Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બૅલૅન્સશીટમાં નોંધાયેલી કોઈ પણ સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન શું હોઈ શકે?

બૅલૅન્સશીટમાં નોંધાયેલી કોઈ પણ સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન શું હોઈ શકે?

Published : 01 October, 2026 10:13 AM | IST | Mumbai
Jayesh Chitalia

કેવા છે વૉરન બફેટના ઉત્તરાધિકારી અને બર્કશર હૅથવેના નવા ચૅરમૅન?

વૉરન બફેટ

વૉરન બફેટ


૯૬ વર્ષના વૉરન બફેટે તેમના ૭૧ વર્ષના પુત્રને કંપનીના કયા સિદ્ધાંતો અને કાર્યપ્રણાલીનું સંરક્ષણ કરવાની જવાબદારી સોંપી છે એ સમજવામાં સમજદારી છે

વૉરન બફેટ. આ જગવિખ્યાત ઇન્વેસ્ટમેન્ટ ગુરુનું નામ તો લગભગ મોટા ભાગના લોકોએ સાંભળ્યું હશે. તાજેતરમાં આ ગ્લોબલ બિલ્યનરનું નામ ફરી સમાચારોમાં અને સોશ્યલ મીડિયામાં ગાજ્યું છે. આ પાછળનું કારણ છે તેમનું પોતાની કંપનીમાંથી સત્તાવાર રિટાયરમેન્ટ, એ પણ ૯૬ વર્ષ જેવી ઉંમરે. વિશ્વના અગ્રણી કૉર્પોરેટ ગ્રુપ બર્કશર હૅથવેને લગભગ ૬ દાયકા સુધી લેજન્ડરી નેતૃત્વ પૂરું પાડ્યા પછી વૉરન બફેટે ચૅરમૅનની ખુરસીને અલવિદા કહ્યું છે. અલબત્ત, આ ખુરસીનો બફેટ નામ સાથેનો નાતો બરકરાર રહેવાનો છે, કારણ કે નવા ચૅરમૅન તરીકે કંપનીના બોર્ડે વૉરન બફેટના પુત્ર હૉવર્ડ જી. બફેટને નિયુક્ત કર્યા છે.



વર્કકલ્ચર જાળવવાની નેમ
ગજબની વાત એ છે કે ૯૬ વર્ષના વૉરન બફેટ માનદ ચૅરમૅન તરીકે બોર્ડના કાયમી સભ્ય તો રહેશે જ, જ્યારે ૭૧ વર્ષના હૉવર્ડ બફેટ નૉન-એક્ઝિક્યુટિવ ચૅરમૅન તરીકે પદભાર સંભાળશે. આમ તો આ ૭૧ વર્ષની ઉંમર પણ નિવૃત્તિની ગણાય. જોકે કંપનીનું રોજિંદું કામકાજ ચલાવવાની જવાબદારી મુખ્યરૂપે જાન્યુઆરી 2026માં કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) બનેલા ગ્રેગ એબેલની જ રહેશે. ચર્ચાનો મુદ્દો એ છે કે હૉવર્ડ બફેટની નવી જવાબદારી શું છે? આ જ એ વાત છે જેણે સૌથી વધુ રસપ્રદ ચર્ચા જન્માવી છે.
સત્તાવાર જાહેરાત પ્રમાણે હૉવર્ડ બફેટ એ વાતનું ધ્યાન રાખશે કે તેમના પિતાએ આ કંપનીના માધ્યમથી જે વર્કકલ્ચર (કાર્યસંસ્કૃતિ)ના નિર્માણ પાછળ ૬ દાયકા વિતાવ્યા છે એ કલ્ચરનું સંવર્ધન થાય અને એનું સાતત્ય જળવાઈ રહે. વૉરન બફેટ દર વર્ષે પોતાના શૅરધારકોને પત્ર લખતા અને આ પત્ર એવા રહેતા જે આર્થિક તેમ જ સામાજિક અને ક્યારેક તો આધ્યાત્મિક જગત માટે પણ ઉપયોગી રહેતા. હાલ રાજીનામું આપવા સાથે શૅરધારકોને લખેલા પત્રમાં પણ બફેટે આ વાત સ્પષ્ટ કરી છે કે ‘ગ્રેગ કંપનીને ચલાવશે. હૉવર્ડ બફેટ કંપનીની કાર્યસંસ્કૃતિ તથા મૂલ્યોનું જતન કરશે જે બૅલૅન્સશીટમાં નોંધાયેલી કોઈ પણ સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન છે.’


આ પત્રમાં વૉરન બફેટે ગ્રેગ એબેલની પણ ભરપૂર પ્રશંસા કરી છે. - ખેડૂત, ફોટોગ્રાફર અને સમાજસેવક 

આ જાહેરાત પછી હૉવર્ડ બફેટ વિશે પણ ચોમેર ચર્ચા જાગી છે, કારણ કે તેમનું અત્યાર સુધીનું ૭૧ વર્ષનું જીવન રોચક અને રસપ્રદ રહ્યું છે. પિતા કરતાં એકદમ અલગ હૉવર્ડનું જીવન નફા-નુકસાન, શૅરના હિસ્સા, આખેઆખી કંપનીઓની લે-વેચ કે શૅરધારકોની મીટિંગ્સથી માઇલો દૂર રહ્યું છે. તેમના જીવનનો મોટા ભાગનો હિસ્સો વૉલ સ્ટ્રીટથી દૂર એક ખેડૂત, ફોટોગ્રાફર અને સમાજસેવક તરીકે વીત્યો છે. હૉવર્ડે વિશાળ ખેતરો તૈયાર કર્યાં છે અને પોતે જ એની જાળવણીની કાળજી પણ લે છે. તેમણે લાંબા ગાળા માટેના સંરક્ષણને ધ્યાનમાં રાખીને થતી ટકાઉ ખેતીને હંમેશાં પ્રોત્સાહન આપ્યું છે અને ખેડ્યા વગરની જમીનમાં ખેતીના વિશેષ પ્રયોગો પણ કર્યા છે. સમાજસેવા માટે બનાવેલા પોતાના ફાઉન્ડેશનના હૉવર્ડ ૧૯૯૯થી પ્રમુખ રહ્યા છે અને ખાદ્ય-સુરક્ષા જેવાં માનવહિતનાં કારણો માટે તેમણે કામ કર્યું છે. યુનાઇટેડ નેશન્સના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ ગુડવિલ ઍમ્બૅસૅડર તરીકે તેમણે ૧૫૦થી વધુ દેશોમાં પ્રવાસ કર્યો છે અને વંચિત લોકોમાં ખોરાકની અછત દૂર કરવાની કામગીરી પણ કરી છે. જોકે એવું પણ નથી કે માત્ર પિતાની વિરાસતને કારણે તેમને બર્કશર કંપનીના ચૅરમૅનપદે બિરાજમાન કરી દેવામાં આવ્યા છે, કારણ કે ૧૯૯૩થી તે કંપનીના ડિરેક્ટર તરીકે બોર્ડમાં સામેલ રહ્યા છે અને પબ્લિસિટીથી દૂર રહીને કંપનીની કામગીરી સાથે ૩૩ વર્ષથી સંકળાયેલા પણ છે. એ દૃષ્ટિએ તેઓ યોગ્ય વ્યક્તિ પણ ગણાય જ. 


હૉવર્ડની ચૅરમૅન તરીકે નિયુક્તિ થઈ એ સમાચારની પ્રતિક્રિયામાં વૉરન બફેટે કહ્યું કે ‘આ નિયુક્તિ શૅરહોલ્ડરો માટે વીમા પૉલિસી સમાન છે. બધા પાસે એક વીમા પૉલિસી હોય છે સુરક્ષાની ભાવના માટે, પણ બધા એવી જ પ્રાર્થના કરતા હોય છે કે ક્યારેય એનો ઉપયોગ ન કરવો પડે. બસ, હૉવર્ડ પણ કંપનીના સિદ્ધાંતોની સુરક્ષાનું કામ કરશે, કંપનીની રોજિંદી કાર્યપ્રણાલીમાં તે નહીં પડે.’ 
અલબત્ત, હૉવર્ડને કંપનીમાં નૉન-એક્ઝિક્યુટિવ ચૅરમૅન બનાવીને કંપનીના સિદ્ધાંતોની સુરક્ષાની જવાબદારી આપવાની વાત વૉરન બફેટ આ પહેલાં ૨૦૧૧માં જાહેર રીતે કરી ચૂક્યા હતા એટલે એક રીતે આ નિયુક્તિને મોટા આશ્ચર્યને બદલે એક સુનિયોજિત નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે.

