તબલાવાદકથી ગાયક બનેલા રૂપકુમાર રાઠોડ અને સુનાલી રાઠોડની સંગીતસફર સંઘર્ષ, સંકલ્પ, પ્રેમ અને સફળતાની અનેક યાદગાર ઘટનાઓથી ભરપૂર છે.
સુનાલી અને રૂપકુમાર રાઠોડ કેવળ કપલ નહીં, એક મ્યુઝિકલ કપ્લેટ છે
મશહૂર નાટ્યકાર ગ્રેહામ ગ્રીનને કોઈએ પ્રશ્ન કર્યો, ‘શા માટે માણસે પોતાના કે અન્યના ભૂતકાળમાં જવું જોઈએ?’
તેમણે કહ્યું, ‘કેવળ લૂંટારાઓ અને જિપ્સીઓ જ પોતે જ્યાં એક વખત ગયા હોય છે ત્યાં પાછા જતા નથી.’
આમ પણ દુનિયામાં મોટા ભાગે યાદ રાખવા જેવું કશું હોતું નથી. જો સુખી થવું હોય તો સમયાંતરે ખાટી-મીઠી સ્મૃતિઓ મમળાવી લેવી જોઈએ. સ્મરણોની કુંજગલીઓમાં લટાર મારતાં રૂપકુમાર કહે છે...
તબલાવાદક તરીકે શ્રોતાઓમાં મારી ઓળખ સ્થાપિત થતી જતી હતી. એક કાર્યક્રમમાં ગઝલસિંગર હરીન્દ્ર ખુરાના સાથે મેં સંગત કરી. તેમને મારું કામ ખૂબ ગમ્યું. કહે, ‘મારો તાલ કાચો છે, મને ટ્યુશન આપો.’
મેં કહ્યું, ‘હું આવીશ પણ પૈસા નહીં લઉં.’
હું તેમને રોજ રિયાઝ કરાવતો. મનહર ઉધાસ, પંકજ ઉધાસ, નિર્મલ ઉધાસ, ઘનશ્યામ વાસવાની, અશોક ખોસલા અને બીજા કલાકારો તેમના મિત્રો હતા. પંકજ ઉધાસે મારું તબલાવાદન સાંભળ્યું અને કહે, ‘કભી આઈએ. સાથ મેં કામ કરેંગે.’
એક દિવસ નિર્મલ ઉધાસનો ફોન આવ્યો, મને કહે, ‘હૉન્ગકૉન્ગ મેં કાર્યક્રમ હૈ, આઓગે? કિતના પૈસા લોગે?’ ત્યારે મને કંઈ ખબર નહોતી એટલે મેં તો અનાપસનાપ જે રકમ મનમાં આવી એ કહી. તેમને વધારે લાગી એટલે ડીલ ન થઈ. અશોક ખોસલા સાથે મેં અનેક કાર્યક્રમોમાં સંગત કરી. CCIમાં એક કાર્યક્રમમાં અનુપ જલોટાએ મારું તબલાવાદન સાંભળ્યું અને બીજા જ દિવસે ગઝલ આલબમ ‘ખઝાના’ના રેકૉર્ડિંગ માટે બોલાવ્યો. એક સમય એવો આવ્યો કે ટોચના દરેક કલાકાર એમ ઇચ્છતા કે હું તેમની સાથે સંગત કરું. ઘણી વાર એવું થતું કે એક જ ડેટ માટે બે કલાકારના ફોન આવે. મારા માટે ધરમસંકટ થાય કે કોને ના પાડવી?
lll
રૂપકુમારના જીવનમાં ૧૯૮૫માં એક એવી ઘટના બની જેને કારણે તેમની સંગીતસફરમાં એક અણધાર્યો વળાંક આવે છે. પિતા પંડિત ચતુર્ભુજ રાઠોડના એક કાર્યક્રમમાં સંજોગવશાત્ તેમનો શાગિર્દ ન આવ્યો. તેનું સ્થાન રૂપકુમારે લીધું. કાર્યક્રમ દરમ્યાન પંડિતજીની ગાયકીને સાથ આપતા રૂપકુમારના સ્વર વિખરાતા હતા. એ સાંભળીને પિતાના ચહેરા પરની વ્યથા અને આંખોમાં જે વેદના છલકાઈ એ જોઈને પુત્ર મનોમન ક્ષોભ અનુભવે છે. તે નિર્ણય કરે છે કે મારે એક કાબેલ ગાયક બનીને પિતાજીની ગાયકીનો વારસો આગળ વધારવો છે. ભલે એનું સ્વરૂપ જુદું હોય પણ એનો અહેસાસ શ્રોતા સુધી પહોંચવો જોઈએ.
મહિને હજારો કમાતા અને અનેક વાર મુખ્ય ગઝલગાયક કરતાં પણ વધારે તાળીઓ મેળવતા કલાકારની મનોદશાની વાત કરતાં રૂપકુમાર કહે છે...
સ્વજનો, મિત્રો, સાથી કલાકારો સૌએ સમજાવ્યો કે તબલાવાદક તરીકે મળતા માન, મરતબો, આમદની સઘળું છોડીને ગાયકીના ક્ષેત્રે ઝંપલાવવું એ ડહાપણભર્યો નિર્ણય નથી. લોકો કહેતા કે આના પર કોઈએ કાળો જાદુ કર્યો છે. સૌ મારા પર હસતા કે પગ પર કુહાડી મારે છે. મને અનેક કાર્યક્રમ ઑફર થતા, પણ હું અડગ હતો.
મેં એડી-ચોટીનું જોર લગાવીને પિતાજી પાસે તાલીમ શરૂ કરી. ઘરમાં સંગીતનું વાતાવરણ એટલે ગાયકી સાથે મારે ઘરોબો તો હતો જ. પિતાજીના શિષ્ય બનીને મેં એને નવી ધાર આપી. પિતાજીએ હાર્મોનિયમ છોડાવીને તાનપુરા પર રિયાઝ શરૂ કરાવ્યો. બે વર્ષ તેમની પાસે તાલીમ લીધી. આ દરમ્યાન આર્થિક મુશ્કેલીઓ વધતી જતી હતી, પણ મારો સંકલ્પ મજબૂત હતો. એ દિવસોમાં હું છૂટાછવાયા ગાયકીના કાર્યક્રમ કરતો, પણ એમાંથી જે મળતું એ તબલાવાદકની સરખામણીમાં નહીંવત્ હતું.
૧૯૮૭માં પિતાજીનો દેહાંત થયો અને હું ડિપ્રેશનમાં આવી ગયો. કેવળ પિતા જ નહીં, મારા ગુરુ પણ ગયા. શ્યામ બેનેગલની ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’માં પિતાજીના સ્વરમાં ધ્રુપદ ધમાર ગાયકી રેકૉર્ડ કરવાની હતી. તેમની ગેરહાજરીમાં એ મારા સ્વરમાં રેકૉર્ડ થઈ. એનું ફિલ્માંકન તેઓ મારા પર કરવાના હતા પણ મેં ના પાડી, કારણ કે તાનસેન દાઢી નહોતા રાખતા અને હું દાઢી કાઢવાના મૂડમાં નહોતો.
મારી ગાયકીની ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા શરૂ થઈ. ‘એક નયા લડકા આયા હૈ. અચ્છા ગાતા હૈ.’ ઉષા ખન્નાએ ૧૯૮૯માં ફિલ્મ ‘અપના દેશ પરાએ લોગ’ માટે મારું પ્રથમ ગીત રેકૉર્ડ કર્યું. ગીતના શબ્દો હતા ‘વો હી આવાઝ, વો હી લય’.
lll
રૂપકુમાર રાઠોડની પ્લેબૅક સિંગરની કારકિર્દીની અનેક રોમાંચક ઘટનાની વાતો કરતાં પહેલાં આપણે સુનાલી રાઠોડની જીવનકિતાબનાં શરૂઆતનાં પાનાં પર નજર ફેરવીએ.
જન્મભૂમિ ટ્રસ્ટના પ્રણેતા અમૃતલાલ શેઠની પૌત્રી અને તેમના પુત્ર જિતેન્દ્ર શેઠનાં પુત્રી સુનાલી કહે છે...
મારાં મમ્મી લીના (ઝવેરી) કુશળ મણિપુરી અને કથક ડાન્સર હતાં. રાજકોટની રાજકુમાર કૉલેજમાં તેઓ નૃત્યનાં પ્રોફેસર હતાં. મારા દાદા અમૃતલાલ શેઠ ઝવેરચંદ મેઘાણીના મિત્ર. ફોઈ લાભુબહેન અને ફુઆ મોહનલાલ મહેતા (સોપાન) વિખ્યાત ગુજરાતી સામયિક ‘અખંડ આનંદ’ના તંત્રી હતા. મમ્મી તાનપુરા પર રિયાઝ કરતાં. એટલે મને ગળથૂથીમાં જ સંગીત સાહિત્યનું વાતાવરણ મળ્યું.
નાનપણમાં જન્મદિવસે મને પૉકેટ રેડિયો ભેટમાં મળ્યો. સતત એ સાંભળું અને સાથે ગીત ગાઉં. મારો સંગીતનો શોખ જોઈને માતાએ મારા (ઉંમર ૭ વર્ષ) અને નાની બહેન સોનાલી (પાંચ વર્ષ) માટે સંગીતનાં ટ્યુશન શરૂ કર્યાં. હું ખૂબ તોફાની હતી. સર આવે ત્યારે ગુમ થઈ જાઉં. તે મને શોધવા આવે અને હું તેમને આખા ઘરમાં દોડાવું. કંટાળીને તે કહે, ‘આ મોટી છોકરી કદી ગાઈ નહીં શકે, નાની ગાશે.’
હું ૧૦-૧૧ વર્ષની હતી ત્યારથી પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે ગુજરાતી સુગમ સંગીતની તાલીમ શરૂ થઈ. મેં નાનપણમાં ‘આ માસનાં ગીતો’માં ભાગ લીધો હતો. મારામાં જરાય ‘સ્ટેજ ફિયર’ નહોતો.
એક વાર પુરુષોત્તમ ઉપાધ્યાયે ‘ગીત ત્રિવેણી’ કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં ગુજરાતી ગીતોનું પુરુષોત્તમભાઈએ, હિન્દી ગીતોનું કે. મહાવીરે અને મરાઠી ગીતોનું હૃદયનાથ મંગેશકરે સંગીત-સંચાલન કર્યું હતું. મેં જે ગીત ગાયું એ હતું ‘રાધા શોધે મોરપિચ્છને, શ્યામ શોધતા ગાગરિયા’. એ સાંભળીને હૃદયનાથજી પ્રભાવિત થયા અને તેમની પાસે તાલીમ શરૂ થઈ. ત્યારે મને સમજાયું કે સંગીતની દુનિયામાં મારે ઘણું શીખવાનું છે.
૧૬ વર્ષની ઉંમરે HMVએ ગુજરાતી ગીતોની મારી પ્રથમ EP રેકૉર્ડ બહાર પાડી. થોડાં વર્ષ બાદ ગુજરાતી ગીતોનું આલબમ ‘મોગરાનાં ફૂલ’ રેકૉર્ડ થયું. હૃદયનાથજી પાસે હું મરાઠી સંગીતની બારીકીઓ શીખતી હતી. હૃદયનાથજીના ભાવ સરગમના શોનો હું એક હિસ્સો હતી. જીવન મારા માટે પરમ સંગીતની એક લહાણી હતી. ત્યાં એક એવી ઘટના બની જેની અમને કોઈને કલ્પના નહોતી.
૧૮ વર્ષની ઉંમરે અચાનક મારો અવાજ ખરાબ થઈ ગયો. પુષ્કળ દવાઓ કરી પણ સઘળું વ્યર્થ હતું. હું ખૂબ બેચેન હતી. સગાંસંબંધીઓ કહે, ‘હવે આને ગાવાનું છોડાવીને પરણાવી દો.’ મૉડલિંગની ઑફર આવે, પણ મને રસ નહોતો. લતાજીના ઘરે એક દિવસ વી. શાંતારામ આવ્યા હતા. મને જોઈને કહે, ‘તારો ચહેરો ફોટોજેનિક છે. ફિલ્મમાં કામ કરવું હોય તો કહેજે.’
મારે સંગીત સાથે જ જીવવું હતું. મેં સિતાર શીખવાનો નિર્ણય કર્યો. ‘આનો અવાજ ખરાબ થઈ ગયો છે, તેને સિતાર શીખડાવો’ એવો લતાજીએ લખેલો ભલામણપત્ર લઈને હું અન્નપૂર્ણાદેવી (પંડિત રવિશંકરનાં પત્ની) પાસે ગઈ. તેમણે કહ્યું, ‘મૈં તુમ્હેં નહીં સિખાઉંગી. તુમ્હારી આવાઝ વાપસ આ જાએગી તો તુમ સિતાર છોડ દોગી.’ આમ કહીને તેમની શિષ્યા શ્રીમતી મુખરજી પાસે કોલાબા મોકલી. તેમની પાસે હું લગભગ બે વર્ષ સિતાર શીખી.
એક વાર હું શિર્ડી સાઈબાબાનાં દર્શને ગઈ અને ચમત્કાર થયો. તેમના આશીર્વાદથી મારો ખોવાયેલો અવાજ ધીમે-ધીમે પાછો આવ્યો. મેં ચાર-પાંચ વર્ષ ખૂબ રિયાઝ કર્યો, ગાવાનો અને સાંભળવાનો પણ. મારા ગુરુ હૃદયનાથજી કહેતા, ‘પહેલે સિખના, ફિર સુનના ઔર બાદ મેં પરખના.’
lll
ચાની ચૂસકીઓ લેતાં સુનાલીની Down Memory Lane યાત્રા સડસડાટ આગળ વધતી હતી, પણ એને બ્રેક મારતાં મેં પૂછ્યું, ‘રૂપકુમાર સાથે પ્રથમ મુલાકાત કેવી રીતે થઈ?’ ચહેરા પર રોમાંચ અને રોમૅન્સની ક્ષણોને તાજી કરતાં સુનાલી કહે છે, ‘એક દિવસ બિરલા માતુશ્રી સભાગૃહમાં ગઝલનો કાર્યક્રમ સાંભળવા ગઈ હતી. કલાકારોને મળવા ગ્રીનરૂમ નજીક આવી તો અંદર કોઈ મધુર સ્વરમાં ગુલામ અલીની ગઝલ ‘પારા પારા હુઆ’ ગાઈ રહ્યું હતું. જઈને જોયું તો રૂપજી ગાતા હતા. મેં કહ્યું કે વાહ, કયા બાત હૈ, અદ્ભુત, મારું કહ્યું માનો તબલાં છોડી દો.’
પ્રથમ મુલાકાત બાદ એક સમય આવ્યો જ્યારે બન્નેએ સાથી કલાકાર તરીકે મુંબઈ અને ગુજરાતમાં અનેક કાર્યક્રમો કર્યા. જીવન એક રફતાર સાથે પસાર થતું હોય છે ત્યારે જ રસ્તામાં અણધાર્યા વળાંક આવે છે. આપણા દોરેલા નકશા પ્રમાણે જિંદગીની સફર આગળ નથી વધતી. સુંવાળા રાજમાર્ગ પર સુખેથી ચાલવાને બદલે ખરબચડી કેડી પર મનગમતા સથવારા સાથે રઝળવાનો રોમાંચ અલગ હોય છે.
૧૯૮૯માં સુનાલી અને રૂપકુમાર જીવનસાથી બન્યાં. આજ પર્યંત બન્ને એકમેકની લગન અને લગની છે જેનો હું સાક્ષી છું. એટલે જ સુનાલી અને રૂપકુમાર રાઠોડ કેવળ ‘કપલ’ નહીં, એક ‘મ્યુઝિકલ કપ્લેટ’ છે. જેમ મુખડા પછી અંતરો જ ગીતને અર્થસભર બનાવે એમ હોનહાર સંતાન જ ગૃહસ્થાશ્રમને સંપૂર્ણ બનાવે છે. જેને લતાજીએ મ્યુઝિકલ જિનીયસ કહી છે એવી પુત્રી રીવા રાઠોડની વાતો આવતા રવિવારે.
