Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જે ક્ષણ અને કણનું મૂલ્ય સમજે, એનું પાલન કરે એ વ્યક્તિ વિચક્ષણ છે

જે ક્ષણ અને કણનું મૂલ્ય સમજે, એનું પાલન કરે એ વ્યક્તિ વિચક્ષણ છે

Published : 31 July, 2026 01:36 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સમય જીવનની સૌથી કિંમતી સંપત્તિ છે. ધન ફરી મેળવી શકાય, પરંતુ ગુમાવેલો સમય ક્યારેય પાછો આવતો નથી. સમયનું મૂલ્ય સમજી તેનો સદુપયોગ કરવો અને પરમાર્થમાં સમયદાન કરવું જીવનને સાચા અર્થમાં સમૃદ્ધ બનાવે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણે સમયને સાચવીશું તો સમય આપણને સાચવશે. આ આજનો દિવસ સુવર્ણમય છે. આજનો સમય પુનઃ તમને મળવાનો નથી એટલે પ્રત્યેક પળનું મહત્ત્વ સમજીને એનો સદુપયોગ કરવો આપણા હાથમાં છે. જીવનમાં સમયના મૂલ્યને સમજો. એવું કહેવાય છે કે ધનની ૩ ગતિ છે : નાશ, ભોગ અને યશ. 
ધન પરમાર્થમાં વપરાય તો એના દ્વારા યશની પ્રાપ્તિ થાય. કાં તો માણસ ધન પરમાર્થમાં વાપરે અને યશ કમાય, કાં તો પોતે ધનને ભોગવે. ખાય, પીએ અને મજા કરે. ઘણા પરમાર્થમાં પણ ન વાપરે, પોતાના માટે પણ ન વાપરે. તેના ધનનો નાશ થતો જાય છે. તો ધનની પ્રથમ ગતિ છે યશ. ધનની આ ગતિ શ્રેષ્ઠ છે. એ જ રીતે એ ઘડી ધન્ય છે જે ઘડી સત્સંગમાં જાય.
માણસ પાસે સૌથી વધારે કીમતી કંઈ હોય તો એ છે સમય. ધન તમે ગુમાવો તો પાછું મેળવી શકો, પણ ગુમાવેલો સમય તમને ક્યારેય પાછો મળતો નથી. ગયેલા દિવસો ક્યારેય પાછા આવતા નથી એટલે ધન કરતાં પણ સમયની કિંમત વધારે છે.
એક ક્ષણ ન વેડફો. એકેએક ક્ષણની જે કિંમત સમજે, એકેએક કણની કિંમત જે સમજે તે વિચક્ષણ. ક્ષણ અને કણ આ બન્નેની કિંમત સમજો, એનો સદુપયોગ કરો. તમે કોઈને પૈસાનું દાન કરીને આર્થિક સહયોગ કરો એ સરાહનીય છે, પરંતુ તમે જ્યારે સંપત્તિ આપો, કોઈને લાખ રૂપિયા આપો, પાંચ લાખ રૂપિયા આપો એ પાછા કમાઈ લેશો. તમે જ્યારે કોઈ સારી પ્રવૃત્તિમાં સમય લગાડો છો, સત્સંગમાં સમય વિતાવો છો, તમે કોઈની મદદમાં કે પરમાર્થમાં સમય આપો છો ત્યારે તમે તમારી જિંદગીનો એક એવો હિસ્સો આપી દો છો જે ક્યારેય તમને પાછો મળવાનો નથી. તેથી સમયદાન બહુ મોટું દાન છે.
ઘણી સંસ્થાઓમાં મેં જોયું છે કે પૈસા આપવાવાળા ઘણા છે, પરંતુ સમય આપવાવાળા ઓછા છે. સમય આપવાવાળા, નિષ્ઠાવાન, પ્રામાણિક અને કુશળ કાર્યકર્તાઓ સંસ્થાનું ગૌરવ છે. સંસ્થામાં જે કામ તેમને સોંપાયું હોય એને જવાબદારીપૂર્વક કરે. પ્રત્યેક કાર્યને પરિણામ સુધી પહોંચાડવાનું છે. કંઈક આડુંઅવળું ચાલતું હોય તો તેને ઊંઘ ન આવે. નહીં તો હવે માથે આવ્યું છે અને કરવાનું છે તેથી કરવું જ પડેને! ‘ગરબડ ગોટો અને પ્રભુ મોટો’. પતાવો. એ કામમાં કોઈ ભલી વાર ન હોય. કાર્યકર્તા તો નિષ્ઠાવાન હોવા જોઈએ.
કાર્યકર્તાઓની આવી જ બીજી ગુણવત્તાઓની વાત કરવી છે પણ એ હવે પછી ક્યારેક કરીશું.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2026 01:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK