° °

આજનું ઇ-પેપર
Thursday, 21 October, 2021


આને કહેવાય સાથ-સાથ પણ અલગારી રખડપટ્ટી

23 September, 2021 01:18 PM IST | Mumbai | Varsha Chitaliya

સ્થાનિક  ફૂડ એન્જૉય કરવામાં માનનારા અને ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટીમાં રસ ધરાવતા આ ભાઈએ અવનવી ડિશિસ ટેસ્ટ કરવાની સાથે બંજી જમ્પિંગ, સ્કાયડાઇવિંગ અને ઝિપલાઇન જેવી સાહસિક પ્રવૃત્તિઓ પણ કરી છે

આને કહેવાય સાથ-સાથ પણ અલગારી રખડપટ્ટી

આને કહેવાય સાથ-સાથ પણ અલગારી રખડપટ્ટી

ઘાટકોપરના મેહુલ વેદને સોલો ટ્રાવેલિંગ કરવા પત્નીએ પ્રોત્સાહિત કર્યા બાદ હરવા-ફરવાનો એવો ચસકો લાગ્યો કે મુંબઈથી બન્ને સાથે વિદેશ જાય અને ડેસ્ટિનેશન પર પહોંચ્યા બાદ તેઓ એકલા આસપાસનાં સ્થળો પર રખડપટ્ટી કરવા નીકળી પડે. સ્થાનિક  ફૂડ એન્જૉય કરવામાં માનનારા અને ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટીમાં રસ ધરાવતા આ ભાઈએ અવનવી ડિશિસ ટેસ્ટ કરવાની સાથે બંજી જમ્પિંગ, સ્કાયડાઇવિંગ અને ઝિપલાઇન જેવી સાહસિક પ્રવૃત્તિઓ પણ કરી છે

ખાઈ-પીને જલસો કરવાનો શોખ હોય તેમના માટે પ્રવાસથી શ્રેષ્ઠ કોઈ પ્રવૃત્તિ હોઈ ન શકે. ખાસ કરીને અજાણ્યા દેશોમાં ભોમિયા બનીને રખડપટ્ટી કરવાની મજા જ જુદી છે. રોમાંચિત કરનારી અનપ્લાન્ડ ટ્રિપ દ્વારા વિદેશની બ્યુટીને નજીકથી માણ્યા બાદ ઘાટકોપરમાં રહેતા ૪૦ વર્ષના યુકે સર્ટિફાઇડ રિયલ એસ્ટેટ પ્રોફેશનલ મેહુલ વેદને સોલો ટ્રાવેલિંગનો એવો ચસકો લાગ્યો કે દસ વર્ષમાં દસ દેશની મુસાફરી દરમિયાન વીસ જેટલાં વિદેશી શહેરોની મુલાકાત લીધી છે. મજાની વાત એ કે મુંબઈથી તેઓ વાઇફ સાથે ફ્લાઇટ પકડીને વિદેશ જાય અને ડેસ્ટિનેશન પર પહોંચ્યા બાદ આ કપલ પોતપોતાની મનગમતી ઍક્ટિવિટીનો આનંદ ઉઠાવે છે. ચાલો, સોલો ટ્રાવેલિંગ કન્સેપ્ટમાં નોખો ચીલો ચીતરનારા મેહુલભાઈને મળીએ. 
ફર્સ્ટ ટ્રિપ
સોલો ટ્રાવેલિંગ વિશે ક્યારેય વિચાર્યું નહોતું એમ જણાવતાં મેહુલભાઈ કહે છે, ‘યંગ એજમાં કરીઅર બનાવવામાં વ્યસ્ત હોઈએ અને લાઇફમાં સેટલ થવાનું બાકી હોય ત્યારે ટ્રિપ પ્લાન થતી નથી. ઘરમાંથી પરમિશન પણ ન મળે. લગ્નનાં બે વર્ષ પછી મારી પત્ની દિવ્યાએ સૂચવ્યું કે આટલી મહેનત અને ભાગદોડ કરે છે તો બ્રેક લેવો જોઈએ. ૨૦૧૦માં બેલ્જિયમમાં રહેતી તેની બહેન (મારી સાળી)ના ઘરે જવાનો પ્લાન બનાવ્યો. એ પહેલાં યુરોપના અન્ય દેશો એક્સપ્લોર કર્યા. ખાસ કરીને પૅરિસમાં અમે સાથે ફર્યાં. બેલ્જિયમ પહોંચ્યા બાદ ઘરમાં થોડો કંટાળો આવવા લાગ્યો. મસ્તમજાની ઠંડીમાં બધાને ઘરમાં રહીને આરામ કરવો હતો, જ્યારે મારે ફરવું હતું. વાઇફ અને સાઢુભાઈએ સોલો ટ્રાવેલ કરવા પ્રોત્સાહિત કર્યો. બે જોડી કપડાં પૅક કરીને યુરોપના બીજા દેશ એટલે કે નેધરલૅન્ડ્સના સુંદર શહેર ઍમ્સ્ટરડૅમ જવા નીકળી ગયો. ઍમ્સ્ટરડૅમમાં હેઇનકેન ફૅક્ટરી, હોપ-ઍન-હોપ બસનો પ્રવાસ કરી લોકલ કૅફેટેરિયાની મુલાકાત લીધી હતી. યુરોપના દેશો ખૂબ જ સુંદર છે. વિશ્વભરના લોકો સાથે વાતચીતના માધ્યમથી કઈ રીતે નૉલેજ શૅર કરવું, વિવિધ કલ્ચર સાથે કઈ રીતે કનેક્ટ રહેવું એ શીખવા મળ્યું. ત્યાંની ભાષા અને ફૂડની વરાઇટી વિશે જાણવાની મજા પડી.’
સાથે જઈએ, એકલા ફરીએ
ઍમ્સ્ટરડૅમના અનુભવથી ભવિષ્યની મુસાફરી અને સ્થાનોની શોધખોળ કરવાની કિક મળી એમ જણાવતાં મેહુલભાઈ કહે છે, ‘રસપ્રદ પ્રવાસ હવે શરૂ થયો. સોલો ટ્રાવેલિંગ કન્સેપ્ટમાં વાઇફને ઇન્વૉલ્વ કરી કંઈક જુદું કરવું હતું. અમારી નેક્સ્ટ ટ્રિપ મૉરિશ્યસની હતી. દિવ્યાને સ્વિમિંગ, હેવનલી સ્પા જેવી રિલૅક્સેશન ઍક્ટિવિટી કરવામાં રસ હતો તેથી તેણે રિસૉર્ટમાં સ્ટે કર્યું અને મેં મૉરિશ્યસમાં મારી રુચિનાં સ્થળો એક્સપ્લોર કર્યાં. આ ટ્રિપ પણ શાનદાર રહી. ત્યારથી અમે આ જ રીતે વેકેશન પ્લાન કરીએ છીએ. મુંબઈથી કપલ તરીકે પ્રવાસ કરીએ અને ડેસ્ટિનેશન પર જઈ સોલો ટ્રાવેલ કરું. બન્ને પોતાની મનગમતી પ્રવૃત્તિ કરે એ બેસ્ટ રિલૅક્સેશન થેરપી કહેવાય.’
ફૉરેન ટ્રિપની ખાસિયત વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું ક્યારેય કોઈ ટ્રાવેલ કંપની દ્વારા મુસાફરી કરતો નથી, કારણ કે ટાઇમટેબલ પ્રમાણે ફરવામાં મજા નથી આવતી. ટ્રાવેલિંગમાં ફ્રીડમ જોઈએ. તમામ આયોજન જાતે કરું જેથી મૅક્સિમમ ટાઇમ લોકલ પબ્લિક સાથે કનેક્ટેડ રહી શકું. ઇન્ટરનૅશનલ ફૂડ અને ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટીમાં ઇન્ટરેસ્ટ પડે છે. ખાસ કરીને વાઇફ જબરદસ્ત ફૂડી હોવાથી લોકલ કૅફેટેરિયાની મુલાકાત લઈએ. કોઈ પણ જગ્યાએ ફરવા જઈએ અમે અન્ય ગુજરાતીઓની જેમ ઇન્ડિયન રેસ્ટોરન્ટની પૂછપરછ કરતાં નથી. જીભનો ચટાકો હોવાથી જે-તે સ્થળની સ્પેશ્યલિટી ખાવાની મજા પડે છે. વિવિધ સંસ્કૃતિઓ, દેશો અને સ્થાનિક સ્વાદ સોલો ટ્રાવેલિંગ માટેનો જુસ્સો વધારે છે. વિવિધ સ્થળોની સંસ્કૃતિને જાણવાની આ શ્રેષ્ઠ રીત છે. ન્યુ કન્સેપ્ટ સાથે અત્યાર સુધીમાં વીસ જેટલાં વિદેશી શહેરોની મુલાકાત લીધી છે. જોકે આ કન્સેપ્ટથી મુસાફરી કરવા પતિ-પત્ની વચ્ચે અન્ડરસ્ટૅન્ડિંગ હોવી જોઈએ. વિદેશમાં એવી ઘણી ઍક્ટિવિટી છે જેના કારણે પત્નીના મનમાં અસલામતીની ભાવના જાગે. આ બાબત હું નસીબદાર છું. મારી પત્નીના સમર્થન અને સમજણથી વિદેશ તથા ભારતનાં વિવિધ શહેરોમાં સોલો ટ્રાવેલિંગ કરવાની મજા માણી શક્યો છું.’
ભારતમાં અનપ્લાન્ડ ટ્રિપ
વિદેશની ધરતી પર ફૂડ અને કલ્ચરલ ઍક્ટિવિટી અટ્રૅક્ટ કરે છે એવી જ રીતે ભારતનાં જુદાં-જુદાં રાજ્યો અને શહેરોનું આકર્ષણ છે. આપણા દેશમાં પણ ખૂબ ફર્યો છું એવી માહિતી આપતાં તેઓ કહે છે, ‘ઍમ્સ્ટરડૅમ જેવી જ બીજી બિનઆયોજિત અને ત્વરિત ટ્રિપ હતી ગોવા. એક વાર કામકાજથી ખૂબ થાકેલો તનાવગ્રસ્ત હતો. ગુરુવારની સાંજે વાઇફને કહ્યું ચાલ ગોવા ફરી આવીએ, પરંતુ એ બિઝી હતી. ફ્રેન્ડ્સમાંથી કોઈ જોડાવા તૈયાર નહોતું. કોઈની રાહ જોયા વિના મેં બૅગ પૅક કરી. એક કલાકમાં ચેમ્બુરથી બસમાં બેસી ગોવા પહોંચ્યો. આ ટ્રિપમાં જાણી જોઈને એક વૃદ્ધ મહિલાની માલિકીના ગેસ્ટહાઉસમાં રહ્યો જેથી સ્થાનિક ભોજનનો આનંદ ઉઠાવી શકું અને ત્યાંની ખાસિયત વિશે જાણી શકું. બાઇક પર ગોવા શહેર ફરવું, દરિયાકિનારે આરામ કરવો એ પ્રવાસનો મુખ્ય હેતુ હતો. મુંબઈથી નજીકનું બીજું મનપસંદ સ્થળ છે નાશિકમાં આવેલું સાધના મિસાલ. અહીંની મુલાકાત ચોક્કસ લેવા જેવી છે. ક્યારેક બિનઆયોજિત મુસાફરી ઉચ્ચ આધ્યાત્મિક અનુભવ કરાવે છે. જીવનમાં અને વ્યવસાયમાં હકારાત્મક રહી શકાય છે. લગભગ દર મહિને નજીકનાં સ્થળોએ એકલા મુસાફરી કરું છું. સોલો ટ્રાવેલમાં મારા રસપ્રદ વિષયો અને સ્થળોના ફોટોઝ ક્લિક કરવા માટે ખાસ કૅનન DSLR ડ્યુઅલ લેન્સ્ડ કૅમેરા ખરીદ્યો છે.’
મેહુલભાઈ અને તેમની પત્નીને ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટીઝનો જબરો ક્રેઝ છે. મૉરિશ્યસમાં ઝિપલાઇન, ફેરારી વર્લ્ડમાં ફૉર્મ્યુલા રેસ, સ્કાયડાઇવિંગ, બંજી જમ્પિંગ જેવી અઢળક ઍક્ટિવિટી કરી છે. રોગચાળાને કારણે તેમને લાંબો વિરામ લેવો પડ્યો છે. ટૂરિસ્ટો માટે ઇન્ટરનૅશનલ બૉર્ડર ફરીથી ખૂલવાની તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. સોલો ટ્રાવેલર તરીકે મેહુલભાઈની આગામી ટ્રિપ સ્પેનની હશે. 

