Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જે છે તે આ છે

જે છે તે આ છે

Published : 09 August, 2026 05:58 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રકૃતિ આપણા મનગમતા નિયમો પ્રમાણે ચાલતી નથી. વરસાદ, તડકો અને જીવનમાં આવતા બદલાવ સામે ફરિયાદ કરવાને બદલે એનો સ્વીકાર કરવો એ જ સાચું શાણપણ છે.

જે છે તે આ છે

જે છે તે આ છે


‘આખી ઋતુનો વરસાદ આ ૪ દિવસમાં મુંબઈમાં પડી ગયો.’ આવી ફરિયાદ કે પછી નિરીક્ષણ ગયા અઠવાડિયે લગભગ આખા મુંબઈએ કર્યું. આને ફરિયાદ કહેવાય કે નિરીક્ષણ? કોણ જાણે કેમ આપણે કોઈ પણ પ્રકારના પ્રાકૃતિક નિરીક્ષણને ફરિયાદ કહી દેતાં વાર નથી લગાડતા. આપણે ભૂગોળમાં શીખી ગયા છીએ કે નૈૠત્યના પવનોથી વરસાદ તો આવે જ અને જો વરસાદ મોડો થાય તો કુદરત સામે આંગળી ચીંધીને કહેતાં આપણને વાર નથી લાગતી. ‘વરસાદ આવી જવો જોઈએ, કેમ નથી આવ્યો?’ 
વરસાદ વિશે જ નહીં, બીજી અનેક વાતો એવી થતી હોય છે જે આપણને ન ગમે. જે કંઈ બને છે એ કંઈ આપણા ગમવા માટે બનતું નથી. પ્રકૃતિ પાસે એનું પોતાનું સ્વાતંય છે. આ સ્વાતંત્ર્ય પણ તેને મનફાવે એ રીતે ભોગવી શકાતું નથી. જ્યારે પ્રકૃતિમાં કશુંક અનિયમિત બની જતું હોય એવું લાગે ત્યારે ઘડીક આ અનિયમિતપણાને ધારી-ધારીને જોઈ લેજો. જે અનિયમિતપણું છે એ પ્રકૃતિનું નથી. એને આપણે જ એટલે કે મેં અને તમે જ ઊભું કરેલું હોય છે. આપણે સમુદ્રને પૂરીને જમીનનો એક ટુકડો પણ આંચકી લઈએ છીએ. એ વખતે ભૂલી જઈએ છીએ કે સમુદ્રને એનું પ્રમાણભાન છે જ. તમે જો એને આ છેડેથી આંચકી લેશો તો સામેના છેડે એ તમારા માટે ક્યાંક જુદા જ રૂપે દેખાઈ દેશે. એને રોકી નહીં શકાય. પરમાત્માએ સેંકડો અને હજારો પ્રજાતિઓ પેદા કરી છે. નજરે જોઈ પણ ન શકાય એવા સૂક્ષ્માતિસૂક્ષ્મ જંતુથી માંડીને હવા, પૃથ્વી અને સમુદ્રમાં વિરાટ પ્રાણીઓ પેદા થયેલાં છે. આ બધાંને પેદા કોણે કર્યાં? એ બધું એની મેળે જ થયું હશે આવું કહેનારા બૌદ્ધિકોને બુદ્ધિના પ્રભાવની ખબર નથી. આ બ્રહ્માંડમાં કશું જ એની મેળે થતું નથી એ વાત તો આ બૌદ્ધિકો પણ સ્વીકારે છે. Every effect has a cause - એટલે કે કારણ વિના કાર્ય થતું નથી. કશુંક બને છે એની પાછળ કોઈક કારણનું પીઠબળ તો હોય જ છે. આમ સૌથી મોટી વાત તો એ છે કે જ્યારે જે કંઈ બને છે એનો સ્વીકાર એ માણસનું શાણપણ છે. 
આમ હોય કે તેમ 
શિયાળાનો તડકો આપણને ગમે છે. આ તડકો પણ જેટલો સવારે ગમે છે એટલો બપોરે નથી ગમતો. તડકાનું આગમન ઘરમાં પણ થાય ત્યારે ક્યારેક આપણે રાજી થઈએ છીએ અને ક્યારેક એ તડકાને કારણે જ અણગમો પણ થાય છે. આમ કશું હોવું કે ન હોવું એનાં પ્રાકૃતિક ધોરણો આપણે આપણી રીતે ઘડી કાઢીએ છીએ. 
પણ ધારો કે આપણને ગમતાં ધોરણો એક ઘડી પૂરતાં પણ જો ઉપરવાળો આપે તો એણે ઘડેલા નિયમોનું શું થાય? રોજ સવારે ઊઠવાનું, વ્યવસાયે જવાનું અને આગલી સાંજે નક્કી કરેલાં કેટલાંય કામો પૂરાં કરવા મુઠ્ઠીઓ વાળીને દોડવાનું. આ દોડધામમાં આપણે આપણા પોતાના માટે નિયત કરેલી કામગીરી પણ સમયસર કરી શકતા નથી. પેલો ૯ કરોડ માઇલ દૂર રહેલો સૂર્ય રોજ એના નિશ્ચિત સમયે જ અવશ્ય આવીને ઊભો રહે છે. તમારા દરવાજાની ડોરબેલ એ ક્યારેય ચૂકતો નથી, કારણ કે પ્રકૃતિ છે. કોઈક વાર એ સૂર્ય સામે સાંજની વેળાએ નજર માંડીને જોજો. જાણે કે પશ્ચિમ તરફ જતાં-જતાં એ તમારી સામે મજાકિયું હસે છે, ‘ભલા માણસ, મારા ટાઇમરમાં તને નહીં સમજાય. તું તારું ટાઇમર બરાબર સાચવ.’ 
તારો ભરોસો મને ભારી 
આ એક લોકગીત છે. પૃથ્વી પર પગ માંડીને ઊભેલો માણસ પોતાના જ પગ પૃથ્વી પર એ જ રીતે ટટ્ટાર રહે એ માટે પરમાત્માને પ્રાર્થના કરે છે, ‘હે પ્રભુ, તારો ભરોસો મને ભારે.’ પણ આ જ માણસને જે ઘડીએ પોતાના પગમાં કંપારી જેવું લાગે કે તરત જ એનો ભરોસો ડગમગી જાય છે. હજી હમણાં જ બે દિવસ પહેલાં એક બુદ્ધિશાળી માણસે વાત-વાતમાં કહી દીધું, ‘મને ભગવાનનો ભરોસો નથી. એ બધી તો વાતો છે.’ હૉસ્પિટલમાં આંખ મીંચીને ચૂપચાપ ચક્કર મારીએ ત્યારે ભગવાનનો ભરોસો કરતા દરદીઓ અને એના સંબંધીઓ નજરે પડશે. આ સૌ પોતાને ભગવાનના ભક્તો માનીને મનોમન પ્રાર્થના પણ કરતા હોય છે, પણ એ વખતે એની પ્રાર્થનાનો જવાબ ભગવાન સહેજ હસીને વાળી પણ લેતો હોય છે, ‘ભલા માણસ, જે ભરોસો તું હવે આજે હૉસ્પિટલના ખાટલા પર પડ્યા પછી રાખે છે એ જ ભરોસો અહીં ખાટલા પાસે આવ્યા પહેલાં જો રાખ્યો હોત તો અહીં આવ્યો જ ન હોત.’ વાત નાનીસરખી પણ સમજી લેવા જેવી. 
ફરિયાદ નહીં પણ માત્ર યાદ 
આપણને ફરિયાદ કરવાનો અધિકાર નથી એમ કોઈ નહીં કહે, પણ આ અધિકાર એટલે રોજેરોજ કોઈ ને કોઈ રચના સામે અણગમો એવો અર્થ બીજો ગમે તે હોય પણ શાણપણ તો નથી જ. આપણા રોજિંદા જીવનમાં જે કંઈ બને છે અથવા જે કંઈ બનાવીએ છીએ એને ફરિયાદ જેવા શબ્દોથી ભલે ઓળખાવી દઈએ, પણ પ્રકૃતિ જે નિર્માણ કરે છે એની સામે ફરિયાદ કરવાનો આપણને કોઈ અધિકાર નથી. પ્રકૃતિએ જે નિર્માણ કર્યું છે એ આપણા લાભ કે ગેરલાભ માટે હોતું નથી. એ માત્ર હોય છે અને જે છે એનો સ્વીકાર એનું નામ શાણપણ. હવે તમે જ નક્કી કરો કે આપણામાં કેટલું શાણપણ છે.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2026 05:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK