થોડા સમય પહેલાં મુંબઈ આવેલાં મેનકા ગાંધી સાથે મિડ-ડેની ખાસ મુલાકાત
મેનકા ગાંધી
તેમણે ૧૪ ઇન્જેક્શન તો લગાવ્યાં, પરંતુ તેમનાં માતા-પિતાએ તેમને કૂતરાઓથી ડરીને રહેવાની સલાહ નહોતી આપી. પેરન્ટ્સે સહજ રીતે દીકરીની અંદર રહેલી જીવમાત્ર માટેની સંવેદનાને પાંગરવા દીધી એટલે મોટા થઈને મેનકા ગાંધી પશુકલ્યાણનાં અઢળક કાર્યો કરી શકવા સમર્થ બન્યાં. આજે સુપ્રીમ કોર્ટના શેરીકૂતરાઓ સંબંધિત ઑર્ડર સામે તેઓ લડત આપી રહ્યાં છે
૧૯૭૪ની વાત. ગાંધી પરિવારમાં નાના દીકરા સંજયનાં લગ્ન થયાં હતાં અને નવાં વહુ આવેલાં જેમનું નામ મેનકા હતું. મેનકાને નાનપણથી પ્રાણીઓ માટે ખૂબ પ્રેમ હતો. એમના માટે તેઓ ઘણુંબધું કરવા માગતાં હતાં અને સામાજિક સ્તર પર તેમણે આ કામ શરૂ કરી પણ દીધું હતું. તેઓ હંમેશાં કહેતાં કે કતલખાનાં બંધ કરાવવાં જોઈએ, આટલી હિંસા રોકવી જોઈએ. એક દિવસ
ડિનર-ટેબલ પર સંજય ગાંધીએ તેમને ટોક્યાં અને કહ્યું કે આખો દિવસ તમે પ્રાણીઓના ભલા માટે કામ કરીને આવો, તમારા મનની ઇચ્છા એ હોય કે એમના પર થતી હિંસા બંધ થાય અને તમે રાત્રે આવીને ઘરે નૉન-વેજ ખાઓ એ કઈ રીતે યોગ્ય ગણાય? આ પ્રશ્નએ મેનકાને સ્તબ્ધ કરી દીધાં. એ સમયે તેઓ સૂપ પી રહ્યાં હતાં. એ સૂપનું બાઉલ છટક્યું અને સૂપ તેમના હાથ પર ઢોળાઈ ગયો. તે સૂપથી દાઝી ગયાં. એ સૂપની ઝાળ તેમના હાથ પર જ નહીં, મન પર લાગી. મેનકા પંજાબી પરિવારમાંથી હતાં અને નાનપણથી ઘરમાં નૉન-વેજ ખવાતું એટલે તેમના માટે એ સહજ હતું. એટલું જ સહજ જેટલું તેમના મનમાં પ્રાણીઓ માટેની સંવેદના હતી. જોકે પતિની આ વાત પર તેઓ અંદરથી હલી ગયાં. ત્યારે તેઓ ફક્ત ૧૮ વર્ષનાં હતાં. જીવન હજી શરૂ જ થઈ રહ્યું હતું. આ વાતને યાદ કરતાં મેનકા ગાંધી ‘મિડ-ડે’ને કહે છે, ‘આ ઉંમરે હું શીખી કે બદલાવ ત્યારે જ શક્ય છે જ્યારે એની શરૂઆત ખુદથી થાય. હું દુનિયામાં પરિવર્તન ઇચ્છતી હતી કે આ દુનિયા એક સુંદર જગ્યા બને જ્યાં દરેક જીવ માટે બીજા જીવને સંવેદના હોય, પણ એ માટે પહેલાં મારે બદલાવું જરૂરી હતું. આમ લગ્ન પછી હું શાકાહારી બની.’
