ઍક્ટ્રેસ બનવા માગતી ટ્વિશા શર્માના શંકાસ્પદ મોતે આજે દેશભરને ખળભળાવી નાખ્યો છે. મોટું સ્ટેટસ ધરાવતી ફૅમિલી સાથે રિલેશન જોડવાનાં સપનાં જોતા પેરન્ટ્સની આંખો ખોલી નાખતા ટ્વિશા શર્મા કેસની એકેએક વિગત જાણવા જેવી છે
સમર્થ સિંહ સાથે લગ્ન સમયે ટ્વિશા શર્મા.
‘પોલીસે અમારા ઘરનો થર્ડ ફ્લોર સીલ કરી દીધો છે. જરા વિચાર તો કરો, ત્યાં મારા પચાસથી વધુ પ્લાન્ટ્સ છે. મારા એ પ્લાન્ટ્સ મરી જશે તો એની જવાબદારી કોની... મારા માટે તો બધા પ્લાન્ટ્સ જીવ છે.’
આ સ્ટેટમેન્ટ વાંચીને કોઈને પણ આવું કહેનારા માટે માન જન્મે, પર્યાવરણ માટેનો આ પ્રેમ જોઈને આદર જન્મે; પણ જો તમને એવી ખબર પડે કે આ સ્ટેટમેન્ટ તે બાઈએ કર્યું છે જેની પુત્રવધૂ ૪૮ કલાક પહેલાં જ કથિત સુસાઇડ કરીને જીવ આપી ચૂકી છે, એ જ થર્ડ ફ્લોર પર જે જગ્યાને પોલીસે સીલ કરી છે તો સહેજે તમને થઈ આવે કે કૂંડાં અને છોડની ચિંતા કરનારી આ હરામખોર બાઈને તેના દીકરાની વહુ માટે સહેજે લાગણી નથી. હા, એવું થાય એ સ્વાભાવિક છે અને ભોપાલ જ નહીં, દેશભરના ૯૦ ટકા લોકોના મનમાં આ જ ભાવના જન્મી છે. આપણે વાત કરીએ છીએ દેશભરમાં ચકચાર જગાવી દેનારા ટ્વિશા શર્મા કેસની. કૂંડાંમાં રહેલા છોડ માટે હૈયાબળતરા કરતાં ભોપાલનાં રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ ગિરિબાલા સિંહ ટ્વિશાનાં સાસુ છે. ટ્વિશાના શંકાસ્પદ મોત પાછળનું કારણ જાણવા માટે તેના પતિ સમર્થ સિંહની ઑલરેડી ધરપકડ થઈ ચૂકી છે અને અત્યારે તે રિમાન્ડ પર છે. દેશમાં કદાચ પહેલી વાર એવું બન્યું છે કે રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજના દીકરાને પકડવા માટે ખુદ સ્ટેટ ગવર્નમેન્ટે ઇનામ જાહેર કરવું પડ્યું હોય! સમર્થ ઍડ્વોકેટ છે અને ટ્વિશાના મોતના ૭૨ કલાક પછી તે ગાયબ થઈ ગયો હતો. ટ્વિશા શર્મા કેસની આખી વાત જાણવા માટે તેની જિંદગીને નજીકથી જોવી જરૂરી છે.
ADVERTISEMENT
એકવીસમી સદીમાં જ્યારે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની બોલબાલા છે ત્યારે પણ ઉજળિયાત માનવામાં આવતી અને સોસાયટીમાં હાઈ-સ્ટેટસ ધરાવતી વ્યક્તિ દહેજ જેવી શરમજનક પ્રથા માટે કોઈનો જીવ લેવાની હદ સુધી પહોંચી જાય એ ખરેખર સમગ્ર સમાજનું નાક કાપી જાય એવી ઘટના છે. જે દેશમાં ભીખ માગવો ગુનો ગણાય છે એ દેશમાં લગ્નમંડપની બરાબર વચ્ચે ઊભા રહીને ડિસ્ટ્રિક્ટ જજ સ્તરની વ્યક્તિ દહેજની અપેક્ષા રાખે એ માત્ર કાયદાની દૃષ્ટિએ જ નહીં, માનવતાની નજરમાં પણ અધમ ગુનો છે.
મુદ્દો ૪પ ફોનકૉલ્સનો
શર્મા પરિવારે આક્ષેપ કર્યો છે કે ટ્વિશાનું જે રાતે મોત થયું એ રાતે ટ્વિશાનું બૉડી હૉસ્પિટલમાં પડ્યું હતું, પોસ્ટમૉર્ટમ હજી શરૂ થયું નહોતું થયું ત્યાં ગિરિબાલા સિંહે ભોપાલના વગદાર લોકોને ફોન કરવાના શરૂ કરી દીધા. એમાં વિધાનસભ્યથી માંડીને પોલીસ અધિકારી, મૅજિસ્ટ્રેટ, વગદાર વકીલ અને અન્ય રાજકીય આગેવાનોનો સમાવેશ થાય છે. નવનિધિ શર્માનું કહેવું હતું કે ઘરમાં પુત્રવધૂનું મોત થયું છે ત્યારે તમે ડૉક્ટરને બદલે આ લોકોને ફોન કેવી રીતે કરી શકો?
આ આક્ષેપને જો તમે જરા શાંત અને ઠરેલ માનસિકતા સાથે જુઓ તો તમને દેખાઈ આવે કે ગિરિબાલા સિંહ અને સમર્થ સિંહ બન્ને લૉ-એક્સપર્ટ છે જેમને આ પ્રકારની ઘટનાની આડઅસર શું ઊભી થાય એનો સીધો અણસાર આવી જાય. બીજી વાત, ફોનકૉલ્સ ગિરિબાલા સિંહે કર્યા, સમર્થે નહીં. સમર્થ કદાચ ઇમોશનલ બ્રેકડાઉન થયો હોઈ શકે, ગિરિબાલા ન થયાં હોય. તેમના અત્યાર સુધીના અનુભવના આધારે તેમને સમજાઈ ગયું હોય એ મૅરેજને માત્ર પાંચ જ મહિના થયા છે ત્યારે ડોમેસ્ટિક વાયલન્સ અને દહેજ જેવા મુદ્દામાં તેમની અને સમર્થ સામે પગલાં લેવાઈ શકે છે. જેને થોડુંઘણું ભારતીય કાયદાનું નૉલેજ હશે તેમને ખબર હશે કે ૭ વર્ષથી ઓછા સમયગાળામાં જો છોકરીનું અપમૃત્યુ થાય તો એવા સમયે પિયર પક્ષના આક્ષેપોને કારણે સાસરા પક્ષના તમામ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય છે એટલે ગિરિબાલાએ તરત જ શરૂ કરેલી આ હરકત સ્વાભાવિક હોઈ શકે છે.
ટ્વિશા શર્માની શૉર્ટ ફિલ્મ ‘ઝરા સંભલ કે’ યુટ્યુબ પર અવેલેબલ છે, જે ફિલ્મને કારણે ટ્વિશાને તેલુગુ ફિલ્મમાં તક મળી હતી.

સમર્થ સિંહે સરેન્ડર કર્યું હતું.
કોણ છે આ ટ્વિશા?
૩૦ વર્ષની ટ્વિશાની ઇચ્છા હતી કે તે નૅશનલ સ્ટાર બને, દેશનો એકેએક નાગરિક તેને ઓળખે. એવું બન્યું, પણ કમનસીબે ટ્વિશાએ એ માટે જીવ આપવો પડ્યો. આજે દેશભરમાં ટ્વિશા શર્માની વાતો થાય છે, ટ્વિશાને ન્યાય મળે એવી માગણી શરૂ થઈ ગઈ છે. ટ્વિશા પોતાની ઍક્ટિંગથી સ્ટાર બનવા માગતી હતી, પણ તેને દહેજના ખપ્પરે સ્ટાર બનાવી દીધી.
નોએડામાં રહેતાં અને સરકારી નોકરી કરતાં નવનિધિ શર્મા અને રેખા શર્માને બે બાળકો. મોટી દીકરી ટ્વિશા અને નાનો દીકરો હર્ષિત. હર્ષિત ઇન્ડિયન આર્મીમાં મેજર છે તો દીકરી ટ્વિશાની ઇચ્છા નાનપણથી ઍક્ટ્રેસ બનવાની હતી. અલબત્ત, ઘરમાં ભણવાને ખૂબ મહત્ત્વ અપાતું એટલે પપ્પાની સ્ટ્રિક્ટ સૂચના હતી કે ભણવાના ભોગે કોઈ ઍક્ટિવિટી નહીં અને ટ્વિશાએ એ જ કર્યું. તે ભણવામાં અવ્વલ પુરવાર થઈ. સ્કૂલિંગ તેણે નોએડામાં જ કર્યું તો એ પછી તે કૉલેજ કરવા માટે પુણે આવી અને એ દરમ્યાન તેણે મૉડલિંગ પણ શરૂ કર્યું. મૉડલિંગના ફીલ્ડમાં ટ્વિશાની કરીઅર ધીમી હતી, પણ તેણે જે કામ કર્યું એ દમદાર હતું. મૉડલિંગ અને કૉલેજ પછી ટ્વિશાએ પોતાનું ફોકસ ઍક્ટિંગ-કરીઅર પર કર્યું અને થોડી સ્ટ્રગલ પછી તેને શૉર્ટ ફિલ્મ્સ મળવાની શરૂ થઈ. ત્રણેક શૉર્ટ ફિલ્મ પછી ટ્વિશાને તેલુગુ ફિલ્મ ‘મુગ્ગુરુ મોનાગાલ્લુ’માં તેલુગુ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના એસ્ટૅબ્લિશ્ડ એવા સ્ટાર્સ સાથે કામ કરવાની તક મળી. ટ્વિશાને હતું કે હવે તેની પાસે કામનો ઢગલો થઈ જશે, પણ ટ્વિશાના ગ્રહો કંઈક જુદું કરવા ઇચ્છતા હતા અને એ ફિલ્મ પછી ટ્વિશાને કામ માટે ફરીથી સ્ટ્રગલ કરવાનો વારો આવ્યો. ટ્વિશાના પપ્પા નવનિધિ શર્મા કહે છે, ‘થોડા સમયની સ્ટ્રગલ પછી ટ્વિશાએ જ નિર્ણય લીધો અને તેણે દિલ્હીમાં માસ્ટર્સ કન્ટિન્યુ કરવાનું નક્કી કર્યું. માર્કેટિંગ અને કૉર્પોરેટ કમ્યુનિકેશનમાં MBA કરતી હતી એ દરમ્યાન ટ્વિશાને લાગ્યું કે તે ઇન્ફ્લુએન્સર બની શકે છે એટલે તેણે સોશ્યલ મીડિયા પર એ કામ શરૂ કર્યું.’
બન્યું એવું કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં જોઈતું કામ મળતું ન હોવાથી ટ્વિશા થોડો સમય માટે મેન્ટલી અપસેટ રહી અને પછી તેને લાગ્યું કે તેણે યોગ અને મેડિટેશનની દિશામાં કામ કરવું જોઈએ. ટ્વિશાને એનાથી ઘણો ફરક પડ્યો અને તેણે નક્કી કર્યું કે તે યોગ-પ્રાણાયામ અને મેડિટેશનનો વિધિવત્ કોર્સ કરીને લોકોને પણ વેલનેસનો આ પાઠ શીખવશે. સર્ટિફાઇડ વેલનેસ કોચ બન્યા પછી ટ્વિશાએ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકો સુધી એ પહોંચાડવાનું કામ શરૂ કર્યું તો સાથોસાથ ‘ધ યોગા કોડ’ નામની પોતાની બ્રૅન્ડ અને સોશ્યલ મીડિયા અકાઉન્ટ પણ શરૂ કર્યાં. ટ્વિશા ખુશ હતી, તે પગભર હતી અને ઍક્ટિંગ માટે તેણે સ્ટુડિયો કે પ્રોડક્શન હાઉસની ઑફિસે ધક્કા ખાવા નહોતા પડતા. ટ્વિશાનાં મમ્મી રેખા શર્મા કહે છે, ‘કૅમેરા સામે આવવાની ટ્વિશાની જે ઇચ્છા હતી એ સોશ્યલ મીડિયાને કારણે પૂરી થઈ અને તે ખુશ હતી. અમને યાદ નથી કે તેણે ક્યારેય અમને કોઈ વાતની ફરિયાદ કરી હોય. અમે પણ તેને મૅરેજ માટે પ્રેશર કરતા નહોતા. આજના સમયમાં બાળકો બધું જાતે નક્કી કરતાં હોય તો પોતાના જીવનનો નિર્ણય લેવાનો હક પણ બાળકોનો જ છે. ટ્વિશાએ જ એક દિવસ અમને સામેથી વાત કરી કે તેની લાઇફમાં કોઈ છે જેની સવાર ટ્વિશાથી પડે છે અને રાત પણ ટ્વિશાના નામ સાથે થાય છે. અમને શું ખબર કે અમારી દીકરી પોતે જ વ્યક્તિ ઓળખવામાં થાપ ખાઈ ગઈ છે?’

ટ્વિશાનાં સાસુ ગિરિબાલા સિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.
એ સમયે તો ટ્વિશાને પણ ક્યાં ખબર હતી?
સમર્થની થઈ એન્ટ્રી
ભોપાલના પૉશ કટારા હિલ્સ એરિયામાં રહેતા ઍડ્વોકેટ સમર્થ સિંહ સાથે ટ્વિશાની મુલાકાત એક ડેટિંગ ઍપ પર થઈ હતી. નૉર્મલ યંગસ્ટર્સની જેમ જ પહેલાં બન્ને વચ્ચે ચૅટનો દોર ચાલ્યો, એ પછી ફોન પર વાતો થવા માંડી અને ત્યાર પછી બન્ને એકબીજાને નિયમિત મળવા પણ માંડ્યાં. બન્નેને એકબીજા માટે ઇમોશન્સ જાગવાનાં શરૂ થયાં અને ટ્વિશાના ભાઈએ પોલીસ-ફરિયાદમાં લખાવ્યું છે એ મુજબ સમર્થે ટ્વિશાને પ્રપોઝ કર્યું હતું. હર્ષિતે કમ્પ્લેઇનમાં લખાવ્યું છે કે ટ્વિશાને સમર્થનું હાજરજવાબીપણું ગમી ગયું. એક વખત રાતના કૉલમાં ટ્વિશાએ સમર્થને કહ્યું કે અત્યારે ૧૨ વાગ્યા છે, જો સાચે જ તને એવું લાગતું હોય કે તું મારા વિના રહી ન શકે તો પ્રૂવ કર, કાલે બપોરના ૧૨ વાગ્યા પહેલાં દિલ્હી મળવા આવી જા.

દીકરીના મૃત્યુ પછી પડી ભાગl પડેલા પેરન્ટ્સ.
સમર્થ પહોંચી ગયો અને ટ્વિશાએ એ જ રાતે પોતાના પેરન્ટ્સને વાત કરી. સમર્થના પપ્પા વર્ષો પહેલાં જ ગુજરી ગયા છે અને માએ એકલા હાથે દીકરાને મોટો કર્યો છે એ વાત જાણીને નવનિધિ શર્મા અને રેખા શર્મા ફૅમિલીથી ઇમ્પ્રેસ થયાં તો સમર્થનાં મમ્મી ગિરિબાલા સિંહ એક સમયના ભોપાલનાં ડિસ્ટ્રિક્ટ જજ હતાં એ જાણીને મનમાં સર્જાયેલા પ્રભાવમાં વધારો થયો. વાત છે ૨૦૨પના આરંભની. બન્ને ફૅમિલી મળી. અફકોર્સ ગિરિબાલા સિંહે શરૂઆતમાં વિરોધ નોંધાવ્યો હતો, પણ પછી તે દીકરાની વાત માની ગયાં અને ૨૦૨પના જુલાઈ મહિનામાં નોએડા ખાતે બન્નેની સગાઈ કરવામાં આવી તો એ જ વર્ષની ૭ ડિસેમ્બરે એટલે ટ્વિશાના મોતના ફક્ત પાંચ જ મહિના પહેલાં બન્નેનાં ભોપાલમાં આલીશાન મૅરેજ કરવામાં આવ્યાં.
મૅરેજ ભોપાલમાં થાય એવી ઇચ્છા કે પછી આગ્રહ ગિરિબાલા સિંહ તરફથી રાખવામાં આવ્યો હતો. એકનો એક દીકરો અને સોસાયટીમાં રહેલા પોતાના સ્ટેટસને ધ્યાનમાં રાખીને ગિરિબાલા સિંહે દલીલ કરી હતી કે તેમની સાઇડથી ઓછામાં ઓછા પંદરસોથી ૨૦૦૦ લોકોને બોલાવવામાં આવશે. જો ભોપાલમાં જ મૅરેજ રાખવામાં આવે તો ખોટા ખર્ચા ન વધે અને અલગથી રિસેપ્શન ન કરવું પડે. શર્મા ફૅમિલી માની ગઈ અને માને પણ શું કામ નહીં. નાની અને સંતાનોમાં એકમાત્ર એવી દીકરીનાં મૅરેજ હતાં. નવનિધિ શર્માએ આ મૅરેજમાં મન મૂકીને ખર્ચ કર્યો અને કહે છે કે આ જ વાત ગિરિબાલાના મનમાં ઘર કરી ગઈ!

લગ્ન સમયે આશીર્વાદ આપતા પેરન્ટ્સ.
જો દીકરીનાં લગ્ન પાછળ બાપ લાખો-કરોડોનો ધુમાડો કરી શકે તો દીકરીને કરિયાવરમાં પણ તેણે એ મુજબનું આપવું જોઈએ! રેખા શર્મા કહે છે, ‘અમે જે કર્યું એ દીકરીની ઇચ્છાથી કર્યું હતું. દીકરીની ઇચ્છા હતી કે ધામધૂમથી મૅરેજ થાય એટલે અમારી પહોંચ નહોતી તો પણ અમે દીકરીનું દિલ રાખવા બધું કર્યું, પણ એનો અર્થ જુદો કાઢવામાં આવ્યો જે અમારી ટ્વિશા સાસરે ગઈ એ પછી અમને ખબર પડી.’
સાસરે ગયા પછી પણ ટ્વિશાના ઘરે તો મોડી-મોડી ખબર પડી, એ પણ ત્યારે જ્યારે ટ્વિશાએ મમ્મી સામે મન હળવું કર્યું. જોકે એ પહેલાં એક ઘટના એવી ઘટી કે ટ્વિશાને થઈ આવ્યું કે તેણે સમર્થને ઓળખવામાં મોટી થાપ ખાધી છે. આ ઘટના પણ લગ્નના મંડપમાં ફેરા ફર્યાના ૨૪ કલાક પછી તરત જ ઘટી હતી.
એક ફ્લાઇટ, એક થપ્પડ
બન્યું એવું કે ટ્વિશા અને સમર્થ મૅરેજ પછી હનીમૂન માટે વિયેટનામ જવાનાં હતાં અને ફ્લાઇટનાં ટાઇમિંગ્સ એ જ હતાં જે સમયે ટ્વિશાનાં પેરન્ટ્સ અને અન્ય સગાં નોએડા જવા માટે રવાના થવાનાં હતાં. તે લોકોને મળવામાં ટ્વિશાને મોડું થયું અને ટ્વિશા-સમર્થ ભાગતાં ઍરપોર્ટ પહોંચ્યાં, પણ એમાં થોડી મિનિટોનું મોડું થયું અને ઍરવેઝ કંપનીએ પ્લેનમાં બોર્ડિંગ બંધ કરી દીધું. સમર્થને એ સ્તર પર ગુસ્સો આવી ગયો કે તેણે બધાની હાજરીમાં ટ્વિશાને લાફો મારી દીધો અને એ લાફો એવો જોરદાર હતો કે ટ્વિશાના હોઠમાંથી લોહી નીકળવા માંડ્યું!
હાજર હતા એ સૌ પણ વચ્ચે પડ્યા. ખુદ ઍરવેઝનો સ્ટાફ પણ શૉક્ડ રહી ગયો અને એણે ટ્રાય પણ કરી કે ફ્લાઇટમાં આ કપલને લઈ લેવામાં આવે, પણ એ શક્ય બન્યું નહીં એટલે ઍરવેઝના સ્ટાફે પોતાના જ નિયમો તોડીને કોઈ પણ ભોગે મિસ થયેલી ફ્લાઇટનું મૅક્સિમમ વળતર કેવી રીતે મેળવી શકાય એનો રસ્તો કાઢી આપ્યો. તમારી જાણ ખાતર આ જ ઍરવેઝ સ્ટાફમાંથી એક વ્યક્તિએ ભોપાલ પોલીસમાં ટ્વિશાની તરફેણમાં સ્ટેટમેન્ટ પણ આપ્યું છે. ઍનીવે, મિસ થયેલી ફ્લાઇટની ટિકિટનું રિફન્ડ મળ્યું અને એ પછી ટ્વિશા અને સમર્થ એ જ પૈસામાંથી હનીમૂન માટે દુબઈ ગયાં. જોકે આ ઘટના પછી ટ્વિશાને પહેલી વાર એવું લાગ્યું કે તેણે સમર્થને ઓળખવામાં થાપ ખાધી છે. ટ્વિશાએ પોતાની બેસ્ટ ફ્રેન્ડ નમ્રિતાની સાથે આ ઘટના અને આ સિવાયની ઘટના વિશે લાંબીલચક ચૅટ કરી હતી, જેની ડીટેલ હવે પોલીસે પુરાવામાં જોડી છે.
એ કાળમુખો દિવસ
૧૨ મેએ રાતે અંદાજે સાડાઅગિયાર વાગ્યાની આસપાસ ટ્વિશાના ભાઈ હર્ષિતને ફોન આવ્યો, જેમાં કહેવામાં આવ્યું કે ટ્વિશાએ ગળાફાંસો ખાઈને ઘરમાં જ થર્ડ ફ્લોર પર બનાવવામાં આવેલા જિમમાં સુસાઇડ કર્યું છે. સ્વાભાવિક રીતે કોઈ પણ ભાઈ કે માબાપ માટે આ સમાચાર વજ્રાઘાતથી સહેજ પણ ઓછા ન હોય. હર્ષિતે તરત મમ્મી-પપ્પાને જાણ કરી અને ફૅમિલી નોએડાથી ભોપાલ આવવા માટે રવાના થઈ ગયું.
૧૩ તારીખે ભોપાલ પહોંચીને જ્યારે ફૅમિલીએ ટ્વિશાનો પાર્થિવ દેહ જોયો ત્યારે તેમણે માત્ર ટ્વિશાના ગળા પર જ નહીં, તેના શરીર પર પણ કેટલાક શંકાસ્પદ નિશાનો જોયાં જે મારનાં હોય એવું લાગતું હતું અને પરિવારે તાત્કાલિક જ આક્ષેપ કર્યો કે આ કોઈ આત્મહત્યાનો કેસ નથી પણ દહેજ માટે થયેલી હત્યા છે. ભોપાલમાં આવેલી AIIMS હૉસ્પિટલની બહાર દેકારો મચી ગયો, કારણ કે શર્મા ફૅમિલીએ ભોપાલના જ ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ જજ અને તેના દીકરા સામે આક્ષેપો કર્યા હતા. કરમની કઠણાઈ જુઓ, ગિરિબાલાની પહોંચને કારણે ભોપાલ પોલીસે ટ્વિશાની ફૅમિલીની વાત સાંભળવાનો કે ફરિયાદ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો એટલું જ નહીં, આ ફૅમિલીને સમજાવવાનું શરૂ કર્યું કે તમે હકીકત સ્વીકારો અને કબૂલો કે ટ્વિશાએ સુસાઇડ જ કર્યું છે.

પતિ સાથે ખુશ દેખાતી ટ્વિશા.
ટ્વિશાનું ફૅમિલી ફર્મ રહ્યું અને ડેડ-બૉડી સ્વીકારવાની ના પાડી દીધી તો સાથોસાથ કહી પણ દીધું કે મૅરેજને ૭ વર્ષ પૂરાં નથી થયાં એટલે કાયદાની રૂએ દીકરીના બૉડી પર તેમનો હક છે એટલે એ બીજા કોઈને પણ સોંપવામાં ન આવે. આ વાત ટ્વિશાના મોતના બે દિવસ પછીની એટલે કે ૧૪ મેના દિવસની છે. આ જ દિવસે ટ્વિશાની ફૅમિલીએ ભોપાલની AIIMSએ અને પોલીસે તૈયાર કરેલા પંચનામા સામે પ્રશ્ન ઉઠાવ્યો અને આક્ષેપ કર્યો કે ટ્વિશાની સાસુ એટલે કે ગિરિબાલા સિંહનું જે સ્ટેટસ રહ્યું છે એ જોતાં પુરાવાઓ સાથે છેડછાડ થઈ હોવાની પૂરી શક્યતા છે અને પોલીસ પણ ગિરિબાલાના પ્રભાવમાં હોવાની અમને ખાતરી છે. નવનિધિ શર્માએ લેખિતમાં માગણી કરી કે તેમને અગાઉનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મંજૂર નથી, ટ્વિશાનું ફરીથી પોસ્ટમૉર્ટમ થવું જોઈએ અને સ્થાનિક પ્રભાવથી દૂર દિલ્હી AIIMSના સ્વતંત્ર મેડિકલ બોર્ડ દ્વારા વિડિયોગ્રાફી સાથે ટ્વિશાનું બીજી વાર પોસ્ટમૉર્ટમ કરવામાં આવે. આ માગણી પછી ટ્વિશાની ફૅમિલી પર અંતિમ સંસ્કાર માટે પ્રેશર કરવામાં આવતું હતું, પણ પરિવાર માન્યો નહીં અને એણે એક જ જીદ પકડી રાખી કે રી-પોસ્ટમૉર્ટમ પહેલાં તે દીકરીના અંતિમ સંસ્કાર નહીં કરે. આ દરમ્યાન વિવાદે સોશ્યલ મીડિયા પર વેગ પકડ્યો અને પોલીસ પર પ્રેશર આવવાનું શરૂ થયું. એ પ્રેશરમાં ટ્વિશાના મેજર ભાઈ હર્ષિતની વગ પણ કામ કરી ગઈ અને ૨૪ કલાક પછી એટલે કે ૧પ મેના દિવસે, ટ્વિશાના મોતના છેક ૩ દિવસ પછી પોલીસે શર્મા ફૅમિલીની ફરિયાદ લીધી અને ઇન્ડિયન પીનલ કોડ ૩૦૪ (B) અંતર્ગત ડાઉરી-ડેથનો ગુનો નોંધીને સમર્થ અને ગિરિબાલા સામે ગુનો નોંધ્યો. આ ગુનો નોંધાતાંની સાથે જ સમર્થ ફરાર થઈ ગયો અને બે દિવસ સુધી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી. શર્મા ફૅમિલીનો વિરોધ એ સ્તર પર હતો કે કોર્ટે સમર્થના જામીન રદ કરીને તેને તાત્કાલિક પોલીસ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો, જ્યારે ગિરિબાલા સિંહના આગોતરા જામીન મંજૂર કર્યા. અલબત્ત, આ એક્સ-જજ આન્ટીની નાપાક હરકતો હજી ચાલુ જ હતી અને એટલે જ ૧૮ મેએ ભોપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ટ્વિશાના પરિવારની બીજી વાર પોસ્ટમૉર્ટમ કરવાની અરજી ટેક્નિકલ કારણો આપીને ફગાવી દીધી. જોકે હાઈ કોર્ટમાં જવા માટે ફૅમિલીને પરમિશન આપી અને ત્યાં સુધી ટ્વિશાની બૉડીને સુરક્ષિત રાખવાની મંજૂરી આપી.
ટ્વિશાની ફૅમિલી હારવા માગતી નહોતી. તેમણે ૧૯ મેથી બાવીસ મે સુધી મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવના ઘરની બહાર ધરણાં કરીને પ્લેકાર્ડ્સ દ્વારા વિરોધ-પ્રદર્શન કર્યું અને કેસની તટસ્થ તપાસની અપીલ કરી. આ જ દિવસોમાં સમર્થ સિંહને ભાગેડુ પણ જાહેર કરવામાં આવ્યો અને તેના વિશે માહિતી આપનારાને ૧૦,૦૦૦ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી, જે ૪૮ કલાકમાં જ વધારીને ૩૦,૦૦૦ કરવામાં આવતાં આખરે ભોપાલ પોલીસે કેસના મુખ્ય આરોપી પતિ સમર્થ સિંહની અરેસ્ટ કરી.
અહીંથી આખો ઘટનાક્રમ ટ્વિશાના ફૅમિલીની તરફેણમાં ડાઇવર્ટ થયો. મધ્ય પ્રદેશ હાઈ કોર્ટની કડક ટીકા પછી પચીસ મેએ આ હાઈ-પ્રોફાઇલ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપી અને કેસ CBIના હાથમાં આવતાં જ દિલ્હી AIIMSના ડૉક્ટરોની મદદથી તબીબી પુરાવાઓની નવેસરથી તપાસ શરૂ થઈ.
બીજી વખતના આ પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાંથી બે વાત ઊડીને આંખે વળગે એવી બહાર આવી.
કઈ છે એ વાત?
ટ્વિશાની શ્વાસનળી દબાવાના કારણે તે શ્વાસ લઈ શકી નહીં અને તેનું મોત થયું એ તો પોસ્ટમૉર્ટમમાં બહાર આવ્યું, પણ ગિરિબાલાના કહેવા મુજબ ટ્વિશાએ જે પટ્ટીથી ગળાફાંસો ખાધો હતો એની સાથે ગળાના માર્ક્સ ભોપાલ પોલીસે સરખાવ્યા નહોતા, કારણ કે ડૉક્ટરને એ પટ્ટી આપવામાં આવી નહોતી! બીજી વાત, ટ્વિશાના શરીર પર અલગ-અલગ છ જગ્યાએ એવા માર્ક્સ મળ્યા જે પુરવાર કરતા હતા કે એ માર્ક્સ માર પડે તો જ શરીર પર ઊપસે.
રી-પોસ્ટમૉર્ટમના આ રિપોર્ટ પછી મધ્ય પ્રદેશ હાઈ કોર્ટે ભૂતપૂર્વ જજ એવી ટ્વિશાની સાસુ ગિરિબાલા સિંહના આગોતરા જામીન સદંતર રદ કરી નાખ્યા અને CBI હરકતમાં આવી ગઈ. ગુરુવારે CBIએ ગિરિબાલાની લાંબી પૂછપરછ કરી અને એ પછી તેની તરત અરેસ્ટ કરવામાં આવી. શુક્રવારે સમર્થ અને ગિરિબાલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં અને સોશ્યલ મીડિયા પર દેકારો મચી ગયો કે ટ્વિશાની આ જીત છે; પણ ના, એવું નથી. આ તો જંગનો પહેલો પડાવ છે. ૧૩ મેથી ભોપાલમાં દાખલ થઈને દીકરીને ન્યાય મળે એ માટે લડત આપનારી શર્મા ફૅમિલીએ હજી તો ન્યાય માટે પહેલું પગથિયું પાર કર્યું છે. કોર્ટમાં આ આખી વાત પુરવાર કરવાની પ્રક્રિયા શરૂ થશે અને એમાં ટ્વિશાની ફૅમિલીએ એ પુરવાર કરવું પડશે કે ટ્વિશા સાથે ખરેખર અન્યાય થતો હતો. અલબત્ત, નવનિધિ શર્મા અને રેખા શર્મા પાસે આ બાબતના પુરાવાઓ છે અને તે હકીકતમાં સક્ષમ પુરાવાઓ હોય એવું લાગે છે.
વાત બીજી સાઇડની
ગિરિબાલા સિંહ અત્યારે પોલીસના કબજામાં છે, પણ તે જ્યારે બહાર હતાં ત્યારે તેમણે પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી અને ટ્વિશા સામે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ટ્વિશાનું વર્તન વાજબી નહોતું. તે સતત ડિપ્રેશનમાં હોય એવું અમને લાગતું અને એ માટે અમે તેની સાથે વાત પણ કરતાં, પણ તે ઉડાઉ જવાબ આપી દેતી.
ગિરિબાલા સિંહને સતત શંકા હતી કે ટ્વિશા અગાઉ ડ્રગ્સ લેતી હશે, જેના વિશે તેણે ટ્વિશાનાં મમ્મી-પપ્પા સાથે પણ વાત કરી હતી અને સમર્થને પણ આ વિશે કહ્યું હતું. ગિરિબાલા સિંહ પર ટ્વિશાના ભાઈએ એવો આક્ષેપ કર્યો છે કે તેણે ટ્વિશાના ચરિત્ર પર શંકા કરી હતી. ટ્વિશાના ભાઈના આ આક્ષેપ પછી ગિરિબાલા સિંહે કહ્યું હતું કે અમારે એ વિષય પર વાત થઈ છે, પણ એ વાતને હર્ષિત ખોટી રીતે રજૂ કરે છે. ગિરિબાલા સિંહે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે મૉડલિંગ અને ફિલ્મલાઇનના લોકોને મલ્ટિપલ ફિઝિકલ રિલેશન હોય છે એ વિષય પર વાત થતી હતી ત્યારે મેં આ ટૉપિક પર ચર્ચા કરી હતી કે ટ્વિશાના કોઈ સાથે ફિઝિકલ રિલેશન રહ્યા છે કે નહીં!
ગિરિબાલા સિંહે કહ્યું હતું કે ‘ટ્વિશા સ્વભાવે તુંડમિજાજી હતી. તેને બાળકો ગમતાં, પણ બાળક હોય એવું તેને નહોતું જોઈતું. કૂકિંગનો તેને શોખ, પણ કિચનમાં તમે તેને કૂકને સુપરવાઇઝ કરવા મોકલો તો તેને ખરાબ લાગી જાય. આ બધી મૂડસ્વિંગ્સની અસર અમે આ પાંચ મહિનામાં રોજ પચાસ વખત જોતા.’
ટ્વિશા પ્રેગ્નન્ટ હતી પણ ગિરિબાલા શર્માએ પ્રેશર કરીને અબૉર્શન કરાવ્યું હતું. ગિરિબાલા સિંહ પર લાગેલા આ આક્ષેપના જવાબમાં તેણે કહ્યું કે ‘પ્રેશરવાળી વાત ખોટી છે. વાત રહી અબૉર્શનની તો હા, એ સાચું છે કે મેં તેને કહ્યું હતું કે હમણાં મા બનવાની તારી તૈયારી ન હોય તો તું બાળક અબૉર્ટ કરાવી શકે છે, મને વાંધો નથી.’
દીકરી હતી નાખુશ
મૅરેજના એક જ મહિનામાં ટ્વિશા સમજી ગઈ હતી કે તેણે સમર્થને પસંદ કરીને બહુ મોટી ભૂલ કરી છે. ટ્વિશાએ એ વિશે તેની ખાસ ફ્રેન્ડ (જેનું નામ જાહેર કરવામાં નથી આવ્યું) સાથે ખાસ્સી લાંબી ચૅટ પણ કરી હતી તો ટ્વિશાએ આ વિશે તેનાં મમ્મી રેખા શર્મા સાથે પણ એ વિશે ચૅટ કરી હતી. આ ચૅટ ઑલરેડી સોશ્યલ મીડિયામાં અને ન્યુઝચૅલનમાં વાઇરલ થઈ છે, જેમાં મમ્મી ટ્વિશાને સમજાવે છે કે હસબન્ડ-વાઇફ વચ્ચે ઝઘડાઓ ચાલ્યા કરે અને ટ્વિશા મમ્મીને કહે છે કે તું શું આવી વાત કરે છે, કોઈ પોતાની વાઇફને એવા સવાલો કરે કે તું કેટલા સાથે ફિઝિકલ થઈ છે?
મે મહિનામાં જ ટ્વિશાએ મમ્મીને ફોન કરીને કહ્યું હતું કે તું મને આવીને ઘરે પાછી લઈ જા. ટ્વિશાના મમ્મીએ ટિકિટ પણ કરાવી લીધી હતી, પણ ગિરિબાલાએ ટ્વિશાના ભાઈ હર્ષિતને ફોન કરીને મધ્યસ્થી કરાવી અને રેખા શર્માની ટિકિટ કૅન્સલ કરાવી. એ પછી પણ ટ્વિશા ભોપાલથી દિલ્હી જવા માટે તલપાપડ હતી. તેણે પોતે જ પોતાની ટિકિટ કરાવી અને ૧પ મેએ તે દિલ્હી જવાની હતી, પણ એ પહેલાં જ તેનું શંકાસ્પદ મોત થયું. ટ્વિશાની ફૅમિલીનું કહેવું છે કે જે રાતે ટ્વિશાનું મોત થયું એ રાતે ટ્વિશા મમ્મી સાથે ફોન પર વાત કરતી હતી, જેમાં થયેલા લેટેસ્ટ ઝઘડા વિશે વાત કરતી હતી અને એ જ વખતે સમર્થ રૂમમાં આવી ગયો એટલે તેણે વાત ટૂંકાવીને ફોન કટ કરી નાખ્યો. ત્યાર પછી ટ્વિશા ઘરના થર્ડ ફ્લોર પર બનાવવામાં આવેલા જિમમાં ગઈ અને ત્યાં તેનો જીવ ગયો.
શર્મા ફૅમિલીની શંકાનું બીજું કારણ પણ સજ્જડ છે.
ટ્વિશા એ જ સાંજે બ્યુટીપાર્લરમાં ગઈ હતી અને બે કલાકની પોતાની
બ્યુટી-ટ્રીટમેન્ટ કરાવીને આવી. જો ટ્વિશાના મનમાં સુસાઇડનો સહેજ પણ વિચાર હોય તો તે પાર્લરમાં જાય જ શું કામ?
શર્મા ફૅમિલીનું કહેવું છે કે ટ્વિશા પર સતત પ્રેશર કરવામાં આવતું હતું કે તેના અકાઉન્ટમાં રહેલા બે લાખ રૂપિયા અને ટ્વિશા પાસે રહેલા વીસ લાખની માર્કેટવૅલ્યુના શૅર સમર્થના નામે કરવામાં આવે જે ટ્વિશા કરવા રાજી નહોતી. ટ્વિશાને લાગતું હતું કે એ માત્ર પૈસા નથી પણ પોતાને મળેલી અમુક બાબતોની આઝાદી છે અને ટ્વિશા એમાં ખોટી પણ નહોતી. વર્ષોથી સ્વતંત્ર રહી હોય એવી કોઈ પણ વ્યક્તિ ક્યારેય કોઈ સામે હાથ ન લંબાવી ન શકે, ભલેને પછી તે જેની સાથે પોતાનો બેડ શૅર કરતી હોય.
આ ઘટના શું શીખવે છે?
ટ્વિશા શર્માના શંકાસ્પદ મોતની આ ઘટના દીકરીઓનાં માબાપને કેટલીક વાત શીખવી જાય છે. કઈ છે એ વાત જુઓ ધ્યાનથી...
૧. સાસરે ગયેલી દીકરી ક્યારેય કોઈ ફરિયાદ કરે તો એ ફરિયાદને ઇગ્નૉર કરીને ‘એવું તો ચાલ્યા રાખે’ની દલીલ કરવાને બદલે દીકરીની વાત ધ્યાનથી સાંભળો.
૨. દીકરીને આઝાદી આપો, એમાં કશું ખોટું નથી; પણ લગ્ન પછી સામાજિક જવાબદારીઓ બાબતે જાગૃત કરો અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ બનાવો.
૩. સ્ટેટસમાં મોટા હોય તે સારા જ હોય એવા ભ્રમમાં રહેવું નહીં. વગદાર લોકોની સાથે પણ સંબંધો બાંધતાં પહેલાં તેમના વિશે બધી તપાસ કરવી જોઈએ.
મુદ્દો કંઈ પણ હોય, વાત કોઈ પણ હોય; હકીકત એ છે કે જેણે હજી સપ્તપદીના ફેરા ફર્યાને અડધું વર્ષ પણ નહોતું થયું તે વ્યક્તિ અકાળે અવસાન પામી. જેની આંખોમાં અઢળક સપનાં હતાં, જે પોતાના પ્રિય પાત્ર સાથે જીવન જીવવા માગતી હતી, તળાવોના શહેર તરીકે દેશભરમાં પૉપ્યુલર એવા ભોપાલમાં ફરવા માગતી હતી તે વ્યક્તિએ દુનિયા છોડી દીધી અને આ રીતે જગત છોડીને જાય એ વાજબી નથી જ નથી. જો તેને એ દિશામાં આગળ વધવા માટે ઉશ્કેરવામાં આવી હોય તો પણ વાજબી નથી અને જો કોઈએ તેને પૂતળી માનીને ગરદન મરડી નાખી હોય તો પણ વાજબી નથી.
ટ્વિશા શર્માના મોતનું કારણ તો CBI બહાર લાવે એવી અપેક્ષા સાથે એટલું જ કહેવાનું કે સબ કો સન્મતિ દે ભગવાન.
