Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઈશ્વરનો માર્ગ પરીક્ષાનો માર્ગ નથી, એ તો પ્રતીક્ષાનો માર્ગ છે

ઈશ્વરનો માર્ગ પરીક્ષાનો માર્ગ નથી, એ તો પ્રતીક્ષાનો માર્ગ છે

Published : 15 April, 2026 01:19 PM | Modified : 15 April, 2026 01:25 PM | IST | Mumbai
Morari Bapu

પ્રેમવૃદ્ધિની સપ્તપદી છે જેને જાણવી ખૂબ જરૂરી છે. નિર્ભર પ્રેમમાં વૃદ્ધિ કરવા માટે આપણા મહાપુરુષોએ ૭ બાબત દર્શાવી છે અને આ ૭ બાબતોની શરૂઆત થાય છે જાતથી. હા, પ્રેમની શરૂઆત જાતથી કરો.

મોરારી બાપુ

સત્સંગ

મોરારી બાપુ


પ્રેમવૃદ્ધિની સપ્તપદી છે જેને જાણવી ખૂબ જરૂરી છે. નિર્ભર પ્રેમમાં વૃદ્ધિ કરવા માટે આપણા મહાપુરુષોએ ૭ બાબત દર્શાવી છે અને આ ૭ બાબતોની શરૂઆત થાય છે જાતથી. હા, પ્રેમની શરૂઆત જાતથી કરો. જાતને પ્રેમ કરોનો અર્થ એવો નથી થતો કે તમે તમારા જ પ્રેમમાં રહો. જાતને પ્રેમ કરો એનો અર્થ થાય તમારી નજીકના, આસપાસના અને રોજબરોજના જીવન સાથે જોડાયેલા લોકોને પ્રેમ કરો.
તમે તમારી પત્નીને પ્રેમ ન કરી શકો તો બ્રહ્માને ધૂળ પ્રેમ કરી શકવાના હતા? એક મુખને પ્રેમ નથી કરી શકતા તો ૪ મુખવાળાને કેવી રીતે પ્રેમ કરી શકશો? તમે કયા મુખને પ્રેમ કરશો? તમે તમારાં બાળકોને પ્રેમ નથી કરી શકતા, તમે તમારા પતિને પ્રેમ નથી કરી શકતા અને પરમાત્માના લાંબાલચક વિવાદમાં ઊતરો છો? તમે જ્યાં છો ત્યાંથી જ યાત્રાનો આરંભ કરો. ફૂલો પર પતંગિયાં આવી ગયાં છે. એના પરથી એ વિશ્વાસ રાખો કે તે પણ આવશે. સમયસર શ્રાવણ આવે છે. વસંત ઋતુમાં કોયલ કુહૂ કુહૂ કરે છે તો એ પણ ક્યારેક વાલ્મીકિની જેમ બોલશે. તમે અફસોસ ન કરો. આ ધીરજનો માર્ગ છે. આ માર્ગ પરીક્ષાનો માર્ગ નથી, આ પ્રતીક્ષાનો માર્ગ છે. અહીં પરીક્ષા નહીં પણ પ્રતીક્ષા થાય છે અને જ્યાં પ્ર‌તીક્ષાને સન્માન છે ત્યાં પ્રેમનો આવકાર નિશ્ચિત છે.
જ્યારે તમે પ્રેમ કરશો તો તમારામાં તમારો જ દબાયેલો સ્વભાવ બહાર આવશે અને તેથી તમે જેને પ્રેમ કરો છો તેને પ્રસન્ન રાખવાની વૃત્તિ જાગશે. માણસ જેને પ્રેમ કરે છે તેને નારાજ કે દુઃખી ન કરી શકે, ક્યારેય નહીં. પ્રસન્નતા પ્રેમનું વરદાન છે. સમય મળે ત્યારે પ્રેમ કરો. એક નિર્દોષ બાળકને તમે પ્રેમ કરો, તેને હસાવો, તેની સાથે તોતડી બોલીમાં બોલો તો તે વેદનો પાઠ થઈ ગયો કહેવાય. તમે બાળક સાથે તેની કાલીઘેલી ભાષામાં બોલો તો તેની સાથે એ માર્ગે હરિ આવે છે. હરિના આવવાનો એ જ માર્ગ છે અને એ જ માર્ગ માટે માણસ પાસે સમય નથી તો પછી કેવી રીતે હરિ આવે ત્યારે સમય નીકળવાનો. હરિ તો પ્રત્યેક વ્યક્તિમાં છે. પેલા હરિને પામવા માટે તમારે સૌથી પહેલાં તો આસપાસના લોકોમાં રહેલા હરિને પામવાનો છે, એને રાજી રાખવાનો છે અને એ હરિને જે રાજી રાખે એ પ્રેમરૂપી ‌હરિ માટે ક્યારેય તરસે નહીં.
એ આવશે એ નિશ્ચિત છે, પણ તેણે આવવું પડે અને વહેલું આવવું પડે એવું કરવું હોય તો જાતને પ્રેમ કરો અને જાતની આસપાસ રહેલા સૌને પ્રેમ કરો. એ પ્રેમ સ્વભાવમાં રહેલો અભાવ દૂર કરવાનું કામ કરશે અને અભાવ દૂર થશે તો આપોઆપ હરિ દ્વારે આવીને ઊભો રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2026 01:25 PM IST | Mumbai | Morari Bapu

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK