Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આ વનતારા અને આ જનતારા

આ વનતારા અને આ જનતારા

Published : 08 March, 2026 01:49 PM | IST | Mumbai
Dr. Dinkar Joshi

આ અનંતે જામનગરમાં એક પ્રકલ્પ પેદા કર્યો અને આ પ્રકલ્પનું નામ આપ્યું વનતારા. આ વનતારા એટલે અહીંતહીં સર્વત્ર ભટક્યા કરતાં પીડિત પશુઓની સંભાળ લેવી અને તેમને સારી પેઠે સંભાળીને તંદુરસ્ત કરીને ફરી પાછા તેમની ઘર ગૃહસ્થીમાં રહેવા છૂટા મૂકી દેવા.

વનતારા

ઉઘાડી બારી

વનતારા


કોણ જાણતું હતું કે સાઠ-સિત્તેર વર્ષ પહેલાંનો સૌરાષ્ટ્રમાં ચોરવાડ ગામનો એક વણિક પુત્ર માત્ર દેશના જ નહીં, દુનિયાભરના અર્થશાસ્ત્ર પર હાવી થઈ જશે? નાના-મોટા દરેક માણસના ખિસ્સા પર તેનો હાથ ક્યાંક ને ક્યાં પહોંચી જશે એવી કલ્પના પણ થઈ શકતી નથી. એ વણિક પુત્રનું નામ ધીરુભાઈ અને આ ધીરુભાઈ હવે આજે માત્ર નામ નથી રહ્યા પણ એક પ્રતીક બની ગયા છે. આ પ્રતીક એટલે રિલાયન્સ.

રિલાયન્સ નામથી આપણે હવે કોઈ અપરિચિત નથી. આ રિલાયન્સે તમારા હાથની મુઠ્ઠીમાં કાયમનું સ્થાન મેળવી લીધું છે. તમે હવે એનો ઇનકાર કરી શકો નહીં. અહીં સુધી તો આ રિલાયન્સનો વ્યવહાર માણસ સાથે હતો પણ ગયા વર્ષે તેમણે આ વ્યવહાર પશુ સાથે પણ સાંકળી લીધો. આ રિલાયન્સ પરિવારની ત્રીજી પેઢીએ એક એવો જુવાન પેદા થયો કે જાણે હવે રિલાયન્સનો સંબંધ માત્ર માણસ સાથે નહીં પણ પશુ સાથે પણ સ્થાપિત કરી દીધો. આ જુવાનનું નામ અનંત.



આ અનંતે જામનગરમાં એક પ્રકલ્પ પેદા કર્યો અને આ પ્રકલ્પનું નામ આપ્યું વનતારા. આ વનતારા એટલે અહીંતહીં સર્વત્ર ભટક્યા કરતાં પીડિત પશુઓની સંભાળ લેવી અને તેમને સારી પેઠે સંભાળીને તંદુરસ્ત કરીને ફરી પાછા તેમની ઘર ગૃહસ્થીમાં રહેવા છૂટા મૂકી દેવા.


વનતારા એટલે શું?

ગયા અઠવાડિયે આ વનતારાને એક વર્ષ પૂરું થયું. અખબારોએ એની સારી પેઠે નોંધ પણ લીધી. એક વર્ષમાં આ વનતારાએ કેટકેટલાં હિંસક વનચર પ્રાણીઓ અને નગરવાસી પાલતુ પ્રાણીઓ આ બધાંને એકઠાં કરીને એમની સારવાર કરી, એમને તંદુરસ્ત બનાવ્યાં. આ વિશે આપણે ગયા અઠવાડિયે સારી પેઠે વિગતવાર વાંચ્યું છે. હવે આમાં જાણવા જેવું એ છે કે અત્યાર સુધી જે રિલાયન્સ મુંબઈના ભુલેશ્વર વિસ્તારની એક ગલીમાં રહ્યું હતું એ રિલાયન્સ માનવમાત્રની સેવાની ઉપરવટ જઈને પશુઓની સેવા સુધી પણ પહોંચી ગયું છે. જોકે ગયા અઠવાડિયે આ વનતારા વિશે આપણે વાંચ્યું એની બીજી નોંધ પણ લેવા જેવી છે. આ વનતારાને એક વર્ષ પૂરું થયું અને એ એક વર્ષમાં એણે જે પશુઓના જીવ બચાવ્યા એ સમજવા અને સાંભળવા જેવું છે. છેલ્લા એક વર્ષમાં આ વનતારાએ કેટલાં પશુઓની સેવા કરી અને કેટલાં પશુઓને એનાં શેષ જીવન પૂરતાં જીવતાં કર્યાં એની સામે આ જ વર્ષમાં કેટલા જીવંત મનુષ્યને મારી નાખવામાં આવ્યા એના આંકડા પણ આપણે જોયા. છેલ્લું વર્ષ જેમ વનતારાનું હતું એમ યુદ્ધોનું લોહિયાળ વર્ષ પણ હતું. વનતારામાં જેણે સેવા લીધી છે એવાં પશુઓની વિગતો અને તસવીરો અખબારોમાં છપાય છે પણ એ સાથે જ આ દિવસો દરમિયાન ઇઝરાયલ હમાસ, અમેરિકા, ઈરાન, રશિયા, યુક્રેન વગેરે દેશોમાં વસેલા જે કરોડો માણસો અનાજના દાણાની વાત તો છોડો પણ પાણીના ટીપા સુધ્ધાં વિના તરફડીને મરી ગયા છે એની વાત પણ આપણે વાંચી છે.


આ જનચરોનું શું?

વનચરોની વાત તો આપણે વાંચી, વિચારી, રાજીપો વ્યક્ત કર્યો અને આપણે માણસ તરીકે મુઠ્ઠી ઊંચેરા છીએ એવો ધબકારો શ્વાસોચ્છ્વાસમાં લીધો પણ ખરો. અહીં સવાલ એ છે કે આપણે પશુઓની સેવા તો કરી પણ જે જીવતા જાગતા હજારો માણસોને આપણે યુદ્ધના નામે મારી નાખ્યા તેમના પરિવારજનો, માતા-પિતા, પત્ની કે પુત્રપુત્રાદિ આ સહુ કાગના ડોળે ઘરના ઉંબરે ઊભા રહીને પ્રતીક્ષા કરતાં રહ્યાં છે. હવે આ યુદ્ધમાં માર્યા ગયેલા અથવા તો શત્રુના બૉમ્બમારા હેઠળ મૃત્યુ પામેલા ક્યારેય પાછા ફરવાના નથી. પેલા વનચરોને તો સેવા મળી ગઈ, એમનું જીવન ટૂંકાઈ રહ્યું હતું એમાંથી એમને ઉગારી લેવામાં આવ્યાં અને આ ઉગારવાનું કામ માણસ નામના પ્રાણીએ કર્યું. અને આ એ જ માણસે જેને પોતાની સાથે કશી લેવાદેવા નથી એવા યુદ્ધમાં દેશસેવા, રાષ્ટ્રભક્તિ અને સ્વમાન એવા બધા શબ્દોના ઢોલનગારાથી દોરવાઈને ઝંડાઓ પકડી લીધા. રાષ્ટ્ર, દેશ, જાતિ આ બધું થોડા બળુકા માણસોએ એવી જબરદસ્ત માયામાં લપેટી લીધું છે કે જેઓ આ શબ્દ હેઠળ મૃત્યુ પામે છે એમને આ શબ્દ સાથે કંઈ લેવાદેવા હોતી નથી. રાષ્ટ્રીયતા કે જન્મભૂમિ શબ્દ સારા છે, એની ભાવના ચિત્તને પ્રસન્ન કરે એવી છે એનો ઇનકાર કરી શકાય નહીં. જે ધરતીએ આપણને પ્રેમ આપ્યો છે એ ધરતીને વળતો પ્રેમ આપવો એ કદાચ માણસનો ધર્મ પણ ખરો પણ આ ધર્મ જે રીતે આજે નિર્દોષો પ્રાણ રેડી રહ્યા છે એને ન્યાયી કે ધર્મ કહેવામાં મુશ્કેલી પડે એમ છે. જે પરિવાર શાંતિ અને સુખપૂર્વક જીવી રહ્યો હોત એને આવા યુદ્ધના નામે દોરીને સાવ પ્રાણતત્ત્વ વગરનો કરી નાખવામાં આવે છે.

મુઠ્ઠી ઊંચેરી વનતારા

વનતારા એ મુઠ્ઠી ઊંચેરી વિભાવના છે એનો ઇનકાર થઈ શકે નહીં પણ એ સાથે જ આ વનતારા સૃષ્ટિની આ સંભાવના જેવા જન તારાને કમોતે મારી નાખે એનો સ્વીકાર પણ થઈ શકે નહીં. જામનગરનો આ પ્રકલ્પ ચોપગાંઓ પૂરતો જ મર્યાદિત રહે, એનાથી માણસ તરીકેની આપણી પાયાની વિભાવના એટલે કે પશુઓને બચાવો અને મનુષ્યને મારી નાખો એની સમજણ સ્વીકારી શકાય એવી નથી. માણસે આજીવન પ્રક્રિયામાં ઘણાં સરવાળા-બાદબાકી કરવા પડે છે એનો આપણે સ્વીકાર કરી લઈએ પણ આ સરવાળા-બાદબાકી એટલે શૂન્યનો ગુણાકાર નહીં પણ મુઠ્ઠીભર શ્વાસના ધબકારાનો ભાગાકાર, એ પાયાનું મૂલ્ય ભુલાઈ જવું ન જોઈએ.

વનતારાને અભિનંદન પણ જનતારાની તો પરીક્ષા તો બાકી જ છે.

Whatsapp-channel Whatsapp-channel

08 March, 2026 01:49 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK