શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે ત્યારે વાત કરવી છે માટુંગામાં આવેલા શ્રી શંકર મઠની જ્યાં ખાસ શ્રાદ્ધ કરવા માટેની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એવા સમયે આ મઠનો ઇતિહાસ, વાસ્તુકલા, એના કાર્ય વિશે જાણવું ખૂબ જરૂરી બની જાય છે
દ્રવિડ શૈલીની સુંદર ઝલક દર્શાવતું મંદિરનું ગોપુરમ. તસવીરો : આશિષ રાજે
આજના સમયમાં વ્યસ્તતા અને અજ્ઞાનને કારણે ઘણા લોકો શ્રાદ્ધને અવૈજ્ઞાનિક અને બિનજરૂરી ક્રિયા માનતા હોય છે. ઘણા લોકો એમ પણ માનતા હોય છે કે શ્રાદ્ધ કરવાની જગ્યાએ દાન કરવું વધારે સારું છે જે એક સારી વાત છે, પણ એ શ્રાદ્ધનો વિકલ્પ ન હોઈ શકે. શ્રાદ્ધ કરવું ધર્માચરણનો હિસ્સો છે, જેને આપણાં શાસ્ત્રોમાં અનિવાર્ય ગણવામાં આવ્યું છે. ભગવાન શ્રી રામને પણ જ્યારે પિતા દશરથના નિધનના સમાચાર મળ્યા ત્યારે તેઓ વનવાસમાં હતા. એમ છતાં તેમણે અત્યંત સાદાઈપૂર્વક પિતાનું શ્રાદ્ધ કર્યું. એ દર્શાવે છે કે પરિસ્થિતિ કેવી પણ હોય, શ્રાદ્ધ કરવું જરૂરી છે. આ વિચાર સાથે જે લોકો ઘરે શ્રાદ્ધ કરવામાં સક્ષમ નથી તેમને માટે શ્રી શંકર મઠમમાં શ્રાદ્ધ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. અહીં દરરોજ બે શ્રાદ્ધ સંપન્ન કરાવવામાં આવે છે અને ફક્ત નામમાત્રનું શુલ્ક લેવામાં આવે છે. એ સિવાય શ્રાદ્ધમાં અન્નદાનનું પણ ખૂબ મહત્ત્વ હોય છે ત્યારે મંદિરમાં દરરોજ પ્રસાદીરૂપે અન્નદાન કરવામાં આવે છે. માટુંગામાં આવેલો આ મઠ ૮૬ વર્ષ જૂનો છે જેની વિવિધ ધાર્મિક, સામાજિક પ્રવૃત્તિઓ તેમ જ ઇતિહાસ રસપ્રદ અને અનોખાં છે.
ઇતિહાસ
સનાતન ધર્મની રક્ષા અને એનો પ્રચાર કરવાં, ધાર્મિક અનુષ્ઠાનોની સુવિધા ઉપલબ્ધ કરાવવી, આધ્યાત્મિક શિક્ષા અને સંસ્કાર આપવાં, સામાજિક સેવા, વાર-તહેવારને પારંપરિક રીતે ઊજવી સંસ્કૃતિને જીવંત રાખવી એ ઉદ્દેશ સાથે જેનું સંચાલન થઈ રહ્યું છે એ શ્રી શંકર મઠની શરૂઆત વિશે વાત કરીએ તો ૧૯૩૯માં વેદ પંડિત શ્રી સુબ્રમણ્ય શાસ્ત્રીગલને સ્વપ્નમાં આદિ શંકરાચાર્યએ આદેશ આપ્યો હતો કે લોકો વેદ, ઉપનિષદ અને શાસ્ત્રની શિક્ષાને શીખી શકે, સમજી શકે અને એનું જીવનમાં અનુસરણ કરી શકે એ માટે એક કેન્દ્ર શરૂ કરવામાં આવે. એ પછી તેમણે પોતાની નાનીએવી રૂમમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. આ કામને મોટા પાયે આગળ વધારવા માટે એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી. વર્તમાનમાં જ્યાં મઠ છે એની જમીન ૧૯૫૪માં ખરીદવામાં આવી હતી. ૧૯૭૭માં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી સ્વામી દયાનંદ સરસ્વતી ઉપસ્થિત રહ્યા હતા. એક વર્ષમાં આ મંદિર બનીને તૈયાર થઈ ગયું હતું. ૧૯૭૮ની ૧૦ મેએ અક્ષય તૃતીયાના દિવસે આ અદ્ભુત અને અનોખા મંદિરનો શ્રી દ્વારકા પીઠમના શંકરાચાર્ય દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો. તમામ દેવતાઓનો કુંભાભિષેક અને પ્રતિષ્ઠા શાસ્ત્રો અનુસાર સંપન્ન કરવામાં આવ્યાં હતાં. આજે પણ દર વર્ષે અક્ષય તૃતીયાના દિવસે પ્રાણપ્રતિષ્ઠા દિવસ ઊજવાય છે જેમાં તમામ દેવતાઓનો કળશથી અભિષેક, નવાં વસ્ત્રોથી શણગાર, પૂજા-અર્ચના, નૈવેદ્ય ધરીને ધાર્મિક રીતે ઉજવણી કરવામાં આવે છે.
ADVERTISEMENT
દેવી-દેવતા
શ્રી શંકર મઠ આદિ શંકરાચાર્યની પરંપરાને માને છે અને ત્યાં શણ્મત એટલે કે છ દેવતાઓની ઉપાસનાની પરંપરા છે. એમાં ભગવાન ગણેશ, દેવી, ભગવાન વિષ્ણુ, ભગાવન શિવ, ભગવાન બાલમુરુગન અને સૂર્ય દેવતાનો સમાવેશ છે. આ છ દેવતાઓની પૂજા અલગ-અલગ સંપ્રદાયોમાં કરવામાં આવે છે પણ શંકરાચાર્યએ એ શિક્ષા આપી હતી કે બધા એક જ પરમ સત્યનાં વિભિન્ન રૂપ છે. આ મઠ આદિ શંકારાચાર્યને સમર્પિત હોવાથી અહીં તેમની વિશાળ પ્રતિમા સ્થાપિત છે અને તેમને મુખ્ય આરાધ્ય માનવામાં આવે છે.
આર્કિટેક્ચર અદ્ભુત
આ મંદિરનું આર્કિટેક્ચર ગોપુરમ દ્રવિડ શૈલીની સુંદર ઝલક પ્રસ્તુત કરે છે. આ ઊંચું અને ભવ્ય પ્રવેશદ્વાર મંદિરની આધ્યાત્મિકતા અને સ્થાપત્ય સૌંદર્યનું પ્રતીક છે. ગોપુરમ પર દેવી-દેવતાઓ અને પૌરાણિક કથાઓ દર્શાવતી મૂર્તિઓ બની છે. મંદિરની અંદર જઈને થોડા દાદરા ચડશો એટલે બે હાથીઓ તેમ જ વાયુ અને વરુણદેવની મૂર્તિઓ દેખાશે. થોડા આગળ વધશો એટલે સામેની દીવાલ પર ભગવાન કૃષ્ણ અર્જુનને ગીતાનો ઉપદેશ આપી રહ્યા હોય એવી વૉલ-પૅનલ્સ છે. બાજુમાં સીડીઓ ચડીને ઉપર જશો તો દીવાલો પર જે પૅનલ્સ લાગેલી છે એના પર આદિ શંકરાચાર્યના જીવનનાં વિભિન્ન પાસાંઓને દર્શાવતી ચિત્રકળા છે. ફર્સ્ટ ફ્લોર પર જશો તો મંદિરનો વિશાળ અને સુંદર હૉલ દેખાશે. મેઇન ટેમ્પલ હૉલના જે સાઇડ પિલર્સ છે એ ફક્ત મંદિરના બાંધકામને સપોર્ટ આપવાનું કામ નથી કરતા, મંદિરના સમગ્ર સ્થાપત્ય સૌંદર્યને પણ સમૃદ્ધ કરે છે. આ પિલર્સના માધ્મયથી અદ્વૈત વેદાંત ગુરુ પરંપરા દર્શાવવામાં આવી છે. અદ્વૈત વેદાંત ગુરુ પરંપરા એ ગુરુઓનો પારંપરિક વંશ છે જેમણે પેઢી-દર પેઢી અદ્વૈત વેદાંતના જ્ઞાનને પ્રસારિત કર્યું છે. ગુરુ પરંપરાને ત્રણ મુખ્ય ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. દૈવ પરંપરામાં દત્તાત્રેય, નારાયણ, બ્રહ્મા છે; ઋષિ પરંપરામાં બ્રહ્માના માનસપુત્ર વસિષ્ઠ ઋષિ, તેમના પુત્ર મહર્ષિ શક્તિ, તેમના પુત્ર પરાશર, તેમના પુત્ર વેદ વ્યાસ, તેમના પુત્ર શુક છે તથા માનવ પરંપરામાં શુકના શિષ્ય ગૌડપાદાચાર્ય, તેમના શિષ્ય ભગવત્પાદાચાર્ય અને તેમના શિષ્ય આદિ શંકરાચાર્ય છે.
તહેવાર-પૂજા
મંદિરમાં વિવિધ તહેવારોની ઉજવણી પણ ધાર્મિક રીતે કરવામાં આવે છે. હવે થોડા દિવસમાં શારદીય નવરાત્રિ આવશે તો એ પ્રસંગે ખાસ શતચંડી મહાયજ્ઞ, વિશેષ પૂજા અને હોમનું આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રિના અવસરે સાંજથી લઈને સવારે છ વાગ્યા સુધી ચાર પ્રહરની પૂજા થાય છે. એ રાત્રે મોટા પ્રમાણમાં ભક્તોની અવરજવર રહે છે અને પૂજામાં સહભાગી થાય છે. ૧૯૪૧થી લઈને દર વર્ષે આદિ શંકરાચાર્ય જયંતી ઊજવવામાં આવે છે. ૧૧ દિવસનો આ ઉત્સવ હોય છે. શ્રી શંકર મઠમ મંદિરના મુખ્ય સભાગૃહમાં દર રવિવારે સવારે સામૂહિક સૂર્યનમસ્કાર કરવામાં આવે છે. કાર્તિક મહિનાના પહેલા દિવસથી શરૂ થતા મંડલાવારમ દરમિયાન ૪૪ દિવસ માટે દરરોજ સાંજે ચતુર્વેદ પારાયણનું આયોજન થાય છે જેમાં દેશભરના પંડિતો ભાગ લે છે. એવી જ રીતે દર વર્ષે ન્યુ યરના દિવસે માનવ કલ્યાણ માટે વિશ્વ શાંતિ હોમનું આયોજન કરવામાં આવે છે. મઠમાં અથર્વશીર્ષ ગણપતિ હોમ, નવગ્રહ હોમ, નક્ષત્ર શાંતિ હોમ અને લક્ષ્મી કુબેર હોમ કરવામાં આવે છે.
ધાર્મિક અભ્યાસ
વેદ હિન્દુ ધર્મના મૂળ છે. ફક્ત એનો પાઠ કરવો પર્યાપ્ત નથી પરંતુ એને સમજવા અને જીવનમાં ઉતારવા પણ એટલા જ જરૂરી છે. શ્રી શંકર મઠમાં ૧૯૩૯થી વેદાધ્યયનનો પ્રારંભ થયો હતો અને હજી પણ મંદિરના મેઇન હૉલમાં એના ક્લાસિસ લેવામાં આવે છે. એ સિવાય વેદાંત ભાષ્યમ એટલે કે વેદાંત શાસ્ત્રોનો ઊંડો અર્થ અને સંદેશ સમજાવવામાં આવે છે. કક્ષાઓમાં આદિ શંકરાચાર્ય દ્વારા લિખિત ગ્રંથોનું જ્ઞાન આપવા માટે સાપ્તાહિક ક્લાસ લેવામાં આવે છે. દર અઠવાડિયે ભગવદ્ગીતા પાઠના ક્લાસ પણ થાય છે. દર કૃષ્ણ પક્ષની દ્વાદશીએ સંપૂર્ણ ગીતા (૧૮ અધ્યાય)ના પાઠ કરવામાં આવે છે. સાથે જ રેગ્યુલરલી સંસ્કૃતના ક્લાસિસ પણ લેવાય છે. મઠ્ઠમ દ્વારા છેલ્લાં ૨૫ વર્ષથી પંઢરપુરમાં વિઠ્ઠલ રુક્મિણી વેદશાળા ચલાવવામાં આવે છે જ્યાં ઋગ્વેદ, શુક્લ યજુર્વેદનું જ્ઞાન આપવામાં આવે છે. મઠમ અન્ય વેદ પાઠશાળાઓને પણ અનુદાન આપીને સપોર્ટ કરે છે.
સામાજિક કાર્ય
શ્રી શંકર મઠ ગરીબ અને જરૂરિયાતમંદોને ચિકિત્સા સહાયતા, શૈક્ષણિક મદદ, કન્યાઓના વિવાહ અને અન્ય સામાજિક કાર્યો માટે આર્થિક સહાય આપે છે. એ સિવાય વૃદ્ધાશ્રમ, કૅન્સરના દરદી અને તેમના પરિવારોને આશરો આપતી ધર્મશાળાઓ, અનાથાશ્રમ અને વિભિન્ન ધાર્મિક સંસ્થાઓને અનાજનું દાન કરવામાં આવે છે.

