Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > નવલિકા : પોસ્ટ-બૉક્સ 786

નવલિકા : પોસ્ટ-બૉક્સ 786

Published : 01 November, 2026 09:45 AM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

વાંચો નવલિકા અહીં

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


મુંબઈ પોલીસ-હેડક્વૉર્ટરનો મેઇન કૉન્ફરન્સ હૉલ કૅમેરા, માઇકના વાયરો અને પત્રકારોના ગણગણાટથી ભરેલો હતો. બધાની આંખો સામે બેઠેલા ડેપ્યુટી પોલીસ-કમિશનર પ્રદીપ રાઠોડ પર હતી અને પ્રદીપ રાઠોડની આંખોમાં વર્ષોની લડાઈઓનો થાક દેખાતો હતો. તેમના ખભા પર ૩ સ્ટાર અને છાતી પર મેડલ ચમકતા હતા. ગઈ કાલે મહિનાનો છેલ્લો દિવસ હતો અને પોલીસ-ડિપાર્ટમેન્ટની ૩૪ વર્ષ લાંબી કરીઅરનો પણ છેલ્લો દિવસ.

સિનિયર ક્રાઇમ રિપોર્ટર મનોજ દેસાઈએ ઊભા થઈને પ્રદીપ રાઠોડ સામે જોયું.



‘સર, અન્ડરવર્લ્ડનાં ચાલીસથી વધુ એન્કાઉન્ટર કર્યાં, દાઉદ અને છોટા રાજનની ગૅન્ગોને તોડવાનું કામ કર્યું. આજે જ્યારે તમે વર્દી સબમિટ કરો છો ત્યારે કોઈ એવો કેસ જે તમને યાદ રહી ગયો હોય અને છેલ્લે સુધી ભુલાવાનો ન હોય...’


પ્રદીપ રાઠોડે ધીમેથી પોતાની
પીક-કૅપ ઉતારીને ટેબલ પર મૂકી, માઇક નજીક લીધું. ક્ષણ માટે હૉલમાં છવાયેલો શોરબકોર શાંત થયો.

‘એક કેસ છે જેના અંત સુધી અમે પહોંચી ગયા, પણ ક્યારેય સૉલ્વ ન કરી શક્યા.’ પ્રદીપ રાઠોડનો અવાજ ભારે હતો, ‘એ કેસ કાગળ પર કિડનૅપિંગનો લાગતો હતો, પણ હકીકતમાં એ દેશના ઇતિહાસના સૌથી ડાર્ક ચૅપ્ટર માટે ફન્ડ એકઠું કરવાની રીત હતી. વાત ૧૯૯૨ના ઑક્ટોબર મહિનાની છે... એ કેસનું નામ હતું મૅગ્નમ ફિલ્મ્સ કેસ. એમાં ભેગા કરાયેલા ૩.૭૫ કરોડ રૂપિયા ૧૯૯૩ના મુંબઈ બૉમ્બ-બ્લાસ્ટમાં વપરાયા.’


હૉલમાં પિન-ડ્રૉપ સાઇલન્સ પ્રસરી ગયું.

પ્રદીપ રાઠોડની આંખ સામે ભૂતકાળ આવી ગયો હતો.

lll

૧૯૯૨ની ૭ ઑક્ટોબર.

સિટીનાં તમામ મેઇન ન્યુઝપેપરોમાં હાફ પેજની ઍડ હતી.

મૅગ્નમ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ – ઇન્ટરનૅશનલ લેવલની મેગા બજેટ ફિલ્મ માટે તદ્દન નવાં હીરો-હિરોઇનની શોધ. જો તમે ટૅલન્ટ ધરાવતા હો અને ફિલ્મમાં કામ કરવા ઇચ્છતા હો તો તમારો બાયોડેટા અને પોર્ટફોલિયો આજે જ રવાના કરો.

પોસ્ટ-બૉક્સ નંબર ૭૮૧, મુંબઈ.

lll

આવનારા બાયોડેટા ચેક કરવા બેઠેલી વ્યક્તિનું ધ્યાન પોર્ટફોલિયો પર નહીં, બાયોડેટામાં આપેલી એ વિગતો પર હતી જેના આધારે ખબર પડે કે આવનારા યંગસ્ટર્સ શ્રીમંત પરિવારના હોય. અલબત્ત, આ તો પહેલો રાઉન્ડ હતો. પહેલા રાઉન્ડમાં ૬૦ યંગસ્ટર્સ પસંદ કરવામાં આવ્યા. તેમને મુંબઈમાં મળવા બોલાવવામાં આવ્યા. એ મીટિંગ સહારા સ્ટારમાં રાખવામાં આવી હતી. મીટિંગમાં આવેલા યંગસ્ટર્સને તેમના વિશે ઓછી અને ફૅમિલી વિશે વધારે પૂછપરછ કરવામાં આવી અને એમાંથી ૨૦ યંગસ્ટર્સને શૉર્ટલિસ્ટ કર્યા, જેમાં ૧૨ છોકરાઓ અને ૮ છોકરીઓ હતી. એ ૨૦ શૉર્ટલિસ્ટ યંગસ્ટર્સ માત્ર દેખાવડા જ નહોતા; મુંબઈના ટોચના ઇન્ડસ્ટ્રિયલિસ્ટ, ડાયમન્ડ મર્ચન્ટસ, બિલ્ડરો અને શુગર-મિલના માલિકોનાં એકમાત્ર સંતાનો હતાં.

સિલેક્ટ થયેલા તમામ યંગસ્ટર્સને સેકન્ડ રાઉન્ડમાં તાજ હોટેલના બૅન્ક્વેટ હૉલમાં બોલાવવામાં આવ્યા. હવે તેમણે બે દિવસ અહીં જ રહેવાનું હતું.

કૉકટેલ અને સ્નૅક્સ સર્વ થયા પછી અનાઉન્સમેન્ટ કરવામાં આવી કે આ છેલ્લો રાઉન્ડ છે, સ્ક્રિપ્ટની ડિમાન્ડ મુજબ રિયલ આઉટડોર લોકેશન પર સ્ક્રીન-ટેસ્ટ શૂટ માટે જવાનું છે, જેના માટે પ્રોડક્શનની સ્પેશ્યલ બસ બહાર તૈયાર છે.

આંખોમાં સિલ્વર સ્ક્રીનના સ્ટારિઝમનાં સપના સાથે વીસેવીસ યંગસ્ટર્સ બસમાં સવાર થયા અને બસ લોનાવલા-ખંડાલા તરફ આગળ વધી.

lll

ખંડાલાના પહાડી વિસ્તારના મેઇન રોડથી ઊતરીને બસ કાચા રસ્તે વળી અને મેઇન રોડથી દોઢેક કિલોમીટર અંદર એક અવાવરું ફાર્મહાઉસના કમ્પાઉન્ડમાં આવી કે તરત બસમાંથી બહાર આવીને ફિલ્મના ડિરેક્ટર એવા બિઅર્ડવાળા એક માણસે ક્લેપબોર્ડ હાથમાં લીધું.

‘આપણી ફિલ્મ ઝૂંપડપટ્ટીમાં ઊભી થતી લવસ્ટોરી પર છે. ફિલ્મનો પહેલો સીન છે કે તમારી ફૅમિલી બરબાદ થઈ ગઈ છે, તમે લાચાર અને દયનીય હાલતમાં છો. દરેક કૅરૅક્ટરની આંખોમાં મને લાચારી જોઈએ.’ ડિરેક્ટરે સૂચના આપી, ‘બધાના કૉસ્ચ્યુમ્સ આવી ગયા છે, જલદી કૉસ્ચ્યુમ્સ ચેન્જ કરો...’

યંગસ્ટર્સ માટે આ આર્ટ સિનેમાનો નવો નઝારો હતો. તેમણે તાત્કાલિક પ્રોડક્શને તૈયાર રાખેલાં ફાટેલાં કુરતા, પાયજામા અને મેલાં કપડાં પહેરી લીધાં. તરત જ મેકઅપ આર્ટિસ્ટે તેમના ચહેરા પર કાદવ, થોડું લોહી અને ધૂળ સાથે લાચારીનો મેકઅપ કરી નાખ્યો અને એ પછી બધાને ફાર્મહાઉસની અંધારી રૂમમાં બેસાડી દીધા. તેમના હાથ અને પગ દોરડાથી બાંધવામાં આવ્યા.

‘સર, આ શું કામ?’

રોહન નામના એક છોકરાએ સવાલ કર્યો.

‘આ લવસ્ટોરી છે જેમાં અબજોપતિ સાથે પ્રેમ થાય છે અને અબજોપતિ એ પ્રેમને રોકવા માટે કિડનૅપ કરે છે...’ ડિરેક્ટરે કહ્યું, ‘ચાલ, ફટાફટ બેસ... હવે બધાના ફોટોગ્રાફસ લેવાના છે...’

બધા ગોઠવાયા કે તરત કૅમેરામૅને ક્લોઝ-અપ લેવાના શરૂ કર્યા. પડતા એ દરેક ફોટોમાં યંગસ્ટરના ફેસ પર ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો.

ફોટો-સેશન પૂરું થયું અને કહાનીમાં ટ્‍વિસ્ટ આવ્યો.

ડિરેક્ટરે કૅમેરા સાઇડમાં મૂક્યો અને જૅકેટમાંથી ૯ MMની લોડેડ પિસ્તોલ કાઢીને એક યુવાનના લમણા પર મૂકી. કોઈ કંઈ બોલે એ પહેલાં ૪ ક્રૂ મેમ્બર્સે બૅગમાંથી સ્ટેનગન અને ચાકુ બહાર કાઢ્યાં.

‘અવાજ કર્યો તો ખોપરી ઉડાવી દઈશ...’ ડિરેક્ટરે કર્કશ અવાજે બધા સામે જોયું, ‘તમે લોકો કિડનૅપ થયા છો... આપણે કોઈ શૂટિંગ નથી કરતા. મને કોઈ અવાજ નહીં જોઈએ, કોઈ પ્રતિકાર ન જોઈએ. સપોર્ટ આપશો તો બચેલા રહેશો...’

એ યંગસ્ટર્સનો સપનાંઓનો મહેલ તૂટી ગયો હતો. તેમને ખબર નહોતી કે હવે તેમની સાથે શું થવાનું છે?

lll

અડધા જ કલાકમાં એ યંગસ્ટર્સના લાચાર અને દયનીય ફોટોગ્રાફ્સના ફેક્સ તેમના ઘરે થઈ ગયા હતા. ફેક્સ પહેલાં એક ફોન થતો, ફેક્સ ઑન રાખવાની સૂચના આપવામાં આવતી અને એ પછી ફેક્સ કરવામાં આવતો. ફેક્સ પછી રેકૉર્ડેડ મેસેજવાળો ફોન થતો...

‘તમારા સંતાનની હાલત જોઈ લો. જો તેને જીવતો જોવો હોય તો રાતના બે વાગ્યા સુધીમાં ૨૦ લાખ કૅશ તૈયાર રાખજો. જો પોલીસને કહ્યું છે તો તમારાં આ હૅન્ડસમ દીકરા/બ્યુટિફુલ દીકરીનો ચહેરો એવો કદરૂપો કરીને મોકલીશું કે તમે પોતે તેને મારી નાખશો...’

એક-બે નહીં, પૂરી ૨૦ ફૅમિલી અને દરેક પાસે માથાદીઠ ૨૦ લાખની માગણી.

કુલ ૪ કરોડ રૂપિયા.

નેવુંના દશકમાં આ રકમ જબરદસ્ત તોતિંગ હતી.

ફૅમિલી પણ એવી હતી જેમને પૈસા કરતાં પોતાનાં દીકરા-દીકરીનો જીવ વહાલો હતો. બીજી વાત, પ્રોટેક્શન મનીમાં એક-બે કરોડ અપાતા હોવાનું આ સૌ સાંભળી ચૂક્યા હતા, જેની સામે વાત ૨૦ લાખ પર આવીને ઊભી હતી અને સૌથી અગત્યની વાત, હાથમાં પોતાનાં દીકરા-દીકરીઓના લોહીલુહાણ ફોટો હતા. એવા સમયે કોઈમાં પોલીસ પાસે જવાની હિંમત નહોતી રહી. બધાએ ચૂપચાપ લૉકરો ખાલી કર્યાં અને કિડનૅપર્સને તેઓ કહેતાં એવી રેલવે-ક્રૉસિંગ અને હાઇવે પૉઇન્ટ્સની જગ્યા પર બૅગ પહોંચાડી દીધી.

રાતના ૩ વાગ્યા સુધીમાં કિડનૅપર્સે ૪ કરોડની રોકડ રિકવર કરી લીધી.

આખું ઑપરેશન એટલી સિફતથી પાર પાડવામાં આવ્યું હતું કે ક્યાંય કોઈ અડચણ આવી નહીં, પણ ખંડાલાના એ ફાર્મહાઉસમાં અચાનક એક વળાંક આવ્યો હતો.

lll

રોહન મલ્હોત્રા, મલ્હોત્રા શુગર મિલના માલિકના દીકરાને સુસુ લાગી એટલે તેને બહાર લાવવામાં આવ્યો. સુસુ કર્યા પછી રોહને જોયું કે તેના પર નજર રાખનારો સિગારેટ સળગાવવામાં બિઝી હતો એટલે તેણે હિંમત કરીને જમીન પરથી પથ્થર ઊંચક્યો અને પેલાના માથા પર ઝીંકી દીધો. તે કિડનૅપર ત્યાં જ ઢળી પડ્યો અને રોહન અંધારામાં ઝાડીમાં કૂદ્યો. કાંટા તેના પગમાં ખૂંચ્યા, પથ્થરોથી ઘૂંટણ છોલાયા, શરીરમાંથી લોહી વહેવા લાગ્યું; પણ તે જીવ બચાવવા દોડતો રહ્યો.

lll

‘સાહેબ... બચાવો. અમે તાજ હોટેલથી આવ્યા હતા... ફિલ્મ્સવાળાએ ૨૦ જણને કિડનૅપ કર્યા છે... એક જૂના ફાર્મહાઉસમાં અમને રાખ્યા છે... એ લોકો પાસે બંદૂક છે, અમને શૂટિંગના બહાને ફસાવ્યા છે...’

અડધો કલાક એકધારું ભાગ્યા પછી રોહન ખંડાલા પોલીસ-સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર સાવંત સામે ઊભો હતો. રોહનની આંખમાં આંસુ હતાં.

સાવંતે આળસ મરડીને રોહનને પગથી માથા સુધી જોયો. રોહને ભિખારીનાં ચીંથરાં પહેર્યાં હતાં, ચહેરા પર કાદવ અને નકલી લોહીના ડાઘા હતા.

‘ઓ રાજ કપૂરના વારસદાર, બહુ ચડી ગઈ કે શું?’ ઇન્સ્પેક્ટર સાવંત હસી પડ્યા, ‘ભાગ, નહીં તો એવો મારીશ કે પિક્ચરનું ભૂત ઊતરી જશે. જા, જઈને સેટ પર સૂઈ જા.’

રોહને કરગરતો રહ્યો, પણ સાવંતે તેને સાંભળ્યો નહીં અને ગાળો દઈને બહાર કાઢી મૂક્યો. રોહન આખી રાત પોલીસ-સ્ટેશનની બહાર બેસીને રડતો રહ્યો, પણ સાવંતે તેની સામે જોવાની દરકાર સુધ્ધાં ન કરી.

ઇન્સ્પેક્ટર સાવંતને ખબર નહોતી કે તેની આ ભૂલ તેની જ કરીઅર માટે કેવડી ઘાતક પુરવાર થવાની છે.

lll

સવારે ૮ વાગ્યે મુંબઈ હેડક્વૉર્ટરમાંથી રેડ અલર્ટ આવી.

મુંબઈના ૩ કરોડપતિઓએ ડરીને કમિશનરને અંગત રીતે ફોન કર્યો હતો કે તેમનાં બાળકોનું અપહરણ થયું છે, ખંડણી આપી દીધી છે; પણ બાળકો હજી આવ્યાં નથી.

વાયરલેસ પર મેસેજ આવ્યો ત્યારે ઇન્સ્પેક્ટર સાવંતના હાથમાંથી ચાનો કપ પડી ગયો. પોલીસ-વૅન લઈને સાવંત રોહનને શોધવા ભાગ્યા અને રોહન કહેતો હતો એ ફાર્મહાઉસ પર રેઇડ પાડી, પણ મોડું થઈ ગયું હતું.

ફાર્મહાઉસમાં ૧૯ યંગસ્ટર્સ બેભાન હાલતમાં મળ્યા. કિડનૅપર્સ રાતે જ ૪ કરોડ લઈને ગાયબ થઈ ગયા હતા.

આખી ઘટના એટલી ગંભીર અને હાઈ-પ્રોફાઇલ હતી કે પોલીસ-કમિશનરે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી અને પ્રદીપ રાઠોડને એની જવાબદારી સોંપી.

lll

પોસ્ટ-બૉક્સ નંબર ૭૮૬, મુંબઈ.

આ એકમાત્ર ક્લુના આધારે ઇન્સ્પેક્ટર પ્રદીપ રાઠોડે તપાસ કરવાની હતી. પ્રદીપ રાઠોડ જનરલ પોસ્ટ-ઑફિસ ગયા. તેમને મનમાં હતું કે જેણે આ બૉક્સ ભાડે રાખ્યું હશે તેના સરનામાની કોઈ વિગત મળશે, પણ રજિસ્ટર ચેક કરતાં તેમને મોટો આંચકો લાગ્યો.

પોસ્ટ-બૉક્સ નંબર ૭૮૧ બીજા કોઈના નામે નહીં, ભારત સરકારના રૉ ઇન્ટેલિજન્સ ઑફિસર અરવિંદ જોશીના નામે રજિસ્ટર્ડ હતું. આંચકો આપે એવી બીજી વાત એ હતી કે અરવિંદ જોશીનું ૬ મહિના પહેલાં દિલ્હી-જયપુર હાઇવે પર ટ્રક-ઍક્સિડન્ટમાં મોત થયું હતું. કિડનૅપર્સ ગલીના લુખ્ખા ગુંડા નહોતા. તેમણે દેશની સૌથી મહત્ત્વની એજન્સી સાથે જોડાયેલા ઑફિસરના નામે આઇ-કાર્ડ બનાવીને આ પોસ્ટ-બૉક્સ ઑપરેટ કર્યું હતું.

તપાસ શરૂ થતાંની સાથે ડેડ-એન્ડ પર આવીને અટકી ગઈ.

ઇન્સ્પેક્ટર પ્રદીપ રાઠોડે રોહનની પૂછપરછ કરી અને તેમને શંકા જાગી કે શું એક સામાન્ય ઇન્સ્પેક્ટર આટલો બેદરકાર હોઈ શકે કે લોહીલુહાણ દેખાતા યંગસ્ટરની વાતની તપાસ કર્યા વિના જ તેને ભગાડી મૂકે. ઇન્સ્પેક્ટર સાવંતના ટેલિફોન એક્સચેન્જના રેકૉર્ડ્‍સ અને
બૅન્ક-અકાઉન્ટ્સની તપાસ થઈ, જેમાં ખબર પડી કે ઘટનાના ૨૪ કલાક પહેલાં સાવંતના પુણે રહેતા સાળાના ખાતામાં ૧૦ લાખ કૅશ ડિપોઝિટ થયા હતા.

સાવંતને ક્રાઇમ બ્રાન્ચના લૉક-અપમાં બોલાવવામાં આવ્યો અને ઇન્સ્પેક્ટર રાઠોડે તેની સામે બૅન્કની સ્લિપ મૂકી. સાવંતનો ચહેરો ફિક્કો પડી ગયો, પગમાં ધ્રૂજવા માંડ્યા.

‘સાહેબ, મને માફ કરો. મને એક ફોન ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે એક રાત માટે તારે ફક્ત પોલીસ-સ્ટેશનમાં રહેવાનું અને કોઈ ફરિયાદ આવે તો સવાર સુધી ટાળી દેવાની. રોહન આવ્યો ત્યારે હું સમજી ગયો કે આ એ જ કેસ લાગે છે, જો હું વચ્ચે પડ્યો હોત તો મારી ફૅમિલીને તે મારી નાખત...’

સાવંતની ધરપકડ કરવામાં આવી, પણ એનાથી ઘટના સૉલ્વ નહોતી થતી.

lll

રાઠોડે હવે તમામ ૧૯ યંગસ્ટર્સ અને તેમના ફૅમિલી મેમ્બરની ઇન્ક્વાયરી શરૂ કરી. એ બધાની વાતમાં એક અત્યંત વિચિત્ર વિસંગતતા દેખાતી હતી. ૨૦માંથી ૧૯ ફૅમિલીએ ખંડણી ચૂકવ્યાના નક્કર પુરાવા મળ્યા. મોટા ભાગનાએ કૅશ આપી હતી તો બે વ્યક્તિએ રાતોરાત સોનું વેચ્યું હતું; પણ વીસમી વ્યક્તિ, સ્નેહા મહેતાના કેસમાં...

lll

‘તમે પૈસા ક્યાં ડિલિવર કર્યા?’

‘સાહેબ, મને તો ફોન આવ્યો જ નહોતો. મને તો સ્નેહાની ફ્રેન્ડે ફોન કરીને કહ્યું હતું કે શૂટિંગ લંબાયું છે એટલે સ્નેહા બે દિવસ પછી આવશે.’ સ્નેહાના પપ્પાએ કહ્યું, ‘સવારે પોલીસે તેને ફાર્મહાઉસમાંથી છોડાવી ત્યારે જ મને ખબર પડી કે આ બધું બન્યું છે.’

કિડનૅપર્સે ૧૯ ફૅમિલી પાસેથી પૈસા વસૂલ્યા, પણ સ્નેહાની ફૅમિલી પાસેથી એક રૂપિયો પણ ન માગ્યો અને છતાં સ્નેહા તેમની સાથે જ ફાર્મહાઉસમાં બંધ હતી.

આવું કેમ?

lll

ઇન્સ્પેક્ટર રાઠોડે સ્નેહા પર વૉચ ગોઠવી, તેના ઘરના ફોનની ડીટેલ્સ કઢાવી અને ૨૪ જ કલાકમાં સ્નેહાના ઘરે રેઇડ પાડવામાં આવી. સ્નેહાના કબાટમાંથી ફિલ્મ્સનાં રબર-સ્ટૅમ્પ અને લેટરપેડ મળ્યાં.

સ્નેહા નિર્દોષ નહોતી. તે આ આખી ગૅન્ગની ઇનસાઇડ ઇન્ફૉર્મર હતી.

ઇન્ટરોગેશનમાં સ્નેહા ભાંગી પડી

‘હું નિર્દોષ છું સર... મને અસલી પ્લાનની ખબર નહોતી. હું તાજ હોટેલમાં કામ કરતા સમીરના પ્રેમમાં હતી. સમીરે મને કહ્યું કે આપણે પૈસાવાળાં છોકરા-છોકરીઓ પર રિયલિટી શો જેવો પ્રૅન્ક કરવાનો છે, એનાથી આપણને ફિલ્મમાં
હીરો-હિરોઇન તરીકે લૉન્ચ થવા મળશે. બસમાં બધાને શાંત રાખવાનું કામ મારું હતું, પણ ખંડાલા પહોંચ્યા પછી તેમણે ઓરિજિનલ બંદૂકો કાઢી ત્યારે મને સમજાયું કે હું ફસાઈ છું. સમીરે મને ધમકી આપી કે જો હું મોં ખોલીશ તો મને મારી નાખશે.’

સ્નેહાના વર્ણન પરથી ઇન્સ્પેક્ટર રાઠોડે સમીરનો સ્કેચ બનાવડાવ્યો.

સ્કેચ જોઈને ક્રાઇમ બ્રાન્ચનો ઇન્ફૉર્મર તેને ઓળખી ગયો. તે સમીર નહીં, દાઉદ ઇબ્રાહિમની ગૅન્ગનો હવાલા ઑપરેટર ઇકબાલ ચિકના હતો.

lll

ઇન્ફૉર્મરે આપેલી માહિતીના આધારે ઇન્સ્પેક્ટર રાઠોડે ડોંગરી અને ભીંડીબજારમાં રેઇડ પાડી અને લાકડાંની એક વખારમાં ઇકબાલ ચિકના પોતાના ૩ સાથીઓ સાથે ઘેરાયો. ચિકના ભાગે એ પહેલાં રાઠોડે ઇકબાલના પગમાં ગોળી મારીને તેને પકડી લીધો. એ જગ્યાએથી પચાસ લાખ કૅશ મળી, પણ બાકીના ૩.૫૦ કરોડ ગાયબ હતા.

lll

‘બાકીના ૩.૫૦ કરોડ ક્યાં છે?’

‘જનાબ... તમે પોલીસવાળા હંમેશાં કૂવાના દેડકા જ રહેશો. તમને લાગે છે કે આ અન્ડરવર્લ્ડની કોઈ ખંડણી હતી? અમે ફિલ્મ બનાવવા આવું રિસ્ક લીધું હતું?’ ચિકનાએ કનિંગ સ્માઇલ સાથે જવાબ આપ્યો, ‘એ રૂપિયા તો ક્યારનાય હવાલાથી દુબઈ પહોંચી ગયા. ત્યાંથી જે સામાન ખરીદાયો છે એ તમારા આ હિન્દુસ્તાનને હચમચાવી દેશે. તમારી મુંબઈ રાખ થઈ જશે... જસ્ટ સી...’

રાઠોડના શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું.

આ માત્ર ઐયાશી માટે થયેલી ગુનાખોરી નહોતી. આ દેશ સામે આતંકવાદી ષડ્યંત્ર હતું, જેમાં ભારતના જ પૈસાથી ભારત પર હુમલો કરવાનો હતો.

ઇન્સ્પેક્ટર રાઠોડે હોમ મિનિસ્ટ્રી, ઇન્ટેલિજન્સ બ્યુરો અને મુંબઈના પોલીસ-કમિશનરને ૪૦ પાનાંનો રિપોર્ટ સબમિટ કર્યો જેમાં સ્પષ્ટ લખ્યું કે ફિલ્મ્સ કેસના પૈસા શસ્ત્રો અને RDX ખરીદવા માટે વપરાયા છેઽ મુંબઈ મુશ્કેલીમાં છે. જોકે મુંબઈનાં નસીબ ખરાબ હતાં.

૧૯૯૨ના ડિસેમ્બરમાં અયોધ્યાની ઘટના પછી મુંબઈમાં કોમી રમખાણો થયાં. પોલીસ-ડિપાર્ટમેન્ટ અને સરકાર એ ઓલવવામાં લાગી ગઈ અને ઇન્સ્પેક્ટર રાઠોડનો એ સેન્સેટિવ અને અત્યંત મહત્ત્વનો રિપોર્ટ સાઇડ પર રહી ગયો.

lll

૧૯૯૩ની ૧૨ માર્ચ અને શુક્રવાર.

બપોરે દોઢ વાગ્યે મુંબઈ સ્ટૉક એક્સચેન્જ, ઍર ઇન્ડિયા બિલ્ડિંગ, પ્લાઝા સિનેમા, સેનાભવન સહિત ૧૨ જગ્યાએ બૉમ્બ-બ્લાસ્ટ થયા. ૨૫૭ નિર્દોષ નાગરિકોનાં મોત થયાં તો ૭૦૦થી વધુ લોકો કાયમ માટે દિવ્યાંગ થયા.

સ્પેશ્યલ ટાસ્ક ફોર્સે બ્લાસ્ટના ફન્ડિંગ અને ટાઇગર મેમણના હવાલા નેટવર્કની તપાસ શરૂ કરી ત્યારે પુરવાર થયું કે વિસ્ફોટકોના કન્સાઇનમેન્ટ માટે જે રકમ પાકિસ્તાન મોકલવામાં આવી હતી એ ફિલ્મ્સ દ્વારા વસૂલાયેલા ૪ કરોડ રૂપિયા હતા.

ઇન્સ્પેક્ટર રાઠોડ માટે આ શૉકિંગ હતું.

જે સત્ય તેમણે પાંચ મહિના પહેલાં શોધી કાઢ્યું હતું એ સિસ્ટમની બેદરકારીને કારણે સેંકડો નિર્દોષ લોકોનો જીવ બચાવી ન શક્યું.

lll

હવે રાઠોડનું એકમાત્ર લક્ષ્ય હતું ઇકબાલ ચિકના અને આ ષડ્યંત્રમાં સામેલ તમામ આરોપીઓને ટાડા કોર્ટમાં ફાંસીના માંચડા સુધી પહોંચાડવા. રાઠોડે રાત-દિવસ એક કરીને ૬૦૦ પાનાંની અત્યંત મજબૂત ચાર્જશીટ તૈયાર કરી. યંગસ્ટર્સનાં સ્ટેટમેન્ટ્સ, રોહનની જુબાની, સાવંતની કબૂલાત, બૅન્ક-વ્યવહારો અને હવાલાની કડીઓ બધું જ એ ફાઇલમાં જોડવામાં આવ્યું; પણ ઇન્સ્પેક્ટર રાઠોડનાં નસીબ ખરાબ હતાં.

કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવાના ૨૪ કલાક પહેલાં એક એવી ઘટના ઘટી જેની કલ્પના પણ તેમણે નહોતી કરી.

lll

‘વૉટ...’ રાઠોડનો અવાજ ફાટી ગયો હતો, ‘તમારી કોઈ ભૂલ...’

‘ના સર... કોઈ ભૂલ નથી થતી. તે ઇકબાલ ચિકના જ છે.’

આર્થર રોડ જેલની હાઈ-સિક્યૉરિટી સેલમાંથી ફોન આવ્યો હતો. મુખ્ય સાક્ષી અને આરોપી ઇકબાલ ચિકના જેલમાં લોહીની ઊલટીઓ કરીને મરી ગયો હતો. પોસ્ટમૉર્ટમમાં બહાર આવ્યું કે તેના લોહીમાં સાયનાઇડ હતું. જેલના કડક પહેરા વચ્ચે ચિકનાને સાયનાઇડ કોણે આપ્યું એ ક્યારેય બહાર આવ્યું નહીં.

એનાથી પણ મોટો આંચકો ઇન્સ્પેક્ટર રાઠોડને ત્યારે લાગ્યો જ્યારે હોમ મિનિસ્ટ્રીના રેકૉર્ડ-રૂમમાં જમા કરાવેલી એ ૬૦૦ પાનાંની કેસ ડાયરી અને પુરાવાઓની ફાઇલ રાતોરાત ગાયબ થઈ ગઈ.

સચિવાલયમાં નાની આગ લાગી હોવાનું બહાનું આગળ ધરીને એ આખી ફાઇલ ‘સળગી ગઈ’ હોવાનું જાહેર કરવામાં આવ્યું.

સિસ્ટમમાં બેઠેલા રાજકારણીઓ અને અન્ડરવર્લ્ડના મળતિયાઓએ પોતાનું નામ બચાવવા આખો કેસ કાગળ પરથી ભૂંસી નાખ્યો.

lll

‘ધૅટ વૉઝ માય ફેલ્યર, બિગ ફેલ્યર...’

ડેપ્યુટી પોલીસ-કમિશનર રાઠોડનો અવાજ ગંભીર હતો. તેમણે સામે બેઠેલા પત્રકારો સામે જોયું. તે સૌ શૉક્ડ હતા.

‘તમને લાગતું હશે કે વાર્તા અહીં પૂરી થઈ...’ રાઠોડે સ્મિત સાથે વાત આગળ વધારી, ‘આ કેસનો સૌથી મોટો અને અગત્યનો ટ્વિસ્ટ તો મને ત્યારે જોવા મળ્યો જ્યારે મારા રિટાયરમેન્ટને એક વીક બાકી હતું...’

હૉલમાં કોઈનો શ્વાસ પણ સંભળાતો નહોતો.

‘ગયા અઠવાડિયે... હું મુંબઈની એક મલ્ટિનૅશનલ પ્રોડક્શન કંપનીના ઉદ્ઘાટનમાં ચીફ ગેસ્ટ તરીકે ગયો હતો.’ રાઠોડે બધાની આંખોમાં જોતાં કહ્યું, ‘એ કંપની આજે બૉલીવુડની સૌથી મોટી ફાઇનૅન્સ કંપની છે. કંપનીનો ચૅરમૅન સ્ટેજ પર આવ્યો. તેના ચહેરા પર પ્લાસ્ટિક સર્જરીનાં આછાં નિશાનો હતાં. બધા તેને આર. કે. મલ્હોત્રા તરીકે ઓળખતા હતા. મોટા ભાગે તે ફૉરેન જ રહે છે. ચૅરમૅને માઇક હાથમાં લીધું અને બોલવાનું શરૂ કર્યું ત્યારે મારી અંદરનો ઇન્સ્પેક્ટર એ અવાજને ઓળખી ગયો.’

રાઠોડનો ચહેરો તંગ હતો, તેની આંખોમાં લોહી ઉમેરાયું હતું અને શ્વાસ ફૂલવા માંડ્યો હતો.

‘તે આર. કે. મલ્હોત્રા બીજું કોઈ નહીં પણ તે જ છોકરો હતો જે ૧૯૯૨ની એ રાતે ખંડાલા પોલીસ-સ્ટેશનમાં હાંફતો-હાંફતો પહોંચ્યો હતો... રોહન!’

હૉલમાં ફરી એક વાર સ્મશાનવત્ શાંતિ પ્રસરી ગઈ.

‘રોહન નિર્દોષ નહોતો. તે ભાગીને સાવંત પાસે પોલીસ-સ્ટેશને ગયો હતો, પણ હકીકતમાં તે આખા પ્લાનનો માસ્ટર આર્કિટેક્ટ હતો.
પોલીસ-સ્ટેશને જવાનો એ જે આખો તમાશો થયો હતો એ હકીકતમાં પ્લાનનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ હતો; જેથી પોલીસનું ધ્યાન ખંડાલા તરફ ખેંચાય, ડિપાર્ટમેન્ટ પર છાંટા ઊડે અને પૈસા લઈને કામ કરનારા ઇન્સ્પેક્ટર સાવંત ફોકસમાં હોય એ દરમ્યાન ગૅન્ગ મુંબઈથી ૪ કરોડ રૂપિયા લઈને સરહદ પાર પહોંચાડી દે. રોહને પોતાને વિક્ટિમ બનાવીને કાયદાની નજરમાં કાયમ માટે ક્લીન-ચિટ મેળવી લીધી. ઇકબાલ ચિકના જેલમાં મરી ગયો, ફાઇલો સળગી ગઈ; પણ જેણે આખી સ્ક્રિપ્ટ લખી તે રોહન આજે મુંબઈની સૌથી મોટી ફિલ્મ-કંપનીનો માલિક બનીને સેલિબ્રિટી સ્ટેટસ ભોગવે છે!’

રાઠોડની આંખોમાં લાચારી અને ચહેરા પર આક્રોશ હતો.

‘હું તેની સામે ઊભો રહ્યો. તેણે મારી સામે જોયું. તેના ચહેરા પર એ જ સ્માઇલ હતું. મારી પાસે હવે તેની સામે કોઈ પુરાવા નહોતા, કોઈ સાક્ષી નહોતા અને કાયદો પુરાવાર માગે છે એટલે તેને લાચારીથી જોવા સિવાય મારી પાસે બીજો કોઈ છૂટકો નહોતો.’

રાઠોડ ધીમેથી ખુરસી પરથી ઊભા થયા. તેમણે પ્રેસ તરફ છેલ્લી નજર નાખી.

‘મેં મારી આખી જિંદગી ગુનેગારોને પકડવામાં ખર્ચી, પણ આ ખાખી વર્દી ઉતારતી વખતે મારા મનમાં એક કલંક કાયમ રહેશે કે જે કેસથી દેશના સૌથી મોટા આતંકવાદનો પાયો નખાયો એ ફિલ્મ્સનો કેસ ક્યારેય સૉલ્વ ન થઈ શક્યો. ગુનેગાર આજે પણ શહેનશાહ બનીને જીવે છે, કેટલાક પાકિસ્તાનમાં તો કેટલાક દુનિયાના ખાનગી ખૂણે અને કાયદો લાચાર બનીને નિવૃત્ત થાય છે...’

DCP પ્રદીપ રાઠોડે ટેબલ પર પડેલી પોતાની સર્વિસ રિવૉલ્વર જમા કરાવી, પ્રેસ સામે છેલ્લી કડક સૅલ્યુટ કરી અને ભારે મન સાથે કૉન્ફરન્સ હૉલના દરવાજાની બહાર નીકળી ગયા. તેમની પીઠ પર જાણે અદૃશ્ય અક્ષરોમાં લખાયેલું હતું : ‘ઇટ્સ રૅપ-અપ...’

 

(સમાપ્ત)

 

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2026 09:45 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK