વાંચો નવલિકા અહીં
ઇલસ્ટ્રેશન
મારી સૌથી નાની બહેન રોહિણીને લગ્ન માટે તૈયાર કરેલી ત્યારે અરીસામાં એક આગ લાગેલી, જાણે મને વધુ બાળવા માટે જ હતી. એ દિવસ પછી મને ઘરના દરેક અરીસાને તોડી નાખવાનું મન થયેલું. પોતાનું મોઢું તો શું, અજાણતાં પણ આંખને કોઈનું પ્રતિબિંબ પણ ન દેખાય એવી ખીજ ચડેલી. રોહિણીને વળાવ્યા પછી મા વાનપ્રસ્થાશ્રમમાં જવા તૈયાર થઈ ગઈ. તેને ન તો મારા પહેરવા-ઓઢવાની ચિંતા રહી કે ન કશું પૂછવાની. રોજ મૂંગા મોઢે થતું માનું આ વર્તન મને મહેણાં જેવું લાગે છે. એ દિવસ પછી મેં પણ વિચારી લીધું કે પોતાના જીવનનું સુકાન જો પોતે જ સંભાળવાનું છે તો આ જીવનને પણ કોઈની મરજીથી શું કામ જીવવું? સમય વિતાવવા જ જીવવાનું છે તો દુનિયા આખી પડી છે. એ ઘડી ને આજનો દિવસ, જિંદગીને આ પાર્લર નામના ચોકઠામાં ફિટ કરી નાખી છે બસ. જોકે ગમતું તો મને આ પણ નથી. જ્યાં સુધી મને શું ગમે છે એ નક્કી થાય ત્યાં સુધી આમ ચાલે તો એમાં કશું ખોટું તો નથી જ, સધ્ધર રહેવા આ બધું ઠીક જ છે. આમેય રોજીરોટી માટે મારી પાસે બીજો ખાસ હુન્નર પણ નથી.
અત્યાર સુધી તો પાર્લરમાં મારી સાથે કામ કરવામાં નીતા, અનીતા, રિયા એવી કેટલીયે આવી ને જતી રહી. કોઈ શીખીને આગળ વધી ગઈ, કોઈ પરણીને સુખી થઈ ગઈ તો કોઈએ પોતાનું જ પાર્લર શરૂ કર્યું. મારી આસપાસનું બધું જ ગતિમાં ચાલતું રહ્યું, પણ હું હજીયે ત્યાં જ છું - પ્રિયા બ્યુટી-પાર્લરમાં! કદાચ મારામાં જ આવડત ઓછી હશે. કોઈ સામાન્ય સજીવની જેમ જીવનને એક જગ્યાએથી શરૂ કરીને થોડું પ્રચલન કરાવી પાછું એ જ ઉદ્ગમ પર લઈ આવવા જેટલી જ આવડત.
ADVERTISEMENT
‘કેટલા લાંબા વાળ છે આના!’ મને પાછળથી જોઈને લોકો આવું-આવું કહે તો ખરા, પણ આ સિવાય કશું કહેવાનું ઉચિત ન માને. આરતી મૅડમ મારા વાળ પર અલગ-અલગ અખતરા કરીને પાર્લરની પબ્લિસિટી કરી લે, પણ હું ક્યારેય તેમની મેકઅપ મૉડલ ન જ બની શકી. એક દિવસ આરતી મૅડમને મારાં આટલાં વર્ષોની મહેનત પર અચાનક જ વહાલ આવ્યું એટલે અચાનકથી મને માલિશનું કામ સોંપવા લાગ્યાં. મારા કામને અનુરૂપ પગાર આપવાનું તો તેમને ક્યારેય સૂઝ્યું જ નહીં, ન એ વિશે સાંભળવા માટે તેમના કાનની બહેરાશ ઘટી ક્યારેય. તો પણ મનેય શું સૂઝ્યું કે મેં પણ નવા કામમાં જાતને ઝંપલાવી જ દીધી.
હવે લાગે છે કે આ નિર્ણય મારો સાચો જ હતો. માલિશના કામે મારા રોજિંદા જીવનમાં રોમાંચની જગ્યા ઊભી કરી. શરીરની એક ચોક્કસ ભાષા હોય છે એવું મને સમજાય છે હવે. દરેક શરીર કશુંક કહેતું હોય છે. હેમલતા જ્યારે તેના લાંબા વાળમાં આયર્નિંગ કરે છે ત્યારે તેના ગાલ પર એક ગુલાબી રંગત ઉમેરાય છે. તેને તો કહેતાં પણ આવડે કે ‘તેના એ’ને લાંબા વાળ બહુ જ ગમે છે. ૫૬ વર્ષનાં શેલી આન્ટીને આ ઉંમરે પણ ભીંસ વહાલી લાગે છે. જ્યારે પણ તેમના બરડા પર હાથ ફેરવવામાં આવે તો તેમના અંતરમાંથી એક યુવાન અવાજ ઊઠીને બાહ્ય જગતમાં દોડવા મથે. બીજી જ પળે તે એવું કહીને વાત વાળે છે કે ત્યાં તેમને સખત દુખ્યા કરે છે એટલે થોડો વધુ મસાજ જોઈએ છે. અલકાની જીભ કાયમ કડવાશ જ ઓકતી હોય, પણ જ્યારે તે મસાજ કરાવીને જાય ત્યારે તેના ચહેરા પર શાંતિની અમૃતવેલી ઊગેલી દેખાય. જીભની કડવાશની જેમ તેનું સુખ પણ દેખીતા સંકેત આપતું રહે છે એટલે જ મને તેની મીઠી બોલીનો સંકેત પણ હવે તરત જ સમજાય છે. અનીતાનું શરીર પહેલાં કેટલું રણકતું, પણ આજકાલ મને તેની ચિંતા થાય છે. ગયા વર્ષની ક્રિસમસ પાર્ટી પછી તેનું શરીર કશું જ બોલતું નથી. બેકાળજીથી તેને અછડતો સ્પર્શ પણ થાય તો તે ગભરાઈ જાય છે. તેની સુંદર આંખો પર ભારેમાં ભારે આઇશેડ કરવામાં આવે તો પણ ઉદાસીના રણને દાબી નથી શકાતું. સુજાતા વળી જ્યારે મૅનિક્યૉર-પેડિક્યૉર કરાવે ત્યારે બિકિની વૅક્સ પણ અચૂક કરાવે. મને એનું કારણ સમજાતું નહીં. આ તો આરતી મૅડમ સાથે વાત કરતાં તે ક્યારેક ગંદી મશ્કરી કરી બેસેલી તો આ વાતનો મર્મ સમજાયેલો. પછી તો હું પણ નક્કી કરી શકતી કે પગની આંગળીઓ પર જ્યારે લાલ રંગની નેઇલપૉલિશ થાય ત્યારે સુજાતાનો મૂડ શું હોય છે.
એમ તો લગ્ન માટે તૈયાર થતી સ્ત્રીઓ પણ ક્યાં ઓછી મશ્કરી કરતી હોય છે? તેમના શબ્દો મારે નથી કહેવા, પણ તે છોકરીઓ જે સ્ત્રી બનવાની તૈયારી કરતી હોય છે તેમના દેહમાંથી ન કળી શકાય એવા તંરગો ઉત્પન્ન થતા હોય છે. તેમનું પહાડીપણું હજી ઓગળ્યું નથી હોતું. મેકઅપ કરતી વખતે તેમના હોઠ પર સહેજ હાથ પણ અથડાઈ જાય તો તે પોતાની બેસવાની મુદ્રા શીખ્યે બદલી નાખે. તેમના સાજ-શણગાર માટે વગર આવરણનું હોવા છતાંય શરીર આખું લજ્જાથી ઢંકાયેલું હોય. આવી કેટલીયે નસીબદાર યૌવનાઓને શણગારવામાં મારો વખત અને બે વખતની રોટી નીકળી જાય છે. તેમના દેહ પરનાં વસ્ત્રોમાં કરચલી પણ ન પડે એ રીતે તેમની ખૂબસૂરત જિંદગીનું પૅકેજિંગ કરી નાખું હું. શું કહું, આ આંખોએ શું નથી જોયું આજ સુધી? ખરબચડી, ચીકણી, ગંદી ત્વચાને સુંદર બનાવતાં દમ નીકળી જાય છે ત્યારે જ થાય છે કે કશુંક પામવાની દોટ મારી એકલીની જ નથી! જોકે કોઈ પણ કામનું સાચું સુખ ત્યારે જ અનુભવાય જ્યારે સામેથી કોઈ એનો પડકાર ઝીલે. માત્ર સ્ત્રીઓમાં જન્મતા દેહરાગનો જ નહીં, જીવન આખાનો પણ આ જ હિસાબ છે કે કોઈ ને કોઈ એને સતત ઝીલતું રહે તો જ અનુભવાય છે. રોજ મનમાં આવું કેટકેટલુંય ચાલે, પણ રોજ મૂંગા મોઢે હું મારું કામ કરી લઉં. મોટા ઘરની મોંઘી મિરાત જેવી આમાંની કોઈનેય મારું નામ શીખ્યે પૂછવાની દરકાર નથી ત્યાં આવી વાતો તો શીદને થાય?
કદાચ એટલે જ તમને જોયાં નહોતાં ત્યાં સુધી મને આ કામની ખાસ કિંમત પણ નહોતી. ઘણી વાર કોમલની બગલ જોઈને થઈ આવતું કે ખિસ્સામાં એક રાજીનામું પણ રાખવું જોઈએ. જે રીતે બધી મૅડમો મારા કામથી ખુશ થઈ મને રાજીપાની ટિપ આપે છે એમ એકાદ વાર હું મારી મૅડમને મારું રાજીનામું ટિપમાં આપું ને મારાં રવિવારની બજારમાંથી લીધેલાં હિલવાળાં સૅન્ડલનો ટિકટોક અવાજ કરતી ત્યાંથી ચાલી નીકળું, પણ નાનકડી ઓરડીમાં મારી નાનકડી જિંદગીથી મોં ફેરવીને જીવતી માએ મને આવી હિંમત આપી જ નહીં ક્યારેય. કુદરતે જ્યારે મને ઘડી હશે ત્યારે મને પરવડે એવો શબ્દકોશ પણ આપેલો હશે, જેમાં રાજીનામાનો એ ‘રાજી’ શબ્દ છે જ નહીં કદાચ! ને ખરું કહું તો તમને જોયાં ન હોત તો ‘રાજી’ શબ્દ મને સમજાત પણ કેમ? મારા માટે તો તમને સર્વિસ આપવાથી જ મારું રાજી-નામું લખાયું હતું.
શું તમને ખબર છે કે તમારી ચામડીમાંથી એક અલગ જ સુગંધ રેલાયા કરે છે? મને પૂછવાનું મન થાય છે કે કયો સાબુ, શૅમ્પૂ કે સ્પ્રે વાપરો છો? પછી એમ થાય છે કે ખબર પડી જશે તોય ફરક શું પડવાનો હતો? આ અજાણતાં જ વહી ગયેલી સુગંધનું મારા હાથમાં આવી જવું જ મારું સૌભાગ્ય છે કદાચ. સસ્તામાં મળેલું મોંઘા જીવનનું ક્ષણિક સુખ. હવે જ્યાં સુધી કોઈ બીજું શરીર અડકવાનું ન થાય ત્યાં સુધી તો હું હાથ નહીં જ ધોઉં એની તમને ખાતરી આપું.
વૅક્સ કર્યા પહેલાં પણ તમારી ચામડીમાંથી એવી સુંવાળપ ખરે કે તમારા ગયા પછી પણ મને આ પથારી સુંવાળી લાગ્યા કરે છે. હું બહાનું બતાવીને એને વારંવાર અનુભવ્યા કરું છું. એક વાર તો મારી ગેરહાજરીમાં તમે પાર્લર આવેલાં એની પણ મને ખબર પડી ગયેલી, પણ એ વખતે તમારી સુંવાળપની સાથે તમારામાં બીજું કશુંક આશ્ચર્ય પમાડે એવું શું હતું?
તમે અહીંથી જઈને તરત જ નાહી લો છો એવું કહેતાં હતાંને, પણ શું કામ? વારંવાર એ જ કહો છો કે તમારો પતિ ટ્રિપ પર ગયો છે અને ત્યાંથી આવવાનો છે. તમારું રૂટીન સમજાય છે મને. તે જ્યારે ટ્રિપ પર હોય ત્યારે તમે માલિશ કરાવો, તમને સતત બધું દુખ્યા કરે છે એમ કહ્યા કરો અને તે જ્યારે આવવાનો હોય છે ત્યારે ત્વચા સંવારવા આવો છો. તમને કહી દઉં કે તમારી ત્વચા નાજુક હોવાની સાથોસાથ બોલકી પણ છે. કોઈ હાથ લગાડે તો પણ ડાઘ પડી જાય એવી. તમારા જીવનમાં કોની હાજરી કે ગેરહાજરી છે એની ચાડી ફૂંકે છે એ. એટલે જ હવે તો તમારી ચામડી પર રમતા તમારા પતિના સ્પર્શને પણ ઓળખી શકું હું.
આપણી પહેલી મુલાકાત હજીયે યાદ છે મને. પહેલી વખત તમને જોયેલાં ત્યારે મારો હાથ સતત ધ્રૂજતો હતો, પણ તમે પ્રેમથી મારામાં વિશ્વાસ રાખીને માલિશ કરાવી. તમને કદાચ એ ધ્રૂજતા હાથની હૂંફ જ શાંત કરતી હતી. તમે વારંવાર હાથની ભીંસ વધારવાનું કહેતાં રહ્યાં, પણ જે હાથ તમે ઝંખતાં હશો એવી ભીંસ તો ક્યાં હોય મારા હાથોમાં? જોકે એ દિવસથી તમે સ્પેશ્યલી મારા હાથે જ માલિશ કરાવતાં એનો ગર્વ મને કાયમ રહેશે. ‘યુ આર અમેઝિંગ’ કહીને તમે મને ટિપ આપેલી. સાચું કહું તો તમારા જેટલી ટિપ પણ આજ સુધી કોઈએ નથી આપી. સાચું કહું તો તમારી સેવામાં જે સુખ અનુભવાય છે એ આ ટિપથી અનેકગણું છે મારા માટે. એટલે જ જે મસાજ લોકોને પોણો કલાક માટે જ મળે છે એ આરતી મૅડમની ગેરહાજરીમાં તમે ના ન કહો ત્યાં સુધી હું લંબાવું છું. તમારા શરીરનું દરેકેદરેક અંગ જ્યાં સુધી રણઝણવા ન લાગે ત્યાં સુધી એ કમાઈ પર હું મારો હક નથી સમજતી. તમારા અવાજમાંય ત્યારે કોઈ વાજિંત્ર વાગતું હોય એવી રણક ઉમેરાવા માંડે છે.
મસાજબેડમાં સૂતેલી સ્ત્રીઓને જોઈને મારી આંખો ધરાઈ ગઈ છે, પણ તમારી વાત જ અલગ છે. તમે આંખો બંધ કરી દો એટલે જાણીને હું કાનની બૂટથી લઈને તમારી ગરદનથી જ મસાજની શરૂઆત કરું છું. સામેનો અરીસો ઝળહળ થઈ જાય છે. કાશ, મારા ઘરનો અરીસો પણ આવાં દૃશ્યો ઝીલી શકતો હોત? તમે સતત ઉતાવળમાં જ કેમ હો છો? મને ખાતરી છે કે વિશ્વના કોઈ પણ ખૂણે રહેલો તમારો પતિ ફક્ત તમારા માટે જ અહીં આવતો હશે. તમારા નામમાત્રથી તેના શરીરમાં ગાંડપણ રમતું હશે, નહીં? કદાચ એટલે જ તેની હાજરીમાં કે તેના ગયા પછી લાંબા સમય સુધી તમને આ બાજુ રૂખ કરવાનું પણ પસંદ નથી હોતું.
મને એવું થઈ આવે છે કે તમારા શરીરનું માપ લઈને, કુંભારના ચાકડે જઈને આ જ માપનું બીબું બનાવીને હું એમાં સમાઈ જાઉં ને થઈ જાઉં એકદમ તમારા જેવી જ. આપણે બન્ને સરખાં થઈ જઈશું પછી તો... જોકે આ તો કલ્પનામાત્ર, પણ તમારા નાજુક હોવા છતાંય એક વસ્તુ તમારામાં બિલકુલ મારા જેવી જ લાગે છે. એ છે તમારા શરીરમાં વારંવાર વર્તાતું પહાડીપણું. ક્યારેક તમારા શરીરમાંથી અમુક ચોક્કસ તરંગો ઉદ્ભવે છે. હું એને મારા અનુભવના આધારે બરાબર ઓળખું છું. આવા તરંગો શું કામ ઊગે છે અને કઈ રીતે શમતા હશે એની ચર્ચા કરવાની ઇચ્છા થઈ આવે મને. કેવું નહીં, આટલા અલગ હોવા છતાં પણ તમારા અને મારામાં આટલું સામ્ય કેમ હોઈ શકે?
કેટલી વખત તમારી ત્વચામાં બાળક જેવી હઠ ઊભરાતી હોય છે, જાણે એક-એક અણુ રડી રહ્યો હોય. મને ખબર છે કે એવા સમયે તમે શું કરશો? અચાનક જ પીઠથી ફરીને ચત્તાં સૂઈ જશો અને મારા હાથ છોભીલા પડી જશે. કેવું નહીં? તમારા જેવા તમને પણ મારા જેવું બંજરપણું અનુભવવું પડે છે. તમને આ પહાડીપણું ન શોભે. પહાડીપણું, બંજરપણું, ખાલીપણું શું હોય એ તો કોઈ મને પૂછે. તમે તો ફક્ત ફૂલ જેવું જીવી જવા જ આવ્યાં છો. સાચું કહું છું, તમે શાંત પડો છો ત્યારે મને મુક્તિનો અનુભવ થાય છે. એવું લાગે છે કે મારી અંદર પુરાયેલાં બધાં જ પંખીઓને આઝાદ કરું છું હું.
ગુલાબીની જગ્યાએ એક વાર લાલ લિપસ્ટિક કરી જુઓને. કાયમ કાળાં જ કપડાં શું કામ પહેરો છો? એકાદ વાર નેવી બ્લુ રંગનો પોશાક પહેરો, તમે એકદમ રૉયલ દેખાશો. તમને ખબર છે સૌથી સુખદ શું છે આપણા બન્ને વચ્ચે? હું તો પહેલા દિવસથી જ તમારું નામ જાણું છું, પણ હવે તમેય મારું નામ જાણો છો. તમારા સિવાયના દરેક માટે હું ‘એ છોકરી’, ‘પેલી છોકરી’, ‘હેલ્પર’ એવું બધું જ. હવે આવશો ત્યારે તમને ઉતાવળે જવા નહીં દઉં, આપણે વાતો કરીશું.
lll
તમે બહુ રાહ જોવડાવી. બરાબર ૬ મહિને પાછાં આવ્યાં આજે. તમારો પતિ તો હમણાં જ ગયેલો. હવે એકાદ વર્ષ પછી આવવાનો હતોને? આટલા દિવસો મસાજની જરૂર જ ન પડી? પણ આજે મસાજ માટે મારા સિવાય કોઈ બીજાની માગણી કેમ કરી? તમારા શરીરના ઘાટમાંથી જે હળવાં સ્પંદનોની ઝાંખી દેખાય છે એ પરિચિત તો નથી. મારી સામું જોવાનું પણ સુધ્ધાં ટાળ્યું તમે? કોઈ ભૂલ થઈ મારાથી? ના, મહેરબાની કરીને એ વાતને મનમાં ન લાવશો. ચોક્કસ તમને ગયા વખતની એ ક્ષણ યાદ રહી લાગે છે જ્યારે એક સ્ત્રીની વજનદાર છાતી હળવેકથી તમારી પીઠને અડકીને નીચે સરકવા માગતી હતી. તમે કોઈ ગેરસમજ ઊભી કરો એ પહેલાં કાશ હું તમને કશુંક સમજાવી શકત.
(સમાપ્ત)
