મહારાષ્ટ્રની ચૂંટણીના રિઝલ્ટ વિશે કંગના રનૌતે કહ્યું...
કંગના રનૌત
મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાનીની મહાયુતિને પ્રચંડ બહુમત મળવા વિશે બૉલીવુડની અભિનેત્રી અને BJPની હિમાચલ પ્રદેશના મંડીની સંસદસભ્ય કંગના રનૌતે ગઈ કાલે મહા વિકાસ આઘાડીને નિશાના પર લેતાં કહ્યું હતું કે ‘આ અમારી પાર્ટી માટે એક ઐતિહાસિક વિજય છે. અમે બધા કાર્યકર્તા ખૂબ જ ઉત્સાહી છીએ અને અમે મહારાષ્ટ્ર અને આખા દેશની જનતાનો આભાર માનીએ છીએ. ઉદ્ધવ ઠાકરેની હાર વિશે કહીશ કે મને આવી જ અપેક્ષા હતી. ઇતિહાસ સાક્ષી છે અને મારી કેટલીક રીલ્સ પણ વાઇરલ થઈ છે. આપણે દેવતા અને દૈત્યનો ફરક જાણીએ છીએ. જે લોકો મહિલાની ઇજ્જતના ધજાગરા કરે છે એ દૈત્યની શ્રેણીમાં આવે છે. અમારી પાર્ટીએ મહિલાઓને આરક્ષણ, ગૅસ-સિલિન્ડર અને શૌચાલય આપ્યાં છે. આનાથી ખ્યાલ આવે છે કોણ દૈત્ય છે અને કોણ દેવતા. દૈત્યોના એ જ હાલ થયા જે હંમેશાં થતા આવ્યા છે. તેમનો પરાજય થયો છે. મહાભારતમાં એક જ પરિવાર હતો તો પણ પરિવારના લોકોમાં ઘણો ફરક હતો. મારું ઘર તોડવામાં આવ્યું. મને અપશબ્દો કહેવામાં આવ્યા. તે લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. કૉન્ગ્રેસને પણ જનતાએ જબરદસ્ત જવાબ આપ્યો છે. આ દેશ અનેક લોકોનાં બલિદાનથી બન્યો છે. કેટલાક મૂર્ખ લોકો એકસાથે આવવાથી દેશના ટુકડા ન થઈ શકે.’