Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > નાની-નાની વાતમાં મૂંઝાઈ જઈએ ત્યારે સચ્ચાઈને વળગી રહેવું જરૂરી છે, પણ...

નાની-નાની વાતમાં મૂંઝાઈ જઈએ ત્યારે સચ્ચાઈને વળગી રહેવું જરૂરી છે, પણ...

Published : 17 May, 2026 03:09 PM | IST | Mumbai
Dr. Dinkar Joshi

આમ આ વાત અહીં પૂરી થઈ. અર્જુને પોતાની આત્મસ્તુતિ કરી, ‘દ્રૌપદી સ્વયંવરમાં દ્રૌપદીનો વિજય મેં કર્યો અને હે યુધિષ્ઠિર, તમે તેના સ્વામી થઈ ગયા. તમને એનો કોઈ અધિકાર નથી. એટલું જ નહીં, યુદ્ધમાં અનેક વાર મેં તમને બચાવ્યા છે.’

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઉઘાડી બારી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મહાભારત યુદ્ધના સોળમા દિવસે કૌરવ સેનાપતિ કર્ણ હતો. સેનાપતિ કર્ણ માત્ર કૌરવો પૂરતો જ નહીં, તમામ પાંડવોની કક્ષાએ પણ પ્રચંડ ધનુર્ધારી હતો એ વિશે કોઈને શંકા નથી. અર્જુન કરતાં પણ તે મહાન હતો એ વાત સ્વયં દ્રોણ અને ભીષ્મ જેવા મહારથીઓ પણ મનોમન સ્વીકારતા હતા. આ સોળમા દિવસે એક એવી ઘટના બની હતી જેના વિશે ઝાઝી નોંધ લેવાઈ નથી. ખરેખર તો આ ઘટના આજે પણ યાદ રાખીને સમજવા અને શીખવા જેવી છે.

સોળમા દિવસે પાંડવશ્રેષ્ઠ યુધિષ્ઠિર અને કૌરવ સેનાપતિ કર્ણ યુદ્ધના મોરચે સામસામે આવી ગયા હતા. દેખીતી રીતે જ યુધિષ્ઠિર કર્ણને જીતી શક્યા નહોતા. યુધિષ્ઠિર પરાજિત થયા, પણ કર્ણે યુધિષ્ઠિરના મસ્તક પરના વાળ પકડીને કહ્યું, ‘મારી સાથેનું યુદ્ધ એ તમારું કામ નહીં યુધિષ્ઠિર. તમારો વધ હું કરી શકું નહીં. જાઓ, શિબિરમાં જઈને આરામ કરો.’



કર્ણે માતા કુંતીને યુદ્ધ પહેલાં જ વચન દીધું હતું કે યુદ્ધમાં તે અર્જુન સિવાય કોઈનો વધ કરશે નહીં. યુધિષ્ઠિર લજ્જિત થઈ ગયા, અપમાનિત થઈ ગયા. કર્ણના હાથેથી છૂટીને નાસી ગયા અને રણમેદાનમાં પોતાની શિબિરમાં જઈને બેસી ગયા.


યુદ્ધના મેદાનમાં ઘણી વાર સુધી યુધિષ્ઠિરના રથને જોયો નહીં એટલે શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે આપણા મોટા ભાઈ કેમ દેખાતા નથી એની તપાસ કરવી જોઈએ. અર્જુનના રથને કૃષ્ણે યુધિષ્ઠિરની શિબિર તરફ વાળ્યો. અર્જુન શિબિરના દરવાજે ઊતર્યો અને શિબિરમાં મોટા ભાઈની તપાસ કરવા અંદર ગયો. અંદર યુધિષ્ઠિર ભારે અપમાનિત અવસ્થામાં હતા. અર્જુને એક જ દિવસમાં કર્ણનો વધ કરવાનું કહ્યું હતું, પણ તે કરી શક્યો નહોતો. યુધિષ્ઠિર અર્જુન પર પણ ક્રોધિત થયા હતા. આ ક્રોધિત અને અપમાનિત અવસ્થામાં તેમણે અર્જુનને કહ્યું, ‘ધિક્કાર છે અર્જુન તારા ગાંડીવ ધનુષને. તું યુદ્ધ વિશે મોટી-મોટી વાતો કરતો હતો પણ કશું કરી તો શક્યો નથી.’

યુધિષ્ઠિરનાં આવાં વેણ સાંભળીને અર્જુન લાલપીળો થઈ ગયો. તેણે કમરે બાંધેલી તલવાર ખુલ્લી કરી અને યુધિષ્ઠિર તરફ ગયો. કૃષ્ણે આ જોયું. દોડીને તેમણે અર્જુનનો તલવારવાળો હાથ પકડી લીધો અને પછી બોલ્યા, ‘અરે, આ શું કરે છે? મોટા ભાઈ સામે યુદ્ધ કરાય?’


અર્જુને કહ્યું, ‘હે કૃષ્ણ, મારા ગાંડીવ ધનુષનું કોઈ અપમાન કરે તો તેનો વધ કરવાની મારી પ્રતિજ્ઞા છે. હવે હું તેમનો વધ કરીને પ્રતિજ્ઞાનું પાલન કરીશ.’

પ્રતિજ્ઞાપાલન આમ થાય

શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું, ‘હે અર્જુન, તારે પ્રતિજ્ઞાનું પાલન કરવું જોઈએ, પણ એ માટે વધ કોને કહેવાય એ તારે સમજવું જોઈએ. કોઈ પણ પૂજ્ય અને આદરણીય વડીલનું અપમાન કરીએ, તુંકારો કરીએ, હડધૂત કરીએ કે એવુંબધું કરીએ તો એ તેમના વધ બરાબર જ છે. તું મોટા ભાઈનું અપમાન કરીશ તો એ વધ બરાબર ગણાશે એટલે તારી પ્રતિજ્ઞા પૂરી થશે.’

એ પછી અર્જુને મોટા ભાઈને કહ્યું, ‘હે મહારાજ, તમે જ અમને દુઃખી કર્યા છે, દ્રૌપદીને અપમાનિત કરી છે. તમારા કારણે અમે વન-વન ભટક્યા, તમે યુદ્ધને લાયક જ નથી.’

અર્જુનનું આવું અપમાન સાંભળીને યુધિષ્ઠિર લજ્જિત થઈ ગયા અને મસ્તક નીચું કરીને
બેસી ગયા.

અને વધ આમ પણ થાય

યુધિષ્ઠિરને અપમાનિત કર્યા પછી અર્જુને પોતાના હાથમાં રહેલી તલવારને પોતાના જ ગરદન પર મૂકી દીધી અને પછી બોલ્યો, ‘હે શ્રીકૃષ્ણ, મેં મોટા ભાઈનો વધ કર્યો છે. પિતાતુલ્ય મોટા ભાઈનો વધ કરવાનું પાપ હું જીરવી શકું નહીં. મારે પણ મારો વધ કરવો જોઈએ.’

આમ અર્જુન જ્યારે પોતાનો વધ કરવા તૈયાર થયો ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું, ‘હે અર્જુન, જે રીતે તેં મોટા ભાઈને અપમાનિત કરીને તેમનો વધ કર્યો એ જ રીતે આત્મસ્તુતિ કરીને તું તારી જાતની આત્મહત્યા કર. આત્મસ્તુતિ એ આત્મહત્યા બરાબર છે અને પૂજનીયનું અપમાન એ તેમના વધ બરાબર છે. આ શાસ્ત્રોક્ત પ્રમાણ છે. હવે તું તારી આત્મસ્તુતિ કર તો એ આત્મહત્યા બરાબર જ છે.’

આમ આ વાત અહીં પૂરી થઈ. અર્જુને પોતાની આત્મસ્તુતિ કરી, ‘દ્રૌપદી સ્વયંવરમાં દ્રૌપદીનો વિજય મેં કર્યો અને હે યુધિષ્ઠિર, તમે તેના સ્વામી થઈ ગયા. તમને એનો કોઈ અધિકાર નથી. એટલું જ નહીં, યુદ્ધમાં અનેક વાર મેં તમને બચાવ્યા છે.’

આમ અર્જુનની આત્મસ્તુતિ સાંભળીને યુધિષ્ઠિર ફરી એક વાર લજ્જિત થયા. આ રીતે શ્રીકૃષ્ણે એક મોટી કટોકટીમાંથી પાંડવોને ઉગારી દીધા. અહીં આત્મસ્તુતિ, આત્મનિંદા, વડીલનું અપમાન આ બધી લાગણીઓ કેવી તીવ્ર હોય છે એની શ્રીકૃષ્ણે શાસ્ત્રોક્ત સમજણ આપી છે. આ શાસ્ત્રોક્ત સમજણ આપણે હજી સુધી સ્વીકારી નથી. આપણા સામાજિક જીવનવ્યવહારમાં આ બન્ને વાત રોજેરોજ બનતી રહે છે પણ આપણે કશું કરતા નથી. પૌરાણિક કથાનકોમાં જે પ્રસંગો બને છે અથવા બનાવ્યા હશે એ બધા સંકેત માટે છે. માત્ર બની જાય એ પૂરતું નથી, બન્યા પછી એની જે અર્થછાયા પેદા થાય છે એ ભૂલવા જેવી હોતી નથી. અહીં મહાભારતમાં જે ઘટના બની એ વખતે શ્રીકૃષ્ણે એનું શાસ્ત્રોક્ત પરિણામ આપ્યું ન હોત અથવા એની સમજણ અર્જુનને આપી ન હોત તો યુદ્ધનું શું પરિણામ આવત એ આપણે કલ્પી શકીએ નહીં.

આ આમ છે

વ્યાવહારિક જીવનમાં આપણને સૌને નાનામોટા કેટલાય પ્રશ્નો રૂંધે છે. આપણે શું કરવું એ શોધી શકતા નથી અને પરિણામે કેટલીયે વાર નાની-નાની વાતમાં મૂંઝાતા રહીએ છીએ. પ્રશ્નો પેદા થાય છે. આવે વખતે સચ્ચાઈને વળગી રહેવું એ જરૂરી છે અને એમ છતાં આ સચ્ચાઈ એવી ન હોવી જોઈએ જેનાથી આપણો તમામ વ્યવહાર થંભી જાય.

Whatsapp-channel Whatsapp-channel

17 May, 2026 03:09 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK