વધુ સાકર, ચરબી અને મીઠું ધરાવતાં ઉત્પાદનો પર અલગ લાલ ષટ્કોણ ફરજિયાત; લેબલમાં વિલંબ બાળકોના આરોગ્ય માટે નુકસાનકારક હોવાનું કોર્ટનું અવલોકન.
પૅકેજ્ડ ફૂડ પર લાલ વૉર્નિંગ
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)ને પૅકેજ્ડ ખાદ્ય ઉત્પાદનો પર સાકર, ચરબી અથવા મીઠાનું પ્રમાણ વધુ હોય તો આગળના ભાગમાં સ્પષ્ટ દેખાય એવું લાલ ચેતવણીનું લેબલ લગાવવાની એક જ તબક્કાની વ્યવસ્થા ઘડવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે બિનઆરોગ્યપ્રદ ઉત્પાદનો તપાસમાંથી છટકી ન જાય એ સુનિશ્ચિત કરવા માટે સૂચિત પોષક તત્ત્વોની મર્યાદાની ફરીથી સમીક્ષા કરવાનો આદેશ પણ આપ્યો છે.
ડ્રાફ્ટ નિયમોને અંતિમ સ્વરૂપ આપવા માટે ફૂડ રેગ્યુલેટરને ચાર મહિનાનો સમય આપતાં જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે જણાવ્યું હતું કે ચેતવણીનાં લેબલ રજૂ કરવામાં થતો વિલંબ જાહેર આરોગ્ય અને ખાસ કરીને બાળકોના ભોગે થઈ રહ્યો છે, કારણ કે ગ્રાહકોને પોષક તત્ત્વોની પૂરતી માહિતી આપ્યા વિના પૅકેજ્ડ ફૂડનું વેચાણ ચાલુ છે. બંધારણ દિવસે ચુકાદાનો મુખ્ય ભાગ વાંચતા જસ્ટિસ જે. બી. પારડીવાલાએ કહ્યું હતું કે બંધારણ આરોગ્યના અધિકારને માન્યતા આપતું હોવાથી કોર્ટ આ ચુકાદો આપવા માટે આનાથી વધુ યોગ્ય અવસર પસંદ કરી શકી ન હોત.
