ડાયમન્ડ સિટી સુરતમાં હવે તન–મનને સમૃદ્ધ કરતાં વન વસાવવાની શરૂઆત થઈ છે
સોશ્યોલૉજી
પ્રતીકાત્મક તસવીર
ડાયમન્ડ સિટી સુરતમાં હવે તન–મનને સમૃદ્ધ કરતાં વન વસાવવાની શરૂઆત થઈ છે. આવા જ એક અર્બન ફૉરેસ્ટ ‘શહીદ સ્મૃતિવન’ની મુલાકાત હમણાં લીધી ત્યારે શહેરના આ લીલાછમ સ્વરૂપને જોતાં જાણે અંતરના વિકાસને અનુભવવાની તક મળી. ૨૦૧૯માં ઉધના સ્ટેશન પાસે આ વન અસ્તિત્વમાં આવ્યું. ત્યાંની રેલવે પ્રોટેક્શન ફોર્સની વર્ષોથી ડમ્પિંગ ગ્રાઉન્ડ તરીકે ઓળખાતી ૧૯૦૦૦ સ્ક્વેરફીટ જગ્યા પરથી કચરાના ઢગ દૂર કરવામાં આવ્યા. આજે ત્યાં ઊંચાં અને છાંયડાદાર વૃક્ષો લહેરાઈ રહ્યાં છે. બપોરના ભરતડકામાં પણ અહીં વનરાજીની સુગંધથી મહેકતો છાંયડો અનુભવાય છે.
વનમાં દાખલ થઈએ એ પહેલાં સંકુલના કમ્પાઉન્ડમાં પાર્ક કરાયેલી એક કાર પર નજર પડે છે અને ચહેરો હસી ઊઠે છે. ઘાસનું જૅકેટ પહેર્યું હોય એવી લીલીછમ કાર ઊભી છે. પર્યાવરણ-ફ્રેન્ડ્લી ફાઇબર્સથી બનેલા કાર્પેટથી મઢેલી એ કાર સુરતના ગ્રીનમૅન, હવે ફૉરેસ્ટમૅન એવા વિરલ દેસાઈના ભેજાની કમાલ છે. તેઓ કહે છે કે આ ગ્રીન કાર પર્યાવરણ પ્રત્યે લોકોને જાગરૂક બનાવવામાં ઘણી સફળ રહી છે. કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા એમબીએ વિરલ દેસાઈ જ આ શહેરી વનના પણ જનક છે. અહીં ઊછરતાં દેશી વૃક્ષો પાંચ વર્ષમાં તો ફળ આપતાં થઈ ગયાં છે. કેમ કે કે સાડાત્રણ વર્ષ સુધી એના રોપાઓને નર્સરીમાં અત્યંત પ્રેમ અને કાળજીથી ઉછેરવામાં આવ્યા બાદ વનમાં રોપાયાં છે. આરપીએફના અધિકારીઓ અને સ્ટાફ પણ સ્મૃતિવનથી ખૂબ ખુશ છે અને એનું યોગ્ય ધ્યાન રાખે છે. એનાથી વૃક્ષોનો વિકાસ તેજ થયો છે. સુરતની સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીએ આ વનનો અભ્યાસ કર્યો એમાં જણાયું છે કે સ્મૃતિવનનું તાપમાન બહારના તાપમાન કરતાં દોઢ ડિગ્રી ઓછું છે. અહીંની હવાની ગુણવત્તા પણ ઘણી બહેતર છે. પર્યાવરણ રક્ષણ અને વૃક્ષારોપણની સાચી પદ્ધતિની સમજણ આપવાની દિશામાં વિરલના પ્રાણવાન પ્રયાસોની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાઈ છે. તેમને દેશના ત્રણ રાષ્ટ્રપતિના હસ્તે અવૉર્ડ્સ મળ્યા છે.
ADVERTISEMENT
કિશોરાવસ્થામાં વિરલનું સપનું મૉડલ બની દુનિયામાં મશહૂર બનવાનું હતું, પરંતુ ૨૦૦૮માં સુરતના હીરા ઉદ્યોગમાં આવેલી મંદીમાં બેકારીના કારમા ફટકાથી ગ્રસ્ત અનેક રત્ન-કારીગરોની આત્મહત્યાએ ૩૦ વર્ષના વિરલને વ્યથિત કરી દીધો. તેણે તેમને તાલીમ આપી કાપડ ઉદ્યોગમાં વૈકલ્પિક રોજગારી આપી. સમાજને પાછું વાળવાની વિરલની એ નિઃસ્વાર્થ પ્રવૃત્તિની ગુજરાત સરકારે ખાસ નોંધ લીધી અને વિરલ મૉડલ બનવાને બદલે ‘મૉડલ કામગીરી’ તરફ વળી ગયો.
(વિરલના પર્યાવરણ માટેના પૅશનના મૂળની રોચક વાતો આવતા અઠવાડિયે)
- તરુ મેઘાણી કજારિયા (પત્રકારત્વ માટે લાઇફ-ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજાયેલાં લેખિકા તરુ મેઘાણી કજારિયાએ અભિનય ક્ષેત્રે પણ કામ કર્યું છે)