Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > દિલીપકુમારે આમંત્રણ સ્વીકાર્યા છતાં કાર્યક્રમમાં હાજરી ન આપવાની શું કિંમત ચૂકવી?

દિલીપકુમારે આમંત્રણ સ્વીકાર્યા છતાં કાર્યક્રમમાં હાજરી ન આપવાની શું કિંમત ચૂકવી?

Published : 06 July, 2026 04:38 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

આઝાદી બાદ ઑલ ઇન્ડિયા રેડિયો પર ફિલ્મનાં ગીતોનું મર્યાદિત સમય માટે પ્રસારણ થતું જે કરોડો લોકોની ફિલ્મસંગીત માટેની ઇચ્છા પૂરી કરવા માટે પૂરતું નહોતું. એ સમયે રેડિયો સિલોનનો જન્મ થયો.

દિલીપકુમારનો ઇન્ટરવ્યુ લેતા ગોપાલ શર્મા.

દિલીપકુમારનો ઇન્ટરવ્યુ લેતા ગોપાલ શર્મા.


એમ કહેવાય છે કે અવાજ મનુષ્યનો બીજો ચહેરો છે. જેમ સારો ચહેરો ઈશ્વરનો ભલામણપત્ર છે એમ મીઠો અવાજ મનુષ્યના વ્યક્તિત્વને ઔર પ્રભાવશાળી બનાવે છે. ખાસ કરીને જ્યારે તમારો ચહેરો અદૃશ્ય હોય અને કેવળ અવાજના માધ્યમથી તમે દુનિયાના સંપર્કમાં હો ત્યારે. આજે અવાજના એક એવા જાદુગરની વાત કરવી છે જેને મોટા ભાગના શ્રોતાઓ ભૂલી ગયા છે. 
 અત્યારે તો રેડિયો ભૂતકાળની વાત બની ગઈ છે, પણ એક સમય હતો જ્યારે આપણી પાસે મનોરંજનના સાધન તરીકે કેવળ રેડિયો જ હતો. ફિલ્મો જોવા જવી એ તો મહિને કે બે મહિને આવતો અવસર હતો, પરંતુ રેડિયો દરરોજ આપણા સુખદુખનો સાથી હતો. એમાં પણ ફિલ્મનાં ગીતો એટલે આપણા અસ્તિત્વના ઉત્સવને ઊજવવાનું હાથવગું સાધન. 
આઝાદી બાદ ઑલ ઇન્ડિયા રેડિયો પર ફિલ્મનાં ગીતોનું મર્યાદિત સમય માટે પ્રસારણ થતું જે કરોડો લોકોની ફિલ્મસંગીત માટેની ઇચ્છા પૂરી કરવા માટે પૂરતું નહોતું. એ સમયે રેડિયો સિલોનનો જન્મ થયો. રોજ સવારે સાતથી ૧૦, (રવિવારે બપોરે એક વાગ્યા સુધી) અને સાંજે સાતથી ૧૧ રેડિયો સિલોન પરથી ફિલ્મી ગીતોનું પ્રસારણ થતું. એની ચરમસીમા એટલે અમીન સાયાનીની ગીતમાલા જે બુધવારે રાત્રે એક કલાક પ્રસારિત થતી હતી. બાકીના સમયમાં રેડિયો સિલોન પર અનેક અનાઉન્સર કામ કરતા, પણ જેમણે પોતાના અવાજથી લોકોને અત્યંત પ્રભાવિત કર્યા એ નામ હતું ગોપાલ શર્મા. 
