વાંચનના શસ્ત્ર સાથે માનસિક વ્યથાનો સામનો સારી રીતે થઈ શકે છે
સોશ્યોલૉજી
પ્રતીકાત્મક તસવીર
આજે સમસ્ત જગતમાં વિપુલતાનું વાતાવરણ છવાઈ રહ્યું છે. ચારે બાજુ રાતોરાત ધનિક બનવાની લાલસા વધી રહી છે. તમે એવા ભ્રમમાં રહો છો કે સારી કમાણી કરી લીધી છે, કમાવાનું ચાલુ છે એટલે આ તમામ મિલકત જમીન, બૅન્ક-બૅલૅન્સ બધું આપણું થઈ ગયું; પણ સાચું સુખ સંપત્તિ અને ધનપ્રાપ્તિથી મળતું નથી. સુખ અને દુ:ખ એ વાસ્તવિકતા નથી પરંતુ મનની અવસ્થા છે. વ્યક્તિએ-વ્યક્તિએ એ અલગ છે. કોઈ કહે છે કે દુ:ખ જ અનુભવી શકાય એવો પદાર્થ છે, સુખ એનો પડછાયો છે. વધુ ને વધુ પૈસા અને મિલકત મેળવવાની ઘેલછાથી મન અશાંત થતું રહે છે. આવી ભૌતિક સમૃદ્ધિ પાછળની દોડનું કારણ મનુષ્યની ઇચ્છાઓનો અતિરેક છે અને દુ:ખનું મૂળ કારણ ઇચ્છા જ છે. ‘કુરુક્ષેત્ર’ નામની પ્રખ્યાત નવલકથામાં મનુભાઈ પંચોળીએ લખ્યું છે, જ્યાં સુધી ઇચ્છા પર બુદ્ધિનું આધિપત્ય નહીં સ્થપાય ત્યાં સુધી આ અનિષ્ટનું નિવારણ શક્ય નથી. ગ્રીક ફિલોસૉફર એપિક્ટેટસે લખ્યું છે કે ફિલોસૉફી માત્ર વિદ્વાન લોકો માટે જ નથી હોતી, ફિલોસૉફી સામાન્ય માણસો માટે હોય છે. તેમણે લખ્યું છે કે Primary job of philosophy is to help ordinary people effectively to face challanges.