ભારત પહેલેથી જ પિતૃપ્રધાન દેશ રહ્યો છે. આપણે પહેલેથી જ એવા કન્ડિશનિંગમાં જીવીએ છીએ કે પેરન્ટ્સ અને વડીલો જેમ કહે એમ જ કરાય, તેમના નિર્ણયને સવાલ ન કરાય, સવાલ પૂછીશું તો પપ્પા મારશે, આખો સમાજ જે કરે છે.
આર્યન મહેતા
ભારત પહેલેથી જ પિતૃપ્રધાન દેશ રહ્યો છે. આપણે પહેલેથી જ એવા કન્ડિશનિંગમાં જીવીએ છીએ કે પેરન્ટ્સ અને વડીલો જેમ કહે એમ જ કરાય, તેમના નિર્ણયને સવાલ ન કરાય, સવાલ પૂછીશું તો પપ્પા મારશે, આખો સમાજ જે કરે છે કે માને છે એનાથી વિરુદ્ધ જવાની આપણામાં હિંમત નથી.તમારી ચૉઇસ, તમારા લૉજિકને અને તમારા અવાજને જેમ પિતૃપ્રધાન સમાજમાં ઘરમાં નથી સાંભળવામાં આવતો એવું જ બહાર પણ બની રહ્યું છે. દેશમાં જે થઈ રહ્યું છે એને સવાલ કરતાં ડરીએ છીએ. થોડા સમય પહેલાં એક રીલ જોયેલી જેમાં એક હિન્દુ છોકરી મુસ્લિમ ફ્રેન્ડને લઈને ગરબા રમવા ગયેલી એ માટે તેને અને તેના પેરન્ટ્સને ખૂબ હૅરૅસ કરવામાં આવ્યાં. આપણે કોની સાથે ફ્રેન્ડશિપ રાખવી અને કોની સાથે નહીં એ કહેવાવાળા આ લોકો કોણ છે? આપણી જિંદગી માટે સવાલ કરવાનો હક તેમને કોણે આપ્યો? યાદ રાખજો મારી લાઇફમાં દખલઅંદાજી કરવાનો હક કોઈને નથી એવી દૃઢતા સાથે તે છોકરી સામો સવાલ નથી કરતી ત્યાં સુધી તેને જ સવાલ કરવામાં આવશે.
આપણે દરેકે આપણી અંદર કામ કરવાની જરૂર છે. હું કોણ છું અને કોના માટે જીવું છું અને મારી ઍક્શનથી શું રીઍક્શન આવવાનું છે એ વિચારીને જીવવાની જરૂર છે. જ્યારે આપણે સવાલ કરતાં ખચકાઈએ છીએ ત્યારે સમજવાનું કે આપણે પિતૃપ્રધાન સમાજ દ્વારા થતા ટૉર્ચરના ટ્રૉમા પર કામ નથી કર્યું. ટ્રૉમા એટલો ઊંડો છે કે આપણે કોઈ જ સવાલ વિના આઉટ ઑફ રીઍક્શન પહેલાંની જ ઘરેડને વળગી રહીએ છીએ.
ADVERTISEMENT
આજકાલ સમાજ રિબેલિયસ લોકોથી ડરે છે પરંતુ મને એવું લાગે છે કે આપણે બળવાખોરોથી નહીં, ઓબિડિયન્ટ એટલે કે આંખ બંધ કરીને કહ્યાગરા બની રહેનારાઓથી ડરવું જોઈએ. એવા લોકોથી ડરવું જોઈએ જે સવાલ કરવાની હિંમત નથી કરતા. બહુ જ મહત્ત્વનું છે કે આપણે આપણા ડર પર કામ કરીએ. આપણે ચૂપ બેસીએ છીએ જ્યારે દલિતોને પરેશાન કરવામાં આવે છે. આપણે ચૂપ છીએ જ્યારે સ્ત્રીઓ પર અત્યાચાર થાય છે. આપણે ચૂપ છીએ જ્યારે ધર્મવાદના નામે ભેદભાવ કરવામાં આવે છે, પણ જ્યાં ખોટું લાગે ત્યાં એના માટે અવાજ ઉઠાવવાની નિર્ભીકતા આપણે કેળવવી પડશે; નહીંતર આજે જે બીજા સાથે થાય છે એ કાલે તમારી પોતાની સાથે પણ થઈ શકે છે.
મારી સાથે જ થયું છે એ જોઈ લો. ૨૦૧૯માં વ્યક્તિને પોતાના લિંગની ઓળખ કરવાની સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવેલો એ ૨૦૨૬માં સરકારે પાછો ખેંચી લીધો. હવે કોઈને પોતાની જાતિ સ્વયં નિર્ધારિત કરવાનો હક નથી. નવા સંશોધિત બિલ મુજબ ટ્રાન્સમૅન કે ટ્રાન્સવુમન (સ્ત્રીમાંથી પુરષ બનનારા કે પુરુષમાંથી સ્ત્રી બનનારા) જેવું કંઈ છે જ નહીં. રસ્તા પર ભીખ માગતા કિન્નરોને માન્યતા છે, પરંતુ ભણીગણીને કામ કરતા અને સ્વયં જાતિની ઓળખ કરનારા લોકો એ વેસ્ટર્ન કલ્ચરનું નાટક ગણાય છે. હું કોણ છું એ નક્કી કરવાનો હક મને પણ ન હોય એ હિંસા નથી તો બીજું શું છે?
પોતાના હકો માટે લડવું અને સમાજ સામે સવાલ કરવામાં સંકોચ ન રાખવો એ જ આ સમયની તાતી જરૂરિયાત છે.
- આર્યન મહેતા