૨૦૧૪માં ‘સંકેત’ના એક કાર્યક્રમ ‘ભૂલી બિસરી યાદેં’માં અમે ગોપાલ શર્માને વક્તા તરીકે આમંત્રણ આપ્યું હતું. એ નિમિત્તે તેમની સાથે ફોન પર અને ત્યાર બાદ કાર્યક્રમમાં રૂબરૂ મુલાકાત થઈ. એ દિવસે તેમણે રેડિયો સિલોન પરની તેમની કારકિર્દી દરમ્યાનનાં અનેક રોચક સંભારણાં યાદ કર્યાં હતાં. એમાંની થોડી યાદો તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે... 
જ્યારે રેડિયો સિલોન પર મારી નિમણૂક નક્કી થઈ ગઈ ત્યારે મેં બલરાજ સાહનીને પૂછ્યું કે તમે BBCમાં (લંડનનું રેડિયો-સ્ટેશન) કામ કર્યું છે અને અભિનેતા પણ છો તો મને સલાહ આપો કે એક અનાઉન્સરે સ્ટુડિયોમાં બેસીને કઈ સ્ટાઇલમાં બોલવું જોઈએ? તેમણે કહ્યું કે ગોપાલ, તેં મને જે પ્રશ્ન કર્યો એમાં કોઈ સ્ટાઇલ હતી કે સહજ રીતે જ મને પૂછ્યું છે? મેં કહ્યું કે મેં તો મારા દિલની વાત કરી છે, એમાં કોઈ સ્ટાઇલ નથી. જવાબ મળ્યો કે બસ, આ દિલવાળી વાત યાદ રાખજે. મને જવાબ મળી ગયો. તેમના કહેવાનો અર્થ એ હતો કે જે બોલો એ સ્વાભાવિક રૂપે બોલો, એમ કરવાથી તમારી એક આગવી ઓળખ બનશે. સ્ટાઇલથી બોલવું કે કોઈની નકલ કરીને બોલવામાં લોકો કંટાળી જશે અને તારી અસલી ઓળખ ખોવાઈ જશે.
 ગોપાલ શર્મા ૧૯૫૬ની ૨૪ એપ્રિલથી ૧૯૬૭ની ૨૪ એપ્રિલ સુધી રેડિયો સિલોન સાથે જોડાયેલા હતા. એ દિવસોને હિન્દી ફિલ્મસંગીતના સુવર્ણકાળનો ઉચ્ચ તબક્કો કહી શકાય. એ ગીત-સંગીત આપણા સૌના અસ્તિત્વનો અનિવાર્ય હિસ્સો બની ગયાં. એના સર્જન અને પ્રસિદ્ધિ તરફના પ્રયાણ તરફની સફરની અનેક રોચક વાતો છે જે ભાગ્યે જ જાહેરમાં આવી છે. મારી સાથેની વાતચીતમાં તેમણે અનેક રસપ્રદ વાતો શૅર કરી છે. એમાંના થોડા કિસ્સા તમારી સાથે શૅર કરું છું. સાક્ષીભાવ રાખીને આમાં કોણ સાચું અને કોણ ખોટું એની પળોજણમાં પડીને ન્યાયાધીશ બનીને ચુકાદો આપ્યા વિના વાંચીશું તો મજા આવશે. 
ફિલ્મ ‘કોહિનૂર’ની રિલીઝના સમયે દિલીપકુમાર કોલંબો આવ્યા હતા. તેઓ ઍરપોર્ટ પર ઊતર્યા ત્યારે અમે શ્રોતાઓને ‘આંખો દેખા હાલ’ કાર્યક્રમમાં વિગતવાર એ ઘટના જણાવી હતી. તેઓ ચાર-પાંચ દિવસ રોકાવાના હતા એટલે મેં સંદેશો મોકલાવ્યો કે રેડિયો સિલોનના વ્યાપાર વિભાગ માટે મારે તમારો ઇન્ટરવ્યુ લેવો છે. તેમણે કહ્યું, ‘શર્માજી, મૈં ઍડ્વર્ટાઇઝિંગ કે પ્રોગ્રામ મેં કભી બોલતા નહીં હૂં.’ મેં કહ્યું, ‘ઇસમેં કોઈ ભી ઍડ્વર્ટાઇઝ નહીં હોગી, ન પ્રોગ્રામ કે પહેલે, ન પ્રોગ્રામ કે બાદ. કેવલ ઇન્ટરવ્યુ હોગા. બસ, આપકી કલા કી બાત હોગી.’ પરંતુ તે માનતા નહોતા. 
છેવટે મેં કહ્યું, ‘એક વાર રેડિયો સિલોનના ઍડ્વર્ટાઇઝવાળા કાર્યક્રમમાં તમે ભાગ લીધો છે એ કદાચ તમે ભૂલી ગયા લાગો છો.’ તે ચોંકી ઊઠ્યા. મેં કહ્યું, ‘જ્યારે મેહમૂદની પહેલી ફિલ્મ ‘છોટે નવાબ’ રિલીઝ થવાની હતી ત્યારે તમે એનાં ખૂબ વખાણ કર્યાં હતાં. વખાણ કરીને પ્રચાર કરવો એનો અર્થ એવો જ કે એની ઍડ્વર્ટાઇઝ કરવી.’ તેમણે કહ્યું, ‘ભાઈ, અનાઉન્સર લોકોની યાદશક્તિ બહુ તેજ હોય છે. લાગે છે કે કોઈ પણ હિસાબે તમે ઇન્ટરવ્યુ લીધા વિના મને છોડશો નહીં.’ મેં કહ્યું, ‘બિલકુલ, તમારે ઇન્ટરવ્યુ આપવો જ પડશે.’
આમ મેં તેમને મનાવી લીધા. કોલંબોની સારામાં સારી હોટેલ, જ્યાં તેમનો ઉતારો હતો, ત્યાં અમે ઇન્ટરવ્યુ રેકૉર્ડ કર્યો. એ ઇન્ટરવ્યુમાં તેમની સાથેની વાતચીત ઉપરાંત તેમની ફિલ્મોનાં ગીતોનો પણ સમાવેશ કર્યો હતો. શ્રોતાઓને પણ એ ઇન્ટરવ્યુ ખૂબ પસંદ આવ્યો. 
એક ખાસ વાત તમને કહું. દિલીપકુમાર જ્યારે ઇન્ટરવ્યુ માટે માનતા જ નહોતા ત્યારે મેં કહ્યું કે જો તમે ઇન્ટરવ્યુ નહીં આપો તો મારે તમને ‘ઇમોશનલ બ્લૅકમેઇલ’ કરવા પડશે. તે નવાઈ પામીને કહે, ‘કેવી રીતે?’ મેં કહ્યું, ‘તમારી ફિલ્મ ‘ગંગા જમુના’ રિલીઝ થવાની છે. એનાં ગીતોની રેકૉર્ડ માર્કેટમાં આવી ગઈ છે. એ ગીતો હું રેડિયો પર વગાડું છું. શકીલ બદાયૂંની અને નૌશાદના સંગીતમાં આ ગીતો ખૂબ લોકપ્રિય થતાં જાય છે. જો તમે મને ઇન્ટરવ્યુ નહીં આપો તો હું એ ગીતોનું પ્રસારણ બંધ કરી દઈશ.’ તે એકદમ સિરિયસ થઈને બોલ્યા, ‘કમાલ હૈ. યે તો આપ બિલકુલ બ્લૅકમેઇલ કર રહે હો.’ મેં હસતાં-હસતાં કહ્યું, ‘જી હાં, આપને સહી કહા.’
આ વાત પર તે ફસાઈ ગયા અને અમે ઇન્ટરવ્યુ રેકૉર્ડ કર્યો. ત્યાર બાદ અમારા ડિરેક્ટર જનરલે મને કહ્યું કે દિલીપકુમારને આપણા રેડિયો-સ્ટેશન પર આવવાનું આમંત્રણ આપો, આપણે તેમનું સન્માન કરીશું. નાના ભાઈ અહેસાન ખાન અને મારા આગ્રહને વશ થઈને દિલીપકુમારે આમંત્રણ સ્વીકાર્યું. અમે સૌ ખુશ હતા. રેડિયો-સ્ટેશનમાં એક મોટો હૉલ છે જ્યાં શ્રોતાઓને બોલાવીને કાર્યક્રમ થાય છે. એ હૉલને શણગારવામાં આવ્યો. દિલીપકુમારના સન્માન માટે મોંઘી ભેટ લાવ્યા. પુરજોશથી તેમના સ્વાગતની તૈયારી થઈ ચૂકી હતી. 
સાંજે ૪ વાગ્યાનો કાર્યક્રમ હતો. અમે દિલીપકુમારની રાહ જોતા હતા. સમય વીતતો જતો હતો. ત્યાં સમાચાર મળ્યા કે તેઓ તો મુંબઈ જવા માટે ઍરપોર્ટ તરફ નીકળી ગયા છે. અમે સૌ નિરાશ થઈ ગયા. પ્રેક્ષકોથી હૉલ ખીચોખીચ ભરેલો હતો. લોકોમાં નિરાશા સાથે ગુસ્સો પણ હતો. અમુક લોકો દિલીપકુમાર માટે અપશબ્દો બોલી રહ્યા હતા. મારી હાલત તો ધરતી મારગ આપે તો સમાઈ જાઉં એવી હતી. 
એ જ રાત્રે દિલીપકુમારના ઇન્ટરવ્યુનું પ્રસારણ હતું. હું ગુસ્સામાં ધૂંધવાયેલો હતો. તેમણે મારી સાથે ખોટો વ્યવહાર કર્યો એટલે મેં પણ એનો બદલો લેવા એવું પગલું લીધું જેનો અફસોસ મને આજ સુધી છે. આવેશમાં આવીને મેં ઇન્ટરવ્યુમાં જ્યાં ‘ગંગા જમુના’ વિશે વાતો હતી, એનાં ગીતો હતાં, એ ભાગને એડિટ કરીને કાપી નાખ્યો અને પછી જ ઇન્ટરવ્યુ બ્રૉડકાસ્ટ કર્યો. 
રાતના સાડાદસ વાગ્યે કે. કે. જગત્યાની (જેમણે કોલંબોમાં ‘કોહિનૂર’ના રિલીઝ ફંક્શન માટે દિલીપકુમારને આમંત્રણ આપ્યું હતું) દોડતા સ્ટુડિયોમાં આવ્યા અને કહે, ‘શર્માજી, તમે તો ગજબ કરી નાખ્યો.’ મેં શાંતિથી પૂછ્યું, ‘શું થયું?’ તો કહે, ‘દિલીપકુમારનો ફોન હતો. ખૂબ નારાજ હતા. તમે ‘ગંગા જમુના’ વિશેની દરેક વાત ઇન્ટરવ્યુમાંથી એડિટ કરી નાખી?’
મેં કહ્યું, ‘તમને ખબર છે મેં એવું શા માટે કર્યું? તેમણે પ્રૉમિસ કર્યા બાદ પણ ન આવીને રેડિયો સિલોન અને આપણને સૌને ‘લેટ ડાઉન’ કર્યા. આપણા ડિરેક્ટર જનરલને કેટલું નીચાજોણું થયું. તમે તેમની હાલત જોઈ? આટલી ધામધૂમ અને ખર્ચો કર્યા બાદ ફિયાસ્કો થયો એ સારું કહેવાય?’
જગત્યાનીસાહેબ ઠંડા પડ્યા. કહે, ‘હવે મને તમારા માટે કોઈ ફરિયાદ નથી. તમે જે કર્યું એ યોગ્ય જ કર્યું. હું તેમને કહી દઈશ કે તમારે પ્રૉમિસ આપ્યા બાદ રેડિયો સિલોન પર આવવું જ જોઈતું હતું.’ 
આયુષ્યની ઢળતી સાંજે આ કિસ્સો મારી સાથે શૅર કરતાં ગોપાલ શર્મા કહે છે, ‘મને ખબર નથી કે આ વાતનો દિલીપકુમારને કોઈ પસ્તાવો છે કે નહીં, પણ મને જીવનભર એ વાતનું દુખ છે કે યુવાનીના જોશમાં આવીને મેં જે કર્યું એ યોગ્ય નહોતું.’ 
આવતા રવિવારે ગોપાલ શર્માના લતા મંગેશકર, રાજ કપૂર અને બીજા કલાકારો સાથેના રસપ્રદ કિસ્સાઓની વાત કરીશું.


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2026 04:38 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK