આ જનરેશન કોઈ એલિયન નથી. તેમને સાચા માર્ગે દોરવામાં નહીં આવે તો તેઓ ગેરમાર્ગે દોરાશે. આ યુવા જનરેશન દેશનું ભાવિ છે. તેમને નવા જમાનાનું નામ આપીને સમાજથી જુદા ગણવા કે નેગેટિવ દૃષ્ટિએ જોવા જોઈએ નહીં
ફાઈલ તસવીર
કોઈ પણ બાબતનો અતિરેક થવા લાગે ત્યારે સમાજની દરેક વ્યક્તિએ માત્ર એક સવાલમાં ઊંડા ઊતરીને ગંભીરતાથી વિચાર કરવા બેસવું જોઈએ. આ સવાલ શું હોઈ શકે? એ જ કે શું આપણે કોઈ એક વિષય, વ્યક્તિ, જૂથ કે વિચારધારાને વધુ પડતું મહત્ત્વ નથી આપી રહ્યાને? ક્યાંક અતિરેક તો નથી થઈ રહ્યોને? આ સવાલ પર ગંભીર વિચારો વ્યક્તિથી લઈ સમાજના વિશાળ વર્ગ સુધી પહોંચવા જોઈએ. તો શું હાલ આપણો સમાજ જેન-ઝીને વધુ પડતું મહત્ત્વ આપી રહ્યો છે? કોઈ પણ પૂર્વગ્રહ રાખ્યા વિના વિચાર થવો જોઈએ.
જનરેશન ટુ જનરેશન ગૅપ
અગાઉ એક સમયે આપણા દેશમાં-સમાજમાં નવી પેઢી (ન્યુ જનરેશન) શબ્દ પ્રચલિત હતો. એમાંથી જનરેશન ગૅપ આવ્યો અને વધતો ગયો. આના પરિણામે સમાજમાં ઘણાં પરિવર્તનો થતાં ગયાં. એમાં આંખે ઊડીને વળગે એવું પરિણામ સંયુક્ત પરિવાર વિભાજિત થતો ગયો અને ન્યુક્લિયર પરિવાર વિકસતો ગયો. લગ્નપ્રથા ધીમે-ધીમે તૂટતી જઈ રહી છે જેના સ્થાને લિવ-ઇન રિલેશનશિપ શરૂ થઈ છે. બ્રેક-અપ અને ડિવૉર્સ કૉમન થતા જાય છે. સંબંધો અને વિશ્વાસ એની ગરિમા ગુમાવતા જાય છે. ટેકયુગે સમાજને અકલ્પનીય સમય-સંજોગોનાં દર્શન કરાવ્યાં છે અને હજી કરાવશે. અલબત્ત, આ બધું આમ તો આઘાતજનક ગણાય, પણ આનો દોષ માત્ર જેન-ઝી પર ઢોળી શકાય નહીં. તેમનો જન્મ અને ઉછેર એવા સમય-સંજોગોમાં થયો છે કે તેમને આ બધી વાતની નવાઈ જ લાગતી નથી ત્યાં આઘાત તો ક્યાંથી લાગે?
ક્યાંથી ક્યાં વાત પહોંચી ગઈ
જેન-ઝી આમ તો ચર્ચામાં રહેતા જ હતા, પરંતુ જંતર મંતરના પ્રકરણ બાદ જેન-ઝીને દોડવા માટે ઢાળ મળ્યો અને ઊડવા માટે પાંખો. લડવા માટે મોટો મંચ મળ્યો, જેમાં રાજકારણ ભળ્યું એટલે જેન-ઝીની નીકળી પડી. એક ન્યાયમૂર્તિની ટિપ્પણીમાં બોલાયેલો કૉક્રૉચ શબ્દ વિરોધમાંથી રાજકારણનું મોટું મેદાન બની ગયો. બાય ધ વે, કોઈ પણ વર્ગ માટે આવી ટિપ્પણી કરવી વાજબી કે ન્યાયી નથી, કારણ કે આવી ટિપ્પણી કયા સ્તરેથી બોલાય છે એના આધારે એની વ્યાપક અસર થતી હોય છે. પરીક્ષાનાં પેપર્સ વારંવાર લીક થવા સહિત શૈક્ષણિક સ્તરે ચાલતાં કરપ્શન-કાળાં કામો, ગેરરીતિઓ, અન્યાયનો વિરોધ કરવો એ અપરાધ નથી. જોકે એમાં સાચા વિદ્યાર્થીઓ કેટલા હતા અને અસામાજિક તત્ત્વો કેટલાં? દેશની જેન-ઝી વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે તો આ ટકાવારી કેટલી? સ્થાપિત હિતો, રાજકરણીઓ અને મીડિયાને તો આવું જ જોઈતું હોય છે એટલે તેઓ આનો તમાશો બનાવે નહીં તો જ નવાઈ. સેલિબ્રિટીઝ અધૂરી કે પૂર્વગ્રહ સાથેની નીતિ-માનસિકતા સાથે વિરોધના ટોળામાં ઝંપલાવે નહીં તો જ નવાઈ. એ પછી સત્ય બાજુએ રહી જાય છે અને જૂઠ છવાતું જાય છે. એ સમયે શરૂમાં જ સરકારે સમયસર બાજી સંભાળી લીધી હોત તો આ પ્રકરણ આટલું મોટું સ્વરૂપ ધારણ કરત નહીં. બાય ધ વે, એક સબક બધા માટે જરૂરી હતો એવો વિચાર આવ્યા વિના રહે નહીં.
અન્યાય સામે અવાજ ઉઠાવવો જ જોઈએ
અલબત્ત, આ યુવા પેઢી આપણા દેશની નવી ઊર્જા છે, શક્તિ છે, વિચારધારા છે, નવો જોશ છે, નવા આઇડિયા છે. તેમને માન આપો, સ્થાન આપો, સાંભળો; પણ તેમને માથે ચડાવશો તો તેમના નામે અને નિમિત્તે રાજકારણ શરૂ થઈ જશે. જો એમ થયું તો પછી યુવા શક્તિ રાજકારણના ખેલમાં ખર્ચાઈ જશે, તેમને પણ ખ્યાલ આવશે નહીં. આ વર્ગને કૉક્રૉચ કહેવાય નહીં અને સમજાય પણ નહીં. આ આપણા દેશનું યુવાબળ છે, ઊર્જા છે, ભાવિ છે. તેમણે ટેકયુગની સાથે-સાથે ગ્લોબલાઇઝેશનના સમયમાં જન્મ લીધો છે. તેમને સોશ્યલ મીડિયાની તાકાત ખબર છે. તેમને ટેક્નૉલૉજીએ અઢળક એક્સપોઝર આપી દીધું છે. તેમની પાસે જૂની પેઢીની જેમ સહન કર્યા કરો, અવાજ ન ઉઠાવો, અન્યાય થતો હોય તો ભલે થાય એવી અપેક્ષા રાખવી જ સૌથી મોટો અન્યાય છે. તેમના સાચા મુદાઓને સમજો અને તેમને ઉકેલ આપો. અન્યથા દેશના દરેક પ્રકારના દુશ્મનો તેમનો (ગેર) લાભ ઉઠાવશે જ. વડા પ્રધાને ૧૫ ઑગસ્ટે જેન-ઝી (યુવાઓ)ને ધ્યાનમાં રાખીને ખૂબ વાતો-જાહેરાતો કરી એનો નક્કર અમલ થવો જોઈએ. તેમનો સદુપયોગ નહીં થાય તો દુરુપયોગ થશે. આ યુવાઓ ભટકશે તો દેશ પણ ક્યાંક અટકશે.
હેલો ફ્રેન્ડ્સ, આપણા તરફથી આટલું થઈ શકે
દરેક વ્યક્તિ-સમૂહ-સોસાયટી તેમની આસપાસના જેન-ઝી સાથે નિયમિત બેઠક કરે, વાર્તાલાપ કરે, તેમના વિચારોને જાણે-સમજે, તેમને સમજવાની કોશિશ કરે.
આ કામ ઘરમાં-પરિવારમાં વડીલો કે પરિપક્વ લોકો પોતાનાં સંતાનો સાથે પણ કરે.
જેન-ઝી માટેના ખાસ કાર્યક્રમો યોજાય જેમાં તેમનું સાચું માર્ગદર્શન થાય. જેમ પાંડુરંગ શાસ્ત્રીના સ્વાધ્યાયમાં ડિવાઇન બ્રેઇન ટ્રસ્ટ (DBT) નામનું ગ્રુપ ચાલતું એમ ઠેર-ઠેર આવાં ગ્રુપ બને.
આ કાર્ય કોઈ એક ધર્મના કે સંપ્રદાય કે જાતિના નામે ન થવું જોઈએ, બલ્કે સ્વતંત્રપણે થવું જોઈએ.
આ યુવા વર્ગ પાસે બુદ્ધિચાતુર્ય-સ્માર્ટનેસ છે, તેમને આપવાનું છે સાચું ડહાપણ-વિવેકબુદ્ધિ.
સ્કૂલ-કૉલેજ-યુનિવર્સિટી સ્તરે પણ તેમના ઘડતરનું કાર્ય થઈ શકે. યાદ કરો, સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે મને ૧૦૦ યુવાનો (નચિકેતા આપો). આજે તો કરોડો યુવાનોને આવી હાકલની અને સ્વામીજી જેવા આદર્શની જરૂર છે.
પૉલિટિક્સના હાથા બનવાથી કઈ રીતે દૂર રહેવાય એ તેમને શીખવવું જોઈશે. અન્યથા રાજકારણીઓ તેમનો (દુર)ઉપયોગ કરવા સદા તૈયાર જ હશે. જોકે પૉલિટિક્સ સમજવા માટેની જાગૃતિ પણ લાવવી જોઈએ.
તેમને અન્ડરએસ્ટિમેટ કરવા જોઈએ નહીં. તેમનું ઉત્તમ ચરિત્રઘડતર થાય એ દિશામાં નક્કર પ્રયાસ થવા જોઈએ. તેઓ રાષ્ટ્રનું ભાવિ છે. તેમને જોઈને આવનારી ભાવિ પેઢી તૈયાર થશે. દેશને-સમાજને આપણી આજની પ્રજા કેવો વારસો આપી જાય છે એ જોવાની જવાબદારી આજની પેઢીની જ ગણાય.
ADVERTISEMENT
જેન-ઝીને માન આપીએ, તેમના વિચારોને અને અભિપ્રાયોને સાંભળીએ; ભલે પંપાળીએ નહીં. જિંદગીના કાચા અનુભવો અને ઘડતરના આધારે ઊભી થઈ રહેલી આ જનરેશનને સરકાર અને સમાજ સન્માન આપે, તેમની ઉપેક્ષા ન કરે એ સમયનો તકાજો છે
