કરવાચોથના દિવસે પત્ની પ્રિયંકાનું વ્રત તોડાવવા નિકે શું કર્યું ખબર છે?
પ્રિયંકાએ વાતચીત દરમ્યાન જણાવ્યું કે નિકને કરવાચોથ બહુ ગમે છે
‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની ચોથી સીઝનના પહેલા એપિસોડમાં પ્રિયંકા ચોપડા ગેસ્ટ તરીકે પહોંચી હતી અને શો દરમ્યાન તેણે પોતાના અને પતિ નિક જોનસ વિશે ઘણા રસપ્રદ ખુલાસા કર્યા હતા. પ્રિયંકાએ વાતચીત દરમ્યાન જણાવ્યું કે નિકને કરવાચોથ બહુ ગમે છે અને એક વખત જ્યારે ચંદ્ર દેખાયો નહોતો ત્યારે નિકે મને તેના પ્લેનમાં વાદળોની વચ્ચે લઈ જઈને ચંદ્રર્શન કરાવ્યાં હતાં.
પ્રિયંકાએ વાતચીત વખતે જણાવ્યું હતું કે ‘મારા પતિ નિકને ભારતીય વાનગીઓમાં અથાણું બહુ ભાવે છે અને તે ભારતીય ભોજન સાથે અથાણું ખાવાનું પસંદ કરે છે. કરવાચોથ પર મારાં સાસુ મને ઉપવાસ પહેલાંનું ભજન એટલે કે સરગી મોકલે છે. નિકને કરવાચોથ ખૂબ ગમે છે. તે બહુ ખુશ થાય છે. તે કહે છે વાહ, મારી લાંબી ઉંમર માટે તું આખો દિવસ કાંઈ ખાતી નથી. અમે ચંદ્રની અજીબ જગ્યાઓએ શોધખોળ કરી છે. એક વખત નિક સ્ટેડિયમમાં હતો અને ત્યાં શો ચાલી રહ્યો હતો. ચંદ્ર દેખાતો જ નહોતો, વાદળો હતાં, વરસાદ પડવાની શક્યતા હતી અને ૬૦થી ૭૦ હજાર લોકો હાજર હતા. એ સમયે રાતે ૧૧ વાગ્યા સુધી ચંદ્ર દેખાયો નહીં. એ પછી નિક મને તેના પ્લેનમાં વાદળોની ઉપર લઈ ગયો અને ત્યાં જઈને અમે વ્રત તોડ્યું હતું. કેટલું રોમૅન્ટિક છે નહીં?’