બર્કશર હૅથવેના કદ અને કલ્ચર
આશરે ૧.૧ ટ્રિલ્યન ડૉલર એટલે કે આશરે ૧૦૫ લાખ કરોડ રૂપિયાની વૅલ્યુ ધરાવતી આ કંપની ઇન્શ્યૉરન્સ, રેલરોડ, ઊર્જા, મૅન્યુફૅક્ચરિંગ અને રીટેલ સહિતના અનેક બિઝનેસમાં વૈશ્વિક સ્તરે નામના ધરાવે છે. આ ઉપરાંત ઍપલ, કોકા કોલા અને અમેરિકન એક્સપ્રેસ જેવી કંપનીઓમાં બર્કશરનો રોકાણ-હિસ્સો પણ છે. વૉરન બફેટે ૧૯૬૫થી બર્કશર હૅથવેની કમાન સંભાળીને એને એક વૈશ્વિક બિઝનેસ ગ્રુપમાં બદલી દીધી છે. આ પ્રગતિમાં દેખીતી મહેનત, દૂરદર્શિતા વગેરે તો હતું; પણ વિશેષ હતા તેમના કેટલાક સિદ્ધાંતો. જેમ કે મૅનેજમેન્ટને વિકેન્દ્રિત એટલે કે અલગ-અલગ હાથોમાં રાખવું, કર્મચારીઓ સહિત તમામ માણસોની સાથે સારો વ્યવહાર કરવો, બધા સાથે વિશ્વાસનો સંબંધ જાળવવો, મૅનેજર્સ-શૅરહોલ્ડર્સનું સન્માન કરવું, કામગીરીને બને એટલી સરળ રાખવી અને ખરાબ સમાચાર હોય તો પ્રામાણિકતાપૂર્વક જણાવી દેવા વગેરે. વૉરન બફેટે માત્ર આંકડાઓ જ નહીં, વિશ્વાસ અને માનવીય મૂલ્યો દ્વારા આ વિશાળ કંપનીને ઊભી કરી છે એટલે કંપનીના એ જ પરંપરાગત સિદ્ધાંતો અને મૂલ્યોનું સંરક્ષણ કરવાની જવાબદારી હવે તેમના દીકરા હૉવર્ડને સોંપવામાં આવી છે.

લિવિંગ લેજન્ડ બફેટ
આવા બફેટ ક્યારેય રિટાયર થઈ શકે નહીં, કારણ કે તેમના સિદ્ધાંતો પોતાની કંપની ઉપરાંત જગતના કૉર્પોરેટ સેક્ટરથી માંડીને સ્ટૉક-ઇન્વેસ્ટમેન્ટ માર્કેટના ખેલાડીઓ-ઇન્વેસ્ટર્સ, બિઝનેસમેન વગેરે માટે પણ પ્રેરણારૂપ છે અને રહેશે. ૧૧ વર્ષની ઉંમરે ઘરે-ઘરે અખબારો નાખવાનું કામ કરીને થતી આવકમાંથી શૅરરોકાણ શરૂ કરનાર બફેટ જીવંત દંતકથા (લિવિંગ લેજન્ડ) છે. વૉરન બફેટની આત્મકથાનું પુસ્તક વાંચીને રોકાણજગતને સમજવા ઉપરાંત સ્વજગતને પણ સમજી શકાય. તેમની જીવનયાત્રા કાયમ યાદગાર અને પ્રેરણાદાયી બની રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

01 October, 2026 10:13 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK