Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઉમરાવ જાનના ગીતના રેકૉર્ડિંગ દરમ્યાન સંગીતકાર ખય્યામ ને આશા ભોસલે વચ્ચે કઈ બાબતમાં મતભેદ થયા?

ઉમરાવ જાનના ગીતના રેકૉર્ડિંગ દરમ્યાન સંગીતકાર ખય્યામ ને આશા ભોસલે વચ્ચે કઈ બાબતમાં મતભેદ થયા?

Published : 31 May, 2026 02:14 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

ખય્યામ સાથેની મારી મુલાકાતોમાં તેમણે પોતાના જીવન અને સંગીતની અનેક યાદગાર ઘટનાઓ શૅર કરી હતી. આશા ભોસલેને યાદ કરતાં તેઓ કહે છે...

ખય્યામ ને આશા ભોસલે

વો જબ યાદ આએ

ખય્યામ ને આશા ભોસલે


અત્યારે T-20 ક્રિકેટની સીઝન ચાલે છે અને ચારેકોર ટેક્નિકની ઐસીતૈસી કરીને ફટકાબાજી કરતા બૅટ્સમેનોની બોલબાલા છે. તેઓ આક્રમક બૅટિંગ કરે છે અને સફળતા તેમનાં કદમ ચૂમતી આવે છે. વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા અને પ્રિયાંશ આર્ય જેવા યુવાન બૅટ્સમેનો ક્રિકેટના નવા ગ્લૅમરબૉય્ઝ બનીને ઊભર્યા છે. એ પણ હકીકત છે કે અજિંક્ય રહાણે, કે. એલ. રાહુલ અને શુભમન ગિલ જેવા સાઉન્ડ ટેક્નિક ધરાવતા બૅટ્સમેનો સૂઝબૂઝથી રમીને પોતપોતાની ટીમને જિતાડવામાં મદદ કરતા હોય છે. ફરક એટલો છે કે તેમના મહત્ત્વના યોગદાનને આપણે ભૂલી જઈએ છીએ.

આવું જ કંઈક હિન્દી ફિલ્મ-સંગીતના ક્ષેત્રે બનતું આવ્યું છે. શંકર–જયકિશન, ઓ. પી. નય્યર, લક્ષ્મીકાન્ત–પ્યારેલાલ અને બીજા સંગીતકારોએ અનેક લોકપ્રિય ગીતો આપ્યાં છે. સમયની ડિમાન્ડ અને શ્રોતાઓની ડિમાન્ડ મુજબ કોઈ પણ જાતના છોછ વિના તેમણે કામ કર્યું એ બદલ તેમની ટીકા ન થઈ શકે, કારણ કે તેમણે ‘ડિમાન્ડ અને સપ્લાય’ના નિયમનું પાલન કર્યું. બીજી તરફ વસંત દેસાઈ, મદન મોહન અને બીજા સંગીતકારોએ ક્વૉન્ટિટી નહીં પણ ક્વૉલિટીને પ્રમુખ ગણીને ભલે ઓછું કામ કર્યું, પણ એ આછું નહોતું. એમાંના એક સંગીતકાર હતા ખય્યામ.



ખય્યામ સાથેની મારી મુલાકાતોમાં તેમણે પોતાના જીવન અને સંગીતની અનેક યાદગાર ઘટનાઓ શૅર કરી હતી. આશા ભોસલેને યાદ કરતાં તેઓ કહે છે...


‘વર્ષો પહેલાં મુઝફ્ફર અલી ફિલ્મ ‘ગમન’ની ઑફર લઈને મારી પાસે આવ્યા હતા. ફિલ્મનો વિષય એવો હતો જેમાં સંગીતકાર માટે કોઈ ચૅલેન્જ નહોતી. આ ઉપરાંત એની વાર્તા મને સાવ નીરસ લાગી એટલે મેં ના પાડી. એ પછી જયદેવે એ ફિલ્મ કરી. ફિલ્મ ‘ઉમરાવ જાન’ માટે મુઝફ્ફર અલીએ પહેલાં જયદેવનો સંપર્ક કર્યો, પરંતુ તેમને આ પ્રોજેક્ટમાં કોઈ દમ ન લાગ્યો એટલે તે મારી પાસે આવ્યા. મેં કહ્યું કે હું તૈયાર છું, પણ સાથી સંગીતકાર જયદેવને કોઈ વાંધો ન હોય તો જ હું ફિલ્મ હાથમાં લઈશ. તમે માનશો મુઝફ્ફર અલી રાઇટિંગમાં જયદેવ પાસેથી ‘નો ઑબ્જેક્શન લેટર’ લઈને આવ્યા.’

‘ફિલ્મની હિરોઇન રેખા હતી. તેનો ‘બેઝિક વોકલ ટોન’ નીચો છે એટલે મેં નક્કી કર્યું કે આશા ભોસલેનું પ્લેબૅક લેવું જોઈએ. બીજું કારણ એ હતું કે ફિલ્મની વાર્તા લખનઉની મશહૂર તવાયફ ઉમરાવ જાન પર પ્રેરિત હતી. ૭૦ના દશકમાં આવેલી ‘પાકીઝા’ પણ તવાયફના જીવન પર આધારિત હતી. આ ફિલ્મમાં મીનાકુમારી માટે લતા મંગેશકરે પ્લેબૅક આપ્યું હતું. એ ગીતોનો જાદુ આજ સુધી શ્રોતાઓ પર બરકરાર છે. જો હું પણ લતાજીનો અવાજ લઉં તો સરખામણી થયા વિના રહે નહીં. આ પરિસ્થિતિ ટાળવા અને આશા ભોસલે એટલી જ હોનહાર ગાયિકા છે એ સિદ્ધ કરવા મેં આશા ભોસલે પર પસંદગીની મહોર મારી.’


‘ઉમરાવ જાન’નાં ગીતો માટે અમારી મીટિંગ થઈ ત્યારે મેં આશાજીને કહ્યું, ‘તમે ખૂબ જ બિઝી છો છતાં તમારે આ ગીતો માટે ખાસ સમય કાઢવો પડશે. ‘પાકીઝા’નાં ગીતો આજે પણ એટલાં જ લોકપ્રિય છે એટલે ‘ઉમરાવ જાન’ માટે પ્રેક્ષકોની અપેક્ષા ખૂબ વધી જશે. ‘પાકીઝા’ જેવી સફળતા માટે આપણે ખૂબ મહેનત કરવી પડશે. ઉમરાવ જાન એક કવિયત્રી હોવા સાથે કુશળ ડાન્સર અને સિંગર હતી. આ ઓછું હોય એમ તે અત્યંત સ્વરૂપવાન હતી. આ ગીતો ઉમરાવ જાન ગાતી હોય એમ પ્રેક્ષકોને લાગવું જોઈએ.’

મારા કહેવાનો ભાવાર્થ આશાજી સમજી ગયાં અને કહ્યું, ‘તમને સંતોષ થાય ત્યાં સુધી હું રિહર્સલ કરીશ. જેટલી મહેનત અને સમય આપવાં પડે એ આપીશ. મારી પૂરતી કોશિશ રહેશે કે દર્શકોને એમ જ લાગવું જોઈએ કે દિલોજાનથી ઉમરાવ જાન ગાય છે.’

૨૦૧૧ની ૧૯ ઑગસ્ટે અમારી સંસ્થા ‘સંકેત’ના ઉપક્રમે ‘દિલ ચીઝ કયા હૈ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંગીતકાર ખય્યામનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સ્ટેજ પર મેં તેમને પ્રશ્ન કર્યો કે ‘ઉમરાવ જાન’ના સંગીત માટે તમે આશાજીના સ્વરની ‘ટોનલ ક્વૉલિટી’ બદલાવી ત્યારે તેમનો શું પ્રતિભાવ હતો? જવાબમાં તેમણે રસપ્રદ કિસ્સો શૅર કર્યો...

‘મુઝફ્ફર અલી અને શહરયાર (રાઇટર, ગીતકાર) મારા ઘરે આવ્યા અને ફિલ્મની સ્ટોરી સંભળાવી ત્યારે મને થયું કે આ મારી જિંદગીની સૌથી મોટી ચૅલેન્જ છે. પ્લેબૅક માટે મને જગજિતે (પત્ની જગજિત કૌર, જે પોતે એક પ્લેબૅક સિંગર હતાં) કહ્યું કે ગીતો માટે આશાજીનો અવાજ વધારે સૂટેબલ રહેશે. અમે નક્કી કર્યું કે તેઓ નૉર્મલ જે સ્કેલમાં (સૂર) ગાય છે એનાથી દોઢ સ્કેલ નીચે ગાશે જેથી ૧૫૦ વર્ષ પહેલાં ઉમરાવ જાન કયા અંદાજમાં ગાતી હશે એનો ખ્યાલ આવે.’

‘દિલ ચીઝ કયા હૈ આપ મેરી જાન લીજિએ’ના રેકૉર્ડિંગ વખતે અમે આશાજીને રિહર્સલમાં નીચા સ્કેલમાં ગાવાનું સૂચન કર્યું એટલે તેમને નવાઈ લાગી કે આમ કેમ? મેં કહ્યું, ‘ઇસ ફિલ્મ મેં આશાજી નહીં ગાએગી.’ તે તો ચોંકી ગયાં. કહે, ‘આપકો આશા ચાહિએ ઔર કહતે હો આશા નહીં ગાએગી’? મેં ફોડ પાડતાં કહ્યું, ‘હમેં આશા નહીં, ઉમરાવ જાન ચાહિએ.’ તો કહે, ‘વો કૈસે હોગા?’ મેં કહ્યું, ‘મૈં આપકો ગા કે સુનાતા હૂં.’

બેઝિકલી હું સિંગર છું એટલે મેં આલાપ લઈને ગીત સંભળાવ્યું. એ ટોન સાંભળી તેમણે કહ્યું, ‘આજનું રેકૉર્ડિંગ પોસ્ટપોન કરીએ. હું ૪ દિવસ રિયાઝ કરીને આવીશ, પછી રેકૉર્ડ કરીએ.’ મેં કહ્યું, ‘તમે ૪ નહીં, ૮ દિવસ માગશો તો એ પણ મને મંજૂર છે.’

‘તમને એક ટેક્નિકલ વાત કરું. ઘરે રિહર્સલ કરીએ અને સ્ટુડિયોમાં રેકૉર્ડ કરીએ એ બે વાતમાં ફરક છે. સ્ટુડિયોમાં ઘણા મ્યુઝિશ્યન હોય એ સમયે સિંગરનો ટોન થોડો ઍડ્જસ્ટ કરવો પડે. આ ફેરફારને કારણે જ્યારે ફરી પાછાં રેકૉર્ડિંગ માટે ભેગાં થયાં ત્યારે આશાજી થોડાં અનકમ્ફર્ટેબલ હતાં. આ વાત તેમણે મને નહીં જગજિતને કરી. કહે, ‘ખય્યામસાબ ક્યા પુરાની રંજિશ નિકાલ રહે હૈં? મૈં ગા નહીં પાતી.’

જગજિત મને કહે, ‘ આશાજી થોડાં ડિસ્ટર્બ છે.’ આમ તો તેમનો સ્વભાવ સારો છે, પણ થોડાં મૂડી અને ટેમ્પરામેન્ટલ છે. અમે વાત કરતા હતા ત્યાં આશાજી મારી કૅબિનમાં આવીને કહે કે મને ગાવામાં તકલીફ થાય છે. તેમના તેવર મેં જોયા છે. જો હું જીદ કરત તો કદાચ તે રેકૉર્ડિંગ છોડીને જતાં રહેત. આ ગીત મુહૂર્તનું ગીત હતું. મોટા-મોટા કલાકારો હાજર હતા. અમારી વચ્ચે વાતચીત ચાલતી હતી એ સૌ જોતા હતા. બહાર બેઠેલા મહેમાનોમાં ગુસપુસ થવા લાગી કે ખય્યામ અને આશા વચ્ચે દલીલો થાય છે, નક્કી કંઈક ગરબડ છે.

મેં આશાજીને કહ્યું, ‘એક કામ કરીએ. એક ટેક નીચા ટોનમાં અને એક ટેક તમારા કમ્ફર્ટ લેવલના ટોનમાં લઈએ.’ તો મને કહે, ‘પ્રદીપ (ખય્યામના પુત્ર)ના સોગંદ ખાઈને કહો કે મારી મરજી પ્રમાણે પણ ટેક લેશો.’ મેં કહ્યું, ‘તમે પણ મા સરસ્વતીના સોગંદ ખાઈને કહો કે મારી મરજી પ્રમાણે જે રીતે નીચા ટોનમાં રિહર્સલ કર્યું છે એ જ પ્રમાણે પહેલા ટેકમાં ગાશો.’ ક્રિશ્ચિયનની જેમ બે હાથ ક્રૉસ કરી માથે લગાડીને તેમણે સોગંદ લીધા અને અમે નીચા ટોનમાં પહેલો ટેક રેકૉર્ડ કર્યો.

ખય્યામના કહેવા મુજબ આશાજીએ નીચેના ટોનમાં ગીત રેકૉર્ડ કર્યું. બીજો ટેક આશાજીની મરજી પ્રમાણે ઊંચા ટોનમાં લેવાનો હતો. એ માટે નોટેશન્સમાં થોડા ફેરફાર કરવાના હતા એટલે થોડો સમય લાગે એમ હતો. એ દરમ્યાન એવું શું બન્યું કે બીજો ટેક લેવાયો જ નહીં? એ વાત આવતા રવિવારે.

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2026 02:14 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK