વારંવાર એક પ્રશ્ન ઊઠે છે કે આખરે આ કેવી સામાજિક વ્યવસ્થા છે જ્યાં એક સંસ્થાને સતત ૨૫ વર્ષ સુધી બદનામ ગલીઓમાં ફસાયેલી, શોષણનો ભોગ બની રહેલી છોકરીઓ અને મહિલાઓને બચાવવાનું તથા તેમનું પુનર્વસન કરવાનું કામ કરવું પડી રહ્યું છે?
ત્રિવેણી આચાર્ય
અમે રેસ્ક્યુ ફાઉન્ડેશનની રજતજયંતી ઊજવી રહ્યા છીએ. ચારેય તરફ ઉત્સવનો માહોલ છે, પરંતુ આજે મારા દિલમાં માત્ર ખુશી નથી... એક ઊંડી પીડા, એક કસક અને કેટલાય અનુત્તર પ્રશ્નો પણ છે.
વારંવાર એક પ્રશ્ન ઊઠે છે કે આખરે આ કેવી સામાજિક વ્યવસ્થા છે જ્યાં એક સંસ્થાને સતત ૨૫ વર્ષ સુધી બદનામ ગલીઓમાં ફસાયેલી, શોષણનો ભોગ બની રહેલી છોકરીઓ અને મહિલાઓને બચાવવાનું તથા તેમનું પુનર્વસન કરવાનું કામ કરવું પડી રહ્યું છે? અને એનાથી પણ વધુ દુઃખદ વાત એ છે કે ૨૫ વર્ષના અથાક પ્રયાસો પછી પણ આ સમસ્યા સમાપ્ત થવાનું નામ નથી લઈ રહી. શું આ આપણા સમાજની સામૂહિક નિષ્ફળતા નથી?
રેસ્ક્યુ ફાઉન્ડેશનની શરૂઆત પાછળ એક સપનું હતું કે કોઈ પણ છોકરી ગરીબી, મજબૂરી, છેતરપિંડી, દાણચોરી કે પરિસ્થિતિના દબાણમાં પોતાનું શરીર વેચવા માટે વિવશ ન થાય. દરેક છોકરીને સ્વતંત્રતા સાથે, આત્મસન્માન અને ગરિમાથી જીવવાનો અધિકાર મળે. કોઈ પણ દીકરી એ ગલીઓમાં કેદ ન રહે, જ્યાં તેની ઇચ્છા, તેની આઝાદી અને તેની ઇન્સાનિયત સુધ્ધાંને કચડી નાખવામાં આવે છે.
અમારું કામ માત્ર છોકરીઓને રેસ્ક્યુ કરવાનું નથી. અમારો અસલી ઉદ્દેશ્ય તેમને એ શોષણ અને યાતનામાંથી મુક્તિ અપાવીને એક સન્માનજનક જીવન તરફ લઈ જવાનો છે. તેમને શિક્ષણ, સુરક્ષા, આત્મનિર્ભરતા અને સમાજમાં ફરીથી સન્માન સાથે જીવવાની તક આપવાનો છે; પરંતુ આજે પણ હજારો છોકરીઓ અને મહિલાઓ દેહવ્યાપાર અને કમર્શિયલ સેક્સ્યુઅલ એક્સપ્લૉઇટેશનની જાળમાં ફસાયેલી છે. જ્યારે પણ અમે કોઈ છોકરીને એ નરક જેવી જિંદગીમાંથી બહાર કાઢીએ છીએ ત્યારે એક તરફ મનને શાંતિ મળે છે, પરંતુ બીજી તરફ આ અહેસાસ વધુ ઊંડો થઈ જાય છે કે આખરે કેટલી વધુ છોકરીઓને બચાવવાની બાકી છે? એટલા માટે જ આજની આ રજતજયંતી મારા માટે માત્ર જશનનો અવસર નથી. આ મારા માટે આત્મમંથનનો દિવસ પણ છે.
એવો સમાજ ક્યારે બનશે જ્યાં કોઈ પણ દીકરીને બે ટંકના રોટલા માટે પોતાનું શરીર ન વેચવું પડે, જ્યાં ગરીબી કોઈની મજબૂરી ન બને, જ્યાં કોઈની દીકરીઓનાં ખરીદ-વેચાણ ન થાય, જ્યાં કોઈ મહિલાના શરીરને બજારની વસ્તુ ન સમજવામાં આવે અને જ્યાં દરેક ઇન્સાનને સન્માન સાથે જીવવાનો અધિકાર મળે. આપણે એક કડવી સચ્ચાઈને સમજવી પડશે કે જ્યાં માગ હોય છે ત્યાં જ પુરવઠો પેદા થાય છે. આપણે અવારનવાર દેહવ્યાપારમાં ધકેલાયેલી છોકરીઓ પર સવાલો ઉઠાવીએ છીએ, પરંતુ એ લોકોને સવાલો કેમ નથી કરતા જે આ શોષણને પ્રોત્સાહન આપે છે? એ લોકોને સવાલો કેમ નથી કરતા જે મહિલાઓ અને બાળકીઓને ખરીદે છે, તેમનો ઉપયોગ કરે છે અને આ આખા બજારને જીવંત રાખે છે?
જો સમાજ ખરેખર આ સમસ્યાને ખતમ કરવા માગતો હોય તો આ શોષણના મૂળ પર પ્રહાર કરવો પડશે. આપણે માગ પેદા કરતી માનસિકતા પર સવાલો ઉઠાવવા પડશે. જ્યાં સુધી ખરીદનારાઓ હાજર રહેશે, ત્યાં સુધી વેચવાનું બજાર કોઈ ને કોઈ સ્વરૂપે ચાલતું રહેશે.
- ત્રિવેણી આચાર્ય
ADVERTISEMENT
કચ્છમાં જન્મેલાં અને પત્રકારત્વમાંથી સામાજિક સેવા તરફ વળેલાં ત્રિવેણી આચાર્ય છેલ્લાં ૩૦ કરતાં વધુ વર્ષથી હ્યુમન ટ્રાફિકિંગ વિરુદ્ધ લડત આપી રહ્યાં છે. પતિ સ્વ. બાલકૃષ્ણ આચાર્ય સાથે મળીને તેમણે શરૂ કરેલી સંસ્થા ‘રેસ્ક્યુ ફાઉન્ડેશન’ અંતર્ગત અત્યાર સુધી ૮૦૦૦થી વધુ જીવન બચાવ્યાં છે અને ૪ આશ્રયગૃહો દ્વારા ૧૦,૦૦૦થી વધુ પીડિતોની સંભાળ, શિક્ષણ અને પુનર્વસનનું કાર્ય કર્યું છે અને એ બદ્દલ તેઓ અઢળક પુરસ્કારોથી સન્માનિત પણ થયાં છે.