ADVERTISEMENT
પ્રારંભિક જીવન
મેનકા ગાંધી દિલ્હીના એક સિખ પરિવારમાં જન્મ્યાં છે. ૧૯૫૬ની ૨૬ ઑગસ્ટ તેમનો જન્મદિવસ. પિતા લેફ્ટનન્ટ કર્નલ તારલોચન સિંહ આનંદ ભારતીય સેનામાં અધિકારી હતા અને માતાનું નામ અમતેશ્વર આનંદ હતું. બાળપણનો એક યાદગાર કિસ્સો મમળાવતાં મેનકા ગાંધી કહે છે, ‘હું
ચાર-પાંચ વર્ષની હતી. રસ્તા પર કૂતરાને બિસ્કિટ ખવડાવતી હતી. ત્યારે મને પહેલી વાર જીવનમાં કૂતરું કરડ્યું. મારી મમ્મીએ કહ્યું કે કંઈ વાંધો નથી, પણ તારે ૧૪ ઇન્જેક્શન લેવાં પડશે. મેં રડતાં-રડતાં ઇન્જેક્શન્સ લીધાં. જોકે આવું થયું ત્યારે તે મને બિલકુલ ખિજાઈ નહોતી. શું જરૂર હતી તારે કૂતરાને બિસ્કિટ ખવડાવવાની એવું પણ તેણે મને નહોતું કહ્યું. ડર એક એવી વસ્તુ છે જે બાળકમાં હોતો જ નથી. સમાજ અને તેનાં માતા-પિતા બાળકમાં ડર નાખે છે. જો તું રમવા જાય તો કૂતરાથી આઘી રહેજે; ધ્યાન રાખજે; એને અડ નહીં, તું બીમાર પડી જશે. બાળકને ડરાવી-ડરાવીને પ્રાણીઓથી દૂર કરવામાં આવે છે જેને લીધે જન્મજાત જે દયા-માયા બાળકમાં હોય છે એ ધીમે-ધીમે ઓછી થવા લાગે છે.’
આવો જ બીજો એક કિસ્સો જણાવતાં મેનકા ગાંધી કહે છે, ‘હું મારી બહેનપણી સાથે બહાર જઈ રહી હતી. ૬-૭ વર્ષની હતી. ત્યારે ચાલતાં-ચાલતાં ભૂલથી મારો પગ એક કીડી પર પડી ગયો અને મેં ગભરાઈને એ પાછો લઈ લીધો, પણ એ દિવસે મારી બહેનપણીએ મને ખિજાઈને કહ્યું કે ધ્યાન તો રાખવું જોઈએને, જોતી કેમ નથી જ્યારે ચાલતી હોય છે ત્યારે. આ બનાવે મારા પર ખૂબ જ ઊંડી અસર કરી હતી. મારી પૌત્રી એક-દોઢ વર્ષની હતી ત્યારે કીડી જતી હોય તો એને ઉઠાવીને બાજુ પર મૂકતી મેં જોઈ છે. અમુક પ્રકારની સંવેદના તમારે શીખવવી નથી પડતી. એ અંદર હોય જ છે, જરૂર છે ફક્ત એને ટકાવી રાખવાની.’
તો તમારી અંદર એ સંવેદના કઈ રીતે ટકી? આ પ્રશ્નના જવાબમાં મેનકા કહે છે, ‘પ્રેમ દરેક બાળકની અંદર હોય છે. એને નફરતમાં ફેરવવામાં આવે છે. મારાં માતા-પિતાએ કોઈ દિવસ મારી સાથે આવું નથી કર્યું. તેમણે ક્યારેય કંઈ નથી કીધું. ડર નામની વસ્તુ જો તમે હટાવી દો તો દુનિયા જ બદલાઈ જશે. સોસાયટીઓમાં એવું જ તો ચાલે છે કે કૂતરાઓ છે નીચે તો કોઈ મોટા સાથે નીચે રમવા જાઓ, આયાને લઈ જાઓ કે પપ્પા સાથે જ જાઓ. જો તમે આ શીખવશો તો બાળકના મનમાં ડર ભરાઈ જશે અને જે વસ્તુથી આપણે ડરીએ છીએ એનાથી આપણે નફરત પણ કરીએ છીએ. શરૂઆત કૂતરાથી થાય છે. પછી આગળ વધતાં એ નફરત માણસોથી પણ થવા લાગે છે અને ધીમે-ધીમે દુનિયાથી થવા લાગે છે. આ એક પ્રકારની સાઇકોલૉજી છે જેના થકી આપણે બાળકોને ઉછેરી રહ્યા છીએ. એટલે મને લાગે છે કે આપણે બાળકોને પ્રેમ કરતાં શીખવીએ, ડરતાં નહીં.’
રાજકીય સફર
મેનકા ગાંધીએ તેમનું પ્રારંભિક શિક્ષણ હિમાચલ પ્રદેશની જાણીતી બોર્ડિંગ સ્કૂલ ‘ધ લૉરેન્સ સ્કૂલ, સનાવર’માંથી મેળવ્યું હતું. ત્યાર બાદ તેમણે દિલ્હીની લેડી શ્રીરામ કૉલેજ ફૉર વિમેનમાંથી ઉચ્ચ શિક્ષણ લીધું અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ખાતેથી જર્મન ભાષાનો અભ્યાસ પણ કર્યો હતો. કિશોરાવસ્થામાં તેમણે બૉમ્બે ડાઇંગ સહિત કેટલીક જાહેરખબરોમાં મૉડલિંગ પણ કર્યું હતું. ૧૭ વર્ષની ઉંમરે અભ્યાસ દરમ્યાન જ તેમની મુલાકાત સંજય ગાંધી સાથે થઈ અને ત્યાર બાદ ૧૯૭૪માં તેમનાં લગ્ન થયાં. ૧૯૮૦માં તેમના પુત્ર વરુણ ગાંધીના જન્મના માત્ર ૧૦૦ દિવસ થયા હતા ત્યારે સંજય ગાંધીનું વિમાન-દુર્ઘટનામાં અવસાન થયું, જે પછી તેમનું જીવન ઘણું બદલાઈ ગયું. એ પછી સ્વ. ઇન્દિરા ગાંધી સાથેના અણબનાવને પગલે તેમણે ઘર છોડ્યું.
પરિવાર અને સરકારથી અલગ થયા પછી ૧૯૭૭માં ભારત સરકારે તેમનો પાસપોર્ટ જપ્ત કરી લીધો હતો. આ સામે મેનકા ગાંધીએ કાનૂની લડાઈ લડી હતી, જે બાદમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક કેસ મેનકા ગાંધી વિરુદ્ધ યુનિયન ઑફ ઇન્ડિયા બન્યો, જેમાં કોર્ટે તેમના પક્ષમાં ચુકાદો આપીને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારને વધુ મજબૂત કર્યો હતો. મેનકા ગાંધીની રાજકીય સફર ૧૯૮૩માં ઇન્દિરા ગાંધી સાથેના મતભેદો બાદ રાષ્ટ્રીય સંજય મંચ પક્ષની સ્થાપનાથી શરૂ થઈ હતી અને ત્યાર બાદ તેઓ જનતા દલમાં જોડાયાં હતાં. મેનકા ગાંધીને ભારતીય સંસદના સૌથી લાંબો સમય સેવા આપનારા સંસદસભ્યોમાંનાં એક અને સૌથી વધુ સેવા આપનારાં મહિલા સંસદસભ્ય ગણવામાં આવે છે, કારણ કે ૧૯૮૯થી તેઓ પીલીભીત, આંવલા અને સુલતાનપુર જેવી લોકસભા બેઠકો પરથી ૮ વાર સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. ૨૦૦૪માં તેઓ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયાં હતાં. તેમણે ભારત સરકારમાં ૪ અલગ-અલગ સરકારો હેઠળ મહત્ત્વનાં પ્રધાનપદ સંભાળ્યાં છે. તેઓ દેશનાં પર્યાવરણ અને વનપ્રધાન, સામાજિક ન્યાય અને સશક્તીકરણ પ્રધાન તથા મહિલા અને બાળવિકાસપ્રધાન (૨૦૧૪-’૧૯) તરીકે સફળતાપૂર્વક કાર્ય કરી ચૂક્યાં છે. ૨૦૧૯થી ૨૦૨૪ દરમ્યાન ૧૭મી લોકસભામાં તેઓ ગૃહના સૌથી વરિષ્ઠ લોકસભા સંસદસભ્ય હતાં. તેઓ હાલ લોકસભાનાં સંસદસભ્ય કે કેન્દ્રીય પ્રધાન નથી, પરંતુ BJPનાં વરિષ્ઠ નેતા તરીકે પાર્ટીમાં સક્રિય છે. તેઓ દિલ્હીમાં જ રહે છે.
મેનકા ગાંધીએ ૧૯૯૨માં ભારતની સૌથી મોટી પ્રાણી કલ્યાણ સંસ્થા ‘પીપલ ફૉર ઍનિમલ્સ’ (PFA)ની સ્થાપના કરી હતી. પર્યાવરણ અને પ્રાણીસંરક્ષણના ક્ષેત્રમાં તેમણે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા વિરુદ્ધનાં અભિયાનોનું નેતૃત્વ કર્યું, ફરતાં-ફરતાં પ્રાણીસંગ્રહાલયો પર પ્રતિબંધ મુકાવ્યો અને મોટાં પ્રાણી-આશ્રયસ્થાનોનું સંચાલન કર્યું. આ ઉપરાંત એક લેખક તરીકે તેમણે પ્રાણીઓના કાયદા, ભારતીય વનસ્પતિ, પૌરાણિક કથાઓ અને શબ્દવ્યુત્પત્તિશાસ્ત્ર પર પુસ્તકો લખ્યાં છે તેમ જ ‘સૂર્યા’ સામયિક જેવાં પ્રારંભિક મીડિયા સાહસોનું સંપાદન પણ કર્યું છે.
જલદી ફાઇવ
અફસોસ : મને દરરોજ અફસોસ થાય છે. હું ઘણું કરી શકતી હતી, મારી તાકાતને વધુ સારી રીતે વાપરી શકતી હતી. જે પણ વિચારશીલ વ્યક્તિ છે તેને પોતાના પર સતત શંકા રહે છે. મારા પતિ હતા ત્યારે મેં માંસની નિકાસ બંધ ન કરાવી. હું મરું એ પહેલાં હું ઇચ્છું છું કે આ કામ થઈ જાય. ભારતનાં પ્રાણીઓ એટલે મરે કે કોઈ બીજા દેશના લોકો એને ખાઈ શકે એ મારા માટે અસહ્ય છે. હું એ બંધ કરાવવા માગું છું. ભારતમાંથી આપણે જેટલું માંસ નિકાસ કરીએ છીએ એનું સોમા ભાગનું માંસ જ લોકો ખાય છે. આપણે ત્યાંથી કેટલું બધું માંસ સાઉદી જાય છે. શ્રીલંકાએ કતલખાનાં બંધ કર્યાં છે અને એનું કારણ તેઓ જણાવે છે કે હિન્દુસ્તાનથી જો લાવી શકાય તો આપણે ત્યાં ગંદકી શું કામ કરીએ? મૉલદીવ્ઝમાં કતલખાનાં નથી. બંગલાદેશમાં કતલખાનાં નથી. બધું આપણે ત્યાંથી જાય છે. જો તેમને માંસાહાર કરવો છે તો તેઓ પ્રાણીઓ પાળે-પોષે અને ખાય. આપણે ખોટું કરીએ, આપણાં પ્રાણીઓને મારીએ તેમના માટે? આ ખોટું છે.
શોખ : ઍન્ટિક, આર્ટ, ડાન્સ, પ્લાન્ટ્સ મને બધામાં ખૂબ રસ છે. મારું પહેલું પુસ્તક પ્લાન્ટ્સ પર હતું. મને માઇથોલૉજીમાં પણ રસ છે.
ડર શેનાથી લાગે? : મને નાનપણથી ડર નહોતો કોઈનો જ. જોકે એનો અર્થ એમ પણ નથી કે હું જાતે ચાલીને મુસીબતો ઘરે લાવું, પણ હું જવાબદારી લેવામાં ક્યારેય ડરી નથી. જે મેં ખોટું કર્યું છે એનો પસ્તાવો પણ હું જ કરીશ અને એની સંપૂર્ણ જવાબદારી પણ હું જ લઈશ. મારા માટે એ ડરમુક્ત જીવન છે. ઘણાબધા લોકો ભૂલો કરે છે અને પછી બીજા પર ઢોળી દે છે. હું એવી નથી. મેં ક્યારેય એવું કર્યું નથી.
બકેટ-લિસ્ટ : હું સતત એ વિચારું છું કે મેં શું નથી કર્યું, શું રહી ગયું છે એ મને વધુ મહત્ત્વનું લાગે છે. મારી પાસે ઘરે એક સફેદ બોર્ડ છે. એ બોર્ડ પર ૨૩૦ વસ્તુઓ મેં લખી છે જે મેં આજ સુધી કરી નથી, જે મારે કરવી છે. હું શું કરી ચૂકી છું એના કરતાં હજી મારે શું કરવાનું છે એ વસ્તુ મને વધુ આકર્ષે છે. મને સતત ડંખ્યા કરતું હોય જાણે કે હજી આ પણ રહી ગયું, પેલું પણ રહી ગયું.
જીવનનો સિદ્ધાંત : આ દુનિયાને જીવવા માટે વધુ સારી બનાવવી છે. હું જે પણ કામ કરું છું એ આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને કરું છું. મેં મારું આખું જીવન કુરબાન કર્યું છે એના માટે.
મેનકા ગાંધીની સમાજને અપીલ
જે લોકો પ્રાણીઓ પ્રત્યે હિંસક થઈ શકે છે તેઓ માણસ માટે પણ હિંસક થઈ શકે છે. તમે જો જૂના સ્ટડીઝ જોઈ જાઓ તો એમાં કહેવામાં આવ્યું છે કે જે માણસો બળાત્કાર, ખૂન કે બીજા કોઈ પણ મોટા ગુનાસર જેલમાં છે તેમની શરૂઆત પ્રાણીઓથી થઈ હતી. તેઓ જ્યારે નાના હતા ત્યારે તેમણે એક જીવડાને મારી નાખ્યો અને માએ કહ્યું કે વાહ, મારો દીકરો તો હીરો છે. કૂતરાને મારી દીધો તો ખુશ થઈને કહેશે કે વાહ, ભગાડી દીધો તેં એને. પણ આ મમ્મીઓએ જાણી લેવું જોઈએ કે રસ્તો તો એ જ છે, જેલ પર જઈને જ પૂરો થશે. આપણે સમજવું પડશે કે જો આપણે આ સમાજને રહેવાલાયક બનાવવો છે, જો આપણે ઇચ્છીએ છીએ કે આપણી છોકરીઓ રાત્રે પણ ડર રાખ્યા વગર કામ પરથી ઘરે પાછી ફરી શકે તો આપણે એક સમાજ તરીકે પ્રાણીઓ માટે કરુણા દાખવવી જ પડશે.
ફિલ્મોમાં ક્રૂરતા
છેલ્લાં ૨૬ વર્ષથી તમે દરેક ફિલ્મની આગળ એક વાક્ય લખેલું જુઓ છો કે આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન કોઈ પણ પ્રાણીની હિંસા થઈ નથી. આ ફક્ત વિધાન નથી, મેનકા ગાંધીના સઘન પ્રયાસોનું પરિણામ છે. મેનકા ગાંધી અને સરકારના પ્રયાસોથી ફિલ્મોમાં પ્રાણીઓ પર થતી હિંસા અટકાવવા માટે પર્ફોર્મિંગ ઍનિમલ્સ રૂલ્સ 2001 નિયમ અમલમાં આવ્યો હતો, જેના દ્વારા શૂટિંગ દરમ્યાન પ્રાણીઓ પર થતા અત્યાચાર બંધ થયા. તેમણે સંસદમાં અને કાનૂની સ્તરે અવાજ ઉઠાવીને પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવા માટેના કાયદા એટલે કે પ્રિવેન્શન ઑફ ક્રુઅલ્ટી ટુ અૅનિમલ્સ અૅક્ટનો કડક અમલ કરાવ્યો હતો. તેમના પ્રયાસોના પરિણામે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) અને ઍનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયા (AWBI) માટે એ નિયમ ફરજિયાત બનાવવામાં આવ્યો કે કોઈ પણ ફિલ્મ, સિરિયલ કે જાહેરખબરમાં જો પ્રાણીઓનો ઉપયોગ થયો હોય તો થિયેટરમાં રિલીઝ થતાં પહેલાં કે ટીવી પર પ્રસારિત થતાં પહેલાં AWBI પાસેથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવું પડશે. તેમણે ફિલ્મોના શૂટિંગ દરમ્યાન પ્રાણીઓને ઈજા પહોંચાડવા, માદક દ્રવ્યો આપવા, વધારે પડતી મહેનત કરાવવા કે હિંસક દૃશ્યો માટે એમનો ઉપયોગ કરવા સામે સખત ઝુંબેશ ચલાવી હતી. તેમણે પોતાના સંગઠન પીપલ ફૉર ઍનિમલ્સ (PFA) દ્વારા ફિલ્મોના સેટ પર થતી હિંસા મૉનિટર કરી અને અનેક નિર્માતાઓ સામે કાનૂની કાર્યવાહી પણ કરી હતી. સમાજમાં પ્રાણીઓ પ્રત્યેની હિંસા બંધ કરાવવી હશે તો ફિલ્મોમાં એ બંધ કરવી અત્યંત જરૂરી છે એમ જણવીને મેનકા ગાંધી કહે છે, ‘ફિલ્મો આપણા સમાજની આરસી છે એમ કહેવાય છે, પણ એનાથી ઊંધું ફિલ્મોનો સમાજ પર પ્રભાવ પણ ઘણો વધારે છે. કરણ જોહરે ભવ્ય લગ્નો દેખાડવાનું શરૂ કર્યું એ પછીથી સમાજમાં આજે લોન લઈને પણ લોકો ભવ્ય લગ્નો કરતા થયા છે. ફિલ્મોમાં હીરોને સિંહ સાથે લડતો જોઈને લોકો ખુશ થઈ જાય છે, પણ લોકોની એ ખુશી માટે સિંહની હાલત કેવી થાય છે એ કોઈએ વિચાર્યું નહોતું. પ્રાણીઓનો મનોરંજન માટે થતો ઉપયોગ અટકાવવો ખૂબ જ જરૂરી હતો એટલે મેં ઘણાં વર્ષો આ લડત ચાલુ રાખી.’
અત્યારનો પ્રશ્ન
તમે જીવનમાં ઘણી લડાઈઓ લડી છે, એમાંની સૌથી અઘરી લડાઈ કઈ હતી? આ પ્રશ્નનો જવાબ આપતાં મેનકા ગાંધી કહે છે, ‘મારી સૌથી અઘરી ફાઇટ અત્યારે ચાલી રહી છે સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટના શેરીકૂતરાઓને શેરીઓમાંથી હટાવીને શેલ્ટર હોમમાં ખસેડવાના અને અમુક વિસ્તારોને ‘સ્ટ્રે ડૉગ ફ્રી’ એટલે કે કૂતરામુક્ત બનાવવાના ચુકાદાનો હું વિરોધ કરી રહી છું. ભારતમાં લાખો શેરીકૂતરાઓ છે અને એમને રાખવા માટે દેશમાં પૂરતા સત્તાવાર શેલ્ટર હોમ કે જગ્યા જ નથી. તેથી કૂતરાઓને શેરીમાંથી હટાવીને શેલ્ટર હોમમાં પૂરવાનો આદેશ વ્યાવહારિક રીતે અશક્ય છે. ઍનિમલ મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા હવે એટલી બધી સશક્ત થઈ ગઈ છે કે એની શક્તિનો અંદાજ જ નથી. ફક્ત મુંબઈમાં ૩ લાખ લોકો છે જેઓ પ્રાણીઓને ખવડાવે છે. પોતે ભૂખ્યા રહીને પણ પ્રાણીઓને અન્ન આપી રહ્યા છે. થોડા દિવસ પહેલાં મુંબઈ યુનિવર્સિટીએ કહ્યું કે અમે કૂતરાઓને કાઢી નાખીએ કૅમ્પસમાંથી તો અચાનક ૩૦૦ લોકો પહોંચી ગયા કે આ નહીં થવા દઈએ.’
તો શું તમે સુપ્રીમ કોર્ટની અવગણના કરશો? આ વાતનો જવાબ આપતાં મેનકા ગાંધી કહે છે, ‘સુપ્રીમ કોર્ટે જે કહ્યું છે એની વિરુદ્ધ મારી લડાઈ નથી કારણ કે એ તો થવાનું જ નથી, એ શક્ય જ નથી; પણ લડાઈ એ છે કે લોકો જુઠ્ઠાણું ચલાવી રહ્યા છે સુપ્રીમ કોર્ટના નામે. ફાઇનૅન્સ મિનિસ્ટ્રીએ કહ્યું કે દરેક બૅન્કમાંથી કૂતરાઓને હટાવો. મેં નિર્મલા સીતારમણ સાથે વાત કરી અને પૂછ્યું કે સુપ્રીમ કોર્ટે ક્યાં આવું કંઈ કહ્યું જ છે? તો નિર્મલાજીને સમજાયું અને તેમણે ઑર્ડર પાછો ખેંચી લીધો.’
