Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈના યુવા ટેક-જિનીયસે ગ્લોબલ સ્ટેજ પર દેશનું નામ રોશન કર્યું

મુંબઈના યુવા ટેક-જિનીયસે ગ્લોબલ સ્ટેજ પર દેશનું નામ રોશન કર્યું

Published : 01 October, 2026 07:25 AM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

ભારત છેલ્લાં ૧૯ વર્ષથી આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યું છે, પરંતુ IT નેટવર્ક સિસ્ટમ્સ ઍડ્‍મિનિસ્ટ્રેશન કૅટેગરીમાં દેશને મળેલો આ પહેલો મેડલ છે

ખુશરાજ રાઠોડ તેનાં પેરેન્ટ્સ સાથે

ખુશરાજ રાઠોડ તેનાં પેરેન્ટ્સ સાથે


શાંઘાઈમાં યોજાયેલી વર્લ્ડસ્કિલ્સ કૉમ્પિટિશનમાં શાનદાર પ્રદર્શન કરીને સાંતાક્રુઝના ૨૧ વર્ષના ખુશરાજ રાઠોડે મેડલ ઑફ એક્સલન્સ પોતાના નામે કર્યો છે. ભારત છેલ્લાં ૧૯ વર્ષથી આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યું છે, પરંતુ IT નેટવર્ક સિસ્ટમ્સ ઍડ્‍મિનિસ્ટ્રેશન કૅટેગરીમાં દેશને મળેલો આ પહેલો મેડલ છે


કૌશલ્ય અને ટેક્નૉલૉજીની દુનિયામાં પ્રતિષ્ઠિત મનાતી ‘વર્લ્ડસ્કિલ્સ કૉમ્પિટિશન’ની ૪૮મી સીઝન તાજેતરમાં ચીનના શાંઘાઈમાં યોજાઈ ગઈ જેમાં આ વર્ષે ભારતના ૭૦ જેટલા યુવાનોએ ૬૩ કૅટેગરીમાં ભાગ લઈને ૧૦ સિલ્વર મેડલ અને ૨૦ ‘મેડલ ઑફ એક્સલન્સ’ જીત્યા છે. ગ્લોબલ સ્ટેજ પર શાનદાર પ્રદર્શન માટે સાંતાક્રુઝના ૨૧ વર્ષના ખુશરાજ રાઠોડને IT નેટવર્ક સિસ્ટમ્સ ઍડ્‍મિનિસ્ટ્રેશન (ITNSA) કૅટેગરીમાં મેડલ ઑફ એક્સલન્સ મળ્યો છે. ભારત છેલ્લાં ૧૯ વર્ષથી વિવિધ સ્કિલ્ડ કૅટેગરીમાં ભાગ લે છે, પરંતુ આ કૅટેગરીમાં પહેલી વાર મેડલ મળ્યો છે. ખુશરાજની આ સિદ્ધિ સાબિત કરે છે કે ભારતનું ટેક્નિકલ કૌશલ્ય હવે વૈશ્વિક સ્તરે ઝડપથી આગળ વધી રહ્યું છે. 
સ્પર્ધા શું છે?
આ પ્રતિષ્ઠિત સ્પર્ધાનું સત્તાવાર નામ વર્લ્ડસ્કિલ્સ કૉમ્પિટિશન છે જેને દુનિયાભરમાં સ્કિલ્ડ ઑલિમ્પિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય દુનિયાભરના યુવાનોમાં રહેલા પ્રૅક્ટિકલ અને ટેક્નિકલ હુનરને વૈશ્વિક મંચ આપવાનો છે. ૪૮મી વર્લ્ડસ્કિલ્સ સ્પર્ધા બાવીસથી ૨૭ સપ્ટેમ્બર દરમ્યાન શાંઘાઈમાં યોજાઈ હતી જેમાં ૭૦થી વધુ દેશોના ૧૪૦૦ યુવાનોએ ભાગ લીધો હતો. સ્પર્ધા મુખ્યત્વે ૬ મોટાં ઔદ્યોગિક સેક્ટર્સ માટે યોજાય છે જેમાં એન્જિનિયરિંગ, ઇન્ફર્મેશન ઍન્ડ કમ્યુનિકેશન ટેક્નૉલૉજી ‌(ICT), કન્સ્ટ્રક્શન અને બિલ્ડિંગ ટેક્નૉલૉજી, ક્રીએટિવ આર્ટ્સ, લૉજિસ્ટિક્સ અને સોશ્યલ સર્વિસ સેક્ટરનો સમાવેશ થાય છે જેની અંદર અલગ-અલગ સ્કિલ્સ હોય છે. આમાંની સૌથી જટિલ ગણાતી ICT ફીલ્ડની અંતર્ગત આવતી IT નેટવર્ક સિસ્ટમ્સ ઍડ્‍મિનિસ્ટ્રેશન સ્કિલમાં ખુશરાજે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી.  
દેશ માટે મેડલ
ખુશરાજે જણાવ્યું હતું કે ‘આ સ્પર્ધા બાવીસ વર્ષથી નીચેના યુવાનો માટે જ છે. સ્પર્ધામાં કુલ ૬૪ કૅટેગરી હતી જેમાંથી ભારતે ૬૩ કૅટેગરીમાં ભાગ લીધો હતો. ભારતીય ટીમમાં ૭૦ યુવાનો હતા. કોઈ સ્કિલમાં બે જણની ટીમ હતી તો કેટલીક સ્કિલમાં સોલો પાર્ટિસિપેટ કરવાનું હતું. મારી સ્કિલમાં ભારત તરફથી હું એકલો હતો. IT નેટવર્ક સિસ્ટમ્સ ઍડ્‍મિનિસ્ટ્રેશન એવું અઘરું ફીલ્ડ છે જેમાં દુનિયાભરની મોટી કંપનીઓ અને ડેટા સેન્ટર્સ માટે કમ્પ્યુટર નેટવર્ક ડિઝાઇન કરવાનાં હોય છે, સર્વર્સ કન્ફિગર કરવાનાં હોય છે, સાઇબર સિક્યૉરિટી મેઇન્ટેન કરવાની હોય છે અને સિસ્ટમમાં આવતી કોઈ પણ ટેક્નિકલ ખામીઓ સેકન્ડોમાં ઉકેલવાની હોય છે. આંતરરાષ્ટ્રીય ધોરણો પર ખરા ઊતરીને ભારત માટે મેડલ ઑફ એક્સલન્સ જીત્યો છે. આ લેવલ સુધી પહોંચવામાં ટેલિકૉમ સેક્ટર સ્કિલ કાઉન્સિલ (TSSC) સાથે સંકળાયેલા ડૉ. અમિત ઑબેરૉયે માર્ગદર્શન આપ્યું હતું. નૅશનલ લેવલે ગોલ્ડ જીત્યા બાદ ભારત સરકાર દ્વારા જુલાઈ મહિનામાં મને ઍડ્વાન્સ ટેક્નિકલ સૉફ્ટવેર અને નેટવર્કિંગ માટે સાઉથ કોરિયામાં ૧૫ દિવસની ખાસ તાલીમ માટે મોકલવામાં આવ્યો હતો જ્યાં હું વૈશ્વિક સ્તરે કમ્પીટ કરવાની સ્ટ્રૅટેજી શીખ્યો. સાઉથ કોરિયાની સંસ્થાઓમાં ત્યાંના વિદ્યાર્થીઓ આ વૈશ્વિક સ્પર્ધા માટે ૪ વર્ષની આકરી ટ્રેઇનિંગ લે છે જેની સામે માત્ર ૧૫ દિવસની ટ્રેઇનિંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ટક્કર આપી. વર્લ્ડસ્કિલ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ગૌરવની ક્ષણ હતી. IT નેટવર્ક સિસ્ટમ્સ ઍડ્‍મિનિસ્ટ્રેશન કૅટેગરીમાં દેશ માટે સર્વપ્રથમ મેડલ લાવવો એ સપના જેવું લાગે છે. મિનિસ્ટ્રી ઑફ સ્કિલ ડેવલપમેન્ટ અૅન્ડ ઑન્ટ્રપ્રનરશિપ (MSDE), મારા માર્ગદર્શકો, પરિવાર અને મિત્રોના સતત સહયોગ વિના આ સફર ક્યારેય શક્ય ન બની હોત. વર્લ્ડસ્કિલ્સે મને વૈશ્વિક સ્તરના માપદંડોનો પરિચય કરાવ્યો છે. હવે મારું એક જ ધ્યેય છે — નેટવર્ક અને સિસ્ટમ્સ એન્જિનિયરિંગમાં વધુ ઊંડાણપૂર્વક મહારત હાંસલ કરવી જેથી ભારત માટે વૈશ્વિક સ્તરની ડિજિટલ સિસ્ટમ્સના નિર્માણમાં મારું યોગદાન આપી શકું.’
રસ કઈ રીતે જાગ્યો?
ખુશરાજ રાઠોડ હાલમાં BITS Pilani (ગોવા કૅમ્પ્સ)માં કમ્પ્યુટર સાયન્સનો થર્ડ યરનો સ્ટુડન્ટ છે. તે નવમા ધોરણમાં હતો ત્યારથી એન્જિનિયરિંગના ફીલ્ડમાં રસ જાગ્યો હતો. સ્કૂલમાં જુનિયર સ્કિલ્સ કૉમ્પિટિશનમાં પણ ગોલ્ડ મેડલ જીતી આવ્યો હતો. વર્લ્ડસ્કિલ્સ સુધી પહોંચવા માટે તેણે આખું વર્ષ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. ઑક્ટોબર ૨૦૨૫માં મુંબઈ ડિસ્ટ્રિક્ટથી જીતની શરૂઆત કરી. ત્યાર બાદ મહારાષ્ટ્ર સ્ટેટ લેવલ, રીજનલ વેસ્ટર્ન ઝોન અને નૅશનલ લેવલ પર બૅક-ટુ-બૅક ગોલ્ડ મેડલ મેળવીને શાંઘાઈ વર્લ્ડસ્કિલ્સમાં તેનું સિલેક્શન પાકું થયું. તેના પપ્પા નિમેશ રાઠોડ ઇન્ટરનૅશનલ બિઝનેસ કોચ છે અને મમ્મી રિન્ટુ જાણીતાં બેકર છે.  


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2026 07:25 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK