Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > મુહૂર્ત ટ્રેડિંગની પૂર્વસંધ્યાએ બજાર બૅક-ટુ-બૅક વર્ષની નવી ટોચે

મુહૂર્ત ટ્રેડિંગની પૂર્વસંધ્યાએ બજાર બૅક-ટુ-બૅક વર્ષની નવી ટોચે

Published : 21 October, 2025 08:12 AM | IST | Mumbai
Anil Patel

તાતા ઇન્વેસ્ટમેન્ટ અને તેજસ નેટ એ-ગ્રુપમાં વર્સ્ટ પર્ફોર્મર : મુહૂર્ત ટ્રેડિંગ આજે બપોરે પોણાબે વાગ્યે

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


મેઇન બેન્ચમાર્ક ખાતે HDFC, સિપ્લા, બજાજ-ટ્‍​િવન્સ, ટાઇટન, ભારતી ઍરટેલ, હિન્દાલ્કો, સ્ટેટ બૅન્ક, અપોલો હૉસ્પિટલ્સ જેવા નવ શૅરમાં નવી ટૉપ : રિલાયન્સ બજારને ૨૮૫ પૉઇન્ટ ફળી, ICICI બૅન્ક ૨૭૬ પૉઇન્ટ નડી : બૅન્ક નિફ્ટી, PSU બૅન્ક નિફ્ટી તથા ફાઇનૅન્સ બેન્ચમાર્કમાં નવા શિખરની આગેકૂચ : ICICI બૅન્કને બાદ કરતાં ખાનગી સેક્ટરની ૧૯ બૅન્કો મજબૂત, બારેબાર સરકારી બૅન્કો જોરમાં : તાતા ઇન્વેસ્ટમેન્ટ અને તેજસ નેટ એ-ગ્રુપમાં વર્સ્ટ પર્ફોર્મર : મુહૂર્ત ટ્રેડિંગ આજે બપોરે પોણાબે વાગ્યે

ઘરઆંગણે મોટા ભાગના લોકોએ દિવાળી કે દીપોત્સવી ગઈ કાલે મનાવી લીધી છે ત્યારે શૅરબજારોમાં મુહૂર્ત ટ્રેડિંગ આજે થવાનું છે. એમાં પણ વર્ષોજૂની પરંપરા પડતી મૂકવામાં આવી છે. મુહૂર્ત ટ્રેડિંગ દર વર્ષની જેમ આ વખતે સાંજે નહીં પણ બપોરે પોણાબે વાગ્યે કરવાનું નક્કી થયું છે. આ ફેરફારનું કારણ બજારોના સાહેબોને ખબર. ઍની વે, મુહૂર્ત ટ્રેડિંગની પૂર્વ સંધ્યાએ શૅરબજારે મજબૂત વલણ જાળવી રાખ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી બૅક-ટુ-બૅક વર્ષની નવી ઊંચી સપાટી નોંધાવી સતત ચોથા દિવસે પૉઝિટિવ ઝોનમાં બંધ રહ્યા છે. શુક્રવારે સેન્સેક્સે ૮૪,૦૦૦ની ઝલક બતાવી હતી. સોમવારે એ સારા માર્જિન સાથે ૮૪,૦૦૦ના પાર થઈ ગયો છે. નિફ્ટી ૨૬,૦૦૦ ભણી સરક્યો છે. સેન્સેક્સ આગલા બંધથી ૩૧૭ પૉઇન્ટ વધી, ૮૪,૨૬૯ ખૂલી ૪૧૧ પૉઇન્ટની આગેકૂચમાં ૮૪,૩૬૩ તથા નિફ્ટી ૧૩૩ પૉઇન્ટ ઊંચકાઈ ૨૫,૮૪૩ ગઈ કાલે બંધ થયો છે. આરંભથી અંત સુધી માર્કેટ પ્લસમાં હતું. શૅરઆંક નીચામાં ૮૪,૧૯૭ની અંદર ગયા બાદ ઉપરમાં ૮૪,૬૫૬ વટાવી ગયો હતો, નિફ્ટીએ ઉપરમાં ૨૫,૯૨૬ની વર્ષની નવી ટૉપ બનાવી હતી, માર્કેટ બ્રેડ્થમાં પૉઝિટિવિટી જળવાઈ રહી છે. NSEમાં વધેલા ૧૬૬૩ શૅર સામે ૧૧૮૫ જાત ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૨.૮૨ લાખ કરોડ વધી ૪૬૯.૭૪ લાખ કરોડ રૂપિયા જોવાયું છે. સેન્સેક્સ-નિફ્ટીના અડધા ટકા જેવા સુધારા સામે રોકડું તેમ જ બ્રોકર માર્કેટ અડધા ટકાથી વધુ, psu બૅન્ક નિફ્ટી ૨.૯ ટકા, એનર્જી ઇન્ડેક્સ દોઢ ટકો, ટેલિકૉમ બેન્ચમાર્ક સવા ટકો, ઑઇલ-ગૅસ એક ટકાથી વધુ, આઇટી બેન્ચમાર્ક એકાદ ટકો, ટેક્નૉલૉજી ઇન્ડેક્સ ૧.૩ ટકા મજબૂત હતો. હેલ્થકૅર ઇન્ડેક્સ પોણો ટકો તો બૅન્ક નિફ્ટી અડધો ટકો વધ્યો છે.



એ-ગ્રુપ ખાતે સાઉથ ઇ​ન્ડિયન બૅન્ક નવા શિખર સાથે પોણાસોળ ટકા ઊછળીને ૩૭.૮૦ બંધ આવીને મોખરે હતી. DCB બૅન્ક તેર ટકા, સીએટ સાડાબાર ટકા, RBL બૅન્ક નવ ટકા તો એ. યુ. બૅન્ક નવ ટકા ઊંચકાઈ છે. તાતા ગ્રુપની તાતા ઇન્વેસ્ટમેન્ટ ૯.૬ ટકા તથા તેજસ નેટ ૮.૬ ટકા ખરડાઈ અત્રે વર્સ્ટ પર્ફોર્મર બની છે. અવાન્ટેલ ૮.૪ ટકા તો તાન્લા પ્લૅટફૉર્મ છ ટકા નજીક ગગડી છે. છેલ્લા ત્રણ માસમાં વેચવાલીની હૅટ-ટ્રિકમાં કુલ મળીને આશરે સવા લાખ કરોડ રૂપિયાની રોકડી કરનાર FII ચાલુ મહિને અત્યાર સુધીમાં ઓછી આક્રમક જણાઈ છે. ૧૭ ઑક્ટોબર સુધીમાં એની નેટ વેચવાલી માત્ર ૫૮૭ કરોડ રહી છે.


વિશ્વ બજારની વાત કરીએ તો ગઈ કાલે જપાનની નિક્કી ત્રણ ટકાની તેજીમાં ૪૯૦૦૦ ઉપર ઑલટાઇમ હાઈ થયો છે. તાઇવાન દોઢેક ટકાની મજબૂતીમાં ૨૭,૬૮૮ની નવી ટોચે બંધ થયું છે. હૉન્ગકૉન્ગ અઢી ટકા નજીક, સાઉથ કોરિયા પોણાબે ટકા, ઇન્ડોનેશિયા બે ટકા, થાઇલૅન્ડ પોણો ટકો, ચાઇના અડધા ટકાથી વધુ પ્લસ હતા. યુરોપ ખાતે રનિંગમાં ફ્રાન્સ ફ્લૅટ હતું. અન્યત્ર અડધાથી સવા ટકાનો સુધારો દેખાતો હતો. બિટકૉઇન નીચામાં ૧,૦૭,૭૧૮ ડૉલર બતાવી રનિંગમાં ૧,૧૧,૧૨૦ ડૉલર ચાલતો હતો. બ્રૅન્ટ ક્રૂડ ઘટીને ૬૧ ડૉલરે આવી ગયું છે. હાજર સોનું ૪૨૫૭ તથા કૉમેક્સ ગોલ્ડ ૪૨૬૯ ડૉલર ચાલતું હતું.

RBL બૅન્કના ટેક ઓવરના પગલે બૅ​ન્કિંગ શૅરમાં તેજીનો જુવાળ


HDFC બૅન્ક સારાં પરિણામ પાછળ બ્રોકરેજ હાઉસિંસના બુલિશ-વ્યુની થીમમાં ૧૧૨૦ની સર્વોચ્ચ સપાટી બનાવી પ્રૉફિટ બુકિંગ પાછળ નીચામાં ૯૯૮ થઈ નજીવો સુધરીને ૧૦૦૩ બંધ રહ્યો છે. અહીં જેફરીઝ તરફથી ૧૨૪૦ તો બ્રોકરેજ હાઉસિસના એકંદર વ્યુમાં ૧૧૫૦ની ટાર્ગેટ પ્રાઇસ અપાઈ છે. પરિણામ તો ICICI બૅન્કનાં ૫ણ સારાં આવ્યાં છે, પરંતુ ભાવ ૧૪૪૧ ખૂલ્યા બાદ માઇનસ ઝોનમાં સરકી ૧૩૮૯ થઈ છેવટે ૩.૨ ટકા બગડી ૧૩૯૦ બંધ થતાં આ શૅર અંતે બજારમાં ટૉપ લૂઝર બની સેન્સેક્સને ૨૭૬ પૉઇન્ટ નડ્યો છે. ઍ​ક્સિસ બૅન્ક સવાબે ટકા વધીને ૧૨૨૬ રહી છે. સ્ટેટ બૅન્કનાં પરિણામ ૪ નવેમ્બરે આવવાનાં છે. શૅર ૯૧૩ ઉપર નવી ઑલટાઇમ હાઈ દેખાડી બે ટકાની આગેકૂચમાં ૯૦૭ હતો. કોટક બૅન્ક નહીંવત્ સુધરી છે.

બૅન્કિંગમાં પરિણામ એકંદર ધારણાથી બહેતર રહેવાની સાથે RBL બૅન્કમાં એમિરેટસ NBD દ્વારા ત્રણ અબજ ડૉલર કે ૨૬,૮૫૦ કરોડના ફાઇનૅ​ન્શિયલ ક્ષેત્રે અત્યાર સુધીમાં સૌથી મોટા સીધા વિદેશી રોકાણ સાથે ૬૦ ટકા હિસ્સો હસ્તગત કરવાની જાહેરાતથી એક નવું જોમ કે વિશ્વાસ પેદા થયો છે. ગઈ કાલે બૅ​ન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ​૩૮ શૅર વધ્યા હતા. બૅન્ક નિફ્ટી ૫૮,૨૬૧ની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી અડધો ટકો કે ૩૨૦ પૉઇન્ટની આગેકૂચમાં ૫૮,૦૩૩ બંધ આવ્યો છે. અત્રે ૧૨માંથી ૧૧ શૅર પ્લસ હતા. Psu બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરની મજબૂતીમાં ૭૯૦૭ની ઑલટાઇમ ટૉપ બતાવી ૨.૯ ટકા ઊછળી ૭૮૫૮ હતો. ખાનગી બૅન્કોના ૨૦માંથી ૧૯ શૅર વધ્યા છે. અત્રે સાઉથ ઇ​ન્ડિયન બૅન્ક ૩૯નું નવું શિખર દર્શાવી પોણાસોળ ટકાની તેજીમાં ૩૮ થઈ છે. ડીસીબી બૅન્ક તેર ટકાના જમ્પમાં ૧૪૫, CSB બૅન્ક આઠ ટકાના શૅરમાં ૪૨૪, ફેડરલ બૅન્ક ૬.૯ ટકાના ઉછાળે ૨૨૭, IDFC ફર્સ્ટ બૅન્ક સાત ટકા ઊંચકાઈ ૭૭ હતી. RBL બૅન્ક ૩૨૯ની નવી ઊંચી સપાટી બનાવી નવ ટકાની આગેકૂચમાં ૩૨૭ બંધ થઈ છે. એમિરેટ્સ NBD તરફથી શૅરદીઠ ૨૮૦ના ભાવે પ્રેફર​ન્શિયલ ઇશ્યુ મારફત RBL બૅન્કમાં ૬૦ ટકા હિસ્સો લેવાનું નક્કી થયું છે. આજ ભાવે ઓપન ઑફર પણ આવશે. બૅન્કનું નામ પણ બદલાશે. અન્ય બૅન્કોમાં ગઈ કાલે સેન્ટ્રલ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, આઇઓબી, યુકો બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, PNB, પંજાબ-સિંધ બૅન્ક, સિટી યુનિયન બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, કટ્ટર વૈશ્ય બૅન્ક, કર્ણાટકા બૅન્ક, બંધન બૅન્ક, સૂર્યોદય બૅન્ક, ઉજ્જીવન બૅન્ક જેવી જાતો ચારથી સવા છ ટકા વધી છે. એ. યુ. બૅન્ક નવ ટકા ઊછળી ૮૬૫ હતી. ગઈ કાલે HDFC બૅન્ક ઉપરાંત એ. યુ. બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, બૅન્ક ઑફ ઇન્ડિયા, ફેડરલ બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, PNB, RBL બૅન્ક, સ્ટેટ બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્કમાં નવાં બેસ્ટ લેવલ બન્યાં હતાં.

ટાયર શૅરમાં તેજીની હવા, MRF ૫૧૪૪ની તેજીમાં નવી ટોચે

બૅન્કિંગની તેજીની હૂંફ સાથે ફાઇનૅન્સ ઇન્ડેક્સ પણ ૧૩,૦૯૨ની નવી વિક્રમી સપાટી બતાવી ૦.૪ ટકા વધી ૧૩૦૫૧ રહ્યો છે. અત્રે ૧૮૧માંથી ૧૩૨ જાતો વધી છે. બજાજ ફાઇનૅન્સ ૧૦૮૬ વટાવી નવું શિખર બતાવી એક ટકો વધી ૧૦૮૧ તો બજાજ ફિન સર્વ ૨૧૪૯ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ૨.૭ ટકા વધી ૨૧૩૮ બંધ થયો છે. શ્રીરામ ફાઇનૅન્સ ૨.૮ ટકાની આગેકૂચમાં ૬૯૪ હતી. અન્યમાં જીએફએલ લિમિટેડ ૧૧.૨ ટકા, એડલવીસ સાત ટકા, કૅનફિન હોમ્સ ૪.૭ ટકા, પિલાણી ઇન્વેસ્ટમેન્ટ ૪.૭ ટકા કે ૨૫૭ રૂપિયા મજબૂત હતી. તાતા ઇન્વેસ્ટમેન્ટ તાજેતરની નબળાઈ આગળ ધપાવતાં નીચામાં ૮૦૦ થઈ નવ ટકા તૂટી ૮૦૪ હતો. ચાલુ મહિનાની ૩ તારીખે અહીં ૧૧૮૪ની ઑલટાઇમ હાઈ બની હતી. યુટીઆઇ ઍસેટ મૅનેજમેન્ટ કંપની ૪.૪ ટકા, પૂનાવાલા ફિનકૉર્પ ૨.૮ ટકા, MCX દોઢ ટકા, ધાની સર્વિસિસ ૩.૨ ટકા ડૂલ થઈ છે.

એનર્જી ઇન્ડેક્સ દોઢ ટકા કે ૧૭૨ પૉઇન્ટ વધ્યો છે. એમાં રિલાયન્સનો સીધો ફાળો હતો. પરિણામની તેજી આગળ વધારતાં MRPL ૭.૬ ટકાની આગેકૂચમાં ૧૫૧ હતી. ચેન્નઈ પેટ્રો સાડાસાત ટકા ઊંચકાઈ છે. એનાં પરિણામ ૨૭મીએ આવશે. ભારત પેટ્રો. હિન્દુ. પેટ્રો, પેટ્રોનેટ LNG એકથી સવા ટકો તો સાંડૂર મૅન્ગેનીઝ દોઢ ટકા અપ હતી. રિલાયન્સના જોરમાં ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક પણ ૧.૧ ટકા વધ્યો છે. સિપ્લા, સનફાર્મા, ડૉ. રેડ્ડીઝ લૅબ, અપોલો હૉસ્પિટલ્સ, ફોર્ટિંસ હેલ્થકૅર, લૉરસ લૅબ, બાયોકૉન, ઝાયડસ લાઇફ જેવી અગ્રણી જાતોની સાથે ૧૧૯માંથી ૭૧ શૅર પ્લસમાં આવી હેલ્થકૅર ઇન્ડેક્સ ૦.૮ ટકા વધ્યો છે. સિપ્લા ૧૬૪૭ની વર્ષની નવી સપાટી બતાવી ૩.૯ ટકા વધી ૧૬૩૯ હતી. એનાં રિઝલ્ટ ૩૦મીએ છે. આરપીજી લાઇફ ૧૩ ગણા કામકાજે ૫.૫ ટકા કે ૧૨૬ રૂપિયાની મજબૂતીમાં ૨૪૦૨ બંધ આવી અત્રે ઝળકી હતી.

આઇટી બેન્ચમાર્ક ૭૭માંથી બાવન શૅરના સથવારે એક ટકો સુધર્યો છે. હેવીવેઇટ્સમાં ઇન્ફી ૧.૪ ટકા, TCS ૧.૭ ટકા, HCL ટેક્નો અડધો ટકો વધી હતી. વિપ્રો તથા લાટિમ નહીંવત વધ-ઘટે બંધ હતી. ઇનોવાના થિન્ક-લૅબ્સ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૪૯૭ થઈ છે. તાન્લા પ્લૅટફૉર્મ છ ટકા ગગડી છે. ઑટો બેન્ચમાર્ક ૧૭ પૉઇન્ટ જેવો નામનો નરમ રહ્યો છે, પરંતુ MRF લિમિટેડ ઉપરમાં ૧,૬૨,૬૬૫ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ૩.૩ ટકા કે ૫૧૪૪ રૂપિયાની તેજીમાં ૧,૬૧,૦૦૦ રહ્યો છે. અન્ય ટાયર શૅરમાં સીએટ ૪૨૫૨ના બેસ્ટ લેવલ બાદ સાડાબાર ટકા કે ૪૬૮ રૂપિયા ઊછળી ૪૨૦૧, અપોલો ટાયર્સ ૩.૨ ટકા વધી ૫૦૫, જેકે ટાયર્સ ૭.૩ ટકાના જમ્પમાં ૪૧૮ બંધ આવ્યો છે. બાલક્રિશ્ના ઇન્ડ. પોણો ટકો તો TVS થ્રી ચક્ર અઢી ટકા અપ હતા. મહિન્દ્ર ૧.૪ ટકા, હ્યુન્દાઇ મોટર એક ટકા, અમરરાજા એનર્જી અડધો ટકો ઘટી છે. મારુતિ સુઝુકી, બજાજ ઑટો, TVS મોટર નહીંવત્ વધઘટમાં હતા. તાતા મોટર્સ પોણો ટકો વધી છે.

રિઝલ્ટ પાછળ રિલાયન્સ રાજાપાઠમાં, સેન્સેક્સમાં ઝળક્યો

રિલાયન્સમાં પરિણામ પાછળ વિવિધ બ્રોકરેજ હાઉસ તરફથી બુલિશ વ્યુમાં લેવાની સલાહ અપાઈ છે. શૅર ગઈ કાલે અઢી ગણા કામકાજે ઉપરમાં ૧૪૭૩ વટાવી છેવટે ૩.૫ ટકા વધી ૧૪૬૭ બંધ આવી બજારને સર્વાધિક ૨૭૫ પૉઇન્ટ ફળ્યો છે. નોમુરાએ બુલિશ વ્યુમાં ૧૭૦૦ની ટાર્ગેટ પ્રાઇસ આપી છે. મૉર્ગન સ્ટૅન્લીવાળા અહીં ૧૭૦૧નો ભાવ લાવ્યા છે. જેપી મૉર્ગને રિલાયન્સમાં ૧૬૯૫, કોટક ઇ​ન્સ્ટિટ્યુશનલે ૧૬૦૦, મેક્વાયરે ૧૬૫૦ની ટાર્ગેટ પ્રાઇસ આપી છે. ચાર્ટવાળા કહે છે કે ૧૪૬૦નું રેઝિસ્ટન્સ લેવલ પાર થતાં અત્રે ઝડપથી ૧૫૦૦નું લેવલ જોવાશે. જિયો ફાઇનૅ​ન્શિયલનાં પરિણામ સુસ્ત હતાં. શૅર રિઝલ્ટ પછી થોડોક નરમ થયો હતો, પરંતુ ગઈ કાલે ભાવ દોઢા વૉલ્યુમે ઉપરમાં ૩૧૬ નજીક જઈ અડધા ટકાના સુધારામાં ૩૧૦ રહ્યો છે. સિપ્લા ૧૬૪૭ની વર્ષની ટૉપ બનાવી ચારેક ટકાના ઉછાળે ૧૬૩૯ બંધ રહી નિફ્ટીમાં ઝળક્યો છે. ૨૦૨૪ની ૭ ઑક્ટોબરે અહીં ૧૭૦૨ની સર્વોચ્ચ સપાટી બની હતી.

ભારતી ઍરટેલ ૨૦૫૭ની વિક્રમી સપાટી હાંસલ કરીને બે ટકા વધી ૨૦૫૧ હતો. ટાઇટન ૩૭૨૫ના બેસ્ટ લેવલને વટાવી ૩૭૪૯ થઈ ૧.૭ ટકા વધી ૩૭૩૭ હતી. ઍટર્નલ નફામાં ગાબડાનો વસવસો આગળ વધારતાં વધુ સવા ટકો ઘટી ૩૩૮ રહી છે. હરીફ ​સ્વિગી ૧.૯ ટકા ખરડાઈ ૪૨૪ હતી. JSW સ્ટીલ દોઢ ટકા, અદાણી પોર્ટ્સ પોણો ટકા, મહિન્દ્ર ૧૦૪ ટકા નરમ હતી. સેન્સેક્સ-નિફ્ટી ખાતેની જાતોમાં ગઈ કાલે HDFC બૅન્ક, સ્ટેટ બૅન્ક, બજાજ ફાઇનૅન્સ, બજાજ ફ્રિનસર્વ, સિપ્લા, અપોલો હૉસ્પિટલ્સ, ભારતી ઍરટેલ, હિન્દાલ્કો જેવી જાતોમાં નવાં બેસ્ટ લેવલ બન્યાં છે.

Whatsapp-channel Whatsapp-channel

21 October, 2025 08:12 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK