Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > હિન્દુસ્તાનના પત્રકારત્વની ભૂમિ પર ન ભૂંસી શકાય એવી પગલાંની છાપ પાડનાર તાનુબાઈ

હિન્દુસ્તાનના પત્રકારત્વની ભૂમિ પર ન ભૂંસી શકાય એવી પગલાંની છાપ પાડનાર તાનુબાઈ

Published : 07 November, 2026 03:38 PM | Modified : 07 November, 2026 04:03 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

માત્ર મુંબઈ ઇલાકાનાં જ નહીં, આખા હિન્દુસ્તાનનાં અખબારોના ઇતિહાસમાં જે એક નામ આઠ કૉલમની હેડલાઇન તરીકે લખાવું જોઈએ એ આ નામ ‘તાનુબાઈ.’ આપણને આપણા ‘ભવ્ય’ ભૂતકાળનાં ગાણાં ગાવાં ગમે છે.

તાનુબાઈના ત્રણ કલ્પના ચિત્રો અને સીતારામ બિલ્ડિંગની તસવીરોનો કૉલાજ

તાનુબાઈના ત્રણ કલ્પના ચિત્રો અને સીતારામ બિલ્ડિંગની તસવીરોનો કૉલાજ


‘हे पत्र हार्नबी रोड, सीताराम बिल्डिंग येथे ‘दीनबंधु’ छापखान्यात तानुबाई वासुदेवराव बिर्जे यांनी छापून प्रसिद्ध केले.’

બીજા કોઈ પણ અખબારમાં રોજ છપાય એવી આ પ્રિન્ટલાઇન છે. મુંબઈના હૉર્નબી રોડ (આજનું નામ દાદાભાઈ નવરોજી રોડ) પરની એક જૂની અને જાણીતી ઇમારત એ સીતારામ બિલ્ડિંગ. એમાં આવેલું ‘દીનબંધુ છાપખાનું’. ત્યાં સુધી તો ખાસ કંઈ નવું નથી, પણ વીસમી સદીનાં શરૂઆતનાં વર્ષો માટે નવાઈભર્યું લાગે એ મુદ્રક તરીકે છપાયેલું એક સ્ત્રી તાનુબાઈ વાસુદેવ બિર્જેનું નામ. 



માત્ર મુંબઈ ઇલાકાનાં જ નહીં, આખા હિન્દુસ્તાનનાં અખબારોના ઇતિહાસમાં જે એક નામ આઠ કૉલમની હેડલાઇન તરીકે લખાવું જોઈએ એ આ નામ ‘તાનુબાઈ.’ આપણને આપણા ‘ભવ્ય’ ભૂતકાળનાં ગાણાં ગાવાં ગમે છે, પણ એ ગાણાંમાં પૂરવા માટેની શબ્દોરૂપી હકીકતો આપણી પાસે છે જ ક્યાં? આ તાનુબાઈની જન્મતારીખ? ખબર નથી. અવસાનતારીખ? ખબર નથી. તેમનો એકાદો ફોટો? ગમે એટલું શોધો નહીં મળે. આવું તો કેટલુંય છે જે આપણી પાસે હોવું જોઈએ પણ નથી. એટલે જેની ખબર નથી એ બધું છોડીને જે થોડું ઘણું કે ઘણું થોડું છે એની વાત કરીએ.


ઓગણીસમી સદીમાં દેશના ઘણા ભાગોમાં સમાજસુધારાનો જબરદસ્ત જુવાળ આવ્યો. મુંબઈ ઇલાકાના મરાઠીભાષી વિસ્તારોમાં સમાજસુધારાની પ્રવૃત્તિનો રસ મૂળથી શરૂ થઈને ડાળ—પાંદડાં સુધી પ્રસર્યો, જ્યારે ગુજરાતીભાષી પ્રદેશોમાં એ મોટા ભાગે ડાળ-પાંદડાં સુધી પહોંચીને અટકી ગયો. સમાજસુધારાની પ્રવૃત્તિ મહારાષ્ટ્રમાં સમાજના મૂળથી શરૂ થઈ એનો ઘણો યશ મહાત્મા જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફુલેને. ઉજળિયાત ગણાતા વર્ગથી નહીં, પણ તેમણે સમાજસુધારાની શરૂઆત ‘બહુજન સમાજ’થી કરી. આ ‘બહુજન સમાજ’ એટલે ઉજળિયાત તરીકે ઓળખાતા નહીં એવા વર્ગના લોકો. તેમની સમાજમાં બહુમતી એટલે નામ આપ્યું ‘બહુજન સમાજ’.

પુણે શહેરની ‘વેતાળ પેઠ’ (આજની ‘ફુલે પેઠ’)માં જ્યોતિબા ફુલેની એક દુકાન. એ દુકાનથી દોઢસો–બસો ડગલાંના અંતરે દેવરાવ ઠોસરનું ઘર. અસલ નાશિકના વતની, પણ ઠોસરકુટુંબ પછીથી પુણેકર બન્યું હતું. દેવરાવ પહેલાં તો પોલીસ-ખાતામાં કામ કરતા હતા, પણ એ કામ કરતાં-કરતાં તેમણે કાયદાની ઘણીબધી જાણકારી મેળવી લીધી. એટલે અંગ્રેજ સરકારે તેમને મૅજિસ્ટ્રેટ બનાવ્યા. થોસર દંપતીને ૩ બાળકો. એમાં તાનુબાઈ સૌથી નાનાં, પણ એ જમાનામાં છોકરી જન્મે ત્યારે તેનાં તારીખ-વાર કોઈ નોંધે? હા, જન્મના વર્ષનો અંદાજ તો આવી શકે તેમ છે.


એ જમાનામાં મુંબઈ ઇલાકાની સરકાર દર ૬ મહિને મુંબઈ રાજ્યનાં અખબારો વિશે ‘ખાનગી નોંધ’ તૈયાર કરીને લંડન મોકલતી. ૧૯૧૩ના એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના આવા અહેવાલમાં ‘દીનબંધુ’ નામના અઠવાડિક વિશેની નોંધમાં લખ્યું છે કે આ અખબારનાં તંત્રી છે ૩૭ વર્ષનાં તાનુબાઈ. આ અહેવાલ તૈયાર કર્યો છે મુંબઈ સરકારના ઓરિયેન્ટલ ટ્રાન્સલેટર એસ. એમ. ભારુકાએ. એટલે આ અહેવાલના આધારે તાનુબાઈનો જન્મ ૧૮૭૬માં થયો હશે એવું અનુમાન કરી શકાય.

તાનુબાઈ ભણ્યાં વેતાળ પેઠમાં આવેલી મહાત્મા ફુલેએ શરૂ કરેલી સ્કૂલમાં, પણ કેટલું ભણ્યાં એ ચોક્કસ જાણવા મળતું નથી. તાનુબાઈના પિતા સત્યશોધક સમાજ સાથે સંકળાયેલા એટલે તેમણે જમાઈ પણ એ સમાજમાંથી જ શોધ્યો. ૧૮૯૩ના જાન્યુઆરીની બાવીસમી (કેટલાક અહેવાલ પ્રમાણે ૨૬મી) તારીખે તાનુબાઈનાં લગ્ન સત્યશોધક સમાજના એક અગ્રણી કાર્યકર વાસુદેવ લિંબોજી બિર્જે સાથે થયાં. એ વખતે તાનુબાઈની ઉંમર ૧૫ વર્ષની અને વાસુદેવજીની ઉંમર ૨૬ વર્ષની હતી એમ અખબારી અહેવાલમાં જણાવ્યું છે. એ લગ્ન ઉજળિયાત હિન્દુ વિધિ પ્રમાણે નહીં પણ સત્યશોધક સમાજની વિધિ પ્રમાણે થયેલાં. લગ્ન વખતે પંડિતા રમાબાઈ અને બહુજન સમાજના ઘણા અગ્રણીઓ હાજર હતા. ‘દીનબંધુ’માં પ્રગટ થયેલા અહેવાલ પ્રમાણે લગ્ન વખતે આઠ મંગલાષ્ટક ગવાયાં હતાં અને એ સમાજના પુષ્કળ લોકોએ હાજરી આપી હતી. લગ્ન પછી બીજા જ વર્ષે વાસુદેવરાવને વડોદરા રાજ્યની લાઇબ્રેરીના ગ્રંથપાલની નોકરી મળી એટલે ૧૮૯૪થી ૧૯૦૫ સુધી વાસુદેવરાવ અને તાનુબાઈ વડોદરાવાસી બન્યાં.

કૃષ્ણાજી ભાલેકરે ‘દીનબંધુ’ નામનું અઠવાડિક ૧૮૭૭ના જાન્યુઆરીની પહેલી તારીખે શરૂ કરેલું. એ અખબાર સત્યશોધક સમાજના વિચારોને વરેલું હતું, પણ થોડા વખત પછી પૈસાને અભાવે એ બંધ પડ્યું. ૧૮૮૦માં નારાયણ મેઘાજી લોખંડેએ મુંબઈથી એને ફરી શરૂ કર્યું, પણ એ ઝાઝો વખત ચલાવી શક્યા નહીં એટલે આ અખબારને ફરી પુણે લાવવાનું નક્કી થયું અને વાસુદેવ બિર્જેને એના તંત્રી થવાનું કહેણ મોકલાયું. તેથી વડોદરા સરકારની નોકરીનું રાજીનામું આપીને તેઓ અને તાનુબાઈ પાછાં પુણે આવ્યાં અને વાસુદેવરાવે ‘દીનબંધુ’નું તંત્રીપદ સંભાળ્યું. તેઓ સાક્ષર કે અનુભવી પત્રકાર નહોતા, પણ જાતમહેનત અને આપસૂઝથી તેમણે ‘દીનબંધુ’ને સતત ધબકતું રાખ્યું. કમનસીબે વીસમી સદીના પહેલા દાયકામાં મુંબઈ ઇલાકાના ઘણા ભાગોમાં ફેલાયેલા પ્લેગના રોગના વાસુદેવરાવ ભોગ બન્યા અને તેમનું અવસાન થયું.

હવે? ‘દીનબંધુ’ પાછું બંધ થશે? એને ચલાવી શકે એવા તંત્રીની શોધ ચાલતી હતી, પણ કોઈ યોગ્ય વ્યક્તિ મળતી નહોતી. ત્યારે તાનુબાઈએ હળવેકથી કહ્યું, ‘ચિંતા ન કરો. ‘દીનબંધુ’ને હું ચલાવીશ.’ અને તાનુબાઈ બન્યાં એક મરાઠી અખબારનાં પહેલવહેલાં સ્ત્રી-તંત્રી; એટલું જ નહીં, માત્ર મુંબઈ ઇલાકામાં નહીં, આખા હિન્દુસ્તાનમાં વર્તમાનપત્રના સ્ત્રી-તંત્રી બનનાર સૌથી પહેલાં હતાં તાનુબાઈ વાસુદેવ બિર્જે.

અને તાનુબાઈ માત્ર શોભાના ગાંઠિયા જેવાં તંત્રી નહોતાં. ‘દીનબંધુ’માં તેઓ લગભગ નિયમિત રીતે લખતાં. આજે આપણને નવાઈ લાગે પણ એ જમાનામાં તાનુબાઈએ દેશમાં લોકશાહી સરકારની હિમાયત કરી હતી તો એક લેખમાળામાં પ્રાચીન ભારતનાં રાજ્યો, એમનો ઇતિહાસ અને બહુજન સમાજ તરફના તેમના વલણની ચર્ચા કરી હતી. તેઓ લખે છે, ‘મુંબઈ રાજ્યની વિધાનસભામાં ખેડૂતો અને બહુજન સમાજનો એક પણ પ્રતિનિધિ નથી અને એટલે એ સમાજના લોકોની સમસ્યાઓ વિશે કોઈ ચર્ચા જ ન થાય ત્યાં એનો ઉકેલ લાવવાની તો વાત જ ક્યાંથી થાય? મરાઠીમાં એક કહેવત છે : જેને પેટમાં દુખતું હોય તે ખાવા માટે ઓવા (અજમો) માગે, પણ બહુજન સમાજ અને ખેડૂતોનાં દુખ જોઈને વિધાનસભાના કોઈ સભ્યનું પેટ દુખતું નથી એટલે બહુજન સમાજની તકલીફ દૂર કરવા એને ‘ઓવા’ આપવાનું સરકાર મા-બાપને કહે કોણ?’

તાનુબાઈ સ્ત્રી-પુરુષ સમાનતાનાં પણ હિમાયતી હતાં. બહુજન સમાજના પિતૃસત્તાકવાદી રીતરિવાજો અને ધારાધોરણોની પણ તેઓ અવારનવાર ટીકા કરતાં. તેઓ લખે છે, ‘સ્ત્રીએ એક પતિવ્રત પાળવું જોઈએ એવો આગ્રહ બહુજન સમાજમાં પણ રખાય છે, પણ પુરુષે એક કરતાં વધુ પત્ની રાખવી ન જોઈએ એમ કોઈ કહેતું નથી (એ વખતે મુંબઈ ઇલાકામાં બહુપત્ની પ્રતિબંધક કાયદો અમલમાં આવ્યો નહોતો). પુરુષની સેવા કરવા માટે સ્ત્રી સતત ખડે પગે રહે એટલા ખાતર ‘ન સ્ત્રી સ્વાતંત્ર્યમર્હતિ’ જેવાં અનુદાર વચનોનું પ્રતિપાદન કર્યા કરવાનું! રૂઢિનાં બંધનો ભલભલા ડાહ્યાને પણ પાગલ બનાવી દે છે એવું અનેક વાર જોવા મળ્યું છે.’

એ જમાનાની શિક્ષણપદ્ધતિની પણ તાનુબાઈએ ટીકા કરી હતી. આ શિક્ષણપદ્ધતિ પુસ્તકિયા છે, ઉજળિયાત વર્ણના લોકોને જ ધ્યાનમાં રાખીને ઘડાયેલી છે, એ અવૈજ્ઞાનિક છે અને બ્રાહ્મણ સંસ્કૃતિને જ મહત્ત્વ આપનારી છે. શિક્ષણપદ્ધતિ વર્ગકેન્દ્રી નહીં પણ ‘માણસકેન્દ્રિત’ હોવી જોઈએ એવો તેમનો આગ્રહ હતો. તેમણે કુશળતાપૂર્વક ‘દીનબંધુ’ ચલાવ્યું એટલું જ નહીં, તેઓ સંપાદક હતાં એ દરમ્યાન ‘દીનબંધુ’ના માથે આર્થિક આફત આવી પડી. હવે તો આ છાપું બંધ કરવું પડશે એમ સૌને લાગ્યું. એ વખતે તાનુબાઈએ પોતાનાં ઘરેણાં વેચીને ‘દીનબંધુ’ને જિવાડ્યું.

‘દીનબંધુ’ સાપ્તાહિકનો અંક સાધારણ રીતે ૪ પાનાંનો આવતો. દરેક પાનાં પર ૪ કૉલમ. પહેલા પાના પર મોટા ભાગે આયુર્વેદની દવાઓની જાહેરખબરો આવતી અને છેલ્લા પાને સત્યશોધક સમાજે પ્રગટ કરેલાં પુસ્તકોની જાહેરાત આવતી. બીજા પાના પર સંપાદકનો અગ્રલેખ, બહુજન સમાજ માટે મહત્ત્વ ધરાવતા સમાચારો વગેરે છપાતું. ત્રીજા પાને ‘સમાચાર-સંકલન’, વાચકોના પત્રો, પરચૂરણ ખબરો વગેરે છપાતા. કેટલીક વાર જગ્યા વધે ત્યારે પ્રેરણાત્મક સુવિચારો કે અવતરણો પણ છપાતાં. અંકની છૂટક કિંમત અડધો આનો (બે પૈસા) રહેતી! એ વખતે ‘દીનબંધુ’ માત્ર એક અખબાર નહોતું, એ સત્યશોધક સમાજનાં કાર્યો અને વિચારોના દીપસ્તંભ જેવું હતું. આજે તો આપણો સમાજ ઘણો આગળ વધી ગયો છે. છતાં આવા કોઈ ધ્યેયને વરેલા અખબારનું તંત્રીપદ સંભાળતાં પહેલાં કોઈ પણ સ્ત્રી ૧૦ વાર વિચાર કરે. આજની સરખામણીમાં તો એ વખતે સ્ત્રીઓ પર ઘણાં વધારે બંધનો હતાં. તાનુબાઈ પોતે ઝાઝું ભણ્યાં પણ નહોતાં અને પોતે કોઈ ઉજળિયાત ગણાતી કોમના નહીં, પણ બહુજન સમાજનાં સભ્ય હતાં અને છતાં અકાળે અવસાન પામેલા પતિની તંત્રીની ખુરસી પર બેસવાનું તાનુબાઈએ નક્કી કર્યું એટલું જ નહીં, એ સ્થાનને અજવાળ્યું અને શોભાવ્યું.

આખા હિન્દુસ્તાનનાં પહેલવહેલાં સ્ત્રી-તંત્રી હતાં તાનુબાઈ, પણ આજે આપણે તેમના વિશે ઓછામાં ઓછું જાણીએ છીએ. જન્મની કે મૃત્યુની નથી મળતી કોઈ તારીખ, નથી મળતી ‘દીનબંધુ’ની સંપૂર્ણ ફાઇલ. તેમના વિશે છૂટક લેખો લખાયા છે જરૂર, પણ એમાંય ઘણી વાર માહિતી એકસરખી નહીં. આજ સુધી તેમના વિશે જેણે લખ્યું છે, જ્યારે લખ્યું છે ત્યારે સાથે તાનુબાઈનું એક યા બીજું કલ્પનાચિત્ર મૂકવું પડ્યું છે (અહીં એવાં ૩ ચિત્રો મૂક્યાં છે) કારણ દેશનાં આ પહેલવહેલાં સ્ત્રી-તંત્રીનો એક પણ ફોટો, તેમની હયાતીમાં તૈયાર થયેલો એક પણ સ્કેચ આજે મળતો નથી. તેમનું રેખાંકન ભલે ન મળતું હોય, હિન્દુસ્તાનના પત્રકારત્વની ભૂમિ પર તાનુબાઈનાં પગલાંની છાપ તો ન ભૂંસી શકાય એવી આજ સુધી રહી છે.

આપણે તો વેણીભાઈ પુરોહિતના પેલા પ્રખ્યાત ગીતની પંક્તિઓ ગણગણવા સિવાય બીજું શું કરી શકીએ?

ઊકલશે ક્યાંથી હવે ઉખાણું?

પગલું પગલાંમાં અટવાણું

Whatsapp-channel Whatsapp-channel

07 November, 2026 04:03 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK