Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જીવનમાં પણ મ્યુટનું બટન જોઈએ

જીવનમાં પણ મ્યુટનું બટન જોઈએ

Published : 27 November, 2026 09:23 AM | Modified : 27 November, 2026 09:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેટલીક ચર્ચામાં મૌન રહેવું એ હાર નહીં, ભાવનાત્મક પરિપક્વતાની નિશાની છે

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


કોઈએ આપણી ટીકા કરી, આપણે તરત જવાબ આપ્યો. કોઈએ વૉટ્સઍપ પર કટાક્ષ કર્યો, આપણે એનાથી પણ વધુ કટાક્ષભર્યો જવાબ આપ્યો. કોઈએ સોશ્યલ મીડિયા પર આપણી પોસ્ટ પર કમેન્ટ કરી, તો આપણે તરત દલીલો શરૂ કરી દીધી. કોઈએ મીટિંગમાં આપણી વાત કાપી, તો તેને નીચો દેખાડવાની તક આપણે શોધવા લાગ્યા. જાણે દરેક વાતનો જવાબ આપવો અને દરેક દલીલમાં જીતવું એ આત્મસન્માનનો પ્રશ્ન બની ગયો હોય

એક સવાલ જાતને પૂછવા જેવો છે કે શું દરેક વાતનો જવાબ આપવો ખરેખર જરૂરી છે? શું દરેક આક્ષેપનો ખુલાસો કરવો જરૂરી છે? દરેક મતભેદને ચર્ચામાં ફેરવવો જરૂરી છે? અને સૌથી મહત્ત્વનો સવાલ તો એ છે કે શું દરેક વખતે છેલ્લો શબ્દ આપણો જ હોવો જોઈએ એ જરૂરી છે?



આજના સમયમાં મૌન રહેવું જાણે મુશ્કેલ બની ગયું છે. સોશ્યલ મીડિયાએ તો આવા સ્વભાવને જાણે વધુ વેગ આપ્યો છે. કોઈએ કંઈક લખ્યું ને તરત પ્રતિક્રિયા આપવાની ઉતાવળ. કોઈએ આપણી માન્યતાથી વિપરીત અભિપ્રાય આપ્યો કે તરત સામી દલીલો શરૂ. વૉટ્સઍપ ગ્રુપમાં કોઈ એક સંદેશો મૂકે અને પછી શરૂ થાય જવાબોનો સિલસિલો. મૂળ વિષય તો ક્યાંય પાછળ રહી જાય અને વ્યક્તિગત આક્ષેપો-પ્રતિઆક્ષેપો શરૂ થઈ જાય. અને સાવ સામાન્ય ચર્ચા સંબંધોમાં કડવાશ ઊભી કરી દે.


આપણે એક વાત સમજવાની જરૂર છે કે દરેક વ્યક્તિનો વિચાર, અનુભવ અને સમજણનું સ્તર જુદું હોય છે. એ તેમના શિક્ષણ, ઉછેર, ઘરના વાતાવરણ વગેરે પર આધારિત હોય છે. પેલી વાર્તા મુજબ વેદપાઠી બ્રાહ્મણના ઘરનો પોપટ શ્ળોક બોલશે અને ચોરના ઘરનો પોપટ ગાળો બોલશે. ઘરના વાતાવરણની અસર થાય જ છે. માતાપિતાનું વર્તન બાળકની માન્યતાઓને ઘડે છે.
આપણી વાત કોઈને ગમે એ જરૂરી નથી અને કોઈની વાત આપણને ગમે એ પણ જરૂરી નથી. છતાં દરેકને પોતાની વાત મનાવવાનો આગ્રહ હોય છે. પરિણામે ચર્ચા દલીલમાં ફેરવાઈ જાય છે અને દલીલ અહંકારની લડાઈમાં. આવા સમયે એક પ્રશ્ન ઊભો થાય કે આપણે ખરેખર સત્ય શોધવા ચર્ચા કરીએ છીએ કે પછી પોતાની વાત સાચી સાબિત કરવા?

મનોવિજ્ઞાનમાં Emotional Maturity (ભાવનાત્મક પરિપકવતા)નો એક મહત્ત્વનો અર્થ એ પણ છે કે વ્યક્તિએ પોતાની લાગણીઓ અને પ્રતિક્રિયાઓ પર નિયંત્રણ રાખતાં શીખવું. જો કોઈની વાતથી દુઃખ થાય, ગુસ્સો આવે કે અપમાનની લાગણી થાય ત્યારે તરત પ્રતિક્રિયા આપવાને બદલે થોડી વાર થોભી જવું. રીઍક્ટ નહીં કરવાનું, રિફ્લેક્ટ કરવાનું. પ્રતિક્રિયા પહેલાં મનન કરો.‌ ગુસ્સામાં અપાયેલો જવાબ ઘણી વાર પરિસ્થિતિને વધુ બગાડી નાખે છે. જે વાત બે મિનિટના મૌનથી પૂરી થઈ શકતી હોય એનો આક્રમક જવાબ આપવાથી કાયમી ખટાશ ઊભી થઈ જાય છે. આપણે ઘડી વાર મૌનને નબળાઈ સાથે જોડી દઈએ છીએ. કોઈકે કંઈક કહ્યું ને આપણે પ્રતિભાવ ન આપ્યો તો જાણે હારી ગયા. કોઈએ ટીકા કરી બધાની વચ્ચે છતાં આપણે મૌન રહ્યા, તો એ હાર નથી. કારણ એ સમયે એનો જવાબ આપવો યોગ્ય ન લાગ્યું, એ તો પરિપક્વતા છે. હાથી ચલે અપની ગત. દરેક ભસતા કૂતરાને જવાબ આપવા ઊભા ન રહેવાય. મૌનનો અર્થ ડર કે લાચારી નથી. એનો અર્થ એટલો જ છે કે આપણે કઈ વાતને મહત્ત્વ આપવું અને કઈ વાતને અવગણવી એ નક્કી કરી શકીએ છીએ. આ છે ભાવનાત્મક પરિપક્વતા.આપણે ઘણી વાર બીજાના શબ્દોને જરૂર કરતાં વધુ મહત્ત્વ આપીએ છીએ. કોઈએ આપણા વિશે શું કહ્યું અને શા માટે કહ્યું એના વિચારોમાં કલાકો બગાડીએ છીએ. જ્યારે તે વ્યક્તિ તો બોલીને ભૂલી પણ ગઈ હોઈ શકે છે. અને બીજા લોકોને સમજાવવાની જવાબદારી આપણે શા માટે લઈએ? કેટલાક લોકો સમજવા માગતા જ નથી. માત્ર દલીલ કરવા માગે છે. આવા લોકોની સાથે દલીલમાં ઊતરવાથી આપણને શું મળવાનું છે?


આ સંદર્ભમાં એક સરળ પ્રયોગ કરી શકાય. કોઈની વાતથી ગુસ્સો આવે ત્યારે જવાબ આપવાને બદલે થોડો સમય થોભી જાઓ. જાતને ત્રણ સવાલ પૂછો. શું આ વાતનો જવાબ આપવો જરૂરી છે? મારો જવાબ પરિસ્થિતિ સુધારશે? અને આ ચર્ચામાં સમય અને માનસિક શાંતિ ખર્ચવા જેવાં છે ખરાં? જો જવાબ નકારાત્મક હોય તો મૌન પસંદ કરવામાં જ શાણપણ છે. ભગવાન શ્રીકૃષ્ણે પણ મન પર નિયંત્રણ રાખવાના મહત્ત્વ વિશે વિસ્તારથી સમજાવ્યું છે. લાભ અને હાનિ, માન અને અપમાન એવી દરેક પરિસ્થિતિમાં મનને સ્થિર રાખવું એ આંતરિક શક્તિનું લક્ષણ છે. એ શક્તિને એમણે ‘સમત્વ’ કહ્યું છે તેમ જ ‘સમત્વ યોગ ઉચ્યતે’ કહીને એ ગુણને યોગની ઉચ્ચ કક્ષાએ લઈ ગયા છે.

આખરે મૌન રહેવું એટલે વાત કહેવાની ક્ષમતા ગુમાવવી નહીં પણ ક્યારે અને ક્યાં બોલવું એની સમજ કેળવવી. દરેક મતભેદનો જવાબ આપવો એ આત્મસન્માન નહીં, અહંકાર પણ હોઈ શકે. દરેક ચર્ચામાં છેલ્લો શબ્દ આપણો જ હોય એના કરતાં અંતે મનની શાંતિ જળવાઈ રહે એ વધુ મહત્ત્વનું છે, કારણ કે જીવનમાં કેટલીક લડાઈઓ જીતીને પણ આપણે ઘણું ગુમાવીએ છીએ; જ્યારે કેટલીક લડાઈઓમાં ભાગ જ ન લઈને ઘણું બચાવી શકીએ છીએ. 

બાય ધ વે 
તમને ખબર છે મહાત્મા ગાંધી દર સોમવારે મૌન પાળતા હતા? એ કોઈ આરામ માટે નહીં, પણ પોતાના મનમાં ઉદ્ભવતા સારા-નરસા વિચારોને શમાવવા માટે. અંદરની લડાઈ પહેલાં જીતવાની છે. તેમણે મૌનને આધ્યાત્મિક સાધના તરીકે વિકસાવ્યું હતું.
વર્તમાન સંદર્ભમાં જોઈએ તો મોબાઇલમાં ફ્લૅશ થતા દરેક નોટિફિકેશનનો જવાબ આપવો જરૂરી નથી હોતો. મોબાઇલમાં મ્યુટનું બટન હોય છે. તો જીવનમાં પણ કેટલીક વાતને મ્યુટ કરતાં શીખવું જોઈએ. મૌન પણ‌ એક જવાબ છે.
શું કહો છો તમે? આમાં મૌન ન રહેતા.

-યોગેશ શાહ

Whatsapp-channel Whatsapp-channel

27 November, 2026 09:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK