Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > થાણેમાં આશાપુરા માની મૂર્તિ સ્વયંભૂ પ્રગટેલી છે

થાણેમાં આશાપુરા માની મૂર્તિ સ્વયંભૂ પ્રગટેલી છે

Published : 10 October, 2026 07:40 PM | IST | Mumbai
Alpa Nirmal

થાણેના કાપુરબાવડીમાં કચ્છના વતનીઓની પ્યારી માવડી મા આશાપુરાનું લગભગ ૬૦-૭૦ વર્ષ જૂનું મંદિર છે. સૌમ્ય મુખ ધરાવતાં મા આશાપુરા લાખો માઈભક્તોની આશા પૂરી કરે છે

આશાપુરા માતાની મૂ‌ર્તિ.

આશાપુરા માતાની મૂ‌ર્તિ.


ભારતની મધ્ય-પશ્ચિમ સરહદનાં રખોપાં કરતાં મા આશાપુરા કચ્છની દરેક જાતિની વ્યક્તિઓનાં પૂજનીય દેવી માતા છે. આથી દેશના જે-જે પ્રદેશમાં કચ્છીભાષીઓ વધુ પ્રમાણમાં વસવાટ કરે છે ત્યાં-ત્યાં તેઓ માતા આશાપુરાનાં નાનાં-મોટાં મંદિરો બનાવે છે અને મૂર્તિઓ બિરાજમાન કરે છે. રાજપૂત, કચ્છી ચૌહાણ, ભાનુશાલી, લોહાણા, સૌરાષ્ટ્રના સિંધી, મધ્ય ગુજરાતની કેટલી બ્રાહ્મણ જ્ઞાતિઓ, અમુક ઓસવાળો તથા અનેક સમુદાયો માટે તો મા આશાપુરા કુળદેવી છે. ભુજથી ૮૦ કિલોમીટર દૂર આવેલા માતાના મઢમાં પ્રતિષ્ઠિત સૌમ્યમુખી મા આશાપુરા લાખો માઈભક્તોની આશા પૂરી કરનાર વંદનીય દેવી માતા છે.

એ જ રીતે થાણેના કાપુરબાવડી પોલીસ-સ્ટેશનની સામે આવેલું મા આશાપુરાનું મંદિર મુંબઈ અને એની આજુબાજુના એરિયામાં રહેતા કચ્છીઓ માટે માતાના મઢની ગરજ સારે છે. જોકે અહીં ફક્ત કચ્છી-ગુજરાતીઓ જ નહીં, રાજસ્થાની તથા મહારાષ્ટ્રિયન પ્રજા પણ અનન્ય ભાવથી માતાનાં દર્શનાર્થે આવે છે અને માતા સર્વે ભક્તોની કામના પૂરી કરે છે.




મંદિરનું પ્રાંગણ.


કેવી રીતે જવાય?

થાણે-વેસ્ટના સ્ટેશન પાસેથી ૫૩, ૫૪, ૬૧, ૬૪ નંબરની બસ કાપુરબાવડી પહોંચાડે છે અને ત્યાંથી મંદિરનું ડિસ્ટન્સ ફક્ત એક મિનિટનું છે. એ જ રીતે સ્ટેશનની બહારથી શૅરિંગ રિક્ષા પણ મળે છે. પોતાનાં વાહનો દ્વારા આવનારા ભાવિકો માટે પાર્કિંગની સુવિધા છે અને મંદિરમાં પાણીની સુવિધા પણ છે.


આશાપુરાધામ, થાણેનો સમય

બુધવારથી સોમવાર : સવારે છથી બે અને સાંજે ચારથી ૯.

મંગળવાર : સવારે છથી એક, બપોરે ૧.૩૦થી ૧૧.૩૦.

દર મંગળવારે અહીં ભંડારો થાય છે, જેમાં સેકડોં ભક્તો ભાગ લે છે.

માતાની પૂજા-આરતી આદિ વિધિ ગુજરાતી વૈદિક પરંપરા અનુસાર કરવામાં આવે છે. મંદિરની બહારથી પ્રસાદ, શ્રીફળ, ચૂંદડી, પૂજાપો આદિ મળી રહે છે.


જમનાગિરિબાપુ

મુંબઈ-આગરા ઓલ્ડ હાઇવે પર આવેલા આ મંદિરની કથા પણ ઘણી રોચક છે. ૬ દાયકા પહેલાં એટલે કે ૧૯૬૨માં આ વિસ્તાર મુંબઈની સરહદ પર આવેલું જંગલ હતું. એ અરસામાં સૌરાષ્ટ્રના જમનાગિરિ ગોસ્વામીબાપુ તુંગારેશ્વર તીર્થની પદયાત્રાએ નીકળ્યા હતા. ફરતાં-ફરતાં રાત્રે અહીં પહોંચ્યા અને વનવિહાર દરમ્યાન આ બ્રહ્મચારી સાધુ એક વડની છાયામાં રાત્રિવિશ્રામ કરવા સૂતા. આ જગ્યામાં તેમને કંઈક અનોખાં સ્પંદનો અનુભવાયાં હોવાથી તેઓ વિહાર દરમ્યાન થોડાક દિવસ અહીં જ રોકાઈ પડ્યા. જોકે એક વાર નિદ્રામાં જમનાગિરિ ગોસ્વામીજીને સપનામાં આશાપુરા માતા આવ્યાં અને દેવી માતાએ તેમને જમીનમાં રહેલી પોતાની મૂર્તિ કાઢીને પૂજા કરવાનો આદેશ આપ્યો. જમનાગિરિબાપુ આવું સપનું જોઈને સફાળા જાગી ગયા. માઈના આદેશ મુજબ તેમણે એ જગ્યા ખોદવાનું શરૂ કર્યું. કેટલાક ગામલોકો પણ એમાં જોડાયા. એ ખોદકામ દરમ્યાન તેમને જમીનમાંથી માતાનું પિંડી સ્વરૂપ મળ્યું. આ પિંડી સ્વરૂપને તેમણે એક વૃક્ષની નીચે આજુબાજુની જગ્યા સાફ કરીને ત્યાં જ સ્થાપિત કરી દીધું. માતાનો આદેશ હતો એટલે તેઓ અહીં જ કાચી કુટિયા બાંધીને રહેવા લાગ્યા. આજુબાજુના ગામવાસીઓ પણ માતાના પિંડી સ્વરૂપનાં દર્શન કરવા આવતા. ભક્તોને એ સ્વયંભૂ મૂર્તિની ઑરા જાણ થતાં અહીં તેમનો આવરો-જાવરો વધ્યો અને આમ માતાની પવિત્ર ઑરાની ખ્યાતિ ધીરે-ધીરે વધતી ચાલી.

મુંબઈનું વિસ્તરણ થતાં મુંબઈ-આગરાના રાજમાર્ગ પર આવેલા આ પ્રદેશનો વિકાસ થયો અને કુટિયામાંથી માતાની નાની દેરી બની. ત્યાર પછી અહીં મોટું મંદિર બન્યું. જોકે મંદિરનું વિસ્તરણ થયા બાદ પણ આશાપુરા માતા એ જ જગ્યાએ સ્થાપિત છે એટલે અહીંના વાતાવરણમાં શાતાદાયક વાઇબ્સ અનુભવાય છે.

હવે આશાપુરા ધામમાં પ્રવેશ કરીએ. મંદિરના પરિસરમાં પ્રવેશતાં સૌપ્રથમ એક હવનકુંડ નજરે ચડે છે. ચારેય નવરાત્રિની અષ્ટમી, આદિ મુખ્ય દિવસોએ અહીં હવન થાય છે તથા કોઈ ભાવિકને કોઈ દિવસે પોતાની રીતે યજ્ઞ કરાવવો હોય તો એ સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. હવનકુંડની બરાબર સામેથી માતાનાં દર્શન થાય છે. જોકે દેવીમાનાં ચરણ સુધી પહોંચવા ૮-૧૦ સીડીઓ ચડવાની રહે છે. અસ્સલ ચાંદીથી અલંકારિત પશ્ચાદ્ભૂ ધરાવતા નાનકડા ગર્ભગૃહની મધ્યમાં લગભગ અઢી ફુટ ઊંચી માતાની કેસરી વર્ણની અત્યંત પ્રભાવી પિંડી છે, જે શણગાર બાદ અત્યંત મોહનીય લાગે છે. માતાની એક બાજુ ગોસ્વામીજીનો ફોટો છે અને બીજી બાજુ અન્ય બે પવિત્ર પિંડીઓ છે. ગર્ભગૃહની બરાબર સામે સિંહવાહિની માતાનું વાહન વનરાજ ખડો છે. મુખ્ય મંદિરના પરિક્રમા-પથ પર એક બાજુ ગણેશજી અને બીજી બાજુ હનુમાનજીનાં દર્શન કરી શકાય છે.

ડોમ્બિવલીમાં આશાપુરા માતાનું સ્વરૂપ અસલ કચ્છ જેવું જ છે

મિની કચ્છ ગણાતા ડોમ્બિવલી-ઈસ્ટના માનપાડા વિસ્તારમાં આવેલું આશાપુરાધામ હજારો માઈભક્તોનું શ્રદ્ધેય સ્થાન છે. બાવીસ વર્ષ પહેલાં અહીં આવેલી ચાલમાં રહેતો એક ભાવિક તેના ઘરમાં આશાપુરા માતાજીનો ફોટો પધરાવીને દરરોજ માની અર્ચના-આરતી કરતો. ધીમે-ધીમે પાડોશીઓ આરતીમાં આવતા થયા અને પછી આખા વિસ્તારના ભક્તો મંગળવારે દર્શનાર્થે આવવા લાગ્યા. દિવસે-દિવસે મંદિરનો મહિમા વધવા લાગ્યો એમ જણાવીને આ મંદિરના પૂજારી જયેશ મહારાજ ‘મિડ-ડે’ને કહે છે, ‘એ પછી એક ટ્રસ્ટ બન્યું અને ૨૦૦૬માં આ ચાલીની બે રૂમો ભેગી કરીને એને મંદિર બનાવ્યું અને કચ્છમાં આવેલા માતાના મઢમાં રહેલી આશાપુરા માતાજી જેવી જ ૧૪ ચક્ષુધારી પિંડી ત્યાં પધરાવી.’

માતાના ભક્તો માટે ડબલ બોનસ

કાપુરબાવડી પોલીસ-સ્ટેશનની સામે આશાપુરા માતાજીનાં બેસણાં છે તો પોલીસ-સ્ટેશનની બાજુમાં સપ્તશ્રૃંગી આઈનું નાનકડું પણ સુંદર મંદિર છે જે અહીં આવતા આસ્થાળુઓ માટે ડબલ બોનસ સમાન છે. બેઉમાંથી એક પણ મંદિર ભવ્ય ભલે નથી, પણ શહેરના ભરચક એરિયામાં આવેલા આ સ્થાનની વાઇબ્રન્ટ વાઇબ્સ દર્શનાર્થીઓને ચાર્જ કરી દે છે.

૩ ફુટની એ મૂર્તિ પ્રત્યે લોકોની આસ્થા એવી પ્રબળ થવા લાગી કે થોડા વખતમાં એ બે રૂમો પણ નાની પડવા લાગી. આથી માતાજીને બહારના ગ્રાઉન્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં અને ઉપર પતરાનો એક શેડ બાંધવામાં આવ્યો. જયેશ મહારાજ કહે છે, ‘માતા પ્રત્યે ભક્તોની શ્રદ્ધા એવી ઊંડી થતી ગઈ કે ૨૦૧૯માં અહીં દેવીનું શિખરબદ્ધ મંદિર નિર્માણ પામ્યું.’

દર મંગળવારે અહીં ૨૦૦૦થી ૩૦૦૦ હજાર શ્રદ્ધાળુઓ માતાનાં દર્શન કરવા આવે છે. એ દિવસે મંદિર સવારે સાડાસાતથી દોઢ વાગ્યા સુધી અને પછી સાંજે ચારથી રાત્રે ૧૨ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. બાકીના દિવસોમાં મંદિરનો સમય છે સવારે ૭.૩૦થી ૧૨.૩૦ અને સાંજે પાંચથી ૯ વાગ્યાનો.

ચૈત્રી અને આસો નવરાત્રિ દરમ્યાન અહીં સપ્તમીની રાત્રે ૧૧ વાગ્યે નવચંડી યજ્ઞ શરૂ થાય છે, જે અષ્ટમીની પરોઢે ૪ વાગ્યા સુધી ચાલે છે.

આ દેવીસ્થાનની પ્રસિદ્ધિ વધતાં દાતાઓ દ્વારા વખતોવખત મંદિરના પરિસરનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. એમાં મહાદેવજી, ગણપતિજી, હનુમાનજી તથા જલારામ બાપા, સાંઈબાબા, શીતળામાતા, સંતોષીમાતા, દુર્ગામાતા અને પાર્વતીજીની નાની-મોટી પ્રતિમાઓ છે.

ચૈત્રી અને શારદીય નોરતાંમાં ઝાકમઝોળ રહેતા આ મંદિરમાં મત્થા ટેકવા થાણે સહિત આજુબાજુનાં ઉપનગરોથી આશાપુરા માઈના ભક્તો આવે છે, પણ હજારો શ્રદ્ધાળુઓ એવા પણ છે જે દર મંગળવારે આ માતાના મઢે માડીને ભેટવા આવે છે. આ પરંપરા અનેક વર્ષોથી ચાલે છે અને સેંકડો ભાવિકો પોતાની મંછાપૂર્તિ અર્થે ૭ મંગળવાર ચાલીને આવવાની બાધા પણ રાખે છે. માતાજીની મૂર્તિ જ્યાંથી નીકળી હતી એ વડવૃક્ષ પણ શ્રદ્ધાનું ધામ બની ગયું છે. ભક્તો એના પર ચૂંદડી, નાડાછડી આદિ વસ્તુઓ બાંધીને પૂજા કરે છે. અનેક ભક્તો અહીંની પણ માનતા માને છે. ભક્તોની આશા પૂરી કરનાર આ માઈ કચ્છના વતનીઓમાં તો અત્યંત પ્રિય છે અને જેઓ મૂળ માતાના મઢે નથી જઈ શકતા એવા વડીલો-વયસ્કો આ આશાપુરાનાં દર્શન કરીને આશાપુરા આઈનો સાક્ષાત્કાર કર્યાનો સંતોષ મેળવે છે.

Whatsapp-channel Whatsapp-channel

10 October, 2026 07:40 PM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK