આ બન્નેએ પોતાનાં બાળકોને ટ્રેઇનિંગ માટે કરણ જોહરના પ્રોડક્શન હાઉસમાં રાખ્યાં છે જ્યાં કલાકારોને ખુરસી આપવાનું કે તેમના માટે પંખો પકડવાનું જેવાં કામ તેઓ કરી રહ્યાં છે.
ચાંદીની નહીં, સોનાની ચમચી સાથે જન્મેલાં આ બાળકોને સમાજની દૃષ્ટિએ નાનું ગણાતું કામ આ લોકો કેમ કરાવતા હશે એ તમને સમજાય છે?
દરેક માતા-પિતા તેના બાળકને સક્સેસફુલ જોવા માગે છે, પોતે જ્યાં છે એનાથી ઘણે ઉપર જોવા માગે છે એટલે જ ખૂબ ભણાવે છે. સારામાં સારી સ્કૂલ, બેસ્ટ યુનિવર્સિટીનું એજ્યુકેશન અને પછી ઇચ્છે છે કે કોઈ મોટી કંપનીનું તગડું પૅકેજ તેને મળી જાય અને તે સુખેથી જીવન જીવે. સ્કૂલ અને યુનિવર્સિટી આમ તો ઘણું ભણતર તેને આપે છે, પણ કેટલુંક જરૂરી ગણતર તેને માતા-પિતાએ આપવું જોઈએ. એ ગણતરનું ઘડતર શું છે એ સમજીએ.
કૉમેડિયન ભારતી સિંહ અને એનો પતિ લેખક અને પ્રોડ્યુસર હર્ષ લિમ્બાચિયા એક પૉડકાસ્ટ ચલાવે છે જેમાં માધુરી દીક્ષિત ગેસ્ટ તરીકે આવેલાં. ત્યારે તેમણે આ વાત કરી હતી. કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સની મૂવી ‘રૉકી ઔર રાની કી પ્રેમકહાની’માં હર્ષ અને ભારતીનો એક નાનકડો સીન હતો. તેઓ એ સીન કરી રહ્યાં હતાં ત્યારે એક સરસ દેખાતો છોકરો અતિ રિસ્પેક્ટ સાથે પંખો લઈને આવ્યો કે મૅડમ, સર, તમને ગરમી લાગતી હશે. તે પંખો લઈને ઊભો હતો ત્યારે જ કરણ જોહર ભારતી અને હર્ષ પાસે આવ્યા અને કહ્યું, ‘અરે, તમે આ છોકરાને ઓળખ્યો? આ માધુરીનો દીકરો છે.’ ભારતી અને હર્ષ ફફડી ગયાં. ભાઈ, માધુરી દીક્ષિત, ‘ધ લેજન્ડરી ઍક્ટ્રેસ માધુરી દીક્ષિત’નો દીકરો અમારા માટે પંખો લઈને ઊભો છે! આ વિચાર સાથે ભારતી અને હર્ષે તરત ના પાડી કે અમને પંખાની જરૂર જ નથી, તું રહેવા દે. જોકે તે છોકરો પંખો લઈને ત્યાં જ ઊભો રહ્યો. ભારતીએ પૉડકાસ્ટમાં કબૂલ્યું કે આ સેટ પર અમે ગાંડાં જ થઈ ગયાં, કારણ કે અરબાઝ ખાનનો દીકરો અમારા માટે ખુરસી લાવી રહ્યો હતો, માધુરી દીક્ષિતનો દીકરો અમારા માટે પંખો પકડીને ઊભો હતો. ત્યારે અમને એકદમ થયું કે ભાઈ, અહીંથી ભાગો જલદી, આ શું થઈ રહ્યું છે?
ADVERTISEMENT
આટલી મજાની વાતમાં અહીં સમજવા જેવી ઘણી વસ્તુ છે. રેફરન્સ માટે સમજીએ તો શૂટિંગ સમયે એકસાથે એક સેટ પર ઓછામાં ઓછા ૨૦૦-૩૦૦ જણ હોય છે. આ બધા જ લોકો વ્યવસ્થિત કામ કરી શકે એ માટે, તેમના કમ્ફર્ટ માટે પણ સ્ટાફ રાખવામાં આવે છે. તેમને ‘સ્પૉટ’ નામથી બોલાવાય. મોટા ભાગે પુરુષો જ આ કામ કરતા હોય એટલે એને સ્પૉટદાદા કહેવાય. આર્ટિસ્ટની જે પણ જરૂરિયાત હોય એને પૂરી કરવાનું કામ તેઓ કરે છે. જેમ કે જો આર્ટિસ્ટને પાણી પણ જોઈતું હોય તો એ કેટલું ઠંડું, કેટલું ગરમ એ સ્પૉટદાદાને ખબર હોવી જોઈએ. આર્ટિસ્ટને સેટ પર પાણી આપે તો એ પ્રૉપર ટ્રેમાં લાવવામાં આવે અને એ બૉટલનું ઢાંકણું ખોલવાની તસ્દી પણ આર્ટિસ્ટે લેવી ન પડે એ માટે બૉટલનું ઢાંકણું ખોલીને, એક ટિશ્યુ પેપર નીચે રાખીને ખૂબ જ વધારે અદબ જાળવીને તેમને પાણી આપવામાં આવે છે. પાણીના બે ઘૂંટડા વચ્ચે જો અભિનેતાને ટચ-અપ કરવાનો હોય તો એક ઘૂંટડો પીધા પછી તરત એ બૉટલ પકડવા તત્પર સ્પૉટને એ પકડાવીને ટચ-અપ કરવામાં આવે. ત્યાં સુધી સ્પૉટદાદા ત્યાં જ ઊભા રહે. આ સ્પૉટદાદાની ટીમ હોય. ઘણા કલાકારોના પર્સનલ સ્પૉટ હોય જે ફક્ત તેમનું જ ધ્યાન રાખે. ફિલ્મના સેટ પર સૌથી નાની પદવી ગણાતી હોય તો એ સ્પૉટદાદાની પદવી છે. આ પદવીએ આટલા મોટા લોકોનાં, ચાંદીની નહીં, સોનાની ચમચી સાથે જન્મેલાં બાળકો શા માટે કામ કરે?
આવા પ્રશ્નો ઘણાં ઘરોમાં ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને સધ્ધર ઘરોમાં આ તકલીફ વધુ છે. હકીકતે તો કામની શરૂઆત હંમેશાં નીચેથી જ કરવાની હોય છે. ઇન્ટર્ન તરીકે ઑફિસમાં કૉફી બનાવડાવવાનું અને પ્રિન્ટ-આઉટ લાવવાનું કામ લગભગ દરેક વ્યક્તિએ કર્યું જ છે. બેઝિક પાવર-પૉઇન્ટ બનાવી નાખ અને આ કાગળિયાં ફાઇલ કરી નાખ જેવાં કામ સોંપાય ત્યારે ઘણી વાર ઇન્ટર્ન બાળકો ગુસ્સે થતાં હોય છે કે અમે આટલું ભણ્યાં છીએ એટલે તેમના મેઇલ ટાઇપ કરવાનું કામ કરીએ? ઘણાં ઘરોમાં બાળક કરતાં એ ઘરના નોકરની સૅલેરી વધુ હોય છે. લાડકોડથી ઊછરેલાં બાળકો અમુક પૈસા માટે કોઈની ગુલામી કરે એ તેમનાં માતા-પિતાને મંજૂર નથી. ઘણાં ઇમોશનલ થઈને એવું વિચારતાં હોય છે કે મેં તો બધું સહન કર્યું કારણ કે મારા બાપ પાસે પૈસા નહોતા; પણ મારા દીકરાના બાપ પાસે પૈસો છે, તેણે હેરાન થવાની જરૂર શું છે?
જરૂર છે, ખૂબ જરૂર છે. કોઈ પણ કામને શીખવાની શરૂઆત નાના કામથી જ થાય છે. સીધું CEO કે કરોડોના બિઝનેસના માલિક નથી બનાતું. એના માટે પાયો મજબૂત કરવો પડે છે. જ્યારે એકદમ ટોચ સુધી પહોંચવું હોય તો એકદમ નીચેના પગથિયાથી શરૂઆત કરવી અનિવાર્ય છે. માન્યું કે તમારા બાળકને તમે પદાધિકારી બનાવીને ગાદી પર બેસાડવા માગો છો. તમે નથી ઇચ્છતા કે તે કામ કરે, તે તો કામ કરાવડાવશે; પણ એ માટે આટલું સમજવું અનિવાર્ય છે કે કામ કરવું અઘરું છે તો કામ કરાવડાવવું એનાથી પણ અઘરું. જે કામ તમારે લોકો પાસેથી કરાવડાવવું છે એ કામ પહેલાં ખુદ કરીને શીખવું જરૂરી છે. તમને એ કામ આવડતું હશે તો બીજી વ્યક્તિ પાસે બેસ્ટ રીતે એ કરાવી શકવાની લાયકાત પણ આપોઆપ તમારામાં આવી જશે.
કામને આપણે લાયકાત સાથે નહીં, સ્ટેટસ સાથે જોડીએ છીએ એ જ મુખ્ય પ્રૉબ્લેમ છે. ૧૭-૨૦ વર્ષે ગ્રૅજ્યુએશન પતાવીને આવેલા બાળક પાસે પુસ્તકનું જ્ઞાન પૂરતું છે. હવે અત્યંત જરૂરી એવું જીવનનું જ્ઞાન તેને તેની પહેલી ઇન્ટર્નશિપ કે નોકરી આપે છે. કઈ રીતે પ્રેઝન્ટ થવું, શું બોલવું, શું ન જ બોલવું, પોતાની વાત કઈ રીતે રાખવી, લોકો સાથે કઈ રીતે ડીલ કરવું, જે લોકો તમારી સાથે સ્પર્ધામાં છે તેમને મિત્ર બનાવીને કઈ રીતે રાખવા આ બધું જ પહેલી વાર વ્યક્તિ આવી નોકરીમાં શીખે છે. કોઈ ખિજાય તો ચૂપચાપ સાંભળી લેવું પડે. તમારાથી (ઉંમર અને પદવી બન્નેમાં) મોટા લોકો પાસેથી શું શીખવું એ સમજવા મળે. મોટા ભાગે વ્યક્તિના જીવનનું પહેલું અપમાન આ સમયે જ થાય છે અને એક કડવા ઘૂંટની જેમ એને ગળી જતાં તે શીખે છે, નાનાં-નાનાં કામોનું મહત્ત્વ તે શીખે છે, એ કામમાં પર્ફેક્શન કેટલું જરૂરી છે એની સમજ કેળવે છે. સારી કેળવણી અને ઘડતર કહે છે કે બાળકને ફક્ત વિરાસતનો પૈસો અને એજ્યુકેશનના નામે મોટી-મોટી ડિગ્રીઓ અપાવડાવવાથી પતી નથી જતું. એ ચળકતું હોય તો પણ એક ધાતુનું પતરું છે. એને થોડુંક ટીપવું જરૂરી છે. તો જ એ પતરામાંથી એ એક સુંદર પાત્ર બની શકે.
