નાનકડા ગામડામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કરતો અને બાકીના સમયમાં રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો એક પિતા KBCની હૉટ સીટ પર પહોંચ્યો હતો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
છેલ્લા થોડા દિવસો દરમિયાન ‘કૌન બનેગા કરોડપતિ’ના કેટલાક એપિસોડ જોતાં દેશના ગ્રામીણ ઇલાકામાં પાર વગરની હાડમારી વચ્ચે રહેતા લોકોના જીવનમાં પણ શિક્ષણનું કેટલું મહત્ત્વ વણાઈ ગયું છે એનાં જીવંત ઉદાહરણો જોવા મળ્યાં. એ જોઈને હૃદયમાં આનંદ છવાઈ ગયો. નાનકડા ગામડામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કરતો અને બાકીના સમયમાં રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો એક પિતા KBCની હૉટ સીટ પર પહોંચ્યો હતો. ગામડામાં તેને કન્સ્ટ્રક્શન સાઇટ પર મચાન પર ચડીને કે ઊંડા ખાડામાં અંદર ઊતરીને કામ કરવું પડે છે. આવાં કામો કેટલાં જોખમી હોય છે એનાથી આપણે વાકેફ છીએ. બંધાતી ઇમારતોની સાઇટ પરથી પડીને મૃત્યુ પામેલા મજૂરો વિશેના સમાચારો અવારનવાર વાંચીએ છીએ. પરંતુ એ માણસને પોતાની ત્રણેય દીકરીઓને ભણાવી-ગણાવીને દેશનું નામ રોશન કરે તેવી બનાવવી છે. અને એ માટે તે આ જોખમી કામ પણ હોંશે-હોંશે કરે છે. તેની મોટી દીકરી બારમીમાં ૮૬ ટકા મેળવીને જિલ્લાની બધી જ સ્કૂલોમાં પહેલી આવી છે અને તેણે NEET પણ સારા નંબરે પાસ કરી છે. બીજી દીકરીને થૅલેસિમિયા જેવી ગંભીર બીમારી છે. તો એની સારવાર સાથે પણ તે દિલ લગાવીને ભણી રહી છે. એ મહેનતકશ પિતાને પોતાની દીકરીઓને ડૉક્ટર બનાવવી છે અને જિંદગીનું એ ધ્યેય પામવા એ દિવસ-રાત કાળી મજૂરી કરે છે. તેની સાથે શો પર આવેલી બન્ને દીકરીઓ પણ પિતાની કઠિન તપસ્યા અને ત્યાગનું મૂલ્ય બરાબર સમજે છે એની પ્રતીતિ તેમની સમજણ અને સમ-સંવેદનાભરી વાતોમાંથી મળતી હતી. એ દીકરીએ એક બહુ સરસ વાત કરી. તેણે કહ્યું કે ‘બાબા મારી સફળતાની વાત કર્યા કરે છે પણ એમાં નેવું ટકા હિસ્સો તેમનો છે. તેમણે ખૂબ જ મહેનત કરીને અમને ભણાવ્યાં છે. આજે આ મંચ પરથી તેઓ બહુ ધનરાશિ નહીં કમાય તો પણ અમારા દિલમાં તેમના માટેનું માન જરાય પણ ઓછું નહીં થાય.’ એ કિશોરીની વાતોમાં પિતાના સમર્પણની કદર અને તેમના પ્રત્યેનો સ્નેહાદર છલકતા હતા. સાચા અર્થમાં એ છોકરીઓ શિક્ષિત હતી. અમિતાભ બચ્ચનની જેમ જ એ દિવસે KBCના લાખો દર્શકોને ખાતરી થઈ હશે કે આ છોકરીઓ ભવિષ્યમાં જરૂર ચમકશે અને તેમના પિતાનું સપનું સાકાર કરશે. શહેરમાં ઢગલાબંધ સગવડો અને સાધનોની છોળ વચ્ચે ઊછરતાં અનેક બાળકોની અભ્યાસ પ્રત્યેની બેફિકરાઈ અને તેમના પેરન્ટસની એ બાબતે સતત ચિંતાના સિનારિયો સામે ગ્રામીણ પરિવેશમાંથી આવતાં આ પિતા-પુત્રીઓનાં એકમેક તથા શિક્ષણ પ્રત્યેના પ્રેમ, આદર અને સમજણ એક સુખદ વિરોધાભાસ રચતાં હતાં. સાચા શિક્ષણ સાથે અનિવાર્યપણે સંકળાયેલી સમજણનું જીવંત ચિત્ર જાણે.
ADVERTISEMENT
- તરુ મેઘાણી કજારિયા

