Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દસમું ભણેલાં આ આન્ટીનું મગજ એન્જિનિયર કરતાં પણ તેજ છે

દસમું ભણેલાં આ આન્ટીનું મગજ એન્જિનિયર કરતાં પણ તેજ છે

22 September, 2021 04:03 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

ખીલી, સ્ક્રૂ, નટ બૉલ, લોખંડના તાર, ક્લચ, ફાસનર જેવા નકામા મેકૅનિકલ પાર્ટ્સમાંથી જાતજાતની વસ્તુ બનાવી સમય પસાર કરતાં વસઈનાં ૬૦ વર્ષનાં ભારતી મકવાણા વેસ્ટ મટીરિયલને હાથ લગાવે કે તરત મગજમાં ચમકારો થાય અને મસ્ત મજાનો ડેકોરેટિવ પીસ તૈયાર કરી નાખે

દસમું ભણેલાં આ આન્ટીનું મગજ એન્જિનિયર કરતાં પણ તેજ છે

દસમું ભણેલાં આ આન્ટીનું મગજ એન્જિનિયર કરતાં પણ તેજ છે


નિવૃત્તિની શરૂઆતમાં અનેક લોકો નિસાસો નાખતા હોય છે કે હવે સમય કેમ નીકળશે? વાસ્તવમાં આ જ જીવનનો શ્રેષ્ઠ તબક્કો છે જ્યાં નવી અને મનગમતી પ્રવૃત્તિ સાથે કાર્યશીલ રહી શકો છો. વસઈમાં રહેતાં ૬૦ વર્ષનાં ભારતી મકવાણાએ મગજ કસાય એવી સુંદર પ્રવૃત્તિ શોધી કાઢી છે. હજી ગયા મહિને તેમણે વેસ્ટ મેકૅનિકલ મટીરિયલનો ઉપયોગ કરી વહાણ બનાવ્યું છે. 
ડિગ્રીની જરૂર નથી
મેકૅનિકલ વેસ્ટનો ઉપયોગ કરી આર્ટિકલ્સ બનાવવાના આઇડિયાઝ ક્યાંથી આવે છે? શું નાનપણમાં તમે એન્જિનિયર બનવા માગતાં હતાં? આ પ્રશ્નનો જવાબ આપતાં ભારતીબહેન કહે છે, ‘હું તો માત્ર દસમા ધોરણ સુધી ભણી છું. આઇડિયાઝનું એવું છે કે અમે રહ્યાં લુહાર જ્ઞાતિનાં. નાનપણમાં પિતાને મદદ કરતાં તેથી તમામ સાધનો વાપરવાની ટેક્નિક શીખી ગયાં. કુદરતે આ હુન્નર વારસામાં આપ્યો હોવાથી અમને ડિગ્રીની જરૂર નથી. મટીરિયલને હાથ લગાવતાં જ મગજમાં આઇડિયાઝ સ્ફુરે. મારા પતિદેવનું ફૅબ્રિકેશનનું કામકાજ છે. એ પણ લોખંડ સાથે કનેક્ટેડ છે. સ્ક્રૂ, ખીલા-ખીલી, ફાસનર, તાર, લોખંડના પાતળા સળિયા, નટ બૉલ, લોખંડની બારીક જાળી, પતરું, ક્લચ જેવી અઢળક નકામી વસ્તુઓ ઘરમાં પડી હોય છે. એનો ઉપયોગ કરી આર્ટિકલ્સ બનાવવાનો શોખ છે. મૅગેઝિનમાં છપાયેલા વહાણના ચિત્રને જોઈને ડેકોરેટિવ પીસ બનાવ્યો છે. એ બનાવતાં વીસ દિવસ લાગ્યા હતા.’

Bharti Makwana



બીજું શું બનાવ્યું?
મેકૅનિકલ વેસ્ટમાંથી આર્ટિકલ્સ બનાવવાની સાથે સીવણકામ, પેઇન્ટિંગ અને ક્રાફ્ટમાં ખૂબ રસ છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘માતાજીને ધરાવેલી ચૂંદડીઓ, જૂની સાડીઓની બૉર્ડર, જૂના પડદા જેવી કેટલીય નકામી વસ્તુ સંઘરી રાખું. અમારા ઘરે ગણપતિ બાપ્પાની પધરામણી થાય છે અને નવરાત્રિમાં ગરબાની સ્થાપના પણ હોય. વેસ્ટ કાપડમાંથી બાજોઠ અને પાટલાને કવર કરી કૉર્નર પર લેસ લગાવી, તૂઈ લગાવી, ફ્લાવર્સ ચીપકાવી ડેકોરેટ કર્યા છે. પર્વમાં જોઈતી વસ્તુઓ ઉપરાંત જૂના નાઇટ ડ્રેસ કે કૉટનના ગાઉનમાંથી રોજબરોજનાં ઉપયોગી સાધનો માટે કવર બનાવ્યાં છે. વૉલ ડેકોરેશન માટે મહાદેવજીની ફ્રેમ બનાવી છે. શંકર ભગવાનની જટા બનાવવા કાળા દોરો વાપર્યો છે. મટીરિયલ હોય એ પ્રમાણે કામ કર્યા કરું.’
ટાઇમપાસનો જરિયો
સ્કૂલમાં હતી ત્યારે ડ્રૉઇંગ બહુ ગમતું. ઘર-ગૃહસ્થીમાં રચ્યાપચ્યા રહીને પણ પ્રસંગોપાત્ત કંઈક બનાવવાનું ચાલુ રહ્યું.સિનિયર સિટિઝનની હરોળમાં આવી ગયા પછી શોખને ફરી જીવંત કરવાની તક આપણને આ ઉંમર આપે છે. એવું માનતાં ભારતીબહેન કહે છે, ‘મારી બન્ને દીકરીઓ પરણી ગઈ છે. ટીવી જોવું કે મોબાઇલ લઈને બેઠા રહેવું ખાસ પસંદ નથી. ક્રીએટિવ વર્ક કરવાથી મગજ કસાય. આ ઉંમરે સ્મરણશક્તિ જળવાઈ રહે એવી પ્રવૃત્તિ જરૂરી છે. આર્ટ એવું ફીલ્ડ છે જેમાં કલાકો પસાર થઈ જાય, મગજની કસરત થાય અને ક્રીએટિવિટીનો આનંદ પણ મળે.’


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2021 04:03 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK