્વની રચના કરે છે. પોતાના પસંદ કરેલા શબ્દો મારફત તે વિશ્વનું ઘડતર કરે છે. લેખક માટે તેની વાર્તાથી વધુ મોટી કોઈ હકીકત હોતી નથી, પણ એટલું પૂરતું નથી. તેને લાગે છે કે તેના વાચકો માટે પણ એ હકીકત બની જાય.
દરેક લેખકની જદ્દોજહદ જ એ છે કે તે એવું લખે કે કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ જ મટી જાય. એક નવલકથાકાર એક એવું વિશ્વ રચે છે જે વાચકના મસ્તિષ્કમાં હકીકત બનીને ઊભરી આવે છે. એટલે જ ૧૯મી શતાબ્દીમાં ગોવર્ધનરામ ત્રિપાઠીએ લખેલી ‘સરસ્વતીચંદ્ર’ આજે પણ વાંચીએ તો કુમુદ અને સરસ્વતીચંદ્રનાં પાત્રો અને તેમનો પ્રેમ આપણી નજર સમક્ષ જીવંત બની જાય છે. એક સ્ક્રીનપ્લે-રાઇટર એવાં પાત્રો રચે છે જેને ત્રણ કલાક પડદા પર જોઈને માણસો તેમના ગળાડૂબ પ્રેમમાં પડી જાય છે, એનાથી મોટી હકીકત બીજી શું હોય? પ્રિન્ટના પત્રકારોની વાત જોકે થોડી જુદી છે, એ તો બિચારા હકીકત જ લખે છે પણ આજના સમયમાં એની અસર કાલ્પનિક બની જાય છે.
ADVERTISEMENT
‘રાહુ-કેતુ ‘ ફિલ્મમાં એક લેખક છે જેમણે રાહુ અને કેતુ નામનાં બે પાત્રો લખ્યાં છે. એ પાત્રોને શરૂઆતમાં લેખકે અપશુકનિયાળ બનાવ્યાં હતાં જેના દ્વારા તે રાજ્યમાં થતાં ગેરકાનૂની કામોને નજર લગાડવા માગતા હતા. જોકે આ પાત્રો નબળાં પુરવાર થયાં એટલે એક બીજા મહાન કથાકાર (ઍક્ટર પીયૂષ મિશ્રા) મદદે આવ્યા જેમણે આ પાત્રોમાં પ્રાણ ફૂંકવાનું કામ કર્યું. ધીમે-ધીમે આ બન્ને પાત્રો રાજ્યની દશા અને દિશા બદલવાના કામમાં લાગી જાય છે. જે-જે વ્યક્તિના પાપના ઘડા ભરાતા જાય એ વ્યક્તિનાં કર્મોનો હિસાબ લેવા રાહુ-કેતુ તેમની પાસે પહોંચી જાય છે અને ધીમે-ધીમે બન્ને મળીને રાજ્યમાં ફેલાયેલા ડ્રગ્સના ધંધાનો નાશ કરે છે. આ આખા ગંભીર પ્લૉટને તેમણે થઈ શકે એના કરતાં ઘણી વધારે હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાની કોશિશ કરી છે, જેની મજા છે. લોકો માટે આ એક ફન ફૅમિલી ફિલ્મ બની રહેશે પણ આ મજાક-મસ્તી પાછળ એક મહત્ત્વનો મેસેજ જે ફિલ્મમાં ઘણો છૂપી રીતે દેવામાં આવ્યો છે એના તરફ એક નજર ચોક્કસ માંડવી પડે.
થોડા સમય પહેલાં ‘સુપર બૉય્ઝ ઑફ માલેગાંવ’ ફિલ્મમાં એક ખૂબ સરસ ડાયલૉગ છે, ‘રાઇટર બાપ હોતા હૈ’. આ ડાયલૉગ લખવા પાછળનો તેમનો હેતુ કદાચ એ હતો કે લોકો લેખકને માન આપે, પણ આ કળિયુગમાં બાળકો પોતાના સગા બાપને માન નથી આપતા ત્યાં રાઇટરને બાપ માની પણ લે તો શું? માનની અછત તો રહેવાની જ. કથાવિશ્વના રચયિતાને બુક્સ હોય કે ફિલ્મ્સ, OTT હોય કે ટીવી; બધી જ જગ્યાએ ક્રેડિટ કે કૅશ બન્ને નહીંવત્ મળતાં હોય છે, પણ એક રાઇટર છે જેને સમગ્ર વિશ્વ માન આપે છે. એ છે ઈશ્વર. આપણી જીવનગાથાના સર્વોત્તમ રાઇટર.
ઈશ્વરે પોતાની વાર્તામાં આપણને બધાને જુદાં-જુદાં પાત્રો તરીકે સ્થાપિત કર્યાં છે. દરેક પાત્રનું નિર્માણ કોઈ ને કોઈ કારણોસર જ તેણે કર્યું છે. તે આપણી વાર્તા લખતા જઈ રહ્યા છે કે લખી ચૂક્યા છે એ ખબર નથી, પણ જે લખાયેલું છે એ થઈને જ રહે છે એ હકીકત આપણે બધાએ અપનાવેલી છે. તેના લેખનને આપણે ભાગ્ય કહીએ છીએ. આપણું ભાગ્ય જે રીતે લખાયું છે એ મુજબ જ આપણા જીવનની ગાડી ચાલવાની છે. ઘણીબધી વાર આપણને પ્રશ્ન થતો જ હોય છે કે આવું મારી સાથે કેમ થયું ત્યારે એનો જવાબ ‘ભાગ્ય’ જ હોય છે. ભાગ્યની આગળ બધાએ ઝૂકવું પડે છે. પણ આપણે તો મનુષ્ય, ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન, કોઈની સામે ઝૂકીએ ખરા?
ફિલ્મના બીજા ભાગમાં પુલકિત સમ્રાટ દ્વારા ભજવાયેલા પાત્ર ‘કેતુ’ને પ્રશ્ન ઊભો થાય છે કે આ બુકમાં લખાયેલું છે એ પ્રમાણે મારે ન કરવું હોય તો પણ મારે કરવું જ પડશે? આ કેવી જબરદસ્તી છે? બુકમાં લખાય છે કે તું તારા જ જૂતાથી ખુદને માર. તે અઢળક પ્રયાસ કરે છે. ખંત કરે છે કે તે ખુદને ન મારે. એ બુકમાં લખાય છે કે તું તારા જ મિત્રને માર. તે પોતાના પ્રિય મિત્ર વરુણ શર્મા દ્વારા ભજવાયેલા પાત્ર ‘રાહુ’ને સોટીથી મારે છે ત્યારે તેનું હૃદય કચવાય છે. તે દુખી થાય છે અને તેને રિયલાઇઝ થાય છે કે કોઈ બીજું લખે મારા માટે અને મારે કરવું પડે એ મને મંજૂર નથી, કેમ અમે અમારી સ્ટોરી ખુદ ન લખી શકીએ? આ પ્રશ્ન મનુષ્યના આત્મબોધ માટેનો સર્વોચ્ચ પ્રશ્ન છે. હું કોણ છું? હું સાચું કોને સમજું છું? હું ખોટું કોને માનું છું? હું જે કંઈ પણ કરું કે ન કરું એ દરેક કર્મ પર મારો અધિકાર હોવો જરૂરી છે. મનુષ્યનું કર્મ ભાગ્યને આધીન ન હોઈ શકે, ભાગ્ય કર્મને આધીન છે.
જીવનના દરેક ડગલે જો તમે એક જાગ્રત મનુષ્ય હો તો તમે આ ફીલ ચોક્કસ કર્યું હશે. ઘણી વાર પરિસ્થિતિ આપણને એવી કસોટીમાં મૂકી દેતી હોય છે કે આપણને લાગે કે મારી સાથે કેમ આવું થયું? અમુક પરિસ્થિતિમાં આપણે ‘ભાગ્ય’ને સરેન્ડર કરી દેતા હોઈએ છીએ. ઈશ્વરઇચ્છા માનીને સમતા ભાવે સહન કરી લેતા હોઈએ છીએ, પણ અમુક પરિસ્થિતિ એવી આવે છે કે ‘ભાગ્ય’ને સરેન્ડર થવાતું નથી. ત્યાં બળવો પોકારવો જરૂરી થઈ પડે છે. આવા સમયે શું થાય છે? આવા સમયે જીવનની બુક આપણે આપણા હાથમાં લઈ લઈએ છીએ. ફિલ્મમાં મારા માટે પીક મોમેન્ટ એ છે જ્યારે રાહુ-કેતુ પોતાની જીવન-કિતાબમાં પોતાનું ભવિષ્ય ખુદ લખે છે, જીવનની લગામ ખુદના હાથમાં લે છે.
આપણે મનુષ્યો જ્યારે આપણી વાર્તા ખુદ લખીએ ત્યારે એક લેખક તરીકે આપણી પાસે એ શક્તિ આવી જાય છે કે આપણે જે લખીશું એ હકીકત બનીને સામે પ્રગટશે. એને હકીકત બનાવવાની મહેનત ફક્ત એટલી છે કે આપણે આપણી જીવનની કિતાબ ખોલીને સારા-નરસાની સમજ સાથે છોલેલી ‘બુદ્ધિની પેન્સિલ’ હાથમાં પકડીએ અને આપણું ભવિષ્ય લખીએ, કારણ કે અસલ ચીઝ તેરા કરમ હૈ પ્યારે, અસલ ચીઝ તેરા કરમ હૈ પ્યારે...


