Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > તમે મનને કેવી રીતે રાખો છો એના પર બધું નિર્ભર છે

તમે મનને કેવી રીતે રાખો છો એના પર બધું નિર્ભર છે

Published : 27 August, 2026 04:33 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જીવનમાં મોટી મુશ્કેલીઓ અને પ્રતિકૂળતાઓ વચ્ચે પણ મનની પ્રસન્નતા જાળવી રાખવી શક્ય છે. નાની-મોટી નિષ્ફળતાઓ સામે મનને સ્થિર, મજબૂત અને શાંત રાખીને જીવનના પડકારોનો સામનો કરવાનો આ સુંદર સંદેશ આપે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


‘દાદા, એક વાત મને હજી સુધી સમજાઈ નથી કે મનને તોડી નાખે કે ખળભળાવી નાખે એવા પાંચેક પ્રસંગો આપના જીવનમાં આવી ગયેલા મેં પોતે જોયા છે. પાંચ વર્ષ પહેલાં આપને ગળામાં થઈ ગયેલી ગાંઠ પર ડૉક્ટરે કૅન્સરની સંભાવના વ્યક્ત કરેલી, ૩ વર્ષ પહેલાં ધંધામાં બે કરોડનું નુકસાન થયું છે, એક વર્ષ પહેલાં દાદીએ અકસ્માતમાં એક પગ ગુમાવ્યો છે, ૬ મહિના પહેલાં પપ્પાએ મમ્મીને પિયર મોકલી આપ્યાં છે અને હું પોતે છેલ્લાં ત્રણ-ત્રણ વર્ષથી સ્કૂલમાં નાપાસ થઈ રહ્યો છું અને એ પછી પણ આપના મનની પ્રસન્નતાને આપે ખંડિત થવા દીધી નથી.’ 
ટીનેજ એવા પૌત્રએ દાદાને પૂછ્યું, ‘જાણવું તો મારે એ છે કે સાવ નાનકડી નિષ્ફળતામાં અને મામૂલી નુકસાનમાં હું ખળભળી ઊઠું છું અને આવેશમાં આવી જાઉં છું અને આખું વૃક્ષ હલી જાય છે અને આપ હલતા નથી. એ વૃક્ષનું એક પાંદડું ખરી જાય છે અને હું તૂટી જાઉં છું આનું કારણ શું છે?’


દાદાના ચહેરા પર સ્મિત આવ્યું. તેમણે પૌત્રને પૂછ્યું...

‘તારા ખિસ્સામાં પરચૂરણ છે?’ 
પૌત્રએ જવાબમાં હા પાડી કે તરત દાદાએ કહ્યું...

‘કાઢ એને ખિસ્સામાંથી અને નાખ એને આ રૂમની ટાઇલ્સ પર.’ 
પૌત્રએ ખિસ્સામાંથી પરચૂરણ કાઢ્યું અને દાદાના કહેવા મુજબ એ જમીન પર ફેંક્યું. 
ખડિંગ કરતો અવાજ આવ્યો.
હવે દાદા ઊભા થયા અને તેમણે પોતાના ખિસ્સામાં રહેલી પાંચસોની નોટ કાઢીને ટાઇલ્સ પર ફેંકી. પછી તેમણે પૌત્ર સામે જોયું.
‘દીકરા, કંઈ સમજાયું ?’ 
ભોળાભાવે પૌત્રએ ના પાડી અને કહ્યું, ‘ના, કંઈ સમજાયું નહીં’ 
‘જો સમજાવું...’ દાદાએ પૌત્રને બાજુમાં બેસાડ્યો, ‘તેં પરચૂરણ નાખ્યું અને અવાજ થયો, મેં પાંચસોની નોટ નાખી અને અવાજ ન થયો. તેં તારા મનને પરચૂરણ જેવું તુચ્છ રાખ્યું છે એટલે નાનકડી પણ પ્રતિકૂળતામાં તું ખળભળી ઊઠે છે અને આવેશમાં આવી જાય છે, જ્યારે મેં મારા મનને પાંચસોની નોટ જેવું કીમતી રાખ્યું છે એટલે મોટી પ્રતિકૂળતાઓમાં પણ મારા મનની પ્રસન્નતા અકબંધ રાખી શકું છું.’
દાદાનો જવાબ સાંભળીને પૌત્ર સ્તબ્ધ થઈ ગયો. 
પ્રશ્ન એ છે કે તમે તમારા મનને, તમારા વિચારોને પરચૂરણ જેવું રાખ્યાં છે કે પછી એને પાંચસોની નોટ જેવાં મૂલ્યવાન અને છતાં પણ ઘોંઘાટ ન કરનારું રાખ્યાં છે?
Whatsapp-channel Whatsapp-channel

27 August, 2026 04:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK