પાટણથી માત્ર પચાસ રૂપિયા લઈને મુંબઈ આવેલા નિરંજન વ્યાસે ટાઇપિંગ શીખવાડવાથી શરૂઆત કરીને ૧૯૫૬માં કાંદિવલીમાં કોચિંગ ક્લાસની સ્થાપના કરી હતી. આજે ૯૩ વર્ષે પણ વિદ્યાર્થીઓને ભણાવવાનો જઝ્બો ધરાવતા આ દાદાની સફર પર એક નજર કરીએ
નિરંજન વ્યાસ
આજે ગુજરાતી ભાષાની શાળા અને શિક્ષણ લુપ્ત થવાને આરે પહોંચી ગયાં છે, પણ જ્યારે મુંબઈમાં ગુજરાતી ભાષાની શાળાનો દબદબો હતો એ સમયે ગુજરાતી કોચિંગ ક્લાસનો પાયો નાખનાર વ્યક્તિને કેમ કરીને ભૂલી જવાય અને એ પણ ત્યારે જ્યારે શિક્ષક દિનની ઉજવણી થઈ રહી હોય. હા, અહીં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ નિરંજનભાઈ વ્યાસની, જેમણે ૧૯૫૬માં મુંબઈના કાંદિવલી વિસ્તારમાં વ્યાસ કોચિંગ ક્લાસની સ્થાપના કરી હતી. કોચિંગ કલાસની વ્યાખ્યા પણ લોકોને ખબર નહોતી એવા સમયે તેમણે આ સાહસ કર્યું હતું.
પાટણથી પોતાના મિત્રો પાસેથી ઉછીના ૫૦ રૂપિયા લઈને હું મુંબઈ આવવા નીકળી પડ્યો હતો એમ કહીને પોતાની સફરની વાત કરતાં વ્યાસ ક્લાસિસના સ્થાપક અને શિક્ષક નિરંજનભાઈ ઉમેરે છે, ‘શરૂઆતમાં મિત્રો, સગાંસંબંધીઓને ત્યાં રોકાયો પણ સ્વમાન આડે આવતું એટલે ઝાઝા સમય સુધી કોઈનો ઉપકાર લીધો નહીં. જ્યાં સુધી સરખું કામ ન મળ્યું ત્યાં સુધી રસ્તા પર પણ રાતો કાઢી નાખી. સાડી છાપવાના કારખાનામાં પ્રિન્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ધીરે-ધીરે ટાઇપિંગ શીખવા માંડ્યો અને પછી ટાઇપરાઇટર શીખવાડવાનું શરૂ કર્યું. ત્યારે માત્ર ચારપાંચ વિદ્યાર્થીઓ હતા. ટાઇપરાઇટર શીખવાડતાં ધીરે-ધીરે તેમને ગ્રામર શીખવાડવાનું પણ શરૂ કર્યું. ગ્રામરની બુક્સ, વિવિધ વાંચન સામગ્રી રોજેરોજ વાંચતો જતો અને વિદ્યાર્થીઓને શીખવતો જતો. ઉત્તરોત્તર વિદ્યાર્થીઓ વધતા ગયા અને આમ હું નાનકડી ચાર-બાય-ચારની ખોલીથી વ્યાસ ક્લાસ સુધીની સફર પાર કરી શક્યો. શૂન્યમાંથી સર્જન કરવા માટે સમર્થ બની શક્યો એનો આનંદ છે.’
ADVERTISEMENT
વિરારથી લઈને અંધેરી સુધીના સ્ટુડન્ટ્સ અહીં ભણવા આવતા
કોચિંગના કામમાં મારાં સ્વર્ગસ્થ પત્ની મંજુલા અને મારાં સંતાનોનો પણ ખૂબ સાથસહકાર મળી રહ્યો એમ જણાવતાં વ્યાસ સરના નામથી પ્રખ્યાત નિરંજનભાઈ કહે છે, ‘૧૯૫૬ની સાલમાં જ્યારે વ્યાસ ક્લાસિસ શરૂ કર્યા હતા ત્યારે મુંબઈમાં અન્ય કોચિંગ ક્લાસ નહોતા. ખાસ કરીને ગુજરાતી મીડિયમના તો કોઈ ક્લાસ જ નહોતા. છેક વિરારથી લઈને અંધેરી સુધીના વિદ્યાર્થીઓ અહીં ભણવા માટે આવતા હતા. એક સમયે અહીં ૫૦૦૦ પણ વધુ વિદ્યાર્થીઓ ભણતા હતા અને ૩૦ જણનો સ્ટાફ હતો. અહીં શરૂઆતમાં અંગ્રેજી, વ્યાકરણ, ટાઇપરાઇટિંગ તેમ જ શૉર્ટહૅન્ડ શીખવાડવામાં આવતું હતું. ત્યાર બાદ પાંચમા ધોરણથી SSCના વિદ્યાર્થીઓને અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન શીખવવાનું શરૂ કર્યું. પછી TYBCom અને CAના પણ ક્લાસ શરૂ કર્યા. બોર્ડની એક્ઝામ વખતે મોટી-મોટી સ્કૂલમાંથી અલગ-અલગ વિષયોના નિષ્ણાતોને વ્યાખ્યાનમાળા માટે બોલાવવામાં આવતા હતા, જેની પરંપરા પણ અમારે ત્યાંથી જ શરૂ થઈ હતી. આ સિવાય વિદ્યાર્થીઓનો વિદાય સંભારભ, પિકનિક અને ક્રિકેટ મૅચનું પણ આયોજન કરવામાં આવતું હતું. આજે મોટા ભાગના વિદ્યાર્થીઓ દેશવિદેશમાં ઉચ્ચ હોદા ઉપર છે, જેનો મને આનંદ છે. અને આજની તારીખમાં પણ હું જ્યારે ઘરની બહાર નીકળું ત્યારે રસ્તામાં ઓછામાં ઓછા બેપાંચ જણ તો મારા સ્ટુડન્ટ્સ મને મળી જ જતા હોય છે.’
આજે ૯૩ વર્ષે પણ સશક્ત
વ્યાસ સરના પુત્ર અને બ્રાહ્મણ સેવા સમાજની સાથે સંકળાયેલા અખિલેશ વ્યાસ કહે છે, ‘મારા પિતાની ઉંમર ૯૩ વર્ષની છે તેમ છતાં આજે પણ એટલા જ સશક્ત છે. તેમનું ચાલે તો આજે પણ વિદ્યાર્થીઓને ભણાવવા બેસી જાય. નખમાં એકેય રોગ નથી પણ ઉંમરના હિસાબે અમે તેમને ઘરની બહાર એકલા જવા દેતા નથી. આજે પણ તેમને તેમના વતન પાટણ પ્રત્યે ખૂબ જ લગાવ છે એટલે વર્ષમાં બે વખત તો તેઓ પાટણની મુલાકાત લે જ છે જ્યાં તેઓ અમારી બહેરામૂંગા બાળકોની એક સ્કૂલ છે ત્યાં આંટો મારી આવે છે.’