બૉમ્બે હાઈ કોર્ટમાં ૯ મહિના કેસ લડનારાં અમીન સોલકર અને ફરહાના શાહ ૧૫ વર્ષથી મહેનતાણાની રાહમાં.
તાજ હોટેલ (સૌજન્ય મિડડે)
મુંબઈમાં ૨૬/૧૧ના આતંકવાદી હુમલાનાં ૧૮ વર્ષ પછી પણ જીવતા પકડાયેલા એકમાત્ર પાકિસ્તાની આતંકવાદી અજમલ કસબનો બચાવ કરવા માટે પોતાના અન્ય કેસ બાજુ પર મૂકનારા બે વકીલો હજી સુધી તેમના મહેનતાણાની રાહ જોઈ રહ્યા છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા ૨૦૧૦માં નિમણૂક કરવામાં આવ્યા બાદ અમીન સોલકર અને ફરહાના શાહે બૉમ્બે હાઈ કોર્ટમાં ૯ મહિના સુધી અજમલ કસબનો પક્ષ રજૂ કર્યો હતો. અજમલ કસબને ૨૦૧૨ની ૨૧ નવેમ્બરે પુણેની યેરવડા સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
ADVERTISEMENT
ટ્રાયલ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી ફાંસીની સજા સામે અજમલ કસબની અપીલમાં તેનો બચાવ કરવા માટે હાઈ કોર્ટે આ બન્ને વકીલોનાં નામ સૂચવ્યાં હતાં અને મહારાષ્ટ્ર સ્ટેટ લીગલ સર્વિસિસ ઑથોરિટી (MSLSA) દ્વારા ૨૦૧૦ની ૮ જૂને એક નોટિફિકેશન બહાર પાડીને અમીન સોલકર અને ફરહાના શાહની નિમણૂક કરવામાં આવી હતી.
તત્કાલીન સેક્રેટરી એ. કે. સોનવણેની સહીવાળા નોટિફિકેશન મુજબ અમીન સોલકરને સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટરની સમકક્ષ અને ફરહાના શાહને ફાંસીની સજાની પુષ્ટિ કરતો કેસ ચલાવતા ઍડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની સમકક્ષ મહેનતાણું ચૂકવવાનું નક્કી થયું હતું.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ રકમ દરરોજના ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયાની વચ્ચે હતી.
જોકે હાઈ કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયાનાં ૧૫ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અમીન સોલકર અને ફરહાના શાહનું કહેવું છે કે મહારાષ્ટ્ર સ્ટેટ લીગલ સર્વિસિસ ઑથોરિટી સાથે વારંવાર પત્રવ્યવહાર છતાં હજી સુધી તેમની બાકી નીકળતી રકમ મળી નથી.
કોર્ટમાં તારીખો અને કલાકોનો રેકૉર્ડ માગવામાં આવ્યો
અમીન સોલકર અને ફરહાના શાહના જણાવ્યા મુજબ તેઓ જ્યારે પણ MSLSA સમક્ષ આ મુદ્દો ઉઠાવે છે ત્યારે તેમને આરોપી વતી હાજર રહ્યાની ચોક્કસ તારીખો અને કલાકો દર્શાવતાં વિગતવાર બિલ અને મેમો રજૂ કરવાનું કહેવામાં આવે છે. આટલાં વર્ષો પછી આવી માગણીને તેમણે ગેરવાજબી ગણાવી છે અને કહ્યું છે કે એક દાયકા કરતાં વધુ સમય બાદ કોઈ પણ વ્યક્તિ પાસે કોર્ટના રોજિંદા કલાકોનો ઝીણવટભર્યો રેકૉર્ડ સચવાયેલો ન હોય.
