Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > હિંસા પરમો ધર્મ બનતી જાય છે : ફિલ્મોની ભવ્ય સફળતાનો મોટો આધાર ભયાનક હિંસા

હિંસા પરમો ધર્મ બનતી જાય છે : ફિલ્મોની ભવ્ય સફળતાનો મોટો આધાર ભયાનક હિંસા

Published : 02 April, 2026 12:44 PM | IST | Mumbai
Jayesh Chitalia

આપણી વાતો, સિદ્ધાંતો, કથાઓ ધર્મની; આપણા ઉપદેશો અહિંસાના અને આપણાં કૃત્યો તેમ જ દૃશ્યો હિંસાનાં

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

PoV

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ફિલ્મો ઢિશૂમ-ઢિશૂમથી અને બંદૂકના ઢિશ્ક્યાઉં -​ ઢિશ્ક્યાઉંથી આગળ નીકળીને મશીનગન-મિસાઇલ અને ડ્રોન સુધી પહોંચી ગઈ છે. લોહીના ફુવારા ઊડે એમ માણસો પર ઘા કરવાનાં ક્રૂર કૃત્યો જોવાનું એટલું સહજ અને સરળ બની ગયું છે કે માણસો પોતાની ભીતરની સંવેદના કાયમ માટે ગુમાવી દેશે તોય તેમને ખબર નહીં પડે. આમ તો હજારો વર્ષોથી હિંસા માનવસમાજ પર રાજ કરી રહી છે, પરંતુ હિંસા કયા હેતુસર થઈ રહી છે એ ભૂલીને હવે હિંસા મનોરંજનનું માધ્યમ બનીને ઘરે-ઘરે પહોંચી ગઈ છે. ભાવિ પેઢી માટે આ હિંસક મનોરંજન જોખમી સાબિત થવાની શક્યતા ૧૦૦ ટકા માની શકાય.

આપણી વાતો, સિદ્ધાંતો, કથાઓ ધર્મની; આપણા ઉપદેશો અહિંસાના અને આપણાં કૃત્યો તેમ જ દૃશ્યો હિંસાનાં. જીવનનો કેવો વિરોધાભાસ છેને? કમનસીબી કે કરુણતા એ છે કે આજની તારીખમાં વિશ્વમાં સૌથી વધુ કોઈ ટ્રેન્ડમાં હોય તો એ હિંસા ઉર્ફે વાયલન્સ છે. માત્ર આપણે જ નહીં, આખું જગત એમાં ડૂબેલું છે; નાનામાં નાનાં બાળકો પણ. હાલ મનોરંજનની દુનિયામાં સફળતાની સૌથી મોટી દેણ પણ હિંસા છે. ક્રાઇમ અને વાયલન્સ ફિલ્મોનો USP એટલે કે યુનિક સેલિંગ પૉઇન્ટ બનતો જાય છે. ઢિશૂમ, ઢિશૂમ ક્યારનું આઉટ ઑફ ડેટ થઈ ગયું છે. એના સ્થાને ક્રૂર કાપાકાપી, નવી-નવી બંદૂકો, AK-56, મશીનગન, મિસાઇલ્સ કૉમન થવા લાગ્યાં છે. લાખો-કરોડોનાં ટોળાનાં ટોળાં ભયાનક હિંસા જોવા થિયેટરોમાં જાય છે. બાલબચ્ચાથી લઈને સિનિયર સિટિઝન્સ સહિતના પરિવારોના પરિવારો, મિત્રો વગેરે હિંસા જોવાનો આનંદ માણે છે અને વહેંચે પણ છે. થિયેટરમાં જઈ શકતા નથી તેમના માટે ટીવીમાં અઢળક હિંસા જોવાની સુવિધા ઉપલબ્ધ હોવાથી કરોડો લોકો ટીવીના માધ્યમથી હિંસાનાં દૃશ્યો રોજેરોજ જોયા જ કરે છે. આ બધાના મનમાં કેવા તરંગો જન્મતા અને ફેલાતા હશે? આ બધાની વાઇબ્સ કેવી બનતી હશે? રક્તમાં શું ફરતું થતું હશે?



પરદેશમાં કોઈ વ્યક્તિએ બેફામ ગોળીબાર કરીને સંખ્યાબંધ લોકોના જીવ લઈ લીધાના અથવા કોઈ બાળકે બીજા બાળક પર કે કોઈ વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર બંદૂક કે ચાકુ ચલાવી દીધાના સમાચાર આપણે ઘણી વાર વાંચીએ છીએ. હવે આવી ઘટનાઓ આપણા સમાજમાં પણ બનવા લાગી છે. હિંસક મનોવૃત્તિ બહુ ઝડપથી વાઇરલ થઈ રહી છે. ફિલ્મો અને ટીવી ઓછાં હોય એમ હવે દુકાળમાં અધિક માસ તરીકે મોબાઇલ પર તો આવું જ બધું મળ્યા કરે છે.


માનવીય સંવેદનાનું ધીમું મૃત્યુ

ઢિશ્ક્યાઉં... એક બુલેટ છૂટે અને માણસ ઢળી પડે એટલું જ નહીં, એક મશીનગન ધણધણે અને એક બૉમ્બ કે મિસાઇલ ત્રાટકે અને સંખ્યાબંધ માણસો મોતને ઘાટ ઊતરી જાય એ જોવાનું સહજ બનતું જાય છે. લોહીના ફુવારા ઊડે એ રીતે માણસો માણસોને મારતા હોય એવાં દૃશ્યો (સાચાં-ખોટાં) જોવાથી લોકોની સંવેદનાને કેટલી અસર થતી હશે એ સવાલ ગહન બનતો જાય છે, જેનો જવાબ શોધવામાં કોઈને રસ નથી. તાજેતરના દિવસોમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં તો આવાં વાસ્તવિક દૃશ્યો સર્જાય છે, જેને નિયમિત જોતી જે-તે દેશની પ્રજાના માનસ પર શું ગુજરતી હશે?


હૉલીવુડની ફિલ્મોમાં આવી હિંસા બતાવવાનું ઘણા સમયથી ચાલતું રહ્યું છે. આપણા દેશમાં સાઉથની ફિલ્મો ભયાનક-ક્રૂર હિંસા બતાવવામાં માહેર ગણાય છે. હવે છેલ્લા કેટલાક સમયથી હિન્દી ફિલ્મોમાં પણ હિંસાનું ચલણ અને વલણ જોરમાં આવી ગયું છે, કેમ કે હિંસા જેટલી વધુ એટલી ફિલ્મને સફળતા (અમુક અપવાદ સિવાય) વધુ મળે છે. આ હિંસા જેમના પર થતી બતાવાય છે એ માત્ર અપરાધીઓ કે દુશ્મનો નથી હોતા. એ તો ફિલ્મની વાર્તા મુજબ પહેલાં નિર્દોષ લોકો પર થતી હોય છે. પછી વાર્તા મુજબ એ નિર્દોષ વર્ગ બદલો લેવા માટે વધુ હિંસક બનીને ત્રાટકે છે. તેઓ એમ ન કરે તો વાર્તા નિષ્ફળ અને ફિલ્મ પણ નિષ્ફળ જાય.

હિંસા માનવજાતને કેમ ગમે છે?

આપણને હિંસા કેમ ગમે છે? કેમ કે આપણી ભીતર હિંસાની લાગણી સતત જીવતી હોય છે. આપણી અંદર ક્રોધ સતત બહાર નીકળવા થનગનતો હોય છે જે આપણા માધ્યમથી નીકળી શકતો નથી ત્યારે આપણને ફિલ્મોના માધ્યમથી પણ નીકળતો જોવામાં સંતોષ અને આનંદ મળે છે. ઘણી વાર આપણને કોઈ સતાવતું હોય, તે શક્તિશાળી હોય અને આપણે તેને કંઈ કરી શકતા ન હોઈએ ત્યારે જો કોઈ અન્ય તેને ઢોરમાર મારે તો આપણને ભરપૂર સંતોષ મળે છે. આપણી ભીતર હિંસાની માનસિકતા માટે આપણો ઉછેર, આપણી આસપાસનો માહોલ, આપણી સાથે બનેલી ચોક્કસ ઘટનાઓ, આપણે સહન કરવી પડેલી વેદના, આપણું ફ્રસ્ટ્રેશન, ઇરિટેશન, અૅન્ગર (ક્રોધ) પણ હિંસાની મનોવૃત્તિને પોષે છે. મનોવિજ્ઞાન કહે છે કે માણસ મૂળભૂત રીતે સીધોસાદો હોય છે, પરંતુ સંજોગો તેને હિંસક બનવા પર મજબૂર કરે છે. એવા સંજોગોમાંથી બહુ ઓછા લોકો હિંસક બન્યા વિના બહાર નીકળી શકે છે.

સેન્સર બોર્ડ બગડ્યું કે સુધર્યું?

હિંસા ક્યારે વાજબી અને ગેરવાજબી ગણવી એનો આધાર વ્યક્તિ અને સંજોગો પર રહે છે. જેણે હજારો-લાખો લોકોને ત્રાસ-પીડા આપ્યાં હોય તેની સામે હિંસા થાય તો એ વાજબી ગણાય છે, જ્યારે નિર્દોષ વર્ગ સામેની હિંસા ગેરવાજબી. ફિલ્મોનું સેન્સર બોર્ડ જે ચોક્કસ બાબતે સર્ટિફિકેટ આપવામાં સંવેદનશીલ હોય છે એમાં સેક્સ અને હિંસા મુખ્ય હોય છે. જોકે બદલાતા સમય સાથે સેન્સર બોર્ડ સુધરી (ખરેખર તો બગડી ગયું ગણાય)ને લિબરલ બની ગયું છે. બેફામ હિંસાનાં દૃશ્યોને એ લીલી ઝંડી આપી દે છે. હિંસાનો અતિરેક એને કઈ રીતે મંજૂર થતો હશે એ સંશોધનનો વિષય છે.

અહિંસાના હિમાયતીઓ પણ હોંશે-હોંશે

‘ધુરંધર : ધ રિવેન્જ’ ફિલ્મ જોઈને બહાર આવતા લોકો એનાં વખાણ ભલે કરે, પરંતુ એક વાતની ચર્ચા ચોક્કસ કરે છે કે ફિલ્મમાં હિંસા બહુ વધુપડતી બતાવી છે. એમ છતાં અહિંસાને ધર્મ માનતા કે અહિંસાનો સંદેશ ફેલાવવાની વાતો કરતા લોકો પણ ફિલ્મોની હિંસા જોવા હોંશે-હોંશે જાય છે. એ લોકોની દલીલ એ હોય છે કે અમે પોતે ક્યાં હિંસા કરીએ છીએ. જોકે આવો વર્ગ એ ભૂલી જાય છે કે હિંસાને પ્રોત્સાહન આપવું એ પણ હિંસા ગણાય. ખેર, માણસો પોતપોતાનું જસ્ટિફિકેશન શોધી જ કાઢે છે. બાય ધ વે, સમગ્ર વિશ્વ હિંસાથી જ ડરે છે કે ડરાવી શકે છે. દરેક દેશે પોતાના રક્ષણ માટે પણ હિંસાનો સહારો લેવો પડે છે. હિંસા જાણે જીવનનો હિસ્સો બની ગઈ છે. સમાજની નવી અને ભાવિ જનરેશન માટે એ ભયાનક જોખમી પડકાર બનવાની છે. કોઈ શક?

Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 12:44 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK