ગુજરાતીમાં આ રકમને આપણે નિવૃત્તિ-વેતન કહીએ છીએ. નિવૃત્ત થયા પછી પણ રોજિંદો જીવનવ્યવહાર એવો ને એવો જળવાઈ રહે એવી ભાવના સાથે ચોક્કસ રકમ દર મહિને અપાતી જાય એમાં બન્ને પક્ષે એક ચોક્કસ મીઠાશ છે.
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય AI
પેન્શન શબ્દથી હવે આપણે કોઈ અજાણ નથી. આ શબ્દ એના અર્થ સાથે આપણને સૌને પરિચિત છે. માણસ કામ કરતો ન હોય અને છતાં કામ કરે છે એમ માનીને તેના રોજિંદા જીવનવ્યવહાર માટે અમુક ચોક્કસ રકમ ભૂતપૂર્વ માલિકો તરફથી મળતી રહે એનું નામ પેન્શન. ગુજરાતીમાં આ રકમને આપણે નિવૃત્તિ-વેતન કહીએ છીએ. નિવૃત્ત થયા પછી પણ રોજિંદો જીવનવ્યવહાર એવો ને એવો જળવાઈ રહે એવી ભાવના સાથે ચોક્કસ રકમ દર મહિને અપાતી જાય એમાં બન્ને પક્ષે એક ચોક્કસ મીઠાશ છે.
આજે આપણે આવા નિવૃત્તિ-વેતનની વાત કરવી છે, પણ આ નિવૃત્તિ-વેતન એવું હોવું જોઈએ કે એનો જે મર્મ છે એ જળવાઈ રહે અને સાથે બેમાંથી એકેય પક્ષે ક્યાંય કડવાશ ન આવે. હમણાં ગયા અઠવાડિયે અખબારોએ આપણને એક સમાચાર આપ્યા છે. આપણા ૧૪મા ઉપરાષ્ટ્રપતિએ સ્વેચ્છા-નિવૃત્તિ લીધી. આ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ તરીકે પણ બંધારણીય ફરજ બજાવતા હતા. તેમણે રાજીનામું આપ્યા પછી પેન્શન માટે ધારાધોરણ મુજબ અરજી કરી અને પ્રવર્તમાન નિયમો અનુસાર તેમનું ૩ લાખ રૂપિયાનું માસિક પેન્શન સરકારી સ્તરે મંજૂર કરવામાં આવ્યું. આ માસિક ૩ લાખ ઉપરાંત તેમને સરકારી બંગલો, ૮ સહાયક કર્મચારીઓની ઑફિસ, ડૉક્ટર, ગાડી, મફત હવાઈ મુસાફરી એમ સંખ્યાબંધ સવલતો આપવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આપણા દેશમાં મહિને ૩ લાખ રૂપિયાનું પેન્શન મળે એવી નોકરીઓ કેટલી છે?
ADVERTISEMENT
આ ૩ લાખ રૂપિયાની ગણતરી કરતી વખતે એવું કહેવામાં આવ્યું છે કે આ ઉપરાષ્ટ્રપતિજી પહેલાં રાજસ્થાનમાં વિધાનસભ્ય હતા. વિધાનસભ્યનો પદભાર પૂરો થયો પછી તેઓ સંસદમાં ચૂંટાયા. રાજસભાના સભ્ય બન્યા, ઉપરાષ્ટ્રપતિ તરીકે વરણી થઈ અને આ દરેક હોદ્દાનું જે પેન્શન થાય એનો સરવાળો કરીને તેમને મહિને ૩ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું. આનો અર્થ એવો થયો કે પેન્શનની રકમ છેલ્લા હોદ્દામાં મળતા વળતર સાથે નહીં પણ આખી કારકિર્દીમાં જેટલા હોદ્દા બદલાયા હોય એ દરેક હોદ્દામાં જે પેન્શન માટે તે હકદાર થાય એ બધી જ રકમનો સરવાળો કરીને એ રકમ ગણવામાં આવી છે.
આપણને શું મળે છે?
પેન્શન શબ્દ મૂળ રોમન સામ્રાજ્યની દેણગી છે. તેરમી સદીમાં રોમન સામ્રાજ્યમાં એવો હુકમ કરવામાં આવ્યો કે જે સૈનિકો સૈન્યમાંથી નિવૃત્ત થાય તેમનો જીવનનિર્વાહ ઠીક રીતે ચાલે એ માટે આજીવન સામ્રાજ્ય તરફથી એક ચોક્કસ રકમ મળતી રહે. મૂળ વિભાવના તો આ જ છે. પેન્શન કંઈ શાહી લહાણી નથી. એ સાથે જ એ કંઈ ઉપકારવશ અપાતી દાનવૃત્તિ પણ નથી. આપણા દેશમાં લાખો સરકારી કર્મચારીઓ આજીવન પોતાની સેવાઓ આપે છે. આ બધાને તેમની કારકિર્દી દરમ્યાન પ્રમોશન મળતું રહે છે. ૧૦૦ રૂપિયાના પગારથી ક્લર્ક તરીકે ભરતી થનારો કર્મચારી પછી ૫૦૦ રૂપિયાના પગારમાં ઑફિસર બને છે. થોડાં વર્ષો પછી તે ૧૦૦૦ના પગારમાં સચિવ બને છે અને આમ પેલો ૧૦૦ રૂપિયાવાળો ક્લર્ક પચીસ, ૩૦ કે ૩૫ વરસની નોકરી પછી બે કે ચાર હજારે પહોંચી ગયો હોય છે. હવે તે નિવૃત્ત થાય ત્યારે તેના છેલ્લા હોદ્દા સાથે જે પગાર મળતો હોય એ પગારની ગણતરી કરીને તેને નિવૃત્તિ-વેતન આપવામાં આવે છે. આપણને કોઈને ક્યારેય નોકરીની કારકિર્દી દરમ્યાન જેટલા હોદ્દાનું પ્રમોશન મળ્યું એ દરેક હોદ્દાની પેન્શનની રકમ આપવામાં નથી આવતી, આપી શકાય પણ નહીં. એમાં તર્કદોષ પણ છે. હવે આ ૩ લાખ રૂપિયામાં કારકિર્દીના ભૂતપૂર્વ ૩ હોદ્દા ગણી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, વધારાની સગવડો આપવામાં આવે છે એ બધી ભારે ખર્ચાળ છે. એ ખર્ચ સરકાર ભોગવવાની છે. આનો અર્થ એ થયો કે આ ૩ લાખ ઉપરાંત બીજા લાખ, બે લાખ રૂપિયા તેમની સુખસાહ્યબી માટે આપવામાં આવશે.
કોને શું મળે છે?
જાહેર સેવાક્ષેત્રમાં જેઓ આવે છે એ સૌ સ્વેચ્છાએ આવે છે. આવી સ્વેચ્છા સાથે તેમને જે વર્તમાન વ્યવસાય કે ધંધા-રોજગારની રકમ મળતી હોય એ અટકતી નથી. સરકારી હોદ્દો હાથમાં આવ્યા પછી આ રકમ બમણી, ત્રણગણી, ચારગણી થવા માંડે છે. પ્રધાનો, સંસદસભ્યો, વિધાનસભ્યો આ બધાની ગણતરી માંડી જોજો. પાંચ કે ૧૦ વર્ષ પહેલાં જેમની પાસે બે કે ૩ ઓરડીનું ઘર પણ નહોતું, હવે આ ઘરની જગ્યાએ તેમની પાસે મોટા બંગલા છે, સાથે ને સાથે ફરતા નોકરચાકર છે, કરોડો રૂપિયાની જમીન તેમના નામે હોય છે. આ બધી મિલકત મેળવવાનો તેમને અધિકાર છે, પણ આ અધિકાર હોદ્દાના પેલા પગારને કારણે છે એ ભૂલવા જેવું નથી.
દેશની તમામ વિધાનસભામાં વિધાનસભ્યોને જુદી-જુદી રકમ અથવા અન્ય લાભો આપવામાં આવે છે. આ વિધાનસભ્યો કે સંસદસભ્યો જાહેર જનતાની સેવા માટે છે એમ કહેવામાં આવે છે, પણ આ સેવામાં આટલી મોટી રકમ શી રીતે પતી રહે છે એની વિચારણા ક્યારેય કોઈ એ કરી છે. વિધાનસભા કે લોકસભાની મુદત પૂરી ન થાય અને અધવચ્ચેથી જ વિધાનમંડળ વિખરાઈ જાય તો પણ તે પેન્શનને લાયક ગણાય છે. (આવા પેન્શનનો ઇનકાર કરનાર એક દાખલો આ લખનારની જાણમાં છે અને એ દાખલો એટલે વર્ષો પૂર્વે કાંદિવલીના વિધાનસભ્ય બનેલા મંગુભાઈ દત્તાણી છે. મંગુભાઈ દત્તાણી વિધાનસભ્ય હતા એ દરમ્યાન જ વિધાનસભા વિખેરાઈ ગઈ. એ સમયે તેમણે પેન્શન લેવાની ના પાડી હતી.) જો અધૂરા વિધાનમંડળે પણ પૂરું પેન્શન આપી દેવામાં આવે તો કેટલાય વિધાનસભ્યો અને સંસદસભ્યો પેન્શનના અધિકારી બની જશે.
કોક તો બોલો
વિધાનસભ્યો અને સંસદસભ્યોને ક્યાંક જમીન પણ વળતરરૂપે આપવામાં આવે છે. એક બાજુ તેમના જૂના વ્યવસાય કે ધંધાની આવક જબરદસ્ત વધી જતી હોય છે અને બીજી બાજુ નિવૃત્ત થવાનો વારો આવે તો પણ પોટલું ભરીને વેતન મળે છે. આ નિવૃત્તિ-વેતન તેમની હયાતી દરમ્યાન જ મળે છે કે પછી સરકારી કર્મચારીઓની જેમ ફૅમિલી પેન્શન પણ છે? આ બધી વિગતો આપણે જાણતા નથી. સરકારને, ખાસ કરીને આદરણીય વડા પ્રધાન નરેન્દ્રભાઈને તથા વાત-વાતમાં વચ્ચે પડતી સર્વોચ્ચ ન્યાયાલયને વિનંતી કરીએ કે આ તમામ વિધાનસભ્યોને મળતા લાભો વિશે એક ચોક્કસ નિવેદન લોકોની જાણ માટે કરવામાં આવે. આપણે જાણીએ છીએ કે વિધાનસભ્યોને સુધ્ધાં વર્તમાન પગાર ઉપરાંત સેવાના નામે અનેક લાભો મળતા હોય છે. નિવૃત્તિ-વેતન એટલે એવું શાહી વળતર ન હોય કે જે માત્ર મુઠ્ઠીભર માણસોને જ મળે. સેવાવૃત્તિમાંથી ખરેખર તો કોઈ નિવૃત્તિ લઈ જ શકે નહીં.