મેહુલ વેદને સોલો ટ્રાવેલિંગમાં શું બહુ ગમે છે?

 આત્મનિરીક્ષણ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે.
 રૂટીન અને સ્ટ્રેસફુલ લાઇફથી ડિસકનેક્ટ થવાની તક પ્રાપ્ત થાય.
 ઇન્ટરનૅશનલ ફૂડની મોજ અને કલ્ચરની ખોજ પૂરી થાય. 
 સાહસિક પ્રવૃતિઓ કરવાનો જુસ્સો જળવાઈ રહે. 
 વિચારોનું ‌ક્ષિતિજ વિસ્તરતાં જીવનને અલગ દૃષ્ટિકોણથી સ્વીકારવાની ખેલદિલી વિકસે છે.
 ફોટોગ્રાફી જેવા કેટલાક શોખ ડેવલપ કરી શકાય.
 બિઝનેસ નેટવર્કિંગ મોરચે નવા સંપર્કો બનાવવામાં ઘણી મદદ મળે છે.

મુંબઈમાં આરામ

કામકાજના ભાર અને તનાવથી મુક્ત થવા દેશ-વિદેશ ફરવા જવું એવું દર વખતે જરૂરી નથી એમ જણાવતાં મેહુલભાઈ કહે છે, ‘બધાને મુંબઈની લાઇફમાં માત્ર દોડધામ અને હાડમારી દેખાય છે. મેં આપણા પોતાના શહેરમાં રિલૅક્સ થઈ શકાય એવું સ્થળ શોધી કાઢયું છે. 
મારી મનપસંદ જગ્યા છે જુહુસ્થિત ‘પૃથ્વી થિયેટર’. 
દર વર્ષે નવેમ્બર મહિનામાં પૃથ્વી મહોત્સવનો આનંદ માણવા એક સપ્તાહનો બ્રેક લઉં છું. ડ્રામા, મ્યુઝિક કૉન્સર્ટ, વિવિધ કળા અને સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્યો વગેરે જોવાનું ખૂબ ગમે છે. કલ્ચરલ ઍક્ટિવિટીનું અટ્રૅક્શન હોવાથી અહીં મજા આવે છે.’

 મુંબઈથી નીકળીને જે-તે ડેસ્ટિનેશન પર જવા માટે સાથે ટ્રાવેલ કરવાનું અને ત્યાં પહોંચ્યા પછી પતિ-પત્ની મનગમતી પ્રવૃત્તિમાં સોલો ભ્રમણ કરે

23 September, 2021 01:18 PM IST | Mumbai | Varsha Chitaliya

અન્ય લેખો

ઍન્ટિક ચીજો માટે વીકમાં એક આંટો ચોરબજારનો પાક્કો

૭૭ વર્ષના પ્રવીણ વસાએ હવે જોકે થોડા સમયથી એ બંધ કર્યું છે પરંતુ પોસ્ટલ સ્ટૅમ્પ્સથી લઈને લિમિટેડ એડિશન કૉઇન્સ, જૂની પેન અને બૉલપેન, યુનિક ચલણી નોટો જેવી તો કેટલીયે વસ્તુનું કલેક્શન તેમની પાસે છે

20 October, 2021 07:28 IST | Mumbai | Ruchita Shah

૮૩ વર્ષની ઉંમરે સ્વરમાં એવી જ મીઠાશ જળવાઈ કઈ રીતે?

ગુજરાતી સુગમ સંગીત અને શાસ્ત્રીય સંગીત સાથે જેમનો જીવનભરનો અતૂટ નાતો રહ્યો છે એવાં પૌરવી દેસાઈને જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે શું કહ્યું એ વાંચી લો

20 October, 2021 07:13 IST | Mumbai | Varsha Chitaliya

સ્વના સર્કલમાંથી બહાર લાવવાની જવાબદારી કોણ નિભાવે છે?

ચાર પાર્ટમાં વહેંચાયેલી ‘ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગી’માં પરમહંસ યોગાનંદના જીવનની તો વાત છે જ, પણ પરમાત્મા અને અકળ વિજ્ઞાનને પામવાના રસ્તાઓ વિશે પણ તેમણે વાત કરી છે

20 October, 2021 07:10 IST | Mumbai | Rashmin Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK